સચિન તેન્ડુલકર અને બાળપણના વાનરવેડા

sachin autobiography coverસચિન તેન્ડુલકર પાસે આજે શું નથી કે એને પોતાની આત્મકથા વેચીને પૈસા કમાવામાં રસ હોય. અને એક પુસ્તકના વેચાણમાંથી રાઈટરને મળી મળીને કેટલી રૉયલ્ટી મળે. સચિન જેવી સેલિબ્રિટીને અમુક લાખ સહેલાઈથી મળી જાય. જોકે, પોતાની રૉયલ્ટીની તમામ રકમ ‘અપનાલય’ નામની સંસ્થાને દાનમાં આપી દેશે એવી જાહેરાત સચિને ‘પ્લેયિંગ ઈટ માય વે’ આત્મકથાના આરંભનાં પાનાઓમાં જ કરી દીધી છે.

ગ્રેગ ચૅપલ વિરુદ્ધ સચિને જે કહેવું હતું તે એ વખતે ન કહ્યું અને આત્મકથા છપાઈ ત્યારે જ કેમ એમાં લખ્યું એવા આ મહાન ક્રિકેટર સામેના આક્ષેપો બેબુનિયાદ છે. એક તો, સચિને આત્મકથા ‘વેચવા’ માટે કોઈ ગતકડાં કરવાની જરૂર નથી. બીજું. ગ્રેગ ચૅપલ જ્યારે ઈન્ડિયન ટીમનો કોચ હતો ત્યારે એક ટીમ મેમ્બર તરીકે સચિને ડિસિપ્લિન રાખીને એના વિરુદ્ધની ફરિયાદો જાહેરમાં વ્યક્ત ન કરી તે પુરવાર કરે છે કે સચિન માત્ર ગ્રેટ ક્રિકેટર જ નથી, એક ડિસન્ટ માણસ પણ છે, થરો જેન્ટલમૅન છે. એ વખતે સચિને જાહેરમાં ગ્રેગ ચૅપલ વિશે કહ્યું હોત તો આ જ ટીકાકારોએ સચિનને શિસ્ત ન જાળવવા બદલ એના જ બૅટ વડે ધોઈ નાખ્યો હોત.

આ અઠવાડિયે વર્લ્ડવાઈડ રિલીઝ થયેલી સચિન તેન્ડુલકરની ૬૦૦ પાનાંની હાર્ડ બાઉન્ડ આત્મકથા ‘પ્લેયિંગ ઈટ માય વે’માં વિશ્ર્વના કોઈ પણ ક્રિકેટપ્રેમી માટે ખજાનો છે. બે દાયકા કરતાં વધુ લાંબી ઈન્ટરનેશનલ ક્રિકેટની કરિયર દરમિયાન સચિને અનુભવેલી એક્સટસીઝ અને એગનીઝનો આ જીવંત દસ્તાવેજ છે. જે વ્યક્તિએ ઈતિહાસ રચ્યો હોય એ જ વ્યક્તિના હાથે પોતાનો ઈતિહાસ લખાય એનું ઘણું મોટું મહત્ત્વ છે. આ ઈતિહાસનો એ ફર્સ્ટ હૅન્ડ સાક્ષી છે, આ એનો નજરિયો છે. આ જ ગાળા દરમિયાન આ તમામ બનાવોને જોનારી બીજી વ્યક્તિઓનો પોતાનો અલગ દૃષ્ટિકોણ હોઈ શકે છે એ વાત ધ્યાનમાં રાખ્યા પછી આ આત્મકથા વિશે એક જ વાક્યમાં કહેવું હોય તો એ કે ધિસ ઈઝ અનપુટડાઉનેબલ. મારા જેવા ક્રિકેટઅરસિકને પણ અશ્ર્વિની ભટ્ટની નવલકથાની જેમ શ્ર્વાસ થંભાવીને એક બેઠકે વાંચી જવાનું મન થાય એવું આ પુસ્તક છે.

આખા પુસ્તકની વાત એક લેખમાં આટોપી લેવી શક્ય નથી એટલે હું અહીં માત્ર સચિનના બાળપણ અને કિશોરાવસ્થાનાં વર્ષો પર કૉન્સન્ટ્રેટ કરવા માગું છું.

ભારતરત્ન સચિન તેન્ડુલકરે એક વર્ષ પહેલાં, ટુ બી પ્રિસાઈસ આજથી પ૧ અઠવાડિયા પહેલાં, ૧૬ નવેમ્બર ૨૦૧૩ના રોજ વાનખેડે સ્ટેડિયમમાં ર૪ વર્ષની ક્રિકેટકારકિર્દીની પૂર્ણાહુતિ કરી.

સચિનને પિતા રમેશ તેન્ડુલકરના એ શબ્દો હજુય યાદ છે. પિતા મરાઠી ભાષાના કવિ અને વિવેચક હતા, કૉલેજમાં પ્રાધ્યાપક હતા. રમેશ તેન્ડુલકરે દીકરાને લંબાણથી એક વાત કહી હતી:

‘બેટા, જિંદગી એક કિતાબ જેવી છે. એમાં ઘણાં બધાં પ્રકરણો હોવાનાં. એ દરેક ચૅપ્ટરમાં જિંદગીમાં શીખવા જેવી અનેક વાતો હોવાની. ઘડિયાળના લોલકની જેમ જિંદગી કડવામીઠા અનુભવો વચ્ચે ઝૂલતી રહેવાની છે. સફળતાનિષ્ફળતા, આનંદવિષાદ આ બધું તો જે વાસ્તવિકતા છે તેની બે એક્સટ્રીમ બાજુઓ છે. એ અંતિમોમાંથી પસાર થયા પછી તમે શું શીખો છો અને જીવનમાં એમાંથી કેટલું ઉતારો છો તે અગત્યનું છે. સફળતા અને આનંદ કરતાં પણ મોટા ગુરુઓ છે. નિષ્ફળતા અને વિષાદ. તું ક્રિકેટર છે, સ્પોર્ટ્સમૅન છે. સદ્ભાગી છે તું કે તારા દેશનું પ્રતિનિધિત્વ કરવા તને મળે છે, તારા માટે એ ઘણું મોટું બહુમાન છે. પણ એક વાત નહીં ભૂલતો તું. આ પણ તારી કિતાબનું એક પ્રકરણ જ છે. માણસનું એવરેજ આયુષ્ય ૭૦ કે ૮૦ વર્ષનું ગણે તો તું કેટલાં વર્ષ ક્રિકેટ રમવાનો? વીસ વર્ષ? કદાચ બહુ સારું રમે તો પચ્ચીસ. તારી જિંદગીનાં એના કરતાં વધુ વર્ષો તારી પ્રોફેશનલ ક્રિકેટકારકિર્દીની બહાર વીતવાના છે. આનો અર્થ એ થયો કે તારી જિંદગી તારી ક્રિકેટકારકિર્દી કરતાં ઘણી વિશાળ છે. એટલે જ હું તને કહું છું મારા દીકરા, કે સ્વભાવમાં સમતુલા જાળવજે અને મનની પ્રસન્નતા ખોઈ બેસતો નહીં. સફળતા તારા માથે ચડી ન જાય એ જોજે. તું ઝૂકીને, આદરથી અને ઘમંડરહિત વર્તન કરતો રહીશ તો તારી ક્રિકેટ રમવાની કારકિર્દી પૂરી થઈ ગયા પછી પણ લોકો તને પ્રેમથી યાદ કરશે, બમણો પ્યાર-આદર આપશે.’

ચાર ભાઈબહેનોમાં સૌથી નાનો સચિન. અને સૌથી તોફાની પણ. પિતાની આ શુદ્ધ સોનાની સુવર્ણમુદ્રા જેવી શીખામણને યાદ કરીને સચિન માતા રજની વિશે કહે છે કોઈ પણ સંતાનને, મા જેવી રસોઈ જગતમાં કોઈ નથી બનાવતું, એવું લાગવાનું. સચિનને પણ. ‘માય મધર, ધ બેસ્ટ કૂક ઈન ધ વર્લ્ડ ફોર મી…’થી શરૂઆત કરીને સચિન કહે છે કે મારા ફિશ અને પ્રૉન કરી બેસ્ટ બનાવે. બૈંગન ભરતા અને વરણભાત એના હાથના ખાધા હોય તો આંગળાં ચાટતા રહી જાઓ. ઘરે બનાવેલું ભોજન જમાડીને મા સચિનને ખોળામાં સૂવડાવતી. હાલરડાં ગાતી. સચિન ઘસઘસાટ ઊંઘી જતો.

મોટો ભાઈ નીતિન અને નીતિનથી નાનો અજિત જે સચિન કરતાં દસ વર્ષ મોટો. અજિત પોતે સારો ક્લબ ક્રિકેટર હતો. પણ સચિનને ટ્રેઈન કરવા પોતાની રમતનો ભોગ આપ્યો. સચિને એની ફૅરવેલ સ્પીચમાં પણ કહ્યું હતું કે: અજિતે અને મેં આ સ્વપ્ન સાથે સેવ્યું હતું, મારો સૌથી વિશ્ર્વાસુ ક્રિટિક એ અને મારા કોઈ પણ નવા વિચારો માટેનું સાઉન્ડિંગ બોર્ડ પણ એ. મેં ટનબંધ રન્સ કર્યા હશે પણ અજિતનો અવાજ હંમેશાં મારી અંદર મને સંભળાયા કરે, હું કોઈ ભૂલ કરતો હોઉં તો એ અવાજ મને રોકે, સુધારે. મારી છેલ્લી ટેસ્ટ ઈનિંગ્સ પછી પણ અમે ડિસ્કશન કર્યું કે હું શા માટે આઉટ થયો અને મેં ક્યાં ભૂલ કરી. હાલાકિ, અમને બેઉને ખબર કે હવે પછી ફરી ક્યારેય હું ઈન્ડિયા માટે રમવાનો નથી.

સ્કૂલમાં સચિનનો ક્યારેય અવ્વલ નંબર આવ્યો નથી. ભણવામાં સાવ ડોબો હતો એવું પણ નહોતું. એવરેજ. બે મહિનાનો ઉનાળાના વૅકેશનનો ગાળો સ્કૂલ લાઈફનો ઉત્તમ સમય. સવારના નવ વાગ્યાથી છેક મોડી સાંજ સુધી બિલ્ડિંગની નીચે રમ્યા કરે. બળબળતા બપોરની કોઈ પરવા નહીં. મોડી સાંજે એક પછી એક દોસ્તારો પોતપોતાના ઘરે જતા રહ્યા હોય. સચિન હજુય ભરપૂર એનર્જીથી થનગનતો હોય. ઉઘાડા પગે વિશાળ કૉલોનીના સાત-આઠ ચક્કર લગાવીને થાકવાનો સંતોષ લે પછી ઘરે જાય. રાત્રે સૂતી વખતે પણ અજંપો હોય, પડખાં ફેરવ્યા કરે. બે બેડરૂમના ફ્લૅટના એક બૅડરૂમમાં ચારેય ભાઈબહેન સૂતાં હોય. સવારે બાકીના ત્રણેય ઉત્તર-દક્ષિણ અવસ્થામાં હોય જ્યારે સચિન પૂર્વ-પશ્ર્ચિમ થઈને આડો સૂતેલો જોવા મળે.

નાનપણમાં વાનરવેડા એટલા કરે કે ઘરે પાછો આવે ત્યારે શરીર પર ક્યાંકને ક્યાંક વાગ્યું હોય. સહનશક્તિ ઘણી. કોઈને ખબર ન પડવા દે કે વગાડીને આવ્યો છે. પિતાને ખબર પડી ગઈ. પછી રોજ રાત્રે સૂતાં પહેલાં પિતા ચેક કરે ક્યાંક વગાડીને તો નથી આવ્યો ને. ગમે એટલાં મસ્તીતોફાન કર્યાં હોય પણ પિતાએ ક્યારેય ઊંચા સાદે એને ધમકાવ્યો નથી. શાંતિથી પાસે બેસાડીને સમજાવે-આ કરવું, આ ન કરવું.

શિવાજી પાર્કમાં સચિનની ટ્રેનિંગ ચાલે. ઉંમર બાર વર્ષ. એક દિવસ ટીમનો વિકેટકીપર ઈન્જર્ડ થયો. સચિને ટીમના બધા પ્લેયર્સને પૂછી જોયું-કોણ વિકેટકીપિંગ કરવા તૈયાર છે. કોઈ તૈયાર ન થયું. છેવટે વિકેટકીપિંગનો સહેજ પણ અનુભવ ન હોવા છતાં સચિને જવાબદારી લીધી. એક જડબાતોડ ફાસ્ટ બૉલ આવ્યો અને સીધો સચિનના મોઢા પર. આંખ બચી ગઈ પણ આંખની બરાબર બાજુમાં ઊંડો ઘા. લોહી ધસમસતું વહ્યા કરે.

શિવાજી પાર્કથી બાન્દ્રાના ઘર સુધી ટેક્સી કરવાના પૈસા નહીં. બસમાં આવી લોહીલુહાણ હાલતમાં જતાં શરમ આવે. એક દોસ્તારને સાયકલ પર લિફ્ટ આપવાનું કહ્યું. ભારેખમ ક્રિકેટકિટબૅગ સાથે બેઉ જણા સાયકલ પર. બાન્દ્રાના ફ્લાયઓવર પર દોસ્તારથી ડબલ સવારી ખેંચાય નહીં. સચિન પગપાળા. આવતા જતા લોકો લોહીવાળા કપડામાં ક્રિકેટકિટ ઊંચકીને ચાલતા છોકરાને નવાઈથી જોતા રહે.

શિવાજી પાર્કની હાફબેક્ડ ઓવરયુઝ્ડ પિચને કારણે ઈન્જરિઝ વારંવાર થતી અને કોચની સલાહ કે હેલ્મેટ પહેરવાની નહીં. બૉલ ગમે તે દિશામાં ફંટાય, શરીર પર-ચહેરા પર ફુલ સ્પીડમાં ભટકાય. પણ આ જ પ્રેક્ટિસે સચિનને નિર્ભીક બનાવ્યો, મોટા થઈને કોઈ પણ ફાસ્ટ બૉલરનો બૉલને પતંગિયાની ચપળતાથી બૅટ વડે હવામાં ઉછાળવાનો કૉન્ફિડન્સ આવ્યો.

૧૪ વર્ષની ઉંમર. અન્ડર-ફિફ્ટીન્સની મૅચ. રણજી ટ્રોફીની ટીમ માટે સિલેક્શન થવાનું હતું. બધા જ સિનિયર બૅટ્સમેન હૅલ્મેટ પહેરીને આવ્યા હતા. સચિને માત્ર ટોપી પહેરી હતી. રાજુ કુલકર્ણીની બોલિંગ. એ વખતે એ ઑલરેડી ઈન્ડિયાની ટીમમાં ટેસ્ટ મૅચ રમતો થઈ ગયેલો. સચિનની બૅટિંગ. રાજુ કચકચાવીને બૉલિંગ કરે. સચિનને શરૂમાં સમજાયું નહીં પણ પછી તરત ખબર પડી કે રાજુનો ઈગો હર્ટ થયો હતો. એના જેવા ધુંવાધાર બૉલરની બૉલિંગનો સામનો કરવા આ ૧૪ વરસનો છોકરો હેલ્મેટ વિના પીચ પર બૅટિંગ કરતો હતો, પોતાની જાતને સમજતો શું હશે. કેટલાય બાઉન્સર્સ નાખ્યા. મૅચ પછી સચિને રાજુ કુલકર્ણીને સમજાવ્યું કે હું કંઈ તારી આગળ મારી બહાદુરી નહોતો દેખાડતો. અમારા કોચ રમાકાન્ત આચરેકર સરે અમને સ્ટ્રિક્ટ સૂચના આપી છે કે સ્કૂલ ક્રિકેટમાં ક્યારેય હેલ્મેટ પહેરવાની નહીં.

જિંદગીની શરૂઆતનાં વર્ષોમાં જ જેઓ પડીઆખડીને, તૂટીફૂટીને, ફરી પાછા હિંમતભેર ઊભા થાય છે એ જ લોકો મોટા થઈને સચિન તેન્ડુલકર બની શકે છે. બાળપણથી યુવાની સુધીમાં સુંવાળી સિક્યોર્ડ લાઈફમાં પડયા રહેનારાઓ મોટા થઈને નાની મોટી સફળતા કદાચ પામતા હશે પણ આવી ગ્લોરી ક્યારેય એમના નસીબમાં નથી હોતી. આવી ગ્લોરી પામવી હશે તો દરેકે બીજાઓ શું કહે છે કે કરે છે તે રીતે જીવવાને બદલે જિંદગી પોતાની રીતે ચીલો ચાતરીને જીવવી પડે, પોતાની રીતે રમવું પડે-પ્લેયિંગ ઈટ માય વે.

2 comments for “સચિન તેન્ડુલકર અને બાળપણના વાનરવેડા

  1. Bharatkumar Zala
    November 9, 2014 at 4:24 PM

    પ્રિય સૌરભભાઈ હું તમને ઘણા સમયથી નિયમિતપણે વાંચું છું. એક વાર અગાઉ વિનય ખત્રી પાસેથી તમારું મેલ આઈ ડી મેળવીને મેલ પણ કર્યો હતો પણ વાત બની નહી. આજે ફરી પ્રયાસ કરી રહ્યો છું. આપનો ફોન નંબર મળી શકે ? એમ જ વાચક તરીકે વાતો કરવી છે. લિ . ભરતકુમાર ઝાલા .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *