અચ્છા, તો હમ ચલતે હૈં

રાજેશ ખન્નાની જીવનકથા ‘ધ લોન્લીનેસ ઑફ બીઈંગ રાજેશ ખન્ના: ડાર્ક સ્ટાર’ના આ છેલ્લા હપ્તામાં કેટલીક એવી વાતો છે જે જાણીને હું ઘડીભર સ્તબ્ધ થઈ ગયો હતો. માનવામાં નથી આવતું કે આ ગૉસિપ છે કે હકીકત, પણ આ વાતો જીવનકથાના લેખક ગૌતમ ચિન્તામણિએ લખી છે, કોઈ ફિલ્મી ગૉસિપના મૅગેઝિનમાં નથી છપાઈ અને એ પણ રૂમી જાફરીના મોઢે કહેવાઈ છે, કોઈ અજાણ્યા સોર્સ પાસેથી જાણવા મળી છે એવું નથી. રૂમી જાફરી રાજેશ ખન્નાના છેલ્લાં વર્ષોમાં એમની ખૂબ નિકટ હતા. રૂમી કહે છે કે આર્થિક બેહાલીના દિવસોમાં રાજેશ ખન્નાએ પોતાની ઈમ્પોર્ટેડ કાર કાઢીને નવી મારુતિ-એઈટ હન્ડ્રેડ વસાવી હતી. એટલું જ નહીં કૉલેજના દિવસોથી ફાઈવફાઈવફાઈવ પીનારા રાજેશ ખન્નાએ ‘ગોલ્ડ ફ્લેક’ પીવાનું ચાલુ કરી દીધું હતું.

ખરેખર માનવામાં ન આવે એવી વાત છે. રૂમીએ કાકાને સલાહ આપી હતી કે ‘આશીર્વાદ’ વેચી નાખો, પણ કાકા હજુય રાજાપાઠમાં હતા.

૨૦૦૦ની સાલની આસપાસ જમાઈ અક્ષયકુમારે ‘આશીર્વાદ’ ખરીદીને રાજેશ ખન્નાની આર્થિક તકલીફો દૂર કરી નાખી એવી અફવાએ ખૂબ જોર પકડ્યું હતું, પણ રાજેશ ખન્નાના બીજા એક નિકટના સહયોગી વિનયકુમાર સિન્હા (જેમણે ‘અંદાઝ અપના

અપના’ પ્રોડ્યુસ કરી તે જ) જુદી જ કહાણી કહે છે- સિન્હાના કહેવા પ્રમાણે રાજેશ ખન્નાની આર્થિક તકલીફો દૂર થાય એ માટે ઈનફ પ્રોપર્ટીઝ હતી. મલાડમાં ખૂબ મોટી જમીન હતી. દેશમાં બીજે ઠેકાણે પણ જમીનો ખરીદી રાખી હતી. થોડાક દાયકા પહેલાં ચેન્નઈની જમીન વેચીને સો કરોડ કરતાં વધુ મોટી રકમ હાથમાં આવી હતી. કાકા પોતે પોતાની સંપત્તિની બાબતમાં એટલા બેદરકાર હતા કે એને કારણે ઘણો મોટો મેસ ઊભો થઈ ગયો હતો. ગૌતમ ચિન્તામણિ લખે છે કે આ પુસ્તકની રિસર્ચ દરમિયાન જેટલા લોકોને તેઓ મળ્યા એમાંના ઘણાએ એમને કહ્યું કે મરતી વખતે રાજેશ ખન્ના ઓછામાં ઓછી પાંચસો કરોડ રૂપિયાની પાર્ટી હતી.

સાચું ખોટું તો હવે ભગવાન જ જાણે.

રાજેશ ખન્નાની અભિનયક્ષમતા ‘આ અબ લૌટ ચલે’ (૧૯૯૯) વખતે પણ અકબંધ હતી એવો એક દાખલો રૂમી જાફરીએ આપ્યો છે. રાજેશ ખન્ના રૂમીને તે વખતે કહેતા કે મેં રડવા માટે ક્યારેય ગ્લિસરિનનો ઉપયોગ કર્યો નથી, દિગ્દર્શકને મારા સંવાદ દરમિયાન જે શબ્દ વખતે જેટલાં ટીપાં આંસું જોઈએ એટલાં પાડી શકતો. એક દિવસ રૂમી જાફરી અને ફિલ્મના સિનેમેટોગ્રાફર સમીર આર્યાએ હૉટેલની લિફ્ટ પાસે જતાં લૉબીમાં કાકાને કહ્યું અને કાકાએ તરત જ જોઈતાં આંસું આંખમાંથી કાઢીને ગાલ પર સરકાવ્યા.

જે. ઓમ. પ્રકાશે આ પુસ્તક માટે આપેલા ઈન્ટરવ્યૂમાં ‘આપ કી કસમ’ના શૂટિંગનો એક કિસ્સો યાદ કરતાં કહ્યું છે: ‘એ બ્રિલિયન્ટ ઍક્ટર હતા. ફિલ્મના એક સીનમાં હીરો કમલ (રાજેશ ખન્ના)ને પોતાની ભૂલ સમજાતાં એ હિરોઈન મુમતાઝના ફાધર (રહેમાન) પાસે દોડી જાય છે. ત્યાં એને ખબર પડે છે કે મુમતાઝ (સુનીતા)એ પુનર્લગ્ન કરી લીધાં છે. આ સીન ઈમોશનલી હેવી હતો અને એમાં જરા અટપટી કૅમેરા મૂવમેન્ટ્સ હતી. રાજેશ ખન્નાએ જમીન તરફ આંખો રાખીને સંવાદ બોલવાનું શરૂ કરીને જેવો ક્રેન પરનો કૅમેરા નજીક આવે કે તરત ક્લોઝ અપ માટે પોતાના હોઠ ધ્રુજાવીને આંખમાંથી આંસુંનું એક ટીપું પાડવાનું હતું અને પછી નિ:શબ્દ બનીને નજર બીજી તરફ ફેરવી લઈ બહાર જતા રહેવાનું હતું. પહેલા જ ટેકમાં શૉટ ઓકે થઈ ગયો. પરફેક્ટ ટેક હતો, પણ કૅમેરાની મૂવમેન્ટ જરા હાલી ગઈ એટલે રિટેક કરવો પડ્યો. કાકાએ ફરી એ જ ઈન્ટેન્સિટીથી બીજો ટેક આપ્યો, પણ ફરી કોઈ ટેક્નિકલ ભૂલ થઈ. આવું કુલ સાત વખત થયું, પણ રાજેશ ખન્નાએ સહેજ પણ અકળાયા વિના સાતે સાત વખત સેમ ઈન્ટેન્સિટીથી, સેમ એક્સ્પ્રેશન્સ સાથે શોટ્સ આપ્યા.’

આવો અભિનેતા ફેઈલ શું કામ જાય?

૧૯૭૪માં ‘આપ કી કસમ’ અને ૧૯૭૬માં શક્તિ સામંતાની ‘મહેબૂબા’. હિરોઈન રત્ના (હેમા માલિની) હીરો પ્રકાશ (રાજેશ ખન્ના) જે લાંબા સંવાદ સાથે રિએક્શન આપે છે તેનો સિંગલ શૉટ દિગ્દર્શક લેવા માગતા હતા. રાજેશ ખન્ના આવા ઈમોશનલ શોટ્સ આપવામાં માહેર હતા, દિગ્દર્શકની ક્યુ પર પરફેક્ટ ઈમોશન પણ આપતા. સામંતાના લાઈટ્સ, રોલ સાઉન્ડ, સ્ટાર્ટ કૅમેરા અને ઍક્શનના હુકમ પછી રાજેશ ખન્નાએ ક્લાઈમેક્સનો આ શૉટ પરફેક્ટ આપ્યો, પણ દિગ્દર્શકને હજુ જોઈએ એવો સંતોષ થયો નહીં. વન મોર ટેક પ્લીઝ, શક્તિ સામંતાએ કહ્યું. કારણ કે કાકા જરા વધારે પડતા ઈમોશનમાં આવીને સંવાદ બોલી ગયા હતા, શક્તિદાને થોડું સબડ્યુડ પરફોર્મન્સ જોઈતું હતું. કોઈ પણ હાઈલી ચાર્જ્ડ ઈમોશન્સવાળા સીનમાં આવું થવાનું જ. રાજેશ ખન્નાએ તરત જ ફરી સ્ટાર્ટિંગ લાઈન પર આવીને ડિરેક્ટરના ‘ઍક્શન’ની રાહ જોવાની હતી, પણ એવું કરવાને બદલે એમણે શક્તિ સામંતાની આંખમાં આંખ નાખીને કહ્યું: ‘ઈસ સે બેટર પરફોર્મન્સ આપ કો ઈન્ડિયા મેં કોઈ નહીં દેગા.’

સામંતાને જરા વાર લાગી કાકાએ શું કહ્યું તે સમજતાં. ‘આરાધના’, ‘કટી પતંગ’ અને ‘અમરપ્રેમ’ કરી ચૂકેલા કાકા પોતાને આ શબ્દો કહે એવું માનતાં જરા વાર લાગી અને તરત શક્તિદાએ લંચબ્રેક જાહેર કરી દીધો. સ્ટુડિયોના ફ્લોર પરથી નટરાજ સ્ટુડિયોમાંની ઑફિસ સુધી જતાં શક્તિદાએ રાજેશ ખન્નાને હળવેથી કહ્યું, ‘કાકા, રાજેશ ખન્ના ખતમ થઈ ચૂક્યો છે, ફિનિશ્ડ… હી ઈઝ ડેડ.’ રાજેશ ખન્નાને ધક્કો લાગ્યો, ‘ક્યોં, શક્તિસા’બ?’ શક્તિ સામંતાએ કહ્યું કે આવા થર્ડ રેટ શૉટને તું ગ્રેટ માનતો હોય તો એનો મતલબ એ કે તારું દિમાગ કામ કરતું બંધ થઈ ગયું છે, એક એક્ટરના અંતની આ નિશાની છે.’

લંચ પછી કાકાએ દિગ્દર્શકને

કહ્યું, ‘ચાલો, સેક્ધડ ટેક કરીએ,’ પણ હવે ના પાડવાનો વારો શક્તિ સામંતાનો હતો. એમણે એ પછીનો શોટ ગોઠવ્યો. આશિમ સામંતા આ કિસ્સો વર્ણવીને કહે છે કે એમના પિતાએ ઈગો ટ્રિપ છોડીને બીજો ટેક લીધો હોત તો ‘મહેબૂબા’ સારી બની હોત.

જોકે, આય ડાઉટ. ગઈ કાલે જ મેં ડીવીડી પર ‘મહેબૂબા’ જોઈ. મ્યુઝિક સારું હતું, ફિલ્મ નહીં. બહુ લોચા હતા સ્ક્રિપ્ટમાં. રાજેશ ખન્નાએ ‘આપ કી કસમ’ની જેમ આ શૉટ માટે સાત વાર રિટેક્સ આપ્યા હોત તોય ફિલ્મ ઉગરી શકી ન હોત.

રાજેશ ખન્ના સફળ હતા? પણ એમની જિંદગી નિષ્ફળ હતી? કોણ કહેશે એવું. કારકિર્દીની શરૂઆતની ૧૫ સુપર હિટ્સમાં એ પછીના બે દાયકા દરમિયાન આવેલી ‘અવતાર’, ‘થોડી સી બેવફાઈ’ કે ‘સૌતન’ જેવી બીજી અડધો-પોણો ડઝન હિટ ફિલ્મો ઉમેરો તો ટોટલ ૨૪ ફિલ્મો થઈ. આજના ઍક્ટર્સની જેમ એ વખતે આ ૨૪ ફિલ્મો એક પછી એક ૨૪ વર્ષ દરમિયાન આવી હોત તો? તો રાજેશ ખન્ના આમિર ખાન સાથે ઈક્વેટ થતા હોત.

અને સફળતા મળ્યા પછી રાજેશ ખન્ના બદલાઈ ગયા હતા? કદાચ હા, કદાચ ના. તમારી સફળતા/ નિષ્ફળતાથી તમે પોતે એટલા નથી બદલાતા જેટલા તમારી આસપાસના લોકો બદલાય છે.

પણ પૉપ્યુલર હિંદી સિનેમા પાસે માત્ર એક જ માપદંડ છે – કાં તો હિટ, કાં ફ્લોપ. કાં તમારો સિતારો ચડતો હોય, કાં આથમતો હોય અને સિતારો ચડતો હોય ત્યારે તમે ઘમંડી, અભિમાની અને તુમાખી હો. આથમતા ગાળામાં તમે એકલા, કડવા અને બદમિજાજ હો. રાજેશ ખન્નાને પણ આપણે આ જ પેરામીટર્સથી મૂલવતા આવ્યા છીએ અને એ જ આપણી ભૂલ છે એવું એમની આ અદ્ભુત જીવનકથા વાંચ્યા પછીનું મારું તારણ છે.

આજનો વિચાર

આઈ હેટ ટિયર્સ, પુષ્પા.

– રાજેશ ખન્ના (‘અમરપ્રેમ’માં)

એક મિનિટ!

પતિ: તું શું નથુરામ ગૉડસેની સગીવહાલી છે કે?

પત્ની: કેમ શું થયું?

પતિ: રોજ મારા ખિસ્સામાંથી ગાંધીને શોધી શોધીને ખતમ કરી નાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *