અન્વાઈન્ડ અને રિવાઈન્ડ

આપણું પોતાનું જે છે એને વેડફી નાખીને બીજાનું ઉછીનું લેવાની ટેવ વ્યક્તિને, સમાજને, એક આખી સંસ્કૃતિને ગ્રસી ગઈ છે.

પ્રગતિ અને આધુનિકતાના વિકૃત અર્થો જ પ્રચલિત થયા જેને અંતિમ સત્ય માનીને સ્વીકારી લેવામાં આવ્યા. નાનપણથી વ્યક્તિના મનમાં અન્ય લોકો વિશેના, જીવન વિશેના અને પોતે કેવી વિચારસરણી રાખવી તે વિશેના જડબેસલાક વિચારો ઠોકી બેસાડવામાં આવ્યા છે.

નાની ઉંમરે શરૂ થયેલી આ પ્રક્રિયા સામે બળવો કરવાની ઈચ્છા તથા સજ્જતા પ્રગટે ત્યારે ખૂબ મોડું થઈ ચૂક્યું હોય છે.

અંગ્રેજીના આ બે શબ્દ અત્યારે ખૂબ કામ લાગે એવા છે: અન્વાઈન્ડ અને રિવાઈન્ડ. પ્રથમ શબ્દ આરામના અર્થમાં વપરાય છે. અન્વાઈન્ડ થવું એટલે આખું અઠવાડિયું ચાવી ભરેલા રમકડાની જેમ જાતજાતના ઊંધાચત્તા ખેલ કર્યા પછી વધેલી ચાવીને છૂટી કરી દઈને રિલેક્સ થઈ જવું. રિવાઈન્ડનો અર્થ એક જમાનામાં કૅસેટ પ્લેયર વાપરનારાઓ માટે નવો નથી. પણ આપણને અહીં જે અર્થ અભિપ્રેત છે તેને ઈલેક્ટ્રિકલ મોટરના રિ-વાઈન્ડિંગના અર્થ સાથે વધારે નિસબત છે. આ બેઉ ટર્મ્સ લેખ પૂરો થયા સુધી યાદ રાખવી. પછી ભૂલી જવી, તમારા જોખમે.

નાનપણથી શું ભરાવી દેવામાં આવ્યું છે મગજમાં? સૌ પ્રથમ તો શહેરીજીવનની અનિવાર્યતા. ગામમાં જન્મીને ત્યાં જ ઊછરેલી વ્યક્તિની આંખમાં પણ શહેરનાં સપનાં આંજવામાં આવે છે. શહેરો વિના દેશનો ઉદ્ધાર નથી થવાનો અને ગામડાઓ પછાત વર્ગની વસાહતો છે અને તે રાષ્ટ્રના નકશા પર ફૂટી નીકળેલાં ગૂમડાં છે એવો વાહિયાત અને બેબુનિયાદ ખ્યાલ પહેલેથી જ રોપવામાં આવે છે.

આ ખ્યાતિના ઉછેર માટે શિક્ષણનો વાંક સૌથી મોટો. આદર્શ ગામના બેચાર પાઠ સિવાય આધુનિક શિક્ષણનો સમસ્ત ઝોક ઔદ્યોગિકીકરણ, વિપુલ ઉત્પાદન, શ્રમ વિભાજન પ્રત્યેનો છે. ઍસેમ્બલી લાઈન પ્રોડકશન માટેના ઉત્તમ મજૂરો અને મૅનેજરો આ શિક્ષણ પેદા કરી શકશે પણ સવાલ એ છે કે દરેક બાબતમાં દરેક ચીજના ઉત્પાદનમાં અને દરેક ક્ષેત્રમાં ઍસેમ્બલી લાઈન પ્રોડક્શનની જરૂર શું છે? અને

જ્યાં જરૂર હોય તો કેટલી જરૂર છે? એને જેટલી મહત્તા અને જેટલું પ્રાધાન્ય આપવામાં આવે છે તે વાજબી છે?

ક્ધઝયુમર ગુડ્સના રૂપાળા નામથી જેને ઓળખવામાં આવે છે તે ટૂથપેસ્ટથી માંડીને વૉશિંગ મશીન (ક્ધઝયુમર ડ્યુરેબલ્સ) સુધીની ચીજવસ્તુઓનું ઉત્પાદન દેશના અર્થતંત્રને મજબૂત બનાવે છે એવું આપણને કહેવામાં આવ્યું. શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણ સાથે પ્રવેશતાં દૂષણો અને પ્રદૂષણો ચલાવી લેવાના હોય એવું પણ કહેવામાં આવ્યું. પ્રગતિ જોઈતી હોય તો એની સાથે સંકળાયેલી બુરાઈઓને પણ નિભાવી લેવી પડશે એવું સ્વીકારવામાં જાણે કોઈનેય વાંધો નથી રહ્યો.

પરંપરાને આદર આપનારાઓ અવૈજ્ઞાનિક મિજાજ ધરાવે છે અને જૂનવાણી વિચારસરણીને અનુસરે છે એવુંપણ દલીલ કર્યા વિના આપણને સ્વીકારી લીધું. ક્ધઝયુમર કલ્ચરનું તારણ એ નીકળ્યું કે જેની પાસે વધુમાં વધુ સગવડો હોય એ જ વધારે સુખી. ઔદ્યોગિકીકરણ પછીની મનોદશા એ ઊભી થઈ કે ટોળામાં દાખલ થાય એ જ માણસ સમાજમાં રહેવાને લાયક છે. જેઓ એક વિરાટ યંત્રના નાનકડા પુરજા નથી બની શકતા અથવા નથી બનવા માગતા તેઓ સમાજની બહારના ગણાયા, ચોરગુંડાઓ સાથે તેઓ પણ અ-સામાજિક તત્ત્વો ગણાયા. જે વ્યક્તિ પોતાનું વ્યક્તિત્વ મિટાવીને બીબાંઢાળ વિચારોને અનુમોદન આપી શકે એ જ સમાજમાં રહેવાને લાયક, બાકીનાઓ ના-લાયક. વૈચારિક તેમ જ ભૌતિક ગુલામીમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરનારા આ જ વિશેષણથી ઓળખાવાના.

ગુલામીની પ્રથા અમેરિકામાંથી કાઢવી પડી. કાળી પ્રજાને ગુલામ રાખીને તેની પાસે વૈતરું કરાવવાની પદ્ધતિનો અંત ધોળી પ્રજાની ઉદારતામાંથી નહીં, કાળી પ્રજાના તીવ્ર પ્રતિકારને કારણે આવ્યો. બ્રિટિશ શાસને અમેરિકા કરતાં થોડીક ભદ્ર રીતે ભારત તેમ જ કૉલોનીના અન્ય દેશોને ગુલામ રાખ્યા. છેક છેલ્લી ગુલામી દક્ષિણ આફ્રિકામાંથી નાબૂદ થઈ ગઈ છે એવું કહેવાય છે. હકીકત એ છે કે પશ્ર્ચિમી દેશો દ્વારા થતી આર્થિક ગુલામી હજુય ચાલુ છે. આપણા દેશની અને આપણા જેવા ઘણા બધા દેશોની. આર્થિક સહકાર, એકમેકના થકી સહઅસ્તિત્વ અને ઈકોનોમિક લિબરલાઈઝેશનના નામે યાને કિ મુક્ત અર્થતંત્રના રૂપાળા નામે આ ગુલામીને ઓળખવામાં આવે છે. સંસ્કૃતિની, પરંપરાની તથા એકવીસમી સદીમાં રહીને પણ પોતાની રીતે જીવવાની વાતો કરનારા રૂઢિવાદી ગણાય છે.

શું ખરેખર એવું છે. ધીરજ રાખીને જરા ડિટેલમાં તપાસવું પડશે. વધુ કાલે.

આજનો વિચાર

લોકો ત્રણ કારણોસર તમારી પીઠ પાછળ વાતો કરતા રહે છે:

૧. જ્યારે તેઓ તમારી કક્ષાએ પહોંચી શકતા ન હોય.

૨. જ્યારે તમારી પાસે જે હોય તે એમની પાસે ન હોય.

૩. અને જ્યારે તેઓ તમારી લાઈફસ્ટાઈલની કૉપી કરવા માગતા હોય પણ ન કરી શકતા હોય.

વૉટ્સઍપ પર ફરતું

એક મિનિટ!

તુલસી વિવાહના દિવસે આલિયા ભટ્ટે સ્મૃતિ ઈરાનીને વૉટ્સઍપ પર શુભેચ્છા મોકલી: ‘વિશ યુ અ વેરી હૅપી મૅરીડ લાઈફ.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *