‘મારાથી આનંદશંકરની ટીકા થાય, તમારાથી ન થાય’


રાજેશ
ખન્નાની સિરીઝ પૂરી કરીને ગઈકાલે બપોરે મારાથી રહેવાયું નહીં અને હું કાર્ટર રોડ, બાન્દ્રાના ‘આશીર્વાદ’ બંગલોનાં દર્શન કરી આવ્યો. કાકાના બંગલોને એકટશે નીરખતાં અનેક સવાલો મારા મનમાં ઊભરાયા. રાજેશ ખન્નાની હયાતીમાં એમની પ્રશંસા કરનારાઓનો એક વર્ગ હતો, એમની ચમચાગીરી કરનારાઓનો પણ એક વર્ગ હતો. રાજેશ ખન્નાની ગેરહયાતીમાં એમની ટીકા કરનારાઓનો એક વર્ગ છે, એમની હયાતીમાં એમની ભૂલો તરફ આંગળી ચીંધીને એમને માર્ગદર્શન આપનારાઓનો પણ એક વર્ગ હતો.

આપણા જેવા સામાન્ય લોકોને બરાક ઓબામા, નરેન્દ્ર મોદી કે રાજેશ ખન્નાની બેધડક ટીકા કરવાનું ફાવી ગયું છે. જાણીતી વ્યક્તિઓને આરામથી આપણે ઘરના ડ્રોઇંગરૂમમાં બેસીને ગાળો આપી શકીએ છીએ. આપણને ખબર છે કે આ શબ્દો એમને ક્યાં પહોંચવાના છે અને પહોંચશે તો એ મારું શું બગાડી શકવાના છે?

પણ જેમનામાં આપણો વેસ્ટેડ ઈન્ટરેસ્ટ રહેલો છે, જેમનું આપણને કામ પડવાનું છે, જે ડાયરેક્ટલી કે ઈન્ડાયરેક્ટલી આપણને ઉપયોગી થાય છે એવી વ્યક્તિઓની સાચી બાબતે પણ ટીકા કરવાનું આપણે ટાળીએ છીએ: જવા દો ને યાર, ક્યાં નકામી ખીટપીટ કરવી. બહારનાઓની બેધડક ટીકા કરીને બહાદુરીના

ખેલ દેખાડનારા આપણે ‘કામના માણસો’ની ટીકા કરવામાં બીકણ બિલાડી પુરવાર થઈએ છીએ. હું એવું નથી કહેતો કે આપણે બીકણ બિલાડીમાંથી બબ્બર શેર થઈ જઈએ. હું કહું છું કે બહારનાઓની ટીકા કરવાની બહાદુરી આપણે છોડીએ. બહુ નાના છીએ આપણે એ લોકોની ટીકા કરવા માટે. એમના જીવતેજીવ કે એમના મર્યા પછી – શું કામ એમની ટીકા કરવી? પચ્ચીસ કે પાંચસો રૂપિયાની ટિકિટ શું ખર્ચી કાઢી કે ભાજપના કમળ પર બટન શું દબાવી આવ્યા આપણને રાજેશ ખન્ના કે નરેન્દ્ર મોદી વિશે ખણખોદ કરવાનું લાયસન્સ મળી ગયું એમ?

કોઈકની ટીકા કરતાં પહેલાં પોતાની પાત્રતા પુરવાર કરવી પડે એવું હું પહેલેથી જ માનું છું. સદ્ગત વ્યક્તિની ટીકા ન જ થાય એવું નથી. એ વ્યક્તિના જાહેર વર્તન, વિચારો તેમ જ એમના અંગત જીવનમાંથી ઊઠતી જીવનદૃષ્ટિ વિશે તમે તમારી રીતે જરૂર મૂલ્યાંકન કરી શકો, પણ એ માટે તમારે તમારી લાયકાત કેળવવી પડે. ખૂબ જાણીતા થયેલા પુસ્તક વિશે જાહેર ટીકા કરતાં પહેલાં એક સારા વાચક હોવાની પાત્રતા ટીકાકારે પુરવાર કરેલી હોવી જોઈએ. કોઈ સારા દિગ્દર્શકની ફિલ્મ બકવાસ છે એવું જાહેરમાં બોલતાં પહેલાં બોલનાર વ્યક્તિની ફિલ્મદર્શનની રુચિ ઘડાયેલી છે કે નહીં એ વિશે વિચારવું પડે. અન્યથા એ ટીકાનું મૂલ્ય હાથ લૂછીને કચરાના ડબ્બામાં ફેંકી દેવાતા પેપર નૅપ્કિન જેટલું જ રહેવાનું. અભિપ્રાય આપવાનો હક્ક સૌ કોઈને છે, પણ અધિકૃત વ્યક્તિ સિવાયના લોકોએ જાહેરમાં ઓપિનિયનની ફેંકાફેંક કરીને અક્કલનું પ્રદર્શન કરવાને બદલે પ્રાઈવેટલી પોતાના ગમા-અણગમા, પૂર્વગ્રહો અને મનોવિકૃતિઓ પ્રગટ કરવાં જોઈએ. મહાન ફિલ્મકાર ગુરુદત્તની અંગત જીવનદૃષ્ટિ વિશે ઈસાક મુજાવર જેવા પીઢ ફિલ્મપત્રકાર ટિપ્પણ કરે અને કોઈ ચવન્ની પ્રેક્ષક ટીકા કરે ત્યારે એ બેઉ અભિપ્રાયોમાં જમીનઆસમાનનો તફાવત રહેવાનો. સચિન તેન્ડુલકરની બૅટિંગ વિશે સુનીલ ગાવસકર કશુંક બોલે અને ગલીનો પાનવાળો કંઈક કમેન્ટ કરે એના મૂલ્યમાં પણ એટલો જ તફાવત રહેવાનો.

આનંદશંકર બાપુભાઈ ધ્રુવ અને બળવંતરાય કલ્યાણરાય ઠાકોર બેઉ ૧૮૬૯માં જન્મેલા.

આનંદશંકર ૧૯૪૨માં અને બ. ક. ઠા. ૧૯૫૨માં અવસાન પામ્યા. એકમેકના આ સમકાલીન સાહિત્યકારોમાંના આનંદશંકર વિદ્વાન, ચિંતક અને ઉત્તમ ગદ્યકાર. બ. ક. ઠા.માં આ બધા જ ગુણ હોવા ઉપરાંત તેઓ કવિ અને સર્જક પણ ખરા. બ.ક.ઠા. યુનિવર્સિટીમાં એમ.એ.ના ક્લાસ લેતી વખતે આનંદશંકરનો એક સાહિત્યકાર તરીકે અભ્યાસ કરાવે અને સતત ટીકાત્મક બોલે. બ. ક. ઠાકોરના ત્યારના વિદ્યાર્થી વિનોદ અધ્વર્યુએ આ વાત લખી છે. પ્રૉફેસર ઠાકોર પાસેથી પ્રેરણા પામીને એમના જ વર્ગના એક વિદ્યાર્થીએ વર્ગમાં નિબંધવાચન કર્યું જેમાં આનંદશંકર પર ખૂબ પ્રહારો કર્યા. અધ્વર્યુસાહેબ લખે છે: બલ્લુકાકા સાંભળતા જાય અને સમર્થનમાં હોય તેમ ડોકું ધુણાવતા જાય. પણ નિબંધ અને વર્ગ પૂરો થયો એટલે ‘મારાથી આનંદશંકરની ટીકા થાય, તમારાથી ન થાય. તમને એ અધિકાર મેળવવાની બહુ વાર છે.’ એટલું જ કહીને ચાલ્યા ગયા. વિનોદ અધ્વર્યુને એક ઝબકારામાં જ બ.ક.ઠા.ના વ્યક્તિત્વનું ભીતર દેખાઈ ગયું ને સાથે એક મૂલ્યવાન પાઠ મળી ગયો.

માણસના મર્યા પછી એને અંગત રીતે જાણનારા લોકો કે પછી જાહેર રીતે જાણનારા લોકો એની અંગત કે જાહેર કોઈ પણ બાબત વિશે જાહેરમાં કશું પણ નેગેટિવ બોલે કે લખે ત્યારે સૌથી પહેલો સવાલ એ ઊભો થાય કે સદ્ગતના જીવતેજીવ શા માટે તેઓ આવું ટીકાત્મક બોલ્યા નહીં કે આવું નેગેટિવ લખાણ શા માટે એમણે ત્યારે ન લખ્યું? વ્યક્તિ જીવતી હતી ત્યારે જે ન કરી શક્યા તે હવે કર્યું તો તમને નિખાલસ કહેવા કે પછી બીકણ અને નિંદાખોર?

—–

આજનો વિચાર

મર્યા પછી પણ લોકો તમને યાદ રાખે એ માટે સૌથી પહેલાં તો જીવન એવું જીવવું પડે.

(અમર કરાટેકિંગ બ્રુસ લીના ક્વૉટેબલ ક્વૉટ્સમાંથી)

—–

એક મિનિટ!

પત્ની: તમારા વાળ આ જ રીતે જો ખરતા રહ્યા તો એક દિવસ હું તમને ડિવોર્સ આપી દેવાની છું.

પતિ: ઓ, ભગવાન! અને હું અત્યાર સુધી ફિકર કર્યા કરતો હતો કે આ ખરતા વાળનો ઈલાજ શું કરવો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *