‘મારી પરવરિશ ગલત થઈ હતી’

જે વ્યક્તિની પર્સનલ લાઈફને, સેક્સ લાઈફને તમારી પર્સનલ અને સેક્સ લાઈફ સાથે નિસબત ન હોય એ વ્યક્તિની પર્સનલ/ સેક્સ લાઈફ સાથે તમારે પણ કોઈ લેવાદેવા ન હોવી જોઈએ. જો તમે એવી લેવાદેવા રાખો અને ચર્ચાઓ કરતા રહો તો તમે કૂથલીખોર છો, નિંદાખોર છો, ગંદા માણસ છો એવું હું માનું છું અને લકીલી રાજેશ ખન્નાની જીવનકથા ‘ધ લોન્લીનેસ ઑફ બીઇંગ રાજેશ ખન્ના: ડાર્ક સ્ટાર’ લખનાર ગૌતમ ચિન્તામણિ પણ લાર્જલી એવું જ માને છે. એટલે જ આ પુસ્તક એક સ્ટડી બુક જેવું બન્યું છે. રાજેશ ખન્નાની પર્સનલ/ સેક્સ લાઈફના સંદર્ભો જૂજ છે અને તે પણ એમની કરિયરના એ પર્ટિક્યુલર ગાળા સાથે સંકળાયેલા છે એટલે, નામ પૂરતા જ ઉલ્લેખો છે.

આજે જ્યારે અક્ષયકુમાર જ નહીં અજય દેવગણ જેવા પણ ‘સુપર સ્ટાર’ ગણાતા થઈ ગયા છે અને વર્ષે એકાદ ફિલ્મ હિટ (અર્થાત્ સો કરોડની ક્લબમાં સમાવેશ થાય એવી ફિલ્મ) આપે તો જાણે ઈતિહાસ સર્જાઈ રહ્યો છે એવું મીડિયા કવરેજ મળે છે ત્યારે વિચાર કરો કે માત્ર ૩ વર્ષમાં સવા ડઝન જેટલી સુપર હિટ (સિલ્વર જ્યુબિલી કે ગોલ્ડન જ્યુબિલી) ફિલ્મો એક જ અભિનેતા આપે ત્યારે કેવા કેવા ટેક્ચર્ચ સર્જાતા હશે અને પાછું તે વખતે ફિલ્મો માત્ર માર્કેટિંગના જ જોર પર નહોતી ચાલતી. આજે તો અડધો ડઝન જેટલા નાનામોટા – સારા ચિરકુટ ટીવી શોમાં જઈને સ્ટાર્સ લોકો થોડીક જુબાન અને થોડીક ટાંગ હલાવી આવે એટલે ત્રણ દિવસમાં સો કરોડનો બિઝનેસ કરી નાખે. ‘હૅપી ન્યૂ યર’ જેવી તદ્દન ફડતૂસ ફિલ્મો પણ માર્કેટિંગના જોરે હિટ થઈ શકે છે.

તે વખતે સ્ટારપાવર ઉપરાંત સારી સ્ટોરી, સારી ઍક્ટિંગ, સારું ડિરેક્શન અને સારું મ્યુઝિક પ્રેક્ષકોને સોમવારથી જ ઍડવાન્સ બુકિંગની લાઈનમાં ઊભા કરી દેતું. શુક્રવારે ફિલ્મ રિલીઝ થયા પછી એટલો મોટો વર્ડ ઑફ માઉથ ફેલાતો કે પચ્ચીસ ને ક્યારેક પચાસ અઠવાડિયા સુધી ક્યારેક કરન્ટ બુકિંગ ખુલતું જ નહીં, ઍડવાન્સમાં જ સાત તરી એકવીસ શોઝ હાઉસફુલ થઈ જતા.

રાજેશ ખન્ના એ જમાનામાં સુપર સ્ટાર બન્યા. કુલ ૧૦૬ ફિલ્મ સોલો હીરો તરીકે કરી. આ ઉપરાંત બીજી ૫૭ ફિલ્મો કરી. આ ૫૭માંની ૨૨ ફિલ્મોમાં બે હીરો હતા. ૧૯૬૬ની ‘આખરી ખત’ સૌથી પહેલી ફિલ્મ અને એ પછી ૧૯૬૭માં ‘રાઝ’ અને ‘બહારોં કે સપને’ અને ‘ઔરત’ આવી. ૧૮૬૮માં એક જ ફિલ્મ ‘શ્રીમાનજી’ અને ૧૯૬૯માં ‘આરાધના’. રાજેશ ખન્નાની રાજધાની એક્સપ્રેસ સપનોં કી રાની પાછળ દોડતી થઈ ગઈ. ‘આરાધના’ પછી એ જ વર્ષે

‘દો રાસ્તે’ આવી અને મુમતાઝની બિંદિયાની સાથે રાજેશ ખન્નાની કિસ્મત પણ ચમકવા માંડી. ૧૯૭૦માં ‘ધ ટ્રેન’, ‘સચ્ચા જૂઠા’ અને ‘સફર’. ૧૯૭૧માં ‘કટી પતંગ’, ‘આનંદ’, ‘આન મિલો સજના’, ‘અંદાઝ’, ‘મર્યાદા’, ‘હાથી મેરે સાથી’ અને ‘મહેબૂબ કી મહેંદી’. ‘અંદાઝ’માં શમ્મી કપૂર હીરો હતા છતાં જિન્દગી એક સફર હૈ સુહાનાની અપ્રતિમ પૉપ્યુલારિટીએ રાજેશ ખન્નાને જ લોકોની નજરમાં એ ફિલ્મના હીરો તરીકે પ્રસ્થાપિત કરી દીધા. ૧૯૭૨માં ‘દુશ્મન’, ‘અમરપ્રેમ’ અને ‘અપના દેશ’ ઉપરાંત ‘બાવર્ચી’ અને ‘મેરે જીવન સાથી’. ૧૯૭૩માં ‘દાગ’, ‘નમક હરામ’ અને વળતાં પાણી શરૂ થયાં ત્યારે, ૧૯૭૪માં ‘આપ કી કસમ’, ‘પ્રેમનગર’, ‘અજનબી’ અને ‘રોટી’.

આ ગાળામાં ‘આવિષ્કાર’ (૧૯૭૪), ‘ખામોશી’ (૧૯૭૦) અને ‘ઈત્તેફાક’ (૧૯૬૯) જેવી અત્યંત સુંદર ઑફબીટ ફિલ્મો પણ એમણે કરી. સાથોસાથ ‘ડોલી’ (૧૯૬૯), ‘છોટી બહુ’ (૧૯૭૧), ‘દિલ દૌલત દુનિયા’ (૧૯૭૨) અને ‘શહઝાદા’ (૧૯૭૨) જેવી અડધોએક ડઝન ટોટલી ફર્ગેટેબલ ફિલ્મો પણ કરી. ‘આરાધના’થી ‘દાગ’ અને ‘નમકહરામ’ સુધીની જે ફિલ્મો ગણાવી તેમાંની કમસેકમ પંદર ફિલ્મો સુપરડુપર હિટ હતી એટલું જ નહીં એ તમામ ફિલ્મોનું મ્યુઝિક (એટલે કે એનાં ગીતો) આજે પણ સદાબહાર છે અને આજે ચાર દાયકા પછી પણ જો એ ક્યારેક ટીવી પર ચાલતી હોય તો સર્ફિંગ રોકીને ત્યાં જ રોકાઈ જવાનું મન થાય. ‘આનંદ’, ‘અમરપ્રેમ’, ‘આરાધના’ કે ‘સફર’ જેવી ફિલ્મો તો ડીવીડી લગાવીને સળંગ માણવાની મજા આવે, અત્યારે પણ.

કિશોરકુમાર, આર.ડી. બર્મન અને આનંદ બક્ષીની ત્રિપુટીએ રાજેશ ખન્નાને અમર બનાવવામાં મોટો ભાગ ભજવ્યો. ક્યારેક આ ત્રિપુટીમાં આર.ડી.ની જગ્યાએ કલ્યાણજી – આણંદજી (‘સફર’, ‘સચ્ચાજૂઠા’) આપ્યા તો ક્યારેક લક્ષ્મીકાન્ત – પ્યારેલાલ (‘દો રાસ્તે’, ‘દાગ’).

રાજેશ ખન્નાની આ ફિલ્મો જેમણે જોઈ છે એમને ખબર છે કે રાજેશ ખન્ના એક લેજન્ડ એક સુપર સ્ટાર કેવી રીતે બન્યા. રાજેશ ખન્નાની તડકીછાંયડીની વાત ૧૯૩૫થી શરૂ થાય છે. ખન્ના પરિવાર લાહોરથી અમૃતસર થઈને મુંબઈ રહેવા આવ્યો. તેના ૭ વર્ષ પછી ૧૯૪૨માં જતીનનો જન્મ થયો. તે વખતે ગિરગામ, ઠાકુરદ્વારના ‘સરસ્વતી નિવાસ’માં એમનું ઘર હતું. સૌથી નાના જતીનને ઘરમાં બધા પંજાબી પરંપરા મુજબ કાકા કહેતા. કાકા એટલે સૉર્ટ ઑફ મુન્ના, બચ્ચા. જતીનનાં સગાં કાકી લીલાવતીને ભત્રીજો ખૂબ વહાલો. કાકા ચુનીલાલ અને કાકી લીલાવતી નિ:સંતાન એટલે એમણે જતીનને ગોદ લીધો, દત્તક લીધો. એકચ્યુલી તો જતીનના માતા ચંદારાનીએ જતીનના જન્મ પહેલાં ભાભી લીલાવતીને આ પ્રોમિસ આપ્યું હતું. બધા જોઈન્ટ ફૅમિલીમાં જ રહેતા હતા. કાકાકાકીએ જતીનને બહુ જ લાડકોડમાં ઉછેર્યો, અલમોસ્ટ દીકરો જીદ્દી બની જાય તે હદ સુધી એને પૅમ્પર કર્યો. મોટા થયા પછી જતીન ઉર્ફે રાજેશ ખન્ના મિત્રોને કહેતા કે હું ખિસ્સાખર્ચી માટે પાંચ રૂપિયા માગું તો મને દસ રૂપિયા મળતા. સ્કૂલમાં જવું નહીં, ક્લાસમાં બેસવું કે નહીં – એ બધું હું જેમ ધારું તેમ નક્કી કરતો અને ઘરમાં બધા ચલાવી લેતા. પછી રાજેશ ખન્ના ઉમેરતા, ‘મેરી પરવરીશ ગલત હુઈ હૈ.’ આવા ઉછેરને લીધે પોતાને પૈસાનું અને સમયનું મૂલ્ય સમજાયું નહીં એટલે અફસોસ એ મિત્રો આગળ વ્યક્ત કરતો.

કૉલેજમાં એમનો મિત્ર રવિ કપૂર હતો. બંને જણાએ સાથે ફિલ્મલાઈનમાં સ્ટ્રગલ શરૂ કરી. જતીન ખન્ના રઈસ કુટુંબના. મહિને હજાર રૂપિયા ઘરમાંથી મળતા. બીજા સ્ટ્રગલર્સને ખાવાના અને ચા – સિગારેટના વાંધા. જતીન ફોરેનની સ્પોર્ટ્સ કારમાં કામ માગવા જતા. રવિ કપૂરને ૧૯૬૪માં જ વી. શાંતારામે ‘ગીત ગાયા પથ્થરોંને’માં લીડ રોલ આપ્યો. જિતેન્દ્ર ઉર્ફે રવિ કપૂરની કરિયર શરૂ થઈ ગઈ. એ વખતે મુંબઈની કે. સી. કૉલેજમાં ભણતા જતીન ખન્ના નાટકોમાં કામ કરતા. પણ એમના સમકાલીનોમાં ‘ઈપ્ટા’ના નાટકોમાં કામ કરતા સુરતી હરિભાઈ જરીવાલા ઘણા વધારે ટેલન્ટેડ ગણાતા. ‘ગુરખા’ અને ‘નેપાલી નોકર’ જેવાં વિશેષણો પામીને હતાશ થયેલા જતીનને પિતા ચુનીલાલે અલ્ટિમેટમ આપી દીધું કે પાંચ વર્ષ, જો પાંચ વર્ષ કંઈ ઉકાળ્યું નથી તો ફૅમિલી બિઝનેસમાં લગાડી દઈશ. પણ કાકા-કાકી જતીનને પ્રોત્સાહન (અને પૈસા) આપતાં રહ્યાં.

આજનો વિચાર

પડે છે ત્યારે સઘળું પડે છે.

– ‘ધૂમકેતુ’ (‘વિનિપાત’ વાર્તામાં)

એક મિનિટ!

કાલે મારી વાઈફે મને હર્ટ કર્યો. મને થયું કે હું દુનિયા છોડી દઉં.

પણ પછી મેં મારા દિલને સમજાવ્યું.

કે જો બકા, તારાથી વૉટ્સઍપ તો છુટતું નથી… દુનિયા શું તંબૂરો છોડીશ.

– વૉટ્સઍપ પર ફરતું.

1 comment for “‘મારી પરવરિશ ગલત થઈ હતી’

  1. મનસુખલાલ ગાંધી
    October 29, 2014 at 4:10 AM

    બહુ સુંદર પરિચય આપ્યો છે, અને ઘણી નવી અને અણજાણ વાતો પણ જાણવા મલી. બહુ ગમ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *