આ બધું શું થયું, કેવી રીતે થયું, ક્યારે થયું, શું કામ થયું

‘આરાધના’ પહેલાં શક્તિ સામંતા ‘હાવરા બ્રિજ’, ‘ચાઈનાટાઉન’ અને ‘કશ્મીર કી કલી’ જેવી મૉડરેટલી હિટ ફિલ્મો બનાવી ચૂક્યા હતા. એ પછી બનાવેલી ‘એન ઈવનિંગ ઈન પૅરિસ’ થિયેટર માલિકોની હડતાળને કારણે એવરેજ કમાણી કરી શકી. એ પછી શક્તિ સામંતાએ શમ્મી કપૂર અને વિનોદ ખન્નાને લઈને ‘જાને અન્જાને’ બનાવવાની શરૂઆત કરી પણ પત્ની ગીતા બાલીના અચાનક મૃત્યુ પછી શમ્મી કપૂર ડિપ્રેશનમાં સરી પડ્યા અને એ ગાળામાં એમની કરિયર ખોરવાઈ ગઈ. (‘જાને અન્જાને’ છેક ૧૯૭૨માં રિલીઝ થઈ).

૧૯૬૮-૬૯માં ‘જાને-અન્જાને’ અધૂરી હતી અને આ બાજુ શક્તિ સામંતાનું યુનિટ કામ વિનાનું હતું. શક્તિદાએ એક ક્વિકી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. ‘અનુરાધા’, ‘આઈ મિલન કી બેલા’, ‘જાનવર’, ‘લવ ઈન ટોકિયો’, ‘આયે દિન બહાર કે’ ‘એન ઈવનિંગ ઈન પેરિસ’, ‘બ્રહ્મચારી’ અને ‘આયા સાવન ઝૂમ કે’ જેવી ફિલ્મોના મશહૂર રાઈટર સચિન ભૌમિક પાસે એક સ્ટોરી હતી જે ૧૯૪૬ની હૉલિવૂડ ફિલ્મ ‘ટૂ ઈચ હિઝ ઓન’ પરથી ઈન્સ્પાયર થયેલી. ઍરફોર્સનો પાઈલટ પ્લેન ક્રેશમાં મરી જાય છે અને એની કુંવારી પ્રેગ્નન્ટ પ્રેયસીને પાઈલટના પિતા પોતાની પુત્રવધૂ તરીકે સ્વીકારવાની ના પાડે છે. ‘આરાધના’ની આ સ્ટોરી શક્તિદાને પસંદ પડી હતી. શૂટિંગનું શેડ્યુલ નક્કી થઈ ગયું. આવતી કાલથી ફિલ્મ ફલોર પર જવાની છે અને આજે શક્તિદા મહાલક્ષ્મીના ફેમસ સ્ટુડિયોમાં આવેલી પોતાની ઑફિસમાં બેઠા છે. પ્રોડ્યુસર સુરિન્દર કપૂર (અનિલ કપૂરના પપ્પા)ની ઑફિસ પણ ત્યાં જ હતી. સુરિન્દર કપૂરે એ દિવસે શક્તિદાને કહ્યું કે મારી નવી ફિલ્મ ‘એક શ્રીમાન, એક શ્રીમતી’ની લાસ્ટ બે રીલ ધોવાઈને – એડિટ થઈ ગઈ છે તમે જોવા ચાલો. એ જમાનામાં પ્રોડ્યુસરો વચ્ચે આવી ભાઈબંધી હતી. લંચ ટાઈમમાં સ્ક્રીનિંગ રૂમમાં શક્તિદાએ ‘એક શ્રીમાન, એક શ્રીમતી’નો એન્ડ જોયો અને થીજી ગયા. ‘આરાધના’નો એન્ડ પણ અદ્લોઅદ્લ આવો જ હતો. બેઉ ફિલ્મ સચિન ભૌમિકે લખી હતી. રાઈટરને તાબડતોબ બોલાવ્યા. રાઈટરે સમજાવવાની કોશિશ કરી કે દેખીતી રીતે બેઉ ફિલ્મોની ક્લાઈમેક્સ એકસરખી લાગતી હોવા છતાં વાત આખી જુદી જ બને છે. પણ શક્તિદા ક્ધવીન્સ ન થયા. ‘આરાધના’ હજુ શરૂ પણ નથી થઈ તો શરૂ કરતાં પહેલાં જ એનું પડીકું વાળી દઈએ તો લાંબું નુકસાન નથી એવું વિચારીને એ પોતાની ઑફિસની બહાર, સ્ટુડિયોના કંપાઉન્ડમાં ટહેલવા નીકળ્યા. ત્યાં એમને પોતાની ફિલ્મ ‘જાને અન્જાને’ના રાઈટર મધુસૂદન કાલેલકર અને ૧૯૬૬માં બનાવેલી એક ફિલ્મ ‘સાવન કી ઘટા’ના રાઈટર ગુલશન નંદા મળ્યા જે ઑલરેડી પૉકેટબુક્સ તરીકે પ્રગટ થતી હિંદી નવલકથાઓના લેખક તરીકે પણ જાણીતા હતા.

શક્તિદાએ ગુલશન નંદાને પૂછ્યું, કોઈ સ્ટોરી હૈ આપ કે પાસ. ગુલશન નંદાએ કહ્યું કે એક વાર્તા છે, તમને પસંદ પડે એવી. ક્યારથી શૂટિંગ કરવાનો વિચાર છે? શક્તિદાએ કહ્યું: કાલથી. ત્રણેય જણ ઑફિસમાં આવ્યા. ગુલશન નંદાએ સ્ટોરી સંભળાવી. અડધો કલાક પછી શક્તિદાએ નક્કી કરી લીધું કે ‘આરાધના’ને બદલે આ નવી સાંભળેલી વાર્તા પરથી જ ફિલ્મ બનાવવી છે.

પણ ગુલશન નંદા અને મધુસૂદન કાલેલકરે એમને કહ્યું કે તમારે ‘આરાધના’ જ ચાલુ રાખવી જોઈએ. હવે શક્તિદાનો વારો હતો વાર્તા સંભળાવવાનો. એમણે ‘આરાધના’ની વાર્તા એ બેઉ રાઈટર્સને સંભળાવી દીધા પછી છેલ્લે કહ્યું કે આનો અંત સુરિન્દર કપૂરની ટૂંક સમયમાં રિલીઝ થનારી અને સચિન ભૌમિકે જ લખેલી ‘એક શ્રીમાન, એક શ્રીમતી’ જેવો જ છે. બેઉ રાઈટરોએ કહ્યું કે ‘આરાધના’નો સબ્જેક્ટ સારો છે, તમારે આટલા સારા વિષયને ખાલી એન્ડની સિમિલારિટીને કારણે છોડવો ના જોઈએ. બપોરના ચાર વાગ્યા હતા. બેઉ રાઈટર અને પ્રોડ્યુસર – ડાયરેકટર શક્તિદા મંડી પડ્યા. રાત્રે દસ વાગ્યે ત્રણેએ આખી વાર્તા નવી તૈયાર કરી નાખી. પાઈલટના મર્યા પછી એનો દીકરો મોટો થાય છે એ રોલમાં બીજા એકટરને લેવાનું નક્કી થયું હતું પણ હવે એ રોલ પણ સેમ એકટર પાસે કરાવવાનો એવું નક્કી થઈ ગયું. સચિન ભૌમિકની ભૂલને કારણે રાજેશ ખન્નાને ચાંદી થઈ ગઈ. અને હા, ગુલશન નંદાએ જે પેલી વાર્તા અડધો કલાક દરમિયાન સંભળાવેલી એના રાઈટ્સ પણ શક્તિ સામંતાએ લઈ લીધા જે એમણે ‘આરાધના’ પછી રાજેશ ખન્નાને જ લઈને બનાવી. ૧૯૫૦ની હૉલિવૂડની ફિલ્મ ‘નો મૅન ઑફ હર ઓન’ પર લૂઝલી બેઝ્ડ એ ફિલ્મ હતી ‘કટી પતંગ’.

‘આરાધના’ ક્વિકી હતી અને બજેટ પણ કંઈ બહુ મોટું નહોતું એટલે શક્તિ સામંતાએ પોતાની ‘એન ઈવનિંગ ઈન પૅરિસ’માં સુપરહિટ મ્યુઝિક આપી ચૂકેલા પણ ખૂબ તગડી ફી માગતા શંકર – જયકિશનને બદલે ઓછા બજેટવાળા એસ.ડી. બર્મનને કામ સોંપ્યું. શક્તિદાએ અગાઉની પોતાની ફિલ્મોમાં મોહમ્મદ રફીનો અવાજ વાપર્યો હતો પણ ‘આરાધના’ શરૂ થઈ ત્યારે રફી સાહેબ ત્રણ મહિનાની વર્લ્ડ ટૂર પર હતા એટલે મોડું કરવાને બદલે શક્તિદાએ કિશોરકુમારથી ‘ચલાવી લીધું’, હાલાકિ બે ગીત રફી સાહેબ રેકોર્ડ કરીને ગયા હતા એટલે વપરાયા (બાગોં મેં બહાર હૈ અને બીજું ગુનગુના રહે હૈ ભંવરે). પણ જસ્ટ ઈમેજિન કરો કે એ વર્લ્ડ ટૂરનું આયોજન ન થયું હોત તો તમારે કોરા કાગઝ થા યે મન મેરા કિશોર નહીં પણ મોહમ્મદ રફીના અવાજમાં સાંભળવું પડ્યું હોત, એટલું જ નહીં રૂપ તેરા મસ્તાના પણ રફીસા’બે ગાયું હોત અને વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ ઑલ મોહમ્મદ રફી ફૅન્સ પણ

મેરે સપનોં કી રાની કબ આયેગી તુ જો કિશોરને બદલે રફીના અવાજમાં આવ્યું હોત તો? કયામત આવી જાત.

કિશોરકુમારે ‘આરાધના’માં ગાયેલાં આ ત્રણેય ગીતોમાં એસ.ડી. પુત્ર પંચમનો ઘણો મોટો ફાળો છે. એસ.ડી. બર્મન ‘રૂપ તેરા મસ્તાના’ને કોઈ ફોક-ટ્યૂન જેવા મૂડમાં ગવડાવવા માગતા હતા પણ આર.ડી. બર્મનના આગ્રહથી કિશોરકુમારે ઈરોટિક અંદાઝમાં ગાયું. કોરા કાગઝ થાની ટ્યૂન પણ આર.ડી.એ બદલાવીને શક્તિદા પાસે મંજૂર કરાવી. મેરે સપનોં કી રાનીના રેકોર્ડિંગમાં ગીતના ઈન્ટ્રો વખતે ગિટાર વગાડવાની હતી પણ એસ.ડી.ને વગાડનારથી સંતોષ થતો નહોતો. છેલ્લી ઘડીએ આર.ડી.એ માઉથ ઑરગન પર ઈન્ટ્રોનો એ પીસ વગાડ્યો અને એ એવો મશહૂર થયો કે એના બે જ બાર સાંભળો ને કહી આપો કે આ કયું ગીત છે.

૧૯૬૯માં ‘આરાધના’થી સડસડાટ ચાલેલી ગાડી ક્યાંય રોકાયા વિના આગળ વધતી રહી. સિત્તેર અને એકોતેરનાં વર્ષો હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ ક્યારેય ન જોયાં હોય એવા પુરવાર થયાં. એક જ વર્ષમાં એક જ હીરોની ચારથી છ ફિલ્મો જ્યુબિલી હિટ્સ થાય એવું ક્યારેય નહોતું બન્યું. ઓગણીસો બોંતેરના વર્ષનું ઓપનિંગ પણ સારું થયું. ‘દુશ્મન’, ‘અપના દેશ’ અને ‘અમર પ્રેમ’. આ ત્રણેય ફિલ્મો ૧૯૭૨માં અલમોસ્ટ શરૂના ત્રણેક મહિનામાં રિલીઝ થઈ અને ત્રણેય એકબીજાથી સાવ જુદી ફિલ્મો, ત્રણેયનાં ગીતો હિટ અને બોક્સ ઑફિસ પર ફિલ્મો સુપરહિટ.

પણ ૧૯૭૨ના સેક્ધડ હાફમાં ધબડકો: ‘દિલ દૌલત દુનિયા’, ‘બાવર્ચી’, ‘મેરે જીવન સાથી’, ‘જોરુ કા ગુલામ’, ‘માલિક’ અને ‘શહઝાદા’. ધડાધડ બધી જ ફિલ્મો પીટાઈ ગઈ. આ બધામાં ‘બાવર્ચી’ એક ક્લાસિક ફિલ્મ હતી પણ તે વખતે બૉક્સ ઑફિસ પર નહોતી ચાલી. ‘મેરે જીવન સાથી’નાં ગીતો ત્યારે તો હિટ હતાં જ આજે પણ ખૂબ કર્ણપ્રિય લાગે છે (ઓ મેરે દિલ કે ચૈન, દીવાના લે કે આયા, ચલા જાતા હૂં કિસી કી ધૂન મેં) પણ ફિલ્મ ફલોપ થઈ ગઈ હતી.

૧૯૭૨ની આગલી ત્રણ સુપરહિટ ફિલ્મોની સફળતાને આ છ-છ એક સાથે ફલોપ ગયેલી ફિલ્મોએ ગ્રહણ લગાડી દીધું. રાજેશ ખન્નાનાં વળતાં પાણી – એવું આઠ કૉલમનું મથાળું બાંધવાનું જ અખબારોએ બાકી રાખ્યું. એ વર્ષના અંતે રાજેશ ખન્નાનું ફેવરિટ ગીત આ જ હોવું જોઈએ: યે ક્યા હુઆ, કૈસે હુઆ, કબ હુઆ, ક્યોં હુઆ…

આજનો વિચાર

ચિનગારી કોઈ ભડકે

તો સાવન ઉસે બુઝાયે

સાવન જો અગન લગાયે

ઉસે કૌન બુઝાયે

પતઝડ જો બાગ ઉજાડે

વો બાગ બહાર ખિલાયે

જો બાગ બહાર મેં ઉજડે

ઉસે કૌન ખિલાયે

– આનંદ બક્ષી

એક મિનિટ!

પત્ની: હું મરી જઉં તો તમે કેટલા વખતમાં ફરી પરણો?

પતિ: જો ને, મોંઘવારી કેટલી છે. પ્રયત્ન તો એવો કરીશ કે બારમાનું જમણ અને રિસેપ્શન એકસાથે જ ગોઠવાઈ જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *