અંતરાત્માની કોઈ સ્ટેટસ વેલ્યુ હોતી નથી

કન્ઝયુમર ગુડ્સના માર્કેટિંગની બોલબાલાના યુગમાં તમે પોતાની રીતે સુખી થવા માગતા હો તો એમને એ મંજૂર નથી કારણ કે તેઓ તમને પોતાની શરતે સુખી બનાવવા માગે છે. તેઓ એટલે ઉત્પાદકો અને એમની શરત કઈ? જે ઈચ્છાઓ નથી જન્મી એને જન્મ આપો. આ ઈચ્છાઓ તમારામાં ન જન્મે તો તેઓ તમને વાંઝિયા કહેશે. પછી ઈચ્છાઓની પૂર્તિ માટે વધુ કમાણી કરો. એક ચોક્કસ અને વિશિષ્ટ રહેણીકરણી અપનાવો જે જીવનશૈલી વાસ્તવમાં પોલ્ટ્રી ફાર્મમાં ઊછરતાં મરઘાં કરતાં જુદી નથી. એ પછી વર મરો, ક્ધયા મરો, મલ્ટિનેશનલ કંપનીઓનાં તરભાણાં ભરો. આધુનિકતા અને પ્રગતિની વિકૃત વ્યાખ્યાઓએ ગરીબી તથા સમૃદ્ધિનાં સમીકરણો બદલી નાખ્યાં છે. ગ્રામીણ પ્રજાનું પ્રાધાન્ય હોય એવો દેશ ગરીબ છે એવું માની લેવામાં આવ્યું છે. ગામડે ગામડે ટીવી હોય, દરેક ગામમાં શૅમ્પુ મળતું થઈ જાય એટલે અર્થતંત્ર સમૃદ્ધ બની ગયેલું ગણાય એવું કહેવામાં આવ્યું. હકીકતમાં ગામડે-ગામડે પાણીની છૂટ હોય એ દેશ સમૃદ્ધ છે. કાચા રસ્તા પર ચાલતી ઍરકંડિશન્ડ મોટરો સમૃદ્ધિની નિશાની નથી. ગામની પાકી સડક પર દોડી જતી સાઇકલો સમૃદ્ધિની નિશાની છે. જે દેશનો મજૂર રોજના પાંચસો રૂપિયા કમાઈને સો રૂપિયાની બચત કરી શકે એ સમૃદ્ધ છે. પણ પેલા લોકો એને રોજના સાતસો રૂપિયાની મજૂરી આપીને એની પાસે હજાર રૂપિયાનો ખર્ચ કરાવીને એને ત્રણસો રૂપિયાનો દેવાદાર બનાવવા માગે છે. દળી દળીને ઢાંકણીમાં વાળું કલ્ચર પોષતી આપણી અત્યાર સુધીની વિચારસરણી ગઈ કાલ સુધી ગાયને દોહીને કૂતરીને દૂધ પિવડાવી રહી હતી.

હવે વખત આવી ગયો છે અન્વાઈન્ડિંગનો અને રિ-વાઈન્ડિંગનો.

જરા વિચાર કરો. તમારી પાસે વાલકેશ્ર્વરમાં ઘર નથી. વિરાર સ્ટેશને ઊતરીને ત્રીસ મિનિટ ચાલ્યા પછી તમારો વન રૂમ કિચનનો ફ્લેટ આવે છે. તમારી પાસે સારી કાર નથી. કાર તો શું દ્વિચક્રી પણ નથી. સેક્ધડ ક્લાસના ડબ્બામાં બારી પાસે જગ્યા મળી જાય એ જ તમારા માટે સુખદ પ્રવાસનો સૌથી મોટો વૈભવ છે. તમારી પાસે યુનિવર્સિટીની મોટી ડિગ્રી નથી. મોટી તો શું બીએ, બીકૉમ જેવી મામૂલી ડિગ્રી પણ નથી. કૉલેજનું ભણતર અધવચ્ચે છોડીને તમે ગુજરાન ચલાવવા કમાવા મંડી પડ્યા હતા. મોબાઈલને વારંવાર રિચાર્જ કરાવવો ન પડે એટલે તમે જેની સાથે વાત કરવી હોય એને મિસ્ડ કૉલ મારો છો. રજાઓમાં જ્યાં જઈને આરામ કરી શકાય એવું તમારું પોતાનું ફાર્મહાઉસ, બીચહાઉસ કે હિલ સ્ટેશન પરનું કૉટેજહાઉસ હોય એવું તો તમે સપનામાં પણ વિચારી શકતા નથી. શનિ-રવિની રજાઓ તમે આખા અઠવાડિયાના વૈતરા પછી ઘરે રહેવામાં વાપરો છો અને

પ્રિવિલેજ લીવને વાપરવા કરતાં ઍન્કેશ કરાવવામાં તમને વધારે રસ છે. આમ છતાં તમને આઉટિંગ તરીકે ઓળખાતી લક્ઝરી ભોગવવાનો ચસકો થઈ આવે છે ત્યારે તમે માથેરાન-મહાબળેશ્ર્વરની હૉટેલોની જાહેરખબરોમાં છપાતા બે રાત અને ત્રણ દિવસના પૅકેજ ડીલના ભાવ વાંચો છો અને એ દિવસે સાંજે પરિવાર સાથે ગિરગામ ચોપાટી જઈ સૂર્યાસ્ત થઈ ગયા પછી ભેળપુરી-કુલ્ફી ખાઈ ચર્નીરોડ સ્ટેશનેથી લોકલ પકડતી વખતે આંખો બંધ કરીને માથેરાનનો ઘાટ ઊતરી નેરળ આવી રહ્યા હો એવી કલ્પના કરો છો. ઘાટ પરથી ઊતરતાં એક હૅરપિન વળાંક આગળ તમે ચમકી જાઓ છો અને આંખ ખૂલે છે ત્યારે તમારી વિરાર લોકલ એલ્ફિન્સ્ટન અને દાદર વચ્ચેના મળવિસર્જન પમ્પિંગ કેન્દ્રના વિશાળ પ્લાન્ટ પાસેના સિગ્નલ પર ઊભેલી હોય છે.

સમાજમાં તમારું સ્ટેટસ છે કે સોશિયલ મોભો છે અને ઓળખીતા પાળખીતાઓમાં તમારો વટ પડે છે એવા ભ્રમમાં તમે હો તો ભૂલી જજો. તમારી પાસે માંડ બચી ગયેલા અંતરાત્મા સિવાય બીજું કશું નથી અને અંતરાત્માની કોઈ સ્ટેટસ વેલ્યુ નથી.

સ્ટેટસ સિમ્બોલ વાહિયાત છે કે નકામા છે એવું તો ભાઈ, આપણે કેવી રીતે કહીએ? આપણી પાસે તો આવું કોઈ મોભાદાર પ્રતીક છે નહીં. પણ એક સવાલ જરૂર થાય. મરીન ડ્રાઈવનો પેનોરેમિક વ્યૂહ ધરાવતા મકાનમાં અઢી હજાર સ્ક્વેરી ફીટનો ફ્લૅટ તમે ધરાવતા હો અને એક દિવસ તમારા મિત્ર તરફથી આમંત્રણ મળે કે મારા મલબાર હિલના બંગલામાં નવો મિનિ ગોલ્ફ કોર્સ બનાવ્યો છે તો કોકવાર રમવા આવજો, ગોલ્ફ રમીશું ને પછી બંગલાના સ્વિમિંગ પુલમાં ધુબાકા મારીશું- તો તમારી પાસે માત્ર અઢી હજાર સ્કવેર ફીટનો ફ્લૅટ હોવા બદલ નાનમ લાગે? વધુ કાલે.

આજનો વિચાર

દેખાડો કરીને મોટાઈ જતાવવાનું મૂર્ખાઓને જ સૂઝે.

– ફેસબુક સુવાક્ય

એક મિનિટ

લોકલ ગુજરાતી ચૅનલના ડૉક્ટર સાથેની પ્રશ્ર્નોત્તરીના કાર્યક્રમમાં એક ક્ધયાએ પૂછયું:

‘મારી ઉંમર અઢાર વર્ષની છે. મારો રંગ ગોરો છે. મારી ત્વચા ખૂબ મુલાયમ અને નાજુક છે. મારે રાત્રે શું લગાડને સૂવું?’

ડૉક્ટરે જવાબ આપ્યો:

‘દરવાજાની કડી.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *