સેક્સ પાસે પ્રેમનું અને પ્રેમ પાસે સેક્સનું કામ ન લેવું જોઈએ

સેક્સ એક ટ્રિકી સબ્જેક્ટ છે. તમે ધારો તો પ્રચ્છન્નપણે આ વિષય દ્વારા વાચકોને ગલગલિયાં કરાવી શકો અને ધારો તો નિર્ભેળ વૈજ્ઞાનિક શાસ્ત્રીય હકીકતો જણાવી એમના અંગત જીવનને ઉપયોગી પણ થઈ શકો. સેક્સ શબ્દ હવે નાકનું ટોચકું ચડાવવું પડે એટલો, છોછવાળો, નથી રહ્યો. હું વારંવાર કહેતો રહ્યો છું કે સેક્સના વિષયની ચર્ચા જો ઠાવકાઈથી અને પૂરેપૂરી સિન્સિયેરિટી સાથે થતી હોય તો એ ખાનગીમાં થાય કે જાહેરમાં કશો ફરક પડતો નથી. કેટલાક વિકૃત મનોદશા ધરાવતા લોકો આ વિષયને વારંવાર એટલા માટે વાગોળતા હોય છે કે એમની જિંદગી આ બાબતે ઘણી બધી અતૃપ્તિઓ રહી ગઈ હોય છે.

આ હતાશા વિકૃત બનીને એમના વિચારોમાં પ્રવેશી જતી હોય છે. અર્થશાસ્ત્રથી લઈને ખેતી સુધીના કોઈ પણ વિષયની વાત માંડીને

જ્યારે તમે સેક્સની વાતો તમારી ચર્ચામાં ઘૂસાડી દો છો ત્યારે

બીજાઓ તમારી હલકી મનોવૃત્તિને તરત પામી જતા હોય છે. સેક્સ એક અત્યંત ગંભીર વિષય છે. મજાકનો કે મવાલીગીરીનો વિષય નથી.

ધાર્મિક માણસો મોટેભાગે સેક્સ શબ્દ તરફ સુગાળવી નજરે જોતા હોય છે. કેટલીક વખત તેઓ અજાણતાં જ લોકોને ગેરમાર્ગે દોરતા હોય છે. ધર્મપુરુષોના પુસ્તકોમાં શું શું લખાતું હોય છે?

૧. આધુનિક તબીબી વિજ્ઞાને વીર્યમાં સોનાનું તત્ત્વ હોવાનું જાણ્યું છે.

૨. એક મણ ખોરાક લેવાય ત્યારે તેમાંથી એક શેર (૪૦ તોલા) લોહી બને છે અને તેમાંથી એક તોલો વીર્ય બને છે.

૩. સ્વપ્નદોષ વગેરેથી થતી વીર્યક્ષીણતાને ડૉકટરોનું જગત કુદરતી બાબત કહે છે જે સાંભળીને દરદીને ખૂબ આશ્ર્વાસન મળે છે અને એ વિચારો આ રોગનો ઉપાય કરવાની માંડવાળ કરે છે એટલે જ હું

કહું છું (હું એટલે પેલા ધર્મપુરુષ) કે આવી સલાહ આપનારા

ડૉકટરો કે શિક્ષકો વગેરેનો બુદ્ધિજીવી વર્ગ યુવાપેઢીનું ઘણું મોટું અહિત કરે છે.

૪. આજના શિક્ષણમાં જાતીય શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે જેને કારણે કુમળી વયનાં બાળકોમાં, અપરિપકવ દશામાં કામવાસનામાં કુતૂહલો પેદા થશે અને અકાળે જ તેઓ અઘટિત કુચેષ્ટાઓનો ભોગ બની જશે.

આ અને આવી અનેક અવૈજ્ઞાનિક માહિતીથી ઠાંસેલા ધર્મપુસ્તકોની હજારો નકલો વેચાઈ/વહેંચાઈ છે. એના પ્રચાર તથા પ્રસાર પર પ્રતિબંધ મૂકવો જોઈએ જેથી જાતીયતા અંગેની બિનપાયાદાર, બિનવૈજ્ઞાનિક અને અસત્ય વાતોનો વધુ પ્રચાર થતો અટકે. ઉપર ટાંકવામાં આવેલા ચાર મુદ્દા આવા પુસ્તકોમાંથી જ ક્વૉટ કર્યા છે. આ વિષય પર જેમની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ છે એ ડૉ. પ્રકાશ કોઠારી જો આ ચારમાંના એક પણ મુદ્દાને વૈજ્ઞાનિક સત્ય તરીકે સ્વીકારે તો આ લખનારે આવા તમામ ધર્મગુરુઓની જાહેર માફી માગીને જિંદગી આખી કલમ ચલાવવાનું માંડી વાળવું.

પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતી દરેકે દરેક વ્યક્તિ પાસે સેક્સ અંગેનો એનો એક અંગત ખ્યાલ હોવાનો. આ ખ્યાલ સાથે સામાજિકતા જોડાયેલી હોય છે, માનસિકતા જોડાયેલી હોય છે, ભાવુકતા જોડાયેલી હોય છે અને હા, શારીરિકતા જોડાયેલી હોય છે. આ ચારેય પરિમાણોની વત્તીઓછી અગત્યતા દરેક વ્યક્તિ પર આધાર રાખે છે. આ ચારેયની સંવાદિતા ખોરવાય છે ત્યારે માણસ પર્વર્ટ બને છે, એના દિમાગમાં તથા વર્તનમાં જાતીય વિકૃતિઓ પ્રવેશે છે.

સેક્સ પાસે પ્રેમનું અને પ્રેમ પાસે સેક્સનું કામ ન લેવું જોઈએ. હકીકતની જિંદગીમાં આ બેઉની ભેળસેળ થઈ જતી હોય છે. ઈરાદાઓની અસ્પષ્ટતા સંબંધના તાણાવાણા ગૂંચવી નાખે છે. પ્રેમની જેમ નકરી સેક્સમાં પણ માસૂમિયત, શુદ્ધિ અને પ્રામાણિકતા હોઈ શકે છે. અને નીતર્યા ગણાતા પ્રેમમાં વિકૃતિ, બદઈરાદાઓ અને જડતા હોઈ શકે છે.

૧૯૩૭માં પ્રગટ થયેલા પુસ્તક ‘સ્ત્રીપુરુષ મર્યાદા’માં કિશોરલાલ ઘ. મશરૂવાળા લખે છે: ‘પચીસ વર્ષની ઉંમર થતાં પહેલાં જે કામવિકારના વેગ ઊઠે, વિજાતીય વ્યક્તિના સહવાસ માટે રુચિ રહે કે જીવનનો સાથી પ્રાપ્ત કરવાની ઝંખના થાય, તેને વંશવૃદ્ધિની પ્રેરણા ન સમજવી, પણ ઈતર વાસનાઓનો ખળભળાટ જ સમજવો.

પચીસ વર્ષ સુધી એ ખળભળાટને મહત્ત્વ ન આપવાનો પ્રયત્ન કરવો જોઈએ એટલે કે કામવિકારના વેગને મનમાં જ દાબવાનો અભ્યાસ કરવો જોઈએ. વિજાતીય વ્યક્તિનો સહવાસ મર્યાદામાં, નિર્દોષભાવે અને સામાજિક અને કૌટુંબિક જીવનમાં જેટલો અનાયાસ મળી જાય તેટલો જ યોગ્ય સમજવો જોઈએ… વીસ વર્ષની ઉંમર પછી જો જીવનનો સાથી પ્રાપ્ત કરવાની ઝંખના વધતી જાય તો ત્યાર પછીનાં પાંચથી દશ વર્ષ સુધીમાં સંયમપૂર્વક એ સાથીની શોધ કરાય અથવા કરાવાય.’

કિશોરલાલ મશરૂવાળા એક મોટા ગજાના ચિંતક અને પ્રખર ગાંધીવાદી હતા. ૧૯૩૭માં પુસ્તકરૂપે પ્રગટ થયેલા એમના આ વિચારોના લગભગ પાંચ દાયકા બાદ, ૧૯૮૮માં એક પુસ્તક પ્રગટ થાય છે ‘મનનાં મેઘધનુષ’ જેના લેખક છે ગુણવંત શાહ. પુસ્તકમાં તેઓ લખે છે: ‘પ્રકૃતિની યોજનામાં પતંગિયું એક કરતાં વધારે ફૂલ પર બેસે અથવા તો એક ફૂલ પર વારાફરતી અનેક પતંગિયાં બેસે એ બાબતને ફૂલના કે પતંગિયાના ચારિત્ર્ય સાથે જોડવામાં આવે એવું ન હોઈ શકે. તુંદરસ્ત સમાજે ‘ચારિત્ર્ય’ને પ્રામાણિકતા અને સચ્ચાઈ સાથે જોડવું જોઈએ, સેક્સ સાથે નહીં… માણસમાં રહેલી યુગલભાવના દ્વારા એક પતિ અને એક પત્ની વચ્ચે લગ્નજીવન જળવાઈ રહે એ ઉત્તમ ખરું પણ એમાં ક્યાંક આડુંઅવળું થાય ત્યારે આભ તૂટી પડ્યું હોય એવો ગોકીરો કરવાની જરૂર નથી. પતિપત્ની વચ્ચેની ‘વફાદારી’ની બાબતમાં બંનેએ એકબીજા સાથે નિખાલસતાથી ચર્ચા કરી લેવી જોઈએ, સમાજે આ બાબતમાં વચ્ચે પડવું જોઈએ નહીં.’

કિશોરલાલ ઘ. મશરૂવાળાથી શરૂ કરીને ગુણવંત શાહ સુધીના ચિંતકોના બે અંતિમ વિચારો આપણી સમક્ષ છે. ક્યા વિચારમાંથી શું, કેટલું, ક્યારે અને કેવી રીતે જીવનમાં મૂકવું એ તમારી મરજીની વાત છે.

સેક્સ એટલે કોઈ બાયોલોજિકલ ક્રિયા નહીં, એ તો એના ઘણા બધાં પાસાંમાંનો એક ભાગ છે. સેક્સ એટલે વ્યક્તિને એના જન્મ સાથે જ પ્રાપ્ત થતું, એના પોતાના અસ્તિત્વથી અભિન્ન એવું, એની પોતાની આસપાસ રચાયેલું એક પારદર્શક આવરણ.

આ વાતાવરણને સભાનતાપૂર્વક સમજવા જતાં એની પારદર્શકતા આપણા પોતાના જ મનમાં ઓછી થઈ જાય. સાહજિકતાથી સ્વીકારતાં એની અભિવ્યક્તિમાં, આપણા પોતાના જ મનમાં, ખુલ્લાશ આવી જાય.

2 comments for “સેક્સ પાસે પ્રેમનું અને પ્રેમ પાસે સેક્સનું કામ ન લેવું જોઈએ

  1. Bharatkumar Zala
    November 11, 2014 at 6:11 PM

    Nice piece.

  2. અરવિંદ
    November 13, 2014 at 2:28 PM

    સરસ વિચાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *