ફોર ડોર ફ્રિજ અને સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ વિનાની જિંદગી


જાહેરખબરોની
ભરમારના આ જમાનામાં જીવવું દુષ્કર છે. એક તરફ એક એકથી ચઢિયાતી જાહેરખબરો ટીવી પર જુઓ અને બીજી તરફ જીવ બળે કે આમાંની કોઈ ચીજ તમારા માસિક અંદાજપત્રમાં ફિટ બેસે એમ નથી. જાહેરખબરો જોઈને ક્યારેક એવી ચીજો ખરીદવાનું મન થઈ જાય જેના વિના તમારું જીવન અત્યાર સુધી લહેરથી ચાલતું હતું.

છાપાઓમાં જાહેરખબરો છપાતી ન હોત તો અખબારની એક નકલ ઓછામાં ઓછા પચાસ રૂપિયામાં વેચવી પડતી હોત ને તોય કદાચ અખબારો ખોટમાં ચાલતાં હોત. સરકારી ટીવી સિવાયની તમામ ખાનગી સેટેલાઈટ ચૅનલો જાહેરખબરની આવકો વિના ખોટ ખાઈને બંધ થઈ જતી હોત. ઈન્ફર્મેશનના વિસ્ફોટને લોકો સુધી પહોંચાડવામાં જાહેરખબરોની આવકનો ઉપયોગ ન થતો હોત કે ન થઈ શકતો હોત તો વિશ્ર્વમાં સર્જાયેલા માહિતીના ખડકલાઓ હતા ત્યાંના ત્યાં જ રહ્યા હોત. જાહેરખબરો દ્વારા ગ્રાહક સુધી પહોંચતા ઉત્પાદનો કે સેવાઓ વિશેની માહિતીને કારણે સ્પર્ધાત્મક બજાર ઊભું થાય છે ને છેવટે ગ્રાહકને વધુ વિકલ્પો તથા વધુ સારી ગુણવત્તાવાળી ચીજ કે સેવા મળી શકે છે એ વાત દલીલની એક બાજુ થઈ. બીજી બાજુ એ કે કોઈ પણ ઉત્પાદન પાછળ થતો જાહેરખબરનો ખર્ચ અંતે તો વપરાશકારના માથે જ મારવામાં આવતો હોય છે. બે રૂપિયાની ચીજની જાહેરખબર માટે બાર રૂપિયાનો ખર્ચ કરતી કંપની ગ્રાહક પાસેથી એ ચીજના અઠ્યાવીસ રૂપિયા વસૂલ કરતી હોય છે. સામે પક્ષે થતી દલીલો કહે છે કે જાહેરખબરોને કારણે માસ પ્રોડક્શનમાં થતી પડતર કિંમતની કટૌતીનો છેવટે તો ગ્રાહકોને જ લાભ મળે છે. દલીલો ચાલતી રહેવાની.

પણ સો વાતની એક વાત એ કે કમર્શ્યલ્સ કે જાહેરખબરો વપરાશકારોના લાભાર્થે નહીં, ઉત્પાદકોના હિત માટે જ થતી હોય છે. સોશ્યલ સર્વિસને લગતી જાહેરખબરો (નેત્રદાન, ધૂમ્રપાનવિરોધી ઈત્યાદિ)ની વાત પણ જુદી નથી, એ જાહેરખબરો તોતિંગ તૂત ચલાવતી એનજીઓ દ્વારા થતી હોય છે.

નૂડલ્સ, સ્માર્ટ ફોન્સ, વૅક્યુમ ક્લીનર, સ્પોર્ટ્સ શૂઝ, બાથરૂમ માટેનાં સોનેરી રંગનાં સૅનેટરી ફિટિંગ્સ – આ અને આવી અનેક ન્યુ, અલ્ટ્રા કે સુપર વિશેષણોવાળી ચીજવસ્તુઓ વિના બાપા, દાદા અને પરદાદાઓએ સુખેથી જીવન વિતાવ્યું હતું અને આપણે પણ વીતાવી શકીએ છીએ.

અહીં કોઈ ગેરસમજ ન કરે કે વિજ્ઞાન, ટેક્નોલોજી કે નવા વિચારોનો વિરોધ છે. બિલકુલ નહીં. કમ્પ્યુટર્સથી માંડીને સેલફોન સુધીની અગણિત ચીજો વિના આજે દુનિયાની જેટલી પ્રગતિ થઈ છે તે થઈ શકી ન હોત. રોષ જુદો છે. વિજ્ઞાનના પ્રગતિશીલ પ્રવાહની સાથે ખેંચાઈને આવતાં રોડાં જેવાં કેટલાંક ઉત્પાદનો સામે અને એ ઉત્પાદનો જીવન માટે અનિવાર્ય છે એવુ કહ્યા કરતી જાહેરખબરો સામે રોષ છે. વધુ રોષ તો આપણી પોતાની માનસિકતા માટે છે. જાહેરખબરોની વાદે ચડીને આપણે એને ખરીદવા તૂટી પડીએ છીએ. જે શૅમ્પુની જરૂર નથી, જે ચૉકલેટ્સની અનિવાર્યતા નથી, પાંચ હજારના ફોનને છોડીને પચ્ચીસ હજારમાં મળતા સેલફોનની પાછળ મન ભાગે છે તે માટે આંખો મીંચીને દોડીએ છીએ. ક્ધઝ્યુમરિઝમના આ વાવાઝોડામાં સૌથી કફોડી હાલત પહેલી અને ત્રીસમી તારીખના બે છેડા માંડ ભેગા કરી શકતા મધ્યમવર્ગીયને થાય છે. આ બધી ચીજો એ પોતાના કુટુંબને અપાવી શકતો નથી એટલે એનામાં ગિલ્ટ ફીલિંગ ઊભી થાય છે. પછી એ હપતે હપતે ખરીદીને વસાવે છે. એક તબક્કે અલગ અલગ ચીજો અને નવા ખરીદેલા ફલેટના હપ્તાઓનો સરવાળો એની માસિક આવક કરતાં આગળ નીકળી જાય છે. ફોર ડોર ફ્રિજ અને સરાઉન્ડ સાઉન્ડની ઑડિયો સિસ્ટમનાં સપનાં એને બે ટંકની દાલરોટી માટે મોહતાજ કરી મૂકે છે.

જાહેરખબરોમાંનો આક્રમક એપ્રોચ, એની લલચામણી ભાષા, એમાં દેખાડાતું ઈમોશનલ બ્લેકમેઈલિંગ અને એને જોવાથી મનમાં ઊભી થતી અસલામતીઓ – આ બધું તમને ગમે કે ન ગમે, આ દુનિયામાં રહેવું હશે તો જાહેરખબરોને સહન કર્યા વિના છૂટકો નથી. એફએમ, ટીવી અને છાપાં – મૅગેઝિનો કે વેબ પર સંભળાતાં, વાંચવામાં આવતાં કે જોવામાં આવતાં ઍડવર્ટાઈઝમેન્ટ્સનાં ચબરાકિયાં સૂત્રો પ્રજાની નસનસમાં ભળી જાય છે. થમ્સ અપની પાંત્રીસ વર્ષ પહેલાંની ઍડમાં હૅપી ડેઝ આર હિયર અગેન સાંભળીને ખરેખર એ જૂના, આનંદી અને કોકા કોલામય દિવસો પાછા આવ્યા હોય એવું લાગતું (એ દિવસોમાં મોરારજીભાઈની સરકારે કોકા કોલાને ભારતમાંથી તગેડી મૂકી હતી). એ પછી ફૂડ, ફ્રેન્ડઝ ઍન્ડ થમ્સ અપનું સૂત્ર આવ્યું. પછી થમ્સ અપ મેક્સ ઈટ ગ્રેટ આવ્યું. એ પછી ટેસ્ટ ધ થન્ડર અર્થાત્ તૂફાની થંડાનો જમાનો આવ્યો. સમયનું એક આખું વર્તુળ પૂરું થયું અને થમ્સ અપની કંપનીને કોકા કોલાએ ટેક ઓવર કરી લીધી. પછી થમ્સ અપ પીનારાઓ પણ માનવા માંડ્યા કે થંડા મતલબ કોકા કોલા.

જાહેરખબરોની દુનિયામાં જીવવાનો એક જ રસ્તો જડે છે. વરલીના એટ્રિયા મૉલ પાસેથી પસાર થતાં શો વિન્ડોની પાછળ દેખાતી સાડા ચાર કરોડની રોલ્સ રૉયસને તમે નિર્લેપ બનીને જોઈ શકો છો કારણ કે તમને ખબર છે કે તમારે એ જોઈતી નથી, તમને સપનામાંય એને ખરીદવાનો વિચાર નથી આવવાનો. બસ, એ જ નિર્લેપભાવે ટીવીના કમર્શ્યલ બ્રેકને જોયા કરવો. દસ રૂપિયાનું ટુ મિનિટ નૂડલિયું હોય કે પછી આઈફોન – સિક્સ પ્લસ. તમારી જિંદગી જેમ રોલ્સ રોયસ ખરીદ્યા વિના સુખી છે એમ આ તમામ ચીજો ખરીદ્યા વિના પણ સુખી જ છે.

આજનો વિચાર

ક્યારેય કોઈની સાથે એન્જોયમેન્ટ માટે કે ટાઈમપાસ માટે પ્રેમ ના કરો. કારણ કે ટેમ્પરરી જોડેલો ઈલેક્ટ્રિક વાયર ક્યારેક જોરદાર મોટો ઝટકો આપી શકે છે.

– ફેસબુક પર ફરતું

એક મિનિટ!

બકાની તપસ્યાથી ભગવાન પ્રસન્ન થયા:

‘બોલ બકા બોલ, તને શું વરદાન જોઈએ?’

બકો: ‘વરદાનની વાત પછી, પ્રભુ. પહેલાં એ કહો કે અગાઉ તો તપસ્યાનો ભંગ કરવા અપ્સરાઓ આવતી. એ કેમ નથી આવી?’

3 comments for “ફોર ડોર ફ્રિજ અને સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ વિનાની જિંદગી

 1. RAJANIKANT V GAJJAR
  November 12, 2014 at 7:45 AM

  To put in practice what you advise,one needs lot of discipline,clear concepts about life & happiness ,full firmness to follow principles which benefit one & not the advertising world.We do lack in one of these fields & so we end up being slaves of them, rather than being masters.basically we are masters for these advertising world,but we fail to behave like master.

 2. અરવિંદ
  November 13, 2014 at 2:23 PM

  જે રીતે રોલ્સ રોયને નિર્લેપ ભાવથી જોવામાં અવે છે તે જ રીતે અન્ય ચીજોની જાહેરાતો જોઈ માણ્યા કરો, જરૂરિયાત વગર એક પણ ચીજ ના ખરીદો.

 3. vishal vyas
  February 20, 2016 at 12:37 PM

  totally right…..i know my comment are very late but today in 2016 this issue are more and more grow up ……advertisement field are more and more shining….and we all are watched this advertisement and we impress and surrender for this stupid advt.we all are educated but we not use our mine, not judge any product.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *