તમારી પાસે કઈ કાર છે, તમારું ઘર ક્યાં છે


એક
રાષ્ટ્રવ્યાપી સર્વેક્ષણમાં ભારતના ટોચના સ્ટેટસ સિમ્બોલ્સ ક્યા છે એની તપાસ કરવામાં આવી. તપાસમાં માલૂમ પડ્યું કે તમારું ઘર શહેરના ક્યા લત્તામાં છે એના પરથી તમારું સ્ટેટસ નક્કી થાય છે. (જાણે અત્યાર સુધી તમને ખબર જ નહોતી). અગાઉ પણ આવો સર્વે થયો હતો. ત્યારના અને અત્યારના સ્ટેટસ સિમ્બોલમાં થોડાઘણા ફેરફાર છે. તે વખતે કારનો નંબર પહેલો હતો. આ વખતે ગાડી બીજા નંબરે છે, ઘર ક્યા લત્તામાં છે એની ગણતરી પહેલા નંબરે છે. ત્રીજા નંબરે શૈક્ષણિક પદવી, ચોથા નંબરે ફાર્મ હાઉસ, પાંચમા નંબરે સેલફોન, છઠ્ઠાથી દસમા ક્રમે ક્લબની મેમ્બરશિપ, રજાઓમાં વિદેશ પ્રવાસ, કઈ નોકરી કે ધંધો કરો છો તે, બાળકો કઈ સ્કૂલ કે કઈ કૉલેજમાં ભણે છે તથા ક્રેડિટ કાર્ડ્સનો વારો આવે.

ઘરમાં એસી, એલસીડી ટીવી, ઑડિયો સિસ્ટમ, રેફ્રિજરેટર, વૉશિંગ મશીન કે સીડી-ડીવીડી પ્લેયર્સ હોવાં એ સ્ટેટસ સિમ્બોલ નથી. તમારા જ ઘરની કામવાળી જે કાચાં ઘરોની બસ્તીમાં રહેતી હશે એને ત્યાં આ બધું જ કદાચ હશે. ઝૂંપડપટ્ટીના નામે ઓળખાતા નિમ્ન મધ્યમ વર્ગનાં ઘરોમાં પણ આ બધું તમને જોવા મળશે, એસી પણ. સ્ટેટસ સિમ્બોલનો દરજ્જો એવી ચીજોને મળે છે જે દુર્લભ હોય. ગામ આખાની પાસે જે હોય તે તમારી પાસે પણ હોય એમાં શું નવાઈ? દુર્લભ ચીજ કોને કહેવી? નરસિંહ મહેતાની ભક્તિથી પ્રસન્ન થઈ ગયા પછી મહાદેવે એમને વરદાન માગવાનું કહ્યું. મહેતાજીએ ચૉઈસ ભગવાનને જ આપ્યો અને કહ્યું: તમને જે વલ્લભ અને હોય જે દુર્લભ આપો રે પ્રભુજી, દયા રે આણી. મહાદેવ માટે પણ દુર્લભ હોય એવી એમની પ્રિય ચીજ કઈ? રાસલીલા, કૃષ્ણની રાસલીલા. કારણ કે મહાદેવ તો રાસલીલા રમી શકે નહીં. મહાદેવના વરદાનથી નરસિંહ મહેતા કૃષ્ણની રાસલીલા જોવા પામ્યા અને રાધા તથા ગોપીઓને અજાણી વ્યક્તિ જોઈ નવાઈ ન લાગે એ માટે કૃષ્ણે નરસિંહને પોતાના મશાલચી બનાવ્યા. રાસલીલા જોવામાં તલ્લીન થઈ ગયેલા નરસિંહને ખ્યાલ પણ ન રહ્યો કે મશાલમાં તેલ ખૂટી ગયું છે ને પોતાનો હાથ હવે બળી રહ્યો છે. મશાલની પીળી જ્યોતને બદલે ધોળી જ્યોત જોતાં રાધાજીને ખ્યાલ આવ્યો કે શું થઈ રહ્યું છે ને એમને રિયલાઈઝ થયું કે આ મશાલથી તો કૃષ્ણનો મોટો ભક્ત છે, પોતાના કરતાં પણ મોટો ભક્ત છે. આખી એક કથા છે. જેના પરથી કવિ મનોજ ખંડેરિયાએ ઉત્તમ વાત લખી છે:

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને

આ હાથ આખેઆખો બળે એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વરસોથી હોય ત્યાં-

મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય

ને એ જ હોય પગની તળે એમ પણ બને.

નરસિંહ મહેતા માટે કે મહાદેવ માટે જે વાત સ્ટેટસ સિમ્બોલ હોય તે આપણા જેવા માટે ક્યાંથી હોય? એક જમાનો હતો જ્યારે હિંદી ફિલ્મોમાં બે સગા ભાઈઓ ઝઘડા કરતા ત્યારે મોટોભાઈ નાનાને સંભળાવતો કે પોતાની પાસે સ્ટેટસ સિમ્બોલ કહેવાય એવી કઈ કઈ જણસો છે. આખી યાદી સાંભળી લીધા પછી નાનો ભાઈ મેરે પાસ માં હૈ કહીને મોટાએ ગણાવેલી યાદી પર પાણી ફેરવી દેતો. પણ આ સર્વેક્ષણમાં સ્ટેટસ સિમ્બોલની યાદીમાં ક્યાંય મા નથી, બાપ નથી, દીકરો નથી, જીવનસાથી નથી. સામાજિક મોભાને જ સર્વસ્વ માનનારા લોકોને આવાં સર્વેક્ષણોનાં તારણો સામે કોઈ વાંધો હોતો નથી.

જિંદગી આખી વપરાઈ જાય છે આ સ્ટેટસ સિમ્બોલ્સ ભેગાં કરવામાં. સેલફોન તમારો પચાસ હજારનો હોય કે પાંચ હજારનો. તમે કોની સાથે

શું વાત કરો છો એનું મહત્ત્વ છે. કાર તમારી પાંચ લાખની હોય કે પચ્ચીસ લાખની, તમે ક્યાં જાઓ છો, શું કામ જાઓ છો એનું મહત્ત્વ છે. ઘર તમારું પૉશ એરિયામાં હોય કે સાદા લત્તામાં, ઘરમાં માંડેલો સંસાર કેવો છે એનું મહત્ત્વ છે. શર્ટ પાંચ હજારનું પહેર્યું હોય કે પાંચસોવાળું, શર્ટ પહેરનારનું આંતરિક વ્યક્તિત્વ કેવું છે એનું મહત્ત્વ છે.

જરા કલ્પના કરો. આજે નહીં ને આવતી કાલે મારા શ્ર્વાસ ખૂટી જવાના. મરણપથારીએ હોઈશ ત્યારે મને શું શુ યાદ આવશે? મેં કઈ કઈ ફાઈવ સ્ટાર્સમાં ભોજન કર્યું હતું, કેવા કેવા દારૂ પીધા હતા, કેવાં કપડાં પહેર્યાં, કેવું ફર્નિચર ખરીદ્યું, ક્યા દેશમાં શું શૉપિંગ કર્યું અને કઈ કઈ ગાડીઓ ફેરવી તે? કે પછી હું કોની સાથે કેવી રીતે વર્ત્યો, મેં જિંદગીમાં શું શું કામ કર્યાં, વિપરીત સંજોગોમાં પણ મેં કેવી રીતે મારી પ્રસન્નતા અકબંધ રાખી અને મર્યા પછી લોકો-સ્વજનો મારી કઈ કઈ વાતો યાદ રાખવાના છે તે?

બીજાની આંખોમાં તમે ઊંચા, સારા દેખાઓ એ માટે તમને જેની જરૂર પડે છે એ ખરીદવા માટે જિંદગી ખર્ચી નાખવાનું પોસાય તમને? એના કરતાં તમારી જાત આગળ તમે જેવા છો એવા દેખાઓ એ વધારે સારો અને સસ્તો અને સહેલો સોદો છે. સ્ટેટસ સિમ્બોલ્સ પાછળની દોટ જ જિંદગીને રૅટ રેસ બનાવે છે. એક વખત, સહેજ નફ્ફટ બનીને, તમે તમારા જૂના ફોન, જૂની ખખડધજ કાર અને રફુ કરેલા શર્ટને ચાહતા થઈ જાઓ છો પછી તમારે સામાજિક મોભા માટે કમાણી કરતાં રહેવાની જરૂર પડતી નથી. અને જ્યારે તમે બીજાઓ માટે કમાવાનું છોડી દો છો ત્યારે તમે તમારું ધાર્યું કામ કરી શકો છો. મરણપથારીએ મારે જિંદગી સારી રીતે, મારી રીતે, જીવ્યાનો સંતોષ જોઈતો હશે તો મારે આજથી જ નક્કી કરવું પડશે કે મારું ધાર્યું કામ હું કરી શકું એ માટે મારે બીજું શું શું કરવું, બીજું શું શું ન કરવું.

આજનો વિચાર

જેનામાં પોતાની જાત માટે ભરપૂર શ્રદ્ધા હોય એના મનમાં ઈર્ષ્યા માટે જગ્યા બચતી નથી. જ્યારે તમને જાણ હોય કે તમે ખરેખર કોણ છો પછી બીજાના માટેનો ધિક્કાર ક્યાંથી જન્મે?

-વૉટ્સઍપ પર ફરતું


એક મિનિટ!

૧૯૭૦: પતિ: એક કપ કૉફી…

પત્ની: હમણાં લાવી.

૧૯૮૦: પતિ: એક કપ કૉફી…

પત્ની: લાવું છું.

૧૯૯૦: પતિ: એક કપ કૉફી…

પત્ની: કહું ને, લાવું છું.

૨૦૦૦: પતિ: એક કપ કૉફી…

પત્ની: બનાવીને પી લો.

૨૦૧૪: પતિ: એક કપ કૉફી…

પત્ની: શું કહ્યું?

પતિ: મેં કહ્યું, એક કપ કૉફી બનાવી લાવું તારા માટે?

3 comments for “તમારી પાસે કઈ કાર છે, તમારું ઘર ક્યાં છે

 1. મનસુખલાલ ગાંધી
  November 10, 2014 at 7:18 AM

  હોસ્પિટલમાં હાર્ટના કે એવા કોઈ બહુ મોટા ઓપેરશન માટેના ટેબલ પર સુતા હોય, ડોક્ટર એનેસ્થેસિયા આપવાની તૈયારી કરતાં હોય, એવે વખતે જો તમને યાદ આવે કે, “અરે મને હંમેશા માન આપતી આ વ્યક્તિને ક્યારેય મારી ગણી નથી, ફલાણી વ્યક્તિનું કે મારા અંગત સગાનું મેં કારણ વગર અપમાન કર્યુ છે, મારા સ્વાર્થ માટે કોઈનું બહુ નુકસાન કર્યું છે,જે એક બહુ મોટી ભુલ હતી કે આવો કોઈ પણ જાતનો અફસોસ થાય, અને એ વખતે વિચાર આવે કે આ ઓપરેશનમાંથી બચીશ તો હું જરૂર આ લોકોની માફી માંગી લઈશ”, આવે વખતે જીવનની સચ્ચાઈ સામે આવી જાય છે….

  બહુ સુંદર લેખ છે…..

 2. Bina Rajesh
  November 10, 2014 at 10:02 AM

  Khub gamyu satya aaj Che

 3. October 7, 2016 at 4:54 AM

  સાચું સ્ટેટસ સિમ્બોલ કોને કહેવાય, તેની સરસ રજૂઆત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *