‘મેરે હોતે હુએ આપ કિસી ઔર કો સોચ ભી કૈસે સકતે હો’

રાજેશ ખન્નાએ પોતે જ એક ઈન્ટરવ્યૂહમાં આ વાત કહેલી. સુપર સ્ટારડમના દિવસો ચાલી રહ્યા હતા. ૧૯૭૧ની આ વાત. જ્યુબિલી સ્ટાર રાજેન્દ્ર કુમારનો કાર્ટર રોડ પરનો બંગલો રાજેશ ખન્નાએ ખરીદી લીધો હતો. બંગલોનું પેમેન્ટ કરવા માટે જ એમણે સાઉથની કોઈ હાથીવાળી ફિલ્મ રિલક્ટન્ટલી સાઈન કરી હતી. ફિલ્મની વાર્તા સારી હતી પણ સ્ક્રીનપ્લે ઢીલો હતો. રાજેશ ખન્નાએ સલીમ ખાન અને જાવેદ અખ્તર નામના બે રાઈટર્સ જે જી. પી. સિપ્પીના સ્ટોરી ડીપાર્ટમેન્ટમાં કામ કરતા એમનો સંપર્ક કર્યો. વધારે પૈસા આપવાનું પ્રોમિસ આપ્યું. એ બે રાઈટર્સે ફિલ્મમાં પોતાને સેપરેટ ક્રેડિટ આપવામાં આવે એવી શરત મૂકી. રાજેશ ખન્નાએ શરત કબૂલ રાખી. સલીમ-જાવેદની ક્રેડિટવાળી એ પહેલી ફિલ્મ ‘હાથી મેરે સાથી’. સાઉથના ફેમસ નિર્માતા ચિનપ્પા દેવરનું પ્રોડક્શન. એઝ યુઝવલ રાજેશ ખન્ના સેટ પર મોડા પહોંચે. હીરો આવે ત્યારે પ્રોડ્યુસર પોતાની પાસે ઊભેલા એક છોકરાને નેતરની સોટીથી ફટકારે. દર વખતે આવું થતું. એક દિવસ રાજેશ ખન્નાએ પૂછયું ત્યારે ચિનપ્પા દેવરે ફ્રેન્કલી કહ્યું કે તમે તો બિગ સ્ટાર છો, ફાવે ત્યારે આવો અને ફાવે ત્યારે જઈ શકો છો. હું લાચાર છું. મારો ગુસ્સો હું આ છોકરા પર ઉતારું છું. બીજા દિવસથી રાજેશ ખન્ના ટાઈમસર સેટ પર આવતા થઈ ગયા.

‘આરાધના’ અને ‘કટી પતંગ’ની સફળતા પછી શક્તિ સામંતા ‘અમર પ્રેમ’માં કોઈ બીજા હીરોને લઈ રહ્યા છે એવી ખબર પડતાં જ રાજેશ ખન્ના શક્તિદાની ઑફિસમાં ધસી ગયા હતા. મેરે હોતે આપ કિસી ઔર કો સોચ ભી કૈસે સકતે હૈ એવા કોઈ ફિલ્મી ડાયલોગના જવાબમાં શક્તિ સામંતાએ કહ્યું કે તમારી પાસે મારા માટે ડેટ્સ જ કયાં છે. વાત સાચી હતી. રાજેશ ખન્નાની ડેટ્સ બધી અપાઈ ગઈ હતી, સાઈનિંગ અમાઉન્ટ્સ લેવાઈ ગયા હતા. રાજેશ ખન્નાએ કહ્યું રોજ રાત્રે અડધી શિફ્ટ તમારી. અને ‘અમર પ્રેમ’ ચાર-ચાર કલાકના ટુકડાઓમાં મુંબઈમાં શૂટ થઈ.

‘આનંદ’ની સફળતા પછી ઋષિકેશ મુખર્જી શશી કપૂરને લઈને ‘બાવર્ચી’ બનાવવા માગતા હતા કારણ કે ‘બાવર્ચી’ જેવી લો-બજેટ ફિલ્મમાં સુપર સ્ટારની ફી એમને પોસાતી નહોતી. રાજેશ ખન્નાને ખબર પડી. જે આપવું હોય તે આપજો, પણ કામ મને જ આપવાનું છે કહીને રાજેશ ખન્નાએ ‘બાવર્ચી’ કરી.

‘હાથી મેરે સાથી’, ‘અમર પ્રેમ’ અને ‘બાવર્ચી’ રાજેશ ખન્નાએ ન કરી હોત તો એમની સફળતા થોડીક ઝાંખી હોત. દરેક સફળ વ્યક્તિને ખબર હોવી જોઈએ કે ક્યાં ધાર્યું કરવું અને ક્યાં જતું કરવું. રાજેશ ખન્નામાં આ સેન્સ હતી. ખબર નહીં કેમ, ૧૯૭૪ પછી આ સેન્સ ક્યાં જતી રહી. જે માણસ રોજ દારૂની મહેફિલો સજાવે છે એ જ માણસ રોજ રાત્રે મિલ મજૂરની જેમ ઉજાગરા કરીને ચાર-ચાર કલાક શૂટિંગ કરવા જાય છે. જે માણસ બંગલાની બહાર પ્રોડ્યુસરોને કલાકો સુધી ઊભા રાખે છે, એમના ફોન પણ નથી ઉઠાવતો એ સામે ચાલીને પ્રોડ્યુસરો પાસે પહોંચીને બાય, બૉરો ઓર સ્ટીલ કરીને ફિલ્મો કરે છે. આ બધું એક જ ગાળામાં, એ જ બે-ચાર વર્ષોમાં થાય છે.

તો પછી નિષ્ફળતા શું કામ આવે છે? લક જેવું કંઈ હશે? હોત તો બધા લોકો તમામ ગ્રહોને રિઝવવા માટે દસે આંગળામાં વીંટીઓ પહેર્યા કરતા હોત. સફળતાની કોઈ ફૉર્મ્યુલા હશે? હોત તો એવી ફૉર્મ્યુલા જેની પાસે હોત એ એને પેટન્ટ કરાવીને લોકોને વેચીને પ્રાઈવેટ ટાપુ પર જઈને એશઆરામ કરતો હોત. સફળતા કે નિષ્ફળતાનાં કોઈ સમીકરણો હોતાં નથી. માણસ સફળ થાય એ પછી એની સફળતાનાં અને એ નિષ્ફળ જાય એ પછી એની નિષ્ફળતાનાં કારણો શોધાતાં હોય છે.

આંખની તંદુરસ્તી માટે ઓપ્થેલ્મોલોજિસ્ટ ટ્વેન્ટી/ટ્વેન્ટી જેવી ટર્મ વાપરે છે. ચશ્માં વગર જે દૂરનું સ્પષ્ટ જોઈ શકે એની આઈસાઈટ ટ્વેન્ટી/ટ્વેન્ટી છે એવું કહેવાય. હાઈન્ડ સાઈટ એટલે પાછોતરી નજર. જે બની ગયું છે તેના વિશે તમે વાત કરો, વિશ્ર્લેષણ કરો તે. એટલે જ અંગ્રેજીમાં આ રૂઢિપ્રયોગ છે કે હાઈન્ડસાઈટ ઈઝ ઑલવેઝ ટ્વેન્ટી/ટ્વેન્ટી! બાકી, આગળ જોવાની ટ્વેન્ટી/ટ્વેન્ટી દૃષ્ટિ બધા પાસે હોત તો આજે આપણે સૌ મહાભારતના ચોથા પાંડવા સહદેવના વારસદારો હોત.

રાજેશ ખન્ના આગળનું જોઈ શક્યા નહીં. કોઈ નથી જોઈ શકતું. પણ મૉડરેટ સફળતા મેળવીને નીચે પછડાતા લોકોની નિષ્ફળતા વખતે પછડાટનો અવાજ ઓછો આવે છે. રાજેશ ખન્ના પ્રસિદ્ધ લોકપ્રિયતા અને દબદબાના શિખરની એવી ઊંચાઈએ હતા કે જ્યારે એ પછડાયા ત્યારે એની ગૂંજ ભારત આખાના આમ પ્રેક્ષકોએ સાંભળી. ગઈ કાલના ‘આજનો વિચાર’માં ધૂમકેતુની વાર્તા ‘વિનિપાત’નું જે વાક્ય ક્વોટ કરેલું એવું જ એમની લાઈફમાં થયું: પડે છે ત્યારે સઘળું પડે છે.

જોકે, એ પછડાટ તો ૧૯૭૩-૭૪ પછી આવ્યો. એ પહેલાં શું થયું? ‘ફિલ્મફેર’ – યુનાઈટેડ પ્રોડ્યુસર્સ કમ્બાઈનની સ્પર્ધામાં દેશભરમાંથી દસ હજાર એન્ટ્રી આવી હતી. ફાઈનલ્સમાં મેલ રનર અપ વિનોદ મહેરા, ફિમેલ રનર અપ લીના ચંદાવરકર અને ફિમેલ વિનર (હોલ્ડ યૉર બ્રેથ) ફરિદા જલાલ! મેલ વિનર જતીન ખન્ના ઉર્ફે રાજેશ ખન્ના. ૧૯૬૫-૬૬ની આ વાત. હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ટોચના પ્રોડ્યુસરો દ્વારા યોજાયેલી આ કોન્ટેસ્ટમાં જે જીતે એનાં ભાગ્ય ઉઘડી જવાનાં હતાં. બી. આર. ચોપરા, બિમલ રોય, દેવેન્દ્ર ગોયેલ, એફ. સી. મહેરા, જી. પી. સિપ્પી, એચ. એસ. રવૈલ, હેમન્ત કુમાર, નાસિર હુસૈન, જે. ઓમ પ્રકાશ, મોહન સાયગલ, શક્તિ સામંતા અને સુબોધ મુખર્જી – આ બાર ફિલ્મ પ્રોડ્યુસરો સાથેની ફિલ્મોના કૉન્ટ્રાક્ટ્સ સામેથી ખોળામાં આવી જવાના હતા. રાજેશ ખન્નાએ અમુક સંજોગોને લીધે તેરમા પ્રોડ્યુસર ચેતન આનંદ સાથે કરિયરની પહેલી ફિલ્મ કરી ‘આખરી ખત’. પીટાઈ ગઈ. ૧૯૬૪માં ‘હકીકત’ જેવી સુપરહિટ ફિલ્મ બનાવનાર ચેતન આનંદ અહીં નિષ્ફળ ગયા. પછી જી. પી. સિપ્પીની ‘રાઝ’ ‘૧૯૬૭’ આવી. એ જ વર્ષે નાસિર હુસૈનની ‘બહારોં કે સપને’ પણ આવી અને તમિળ ફિલ્મની રિમેક ‘ઔરત’ આવી. રાજેશ ખન્ના સાથે ફિલ્મ બનાવતાં પહેલાં જેઓ સિલ્વર અને ગોલ્ડન જ્યુબિલી હિટ્સ ફિલ્મો બનાવી ચૂક્યા હતા અને રાજેશ ખન્ના સાથે ફિલ્મ બનાવ્યા પછી પણ જેમણે એવી જ સુપરહિટ ફિલ્મો બનાવી એવા નિર્માતાઓની સાથેની ફિલ્મો ફ્લોપ ગઈ. કારકિર્દીની શરૂઆત જ એકદમ નરમઘેંસ જેવી થઈ. નસીબના દરવાજા ખુલી ગયા છે એવું લાગતું હતું ત્યાં જ કમાડ ભિડાઈ ગયા. પણ ઈન્ડસ્ટ્રીને આ નવા હીરો પર ભરોસો હતો. વિશેષ તો આ નવા હીરોને પોતાના પર ભરોસો હતો.

શક્તિ સામંતા સાથે રાજેશ ખન્નાએ એક ફિલ્મ સાઈન કરેલી જેમાં એરફોર્સના પાઈલોટનો રોલ હતો જે ઈન્ટરવલ પહેલાં મરી જાય છે. ઈન્ટરવલ પછી સ્વર્ગસ્થના પુત્ર તરીકે બીજો હીરો લેવાનું વિચારાયું હતું. ફિલ્મના નરેશન માટે રાજેશ ખન્ના શક્તિ સામંતાના સાંતાક્રુઝના ઘરે આવતા ત્યારે એમનો દીકરો આસિમ સામંતા સ્કૂલમાં ભણતો. ‘ધ લોન્લીનેસ ઑફ બીઈંગ રાજેશ ખન્ના: ડાર્ક સ્ટાર’ માટે ગૌતમ ચિન્તામણિએ આસિમ સામંતાનો ઈન્ટરવ્યૂ લીધો ત્યારે એમણે કહ્યું: એ વખતે રાજેશ ખન્ના સ્ટાર નહોતા. ત્રણ ફિલ્મોના નિષ્ફળ અભિનેતા હતા. પણ શેવરોલેટમાં આવતા. સુપર સ્ટાર બન્યા નહોતા, બનશે કે નહીં એની ભગવાન સિવાય કોઈનેય ખબર નહોતી પણ એ વખતેય એમની સ્ટાઈલ, એમનો રૂઆબ, એમની ઑરા સુપર સ્ટાર બન્યા પછી જેવી હતી એવી જ હતી.

‘આરાધના’એ રાજેશ ખન્ના સહિત અનેકની લાઈફ ચેન્જ કરી નાખી. પણ એક તબક્કે, શૂટિંગના પ્રથમ દિવસની આગલી બપોરે, શક્તિ સામંતાએ ‘આરાધના’ બનાવવાનું માંડી વાળ્યું હતું. વધુ કાલે.

આજનો વિચાર

કશુંક પૂરું થઈ ગયું છે,

કશુંક અધૂરું છે,

કશુંક શરૂ થવાનું છે,

જિંદગી આ જ તો છે.

– સૌરભ શાહ

એક મિનિટ

ગુલાબી ઠંડીના ટકોરા સંભળાઈ રહ્યા છે.

પણ જ્યાં સુધી યુગપુરુષ અરવિંદ કેજરીવાલ મફલર ન બાંધી લે ત્યાં સુધી શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે એવી સત્તાવાર જાહેરાત નહીં થઈ શકે.

– મૌસમ વિભાગ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *