સલીમ-જાવેદને સસ્તામાં પતાવવાનું કાકાને ભારે પડ્યું

૧૯૭૩નું વર્ષ ‘રાજારાની’થી શરૂ થયું. ‘રાજાજાની’ જુદી હતી, એ ધર્મેન્દ્ર-હેમા માલિનીની. ૧૯૭૨માં આવેલી. આ રાજેશ-શર્મિલાની જે સચિન ભૌમિકે લખી અને સચિન ભૌમિકના ડિરેક્શનની આ એક માત્ર ફિલ્મ જે સુપર ફલોપ હતી. રાજેશ ખન્નાની પડતીની શરૂઆત ૧૯૭૨ના અંતથી ઑલરેડી થઈ ચૂકેલી ત્યાં ૧૯૭૩નો આરંભ જ ધબડકાથી થયો. આજે આ ફિલ્મના એક ગીત સિવાય લોકોને બીજું કશું યાદ નહીં હોય: જબ અંધેરા હોતા હૈ… લકીલી ગુલશન નંદાએ ટોમસ હાર્ડીની ફેમસ નૉવેલ ‘ધ મેયર ઑફ કાસ્ટરબ્રિજ’ પરથી બેઝિક આઈડિયા લઈને લખેલી નવલકથા ‘મૈલી ચાંંદની’ પરથી યશ ચોપરાએ પોતાના પ્રોડક્શનની પહેલી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. ‘દાગ’ સુપરહિટ નીવડી. ઘડીભર ‘રાજારાની’ની નિષ્ફળતા પાછળ ધકેલાઈ ગઈ.

પણ એ જ વર્ષે, ૧૯૭૩માં અમિતાભ બચ્ચનની ‘ઝંજીર’ આવી. ‘એક નઝર’, ‘બંસી બિરજુ’ વગેરે ડઝન ફલોપ ફિલ્મો પછી બચ્ચનજીને રિયલ બ્રેક મળ્યો. બચ્ચનજી એ જમાનાથી ઍન્ગ્રી યંગ મૅન તરીકે સ્થાપિત થઈ ગયા.

આમ તો કંઈ કોઈની ચડતી બીજાની પડતીનું કારણ હોય એવું દર વખતે નથી બનતું. પણ લોકોને આવું બધું માનવું બહુ ગમતું હોય છે. બાકી બચ્ચનજી કંઈ કાકાની પડતીને કારણે મહાન બચ્ચનજી નથી બન્યા, પોતાની ટેલન્ટ, સૂઝ, મહેનત અને લોકો સાથેના વ્યવહારને લીધે તેઓ જે કંઈ છે તે છે. એ જ રીતે બચ્ચનજીના ઉદયને લીધે રાજેશ ખન્ના પછડાઈ ગયા કે પછડાટમાંથી ઊભા નહીં થઈ શક્યા એવું નથી. કામ માટેની ઍટિટ્યુડ, લોકો સાથેનું વર્તન તેમ જ ફિલ્મોની પસંદગી તથા બેદરકારીને કારણે રાજેશ ખન્નાનાં વળતાં પાણી શરૂ થયાં. કહેવાય છે કે જે રસ્તો તમે લેવા નથી માગતા એ જ રસ્તા પર કિસ્મતની દેવી ફૂલોનો હાર લઈને તમને પોંખવા તૈયાર ઊભી હોય છે. રાજેશ ખન્નાએ જે ટાઈપની ફિલ્મો કરવી જોઈતી હતી તે ન કરી અથવા ન કરી શક્યા અને નિષ્ફળતાના કળણમાં વધારે ને વધારે ખૂંપતા ગયા.

મારે હિસાબે ‘ન કરી’ કરતાં ‘ન કરી શક્યા’ એવું કહેવું વધારે યોગ્ય કહેવાશે.

સલીમ-જાવેદને રાજેશ ખન્નાએ ‘હાથી મેરે સાથી’ વખતે દસ હજાર રૂપિયા અપાવ્યા હતા. બેઉ જણ તે વખતે મહિને સાડા સાતસો રૂપિયામાં જી. પી. સિપ્પીના સ્ટોરી ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા. એ હિસાબે દસ હજાર ઘણી મોટી રકમ કહેવાય પણ બંને લેખકોને એ ઓછી લાગી. શું કામ? રાજેશ ખન્નાને ‘હાથી મેરે સાથી’ માટે પાંચ લાખ રૂપિયા મળ્યા હતા અને અમને બે જણ વચ્ચે માત્ર દસ હજાર! બેઉના ઈગો ઘવાયા. ફિલ્મની સફળતા માટે પોતે લખેલો સ્ક્રીનપ્લે જવાબદાર છે એવું તેઓ માનતા જ્યારે રાજેશ ખન્ના કહેતા કે એમની ઍક્ટિંગને લીધે ફિલ્મ હિટ થઈ. (વાસ્તવમાં તો, ફિલ્મ રાજુ હાથીને કારણે, ખાસ કરીને એના ડેથ સીનને કારણે, હિટ થઈ હોવી જોઈએ: નફરત કી દુનિયા કો છોડ કે પ્યાર કી દુનિયા મેં ખુશ રહના મેરે યાર. શું ગીત હતું!)

સલીમ ખાનને કાકા સાથે બીજો પણ પ્રૉબ્લેમ હતો. ગૌતમ ચિન્તામણિને ‘ડાર્ક સ્ટાર’ પુસ્તક માટે ઈન્ટરવ્યૂ આપતાં એમણે કહ્યું: ‘રાજેશ ખન્ના સાથે ડીલ કરવું ડિફિકલ્ટ હતું. ક્યારે, કઈ ઘડીએ કેવી રીતે વર્તશે, શું બોલી નાખશે, એ કોઈ જાણતું નહીં.’ સલીમ ખાને કહ્યું કે ઘણી વખત મિડિયોકર લોકો કે લિમિટેડ ટેલેન્ટવાળાની લાંબી સક્સેસફુલ કરિયર જોવા મળે છે પણ રાજેશ ખન્ના ટેલેન્ટેડ હોવા છતાં પોતાની ઈન્સિક્યુરિટીઝને કારણે ઘાંઘા થઈ જતા અને ખરાબ વર્તન કરી બેસતા.

સલીમ ખાન અને જાવેદ અખ્તર ‘હાથી મેરે સાથી’ પછી પોતાનીથી રૂઠી ગયા છે અને હવે અમિતાભ બચ્ચનને સપોર્ટ કરી રહ્યા છે એવી ખાતરી થયા પછી રાજેશ ખન્નાએ પોતાની પછડાટમાંથી બેઠા થવા અનેક વખત સલીમ-જાવેદનો હાથ પકડવાની કોશિશ કરી પણ દર વખતે કાકાને તરછોડવામાં આવ્યા. શમ્મી કપૂર ‘ઈર્મા લા ડ્યુસ’ પરથી ‘મનોરંજન’ બનાવવા માગતા હતા અને રાજેશ ખન્નાને કાસ્ટ કરવા માગતા હતા. ખન્નાએ સ્ટોરી ડેવલપ કરવા માટે સલીમ જાવેદનું નામ આગળ ધર્યું. પણ વાત ન બની. છેવટે અબ્રાર અલવીએ સ્ટોરી ડેવલપ કરી, કાકા ખસી ગયા, સંજીવકુમારે ફિલ્મ કરી.

શક્તિ સામંતા વાયવ્ય સરહદના કબાઈલી નેતા પાસે ખાનની ટ્રુ સ્ટોરી પરથી રાજેશ ખન્નાને લઈને ફિલ્મ બનાવવા માગતા હતા. ખન્નાએ કહ્યું સલીમ-જાવેદ પાસે સ્ક્રિપ્ટ લખાવીએ. સલીમ-જાવેદે સામંતાને કહ્યું આવી એક્શન – ઓરિયન્ટેડ ફિલ્મમાં રાજેશ ખન્ના ના ચાલે, ધર્મેન્દ્ર જેવું કોઈક જોઈએ, કહીને સલીમ-જાવેદ પ્રોજેકટમાંથી હટી ગયા. સામંતાએ ફિલ્મ જ પડતી મૂકી. પછી એક દાયકા બાદ શક્તિદાએ જેકી શ્રોફને લઈને ‘પાલેખાન’ બનાવી જેના ડિરેક્ટર તરીકે દીકરા આશિમ સામંતાનું નામ છે.

યશ ચોપરા ‘દીવાર’માં રાજેશ ખન્ના અને નવીન નિશ્ર્ચલને લેવાના હતા. ‘દીવાર’ની સ્ક્રિપ્ટની શરૂઆતના સ્ટેજમાં રાજેશ ખન્ના સાથે યશજીએ ઘણી સિટિંગ્સ કરી હતી એવું રાજેશ ખન્નાના મિત્ર અને વર્ષો સુધી બિઝનેસ અસોસિયેટ રહેલા ભૂપેશ રસીનનું કહેવું છે. ‘દીવાર’ની અનેક ઈમ્પોર્ટન્ટ સિચ્યુએશન્સ કાકા સાથે ડિસ્કસ થતી, કાકાનો અભિપ્રાય પણ પૂછવામાં આવતો. ‘દીવાર’ ગુલશન રાયનું પ્રોડકશન હતું અને રાયે કાકાને એક ફિલ્મ માટે સાઈન કર્યા હતા એટલે નેક્સ્ટ ફિલ્મ ‘દીવાર’ એમની પાસે જ કરાવીશું એવું પ્રોડ્યુસરે માન્યું હતું, ડિરેક્ટર પણ રાજી હતા. પણ સલીમ-જાવેદને આ મંજૂર નહોતું. ‘દીવાર’ પરની ચર્ચાઓ પૂરી થયા પછી માત્ર ૧૮ દિવસમાં બેઉ જણાએ આખી સ્ક્રિપ્ટ લખી નાખી. સલીમ

-જાવેદ માટે કાસ્ટિંગ પણ નક્કી હતું. ‘બચ્ચન નહીં તો સ્ક્રિપ્ટ નહીં.’ સલીમ-જાવેદે શરત મૂકી. પ્રોડ્યુસર-ડાયરેકટર જો બચ્ચન સિવાય કોઈને લેવા માગતા હશે તો ‘દીવાર’ની સ્ક્રિપ્ટ તમને નહીં મળે.

જસ્ટ વિચાર કરો કે પુલ નીચે ઊભાં ઊભાં રાજેશ ખન્ના પોતાની પાસે શું શું છે તે ગણાવીને નાના ભાઈને પૂછતા હોત કે તારી પાસે શું છે ત્યારે જવાબ આપતા નવીન નિશ્ર્ચલવાળું દૃશ્ય કેવું લાગતું હોત. સલીમ-જાવેદ ‘હાથી મેરે સાથી’ના દસ હજાર રૂપિયાવાળા અનુભવ પછી સમજદારીથી કામ કર્યું. કેટલીક ફિલ્મોમાં એમની ફી હીરો જેટલી જ રહેતી, કેટલીકમાં હીરો કરતાં પણ વધારે.

૧૯૭૫ની સાલમાં બચ્ચનજીની ‘દીવાર’ અને ‘શોલે’ રિલીઝ થઈ. ૧૯૭૫ની જ સાલમાં બચ્ચનજીની ‘ચુપકે ચુપકે’, ‘ફરાર’, ‘મિલી’ અને ‘ઝમીર’ પણ રજૂ થઈ.

એ જ વર્ષ, ૧૯૭૫માં, રાજેશ ખન્નાની માત્ર એક જ ફિલ્મ રિલીઝ થઈ – રાજ ખોસલાવાળી ‘પ્રેમ કહાની’ જેમાં કાકા ઉપરાંત વિનોદ ખન્ના અને શશી કપૂર પણ હતા. બચ્ચનના તોતિંગ વર્ષમાં કાકાનું ઝાંખુંપાંખું પ્રદર્શન થયું. ૧૯૭૫માં જે. ઓમ પ્રકાશની ‘આક્રમણ’ નામની ભુલાઈ ગયેલી ફિલ્મમાં રાજેશ ખન્નાએ ફ્રેન્ડલી અપિયરન્સ કર્યો હતો એટલું રેકોર્ડ ખાતર.

કટ ટુ કાકાના જીવનનો છેલ્લો દાયકો. રાજેશ ખન્નાએ આર. કે. ફિલ્મ્સના ગોલ્ડન જયુબિલી યરમાં રિશી કપૂરના ડિરેક્શનમાં જે ફલોપ ફિલ્મમાં અભિનય કર્યો તે ‘આ અબ લૌટ ચલે’નું રાઈટિંગ રૂમી જાફરીએ કર્યું હતું. રૂમીએ ‘કુલી નં. વન’ અને ‘હીરો નં. વન’થી માંડીને ‘ઘરવાલી બાહરવાલી’ તથા ‘છોટે મિયાં-બડે મિયાં’ અને ‘ચલતે ચલતે’ સુધીની ચાળીસથી વધુ ફિલ્મોની કથા/પટકથા/સંવાદ – આ ત્રણેય કે ત્રણમાંથી એક કે બે લખ્યાં છે. એટલું જ નહીં ‘ગૉડ તુસ્સી ગ્રેટ હો’ જેવી ત્રણેક ફિલ્મોનું ડિરેક્શન પણ કર્યું છે. રૂમી જાફરી ‘આ અબ લૌટ ચલે’ (૧૯૯૯) પછી રાજેશ ખન્નાના નિકટના મિત્ર હતા. બીજી તરફ સલીમ ખાનના ફૅમિલી સાથે પણ રૂમી જાફરીને આત્મીય સંબંધો.

રૂમી જાફરી ગૌતમ ચિન્તામણીને કહે છે કે રાજેશ ખન્નાની આર્થિક હાલત ખસ્તા થઈ ગઈ હતી. અધૂરામાં પૂરું ઈન્કમ ટેક્સે બાકી કર વસૂલાત (દોઢ કરોડ રૂપિયા)ની નોટિસ ઠોકી હતી. તે વખતે સલમાન ખાને રૂમીને કહ્યું હતું કે મારો ભાઈ સોહેલ ખાન તને મળવા માગે. સોહેલે કહ્યું કે અમને લોકોને રાજેશ ખન્નાનો બંગલો ‘આશીર્વાદ’ ખરીદવામાં રસ છે. ભાવ, રાજેશ ખન્ના જે કહે તે ઉપરથી ઈન્કમ ટેક્સવાળી એમની જવાબદારી અમારી. એટલું જ નહીં રાજેશ ખન્નાની ફિલ્મ પ્રોડક્શન કંપની માટે એક ફિલ્મ સલમાન ખાન ફ્રીમાં કરશે, ટોટલી ફ્રી. રૂમીને લાગ્યું કે આનાથી સારી બીજી કોઈ ઑફર ન હોઈ શકે.

રૂમીએ ઉત્સાહથી કાકાને ફોન પર આ ઑફર વિશે વાત કરી. સામે છેડે ચૂપકીદી. છેવટે કાકાએ કહ્યું, ‘હું તને મારા ઘરનો માણસ માનું છું અને તું મારું ઘર વેચાવી દેવા માગે છે, મને સડક પર લાવવા માગે છે…’

સોદો ન થયો. કાકાની મુશ્કેલીઓ ચાલુ રહી એક દિવસ ‘આશીર્વાદ’ના ઉપલા માળેથી રાજેશ ખન્ના અને એમના મિત્ર જહોની બક્ષી અરબી સમુદ્રના ઉછળતા મોજાં જોઈ રહ્યા હતા. સવારના છાપાઓમાં સમાચાર પથરાઈ ગયા હતા. ઈન્કમટેક્સવાળાઓ એરિયર્સની વસૂલી કરવા ‘આશીર્વાદ’નું લિલામ કરશે. જહોની બક્ષીએ કહ્યું ભૂતપૂર્વ ઈન્કમ ટેક્સ ઑફિસર વિનયકુમાર સિન્હા (જેમણે ‘અંદાઝ અપના અપના’ પ્રોડ્યુસ કરી હતી) મારા મિત્ર છે. તમે કહેતા હો તો એમની સલાહ લઈ જોઉં, કોઈ ઉકેલ નીકળતો હોય તો… જહોની બક્ષી કહે છે: કાકાએ સહેજ માથું હલાવીને હા પાડી અને કહ્યું: ગલ કર… વાત તો કર…

આજનો વિચાર

જલાવવા માટે માચીસની જરૂર જ ક્યાં છે આ દુનિયામાં. અહીં તો માણસ માણસથી જલી જાય છે.

– વૉટ્સઍપ સુવાકય

એક મિનિટ

એક ફેકટરીમાં કોઈ માણસ નવરા ધૂપની જેમ ઊભા ઊભા ડાફોળિયા મારતો હતો.

ત્યાં જ ફેક્ટરીનો માલિક આવ્યો: ‘કેટલો પગાર છે તારો?’

‘પાંચ હજાર, સાહેબ.’

‘આ લે પંદર હજાર. તારો ત્રણ મહિનાનો પગાર. ફરી ક્યારેય મને તારું મોઢું નહીં દેખાડતો. મને અહીં કામ કરનારા લોકો જોઈએ છે, ટાઈમ વેસ્ટ કરનારા નહીં.’

માણસના ગયા પછી માલિકે બીજા વર્કરોને પૂછ્યું, ‘કોણ હતો આ મનહૂસ, ક્યા ડીપાર્ટમેન્ટમાં છે?’

‘સાહેબ, એ તો પિઝા ડિલિવરી કરવા આવ્યો હતો.’

સાર: નાની નાની વાતોમાં ઓવરરિએક્ટ થવું સારું નહીં

1 comment for “સલીમ-જાવેદને સસ્તામાં પતાવવાનું કાકાને ભારે પડ્યું

  1. M.D.Gandhi, U.S.A.
    November 5, 2014 at 7:07 AM

    બહુ સુંદર જાણકારી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *