સુંદર મૃત્યુ પામવા સુંદર જીવવું જોઈએ

સ્પેનના હેમિલ્ટન – બેલીની એક ટેક્સ્ટ બુક મેડિકલના ત્રીજા વર્ષમાં ભણાવાતી. ડૉ. મનુ કોઠારીએ મેડિકલમાં પ્રવેશ મેળવીને પહેલા જ વરસમાં એ ટેક્સ્ટ બુક વાંચી લીધી. પાઠ્યપુસ્તકમાં એક ડાયાગ્રામ હતો. વિદ્યાર્થી મનુભાઈને એ આકૃતિમાં ભૂલ લાગી. એમણે વધારે અભ્યાસ કર્યો અને આકૃતિ સુધારી એટલું જ નહીં કરેક્ટેડ ડાયાગ્રામ સ્પેનના હેમિલ્ટન – બેલીને પોસ્ટ કર્યો. થોડા મહિના પછી બેલીનો જવાબ આવ્યો: મિસ્ટર કોઠારી, તમારી આકૃતિ સાચી છે. અમારી ભૂલ સુધારી એ બદલ આભાર અને હવે એક વિનંતી કરવાની છે. અમારી નવી આવૃત્તિમાં અમે તમારી સુધારેલી આકૃતિ મૂકવા માગીએ છીએ અને તમારી પરવાનગી હોય તો એ આકૃતિને ‘કોઠારી સાઈન’નું નામ આપવા માગીએ છીએ.

મનુભાઈ મેડિકલના ત્રીજા વર્ષમાં આવ્યા ત્યારે જે ટેક્સ્ટબુકમાં એમનું નામ છપાયું હતું એ જ ટેક્સ્ટબુક ભણવામાં આવી.

આ વાત ડૉ. મનુ કોઠારીની પ્રાર્થનાસભામાં એમના એક સહયોગીએ સૌની સાથે શૅર કરી હતી. ડૉ. મનુભાઈ જેટલું સુંદર જીવ્યા એટલું જ સુંદર મૃત્યુ પામ્યા. મૃત્યુની આગલી રાત્રે બારેક વાગ્યે પરિવારજનો સાથે અલકમલકની વાતો કરીને સૂવા જતા રહ્યા. મળસ્કે સાડા ત્રણેક વાગ્યે અનઈઝી ફીલ થતું હતું એટલે બહાર ડ્રોઈંગરૂમમાં આવીને બેઠા. કલાકેક પછી મૂંઝવણ વધી. દીકરા ડૉ. વત્સલ કોઠારીના બેડરૂમ તરફ ગયા. દીકરો ઘસઘસાટ સૂતો હતો એટલે એને ડિસ્ટર્બ કરવાને બદલે પોતાના બેડરૂમમાં આવીને ખુરશી પર બેઠા. પત્ની ડૉ. જ્યોતિબેનને જગાડીને કહ્યું: ‘મને લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેઈલ્યોર જેવું લાગે છે.’ આ દરમિયાન, પુત્રવધૂ ડૉ. મીનળ આવી ગઈ હતી. એમણે વત્સલને જગાડવા આવેલા પણ જગાડ્યા વિના જ પાછા જતા રહેલા પપ્પાજીનું હેવી બ્રિધિંગ સાંભળ્યું હતું. તાબડતોબ દીકરા વત્સલને જગાડવામાં આવ્યા. વત્સલને પણ મનુભાઈ એ જ કહ્યું: લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેઈલ્યોર છે. વત્સલે કહ્યું: મને પંદર મિનિટ આપો. મારી કાર્ડિયાક ટીમ ઍમ્બ્યુલન્સ સાથે આવી જશે. દીકરાની વાત સાંભળીને મનુભાઈએ આછું સ્મિત કર્યું અને છેલ્લો શ્ર્વાસ લીધો.

પંદર મિનિટમાં હૃદયરોગના નિષ્ણાતોની ટીમ આવી પહોંચી અને આધુનિક સાધનો વડે સારવાર શરૂ થઈ. પિતાને હૉસ્પિટલમાં લઈ જવામાં આવે તો હજુ કદાચ ચાન્સ છે. એવું વત્સલને લાગ્યું. પણ તરત જ યાદ આવ્યું કે છેલ્લાં વર્ષોમાં મનુભાઈએ વારંવાર શું કહ્યું હતું: કૃત્રિમ રીતે મારી જિંદગી લંબાવવાની કોશિશ નહીં કરતો.

કઠણ હૃદયે વત્સલે ટીમના ડૉકટરોને દૂર થઈ જવાનું કહ્યું. જે વ્યક્તિ મૃત્યુને આવતું જોઈ શકે છે, છતાં પૂરેપૂરી સ્વસ્થ રહી શકે છે એ જીવન કેવું જીવી હશે? આપણને સૌને ડૉ. મનુ કોઠારી જેવું સુંદર મોત જોઈએ છે પણ એમના જેવું જીવવું નથી. કેવું જીવ્યા એ?

મોંઘામાં મોંઘાં ડિઝાઈનર્સ કપડાં પોસાય એમ હતાં. સાદાં ત્રણ જોડી કપડાંથી જીવ્યા. ડૉકટરીની પ્રેક્ટિસમાં ટંકશાળ પાડી શકે એમ હતા. છતાં ૭૯ વર્ષની ઉંમરે પણ રવિવારની બપોરે આરામ કરવાને બદલે કે કુટુંબ સાથે ગાળવાને બદલે ઘરની બહાર નીકળી પોતાના ક્ધસલ્ટિંગ રૂમમાં અજાણ્યા દર્દીઓને કૅન્સર, હૃદયરોગ અને બીજી અનેક બાબતે સચોટ સલાહ આપતા. વિનામૂલ્યે.

ડૉ. મનુ કોઠારીને શ્રદ્ધાંજલિ આપવા યોજાયેલી પ્રાર્થનાસભામાં ભજન કે ભક્તિસંગીતને બદલે એમનાં ફેવરિટ હિંદી ફિલ્મોનાં ગીતોની સીડી વાગતી હતી: તુ પ્યાર કા સાગર હૈ, રહે ના રહે હમ, છિપા દો દિલ મેં, રહતે થે કભી, જીના યહાં મરના યહાં, સબ કુછ સીખા હમને, યે મેરા દિવાનાપન હૈ, સો જા રાજકુમારી અને બે કલાક પછી સૌ સ્વજનો આંસુભરી આંખે હૉલમાંથી વિદાય લઈ રહ્યા હતા ત્યારે: બાબુલ મોરા નૈહર છુટો રી જાય.

પ્રાર્થનાસભાના બે દિવસ અગાઉ સાંતાક્રુઝના સ્મશાનમાં એમની ચિતાને દાહ આપતાં પહેલાં અમે સૌએ એમનું ફેવરિટ ગીત ગાયું હતું, એમણે એમાં બે શબ્દો બદલીને એમની જાહેર સભાઓમાં અનેકવાર ગાયું હતું એ જ: મરીઝ કી મુસ્કુરાહટો પે હો નિસાર, મરીઝ કા દર્દ મિલ સકે તો લે ઉધાર, મરીઝ કે વાસતે હો તેરે દિલ મેં પ્યાર, દાકતર ઉસી કા નામ હૈ…

પ્રાર્થનાસભામાં એમના એક વિદ્યાર્થી જે પોતે અત્યારે બહુ મોટા ડૉકટર છે તે ડૉ. રાજેશ ભટ્ટે એક કિસ્સો કહ્યો. રાજેશ મનુભાઈના હાથ નીચે ભણતા હતા ત્યારે કોઈ શ્રીમંત દર્દીએ સાજા થવા પછી આભારના શબ્દો સાથે એક ખૂબસૂરત લેધર બ્રીફકેસ મનુભાઈને ભેટ આપી. મનુભાઈએ કહ્યું આ મોંઘી બ્રીફકેસનો હું ગુલામ થઈ જઈશ, મારે એને સાચવી સાચવીને વાપરવી પડશે. એમણે દૂર ખડકાળ પથ્થરોવાળી જમીન પર બ્રીફકેસનો ઘા કર્યો. ફંગોળાઈને બધી બાજુથી ટીચાઈ ગઈ, લીરા પણ ઉડ્યા. રાજેશ બ્રીફકેસ પાછી લાવ્યા. મનુભાઈ કહે: હવે હું કોઈ ચિંતા વગર આને વાપરી શકીશ.

એમના મૃત્યુુના બરાબર ચાર દિવસ પહેલાં એમનો ફોન આવ્યો. કંઈ જ કામ નહોતું. માત્ર ગપ્પાં મારવા હતાં. ‘આજકાલ તારા લેખો મારા મિત્રોમાં બહુ વખણાય છે. આત્મા વિશે તેં સારું લખ્યું. સંતાનોના સેક્સ એજ્યુકેશન વિશે પણ સારું લખ્યું.’ બસ, હરખ કર્યો.

મૃત્યુ ક્યારે આવે ને ક્યારે નહીં. ગમતા માણસોને વગર કારણે મળતા રહેવું જોઈએ, કારણ વગર ફોન પર એમની સાથે આત્મીયતાની ક્ષણો માણતાં રહેવું જોઈએ. ડૉ. મનુ કોઠારી જેવું સુંદર મૃત્યુ જોઈતું હોય તો એમના જેવું સુંદર જીવન જીવવું જોઈએ. આજથી જ.

—————–

કાગળ પરના દીવા

મારો વખત આવશે ત્યારે હું જ મરવાનો છું, બીજું કોઈ નહીં, એટલે મને અત્યારે જીવવા દો મારી રીતે.

– જિમિ હેન્ડ્રિક્સ

————–

સન્ડે હ્યુમર

કિટ્ટી પાર્ટીમાં લેટેસ્ટ વાતચીત.

‘મિસિસ પટેલ નહીં આવી આજે?’

‘કયે મોઢે આવે? એના પરનું નામ સ્વિસ બૅન્કના બ્લેક મનીવાળા લિસ્ટમાં તો છે નહીં. સાવ મિડલ ક્લાસ નીકળી…’

6 comments for “સુંદર મૃત્યુ પામવા સુંદર જીવવું જોઈએ

 1. Sharad Shah
  November 4, 2014 at 5:04 PM

  એક સમયે રિક્ષાવાળા, હોટલવાળા,ટ્રાન્સપોર્ટવાળા,સટોડીયા,વગેરે વગેરે સમાજમાં નીમ્ન કક્ષાના અને તિરસ્કૃત ગણાતા. જ્યારે શિક્ષકો અને દાક્તરનો સામાજીક દરજ્જો ઘણો ઊંચો હતો. પરંતુ છેલ્લા બે દાયકામાં ડોક્ટરોના સામાજીક દરજ્જાનુ જે અધઃપતન થયું છે તેવું કદાચ બીજા કોઈ વ્યવસાયનુ નથી થયું. આમને આમ ચાલશે તો એક સમયે લોકો કહેતા શરમાશે કે મારો દિકરો કે દિકરી ડોક્ટર છે. પરંતુ મારે દેખ્યે ડોક્ટરો આ બાબતે જરા પણ ચિંતિત નથી જણાતા.
  સ્વિકારી લઈએ કે ૫-૭% ડોક્ટરો લેભાગુ કે દર્દીના ખિસ્સા ખાલી કરવાના કાર્યમાં જ લાગ્યા હોય તો પણ તેને કારણે સમગ્ર ડોક્ટરોને કે ડોક્ટરોના સમુદાયને દોષી ન ઠરાવી શકાય. આજે પણ મનુભાઈ કોઠારી જેવા અનેક ડોક્ટારો સમાજમાં તેમની સેવાઓ નિષ્ઠાપૂર્વક બજાવે છે અને તેને પ્રસંગોપાત ઉજાગર કરવી જરુરી છે. લાખો રુપિયાના ડોનેશન આપી બનતા ડોક્ટરો પર પ્રતિબંધ જરુરી છે.આ માટેના અનેક પગલાંઓ ડોક્ટર એશોશિએશને વિચારવા અને તેને અમલમાં મુકવા જોઈએ અને નિતિમત્તાના ધોરણો નક્કી કરવા જોઈએ જેથી ડોક્ટરની સામાજીક પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરી શકાય.
  સૌરભભાઈએ ડો. મનુભાઈ કોઠારીની જીવન ઝલક રજુ કરી સરાહનીય કાર્ય કર્યું છે. ડો. મનુભાઈ જેવા બીજા ઘણા ડોક્ટરો છે અને તેમના કાર્યોને પ્રકાશમાં લાવવાની જરુરીયાત છે, જેથી ડોક્ટરો પરનો વિશ્વાસ પાછો સ્થાપીત થાય અને વારંવાર ડોક્ટરો પર થતા શારીરિક હુમલાઓ બંધ થાય.

 2. Sharad Shah
  November 4, 2014 at 5:12 PM

  મારા ગુરુ કહેતા, “પશુને(ભિતરના) જીવન જીવવાની કલા આવડે છે ત્યારે ભિતર માનવનો જન્મ થાય છે અને માનવને(ભિતરના) મૃત્યુની કલા આવડે છે ત્યારે આત્માનો(ચૈતન્યનો)જન્મ થાય છે.”

 3. M.D.Gandhi, U.S.A.
  November 5, 2014 at 8:46 AM

  આવા સેવાભાવી ડૉક્ટરો ગોતવા જાવ તો આંગળીના વેઢા પણ વધી પડશે….. બહુ સુંદર પરિચય આપ્યો છે.

  ડૉક્ટર મનુભાઈ કોઠારીને પ્રભુ પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના.

 4. RAJANIKANT V GAJJAR
  November 5, 2014 at 10:47 AM

  really appreciate,more so because the song from ANADI,mentioned is also theme song of my life.it relates to my profession of anaesthesia as we always take away pains from painful procedures,our humble(sorry it is,paid) service to mankind

 5. SUNIL GANDHI
  November 5, 2014 at 4:08 PM

  સર

  સાલ મુબારક

  અતિ સુંદર …
  મારે આ લેખ જો પ્રિન્ટ કરવો હોઈ તો તેનું ઓપ્સન નથી

  કેવી રીતે પ્રિન્ટ કરી શકાય ?…

  આભાર
  સુનીલ ગાંધી
  9824019154

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *