હિંદી ફિલ્મોના એક ડાર્ક સ્ટાર હોવાની એકલતા

rajesh-khanna_134267313418 ઝળહળતી સફળતાનાં સપનાંઓ જોનારાને ખ્યાલ નથી હોતો એ સફળતા મળી ગયા પછી કાયમ ટકવાની નથી એટલું જ નહીં, સફળતાની ટોચ પરથી ગબડીને નિષ્ફળતાની ખીણમાં ધકેલાઈ ગયા પછી જીવન કેટલું દોહ્યલું બની જવાનું છે, એના કરતાં નૉર્મલ લાઈફ હતી તે સારી હતી, ઝળહળતી સફળતાના ખ્વાબ શું કામ જોયા એવું લાગવાનું છે.

અહીં ક્ષણિક સફળતાની વાત નથી. આંખો આંજી દે એવી સફળતાની વાત છે. સક્સેસ શબ્દ ટૂંકો પડે એવી સફળતાની વાત છે. સુપર સક્સેસની વાત છે.

એ જમાનામાં માત્ર સ્ટાર્સ હતા, સુપરસ્ટાર કોઈ નહોતું. દિલીપકુમાર, રાજ કપૂર અને દેવ આનંદ. સુપરસ્ટાર શબ્દ હજુ કૉઈન નહોતો થયો. લેટ સિક્સ્ટીઝ અને અર્લી સેવન્ટીઝમાં કૉઈન થયો. રાજેશ ખન્ના માટે. ગૌતમ ચિંતામણી નામના પૉપ્યુલર કૉલમનિસ્ટ અને સિનેરસિયાએ રાજેશ ખન્નાની સૌપ્રથમ ઑથેન્ટિક (ઑફિશ્યલ નહીં) બાયોગ્રાફી લખી છે જે થોડા દિવસ પહેલાં જ હાર્પર કૉલિન્સ જેવા પ્રતિષ્ઠિત ઈન્ટરનેશનલ પબ્લિશર્સે પ્રગટ કરી. ‘ધ લોન્લીનેસ ઑફ બીઈંગ રાજેશ ખન્ના: ડાર્ક સ્ટાર’ની પ્રસ્તાવના રાજેશ ખન્ના સાથે ‘આરાધના’, ‘સફર’ અને ‘અમરપ્રેમ’ સહિતની કેટલીક સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી શર્મિલા ટાગોરે લખી છે.

રાજેશ ખન્ના માટે એક પ્રચલિત માન્યતા એવી છે કે ‘આનંદ’ અને ‘આરાધના’ પછી શરૂ થયેલી એમની કારકિર્દીનો સિતારો ત્રણ વર્ષ સુધી સતત પંદરેક સુપરહિટ ફિલ્મો આપ્યા પછી આથમી ગયો, અમિતાભ બચ્ચનના આગમન પછી ખન્નાની તમામ ફિલ્મો ફ્લોપ જવા માંડી. રાજેશ ખન્નાએ ફરી પાછા આવવા માટે ઘણા ફાંફાં માર્યા પણ કમ-બૅકના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા અને કાકાનો સિતારો ફરી ક્યારેય ચમક્યો નહીં. આવી માન્યતા ઈન્ડસ્ટ્રીમાં અને આમ જનતામાં પ્રચલિત છે. શું ખરેખર એવું હતું? જો હા તો એની પાછળનાં કારણો કયા હતાં? બચ્ચનજીના આગમનને કારણે કાકા પાછળ ફેંકાઈ ગયા? રાજેશ ખન્નાની સફળતા પાછળ ખરેખર કયા કારણો હતાં અને એમની નિષ્ફળતાનો રાઝ શું હતો? એકધારી પંદર સિલ્વર – ગોલ્ડન જ્યુબિલી ફિલ્મો આપ્યા પછીના દોઢ – બે દાયકા દરમિયાન શું રાજેશ ખન્નાએ કોઈ સારી કે હિટ ફિલ્મો આપી જ નહીં? આવા અનેક સવાલોના વેલ રિસર્ચ્ડ જવાબો ગૌતમ ચિંતામણીએ લખેલી રાજેશ ખન્નાની સવા બસો પાનાંની જીવનીમાંથી મળે છે. નવાઈની વાત છે કે રાજેશ ખન્ના જેવા આવડા મોટા સુપરસ્ટારની પ્રતિષ્ઠિત પબ્લિશરે પ્રગટ કરેલી સૌપ્રથમ ઑથેન્ટિક બાયોગ્રાફીની રિલીઝને મીડિયામાં ભાગ્યે જ કવરેજ મળ્યું. એનું કારણ કદાચ એ હોઈ શકે કે રાજેશ ખન્નાના ફૅમિલીને હવે એમની કેટલીક વાતો પ્રગટ થાય એમાં ઈન્ટરેસ્ટ ન હોય. ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ રાજેશ ખન્નાને જીવતેજીવ માનપાન આપ્યા પછી હવે ભૂલી જવા માગતી હોય જેનાં ઘણાં કારણો હોય અને કાકાની પર્સનલ લાઈફ એમાંનું એક કારણ હોઈ શકે. કારણો કોઈ પણ હોય, અધરવાઈઝ ફિલ્મ સ્ટાર્સની આત્મકથા કે જીવનકથા પ્રગટ થાય ત્યારે પાગલ થઈને એને કવરેજ આપતું મીડિયા આ પુસ્તક વિશે શું કામ મૌન સેવતું હશે તે આઘાતની નહીં તો કમસે કમ આશ્ર્ચર્યની વાત તો જરૂર છે.

૧૯૬૯થી ૧૯૭૨ની આસપાસનાં વર્ષોની રાજેશ ખન્નાની ઝળહળતી સફળતા પછીનાં બે દાયકા દરમિયાન હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક ઍકટર્સ આવી ગયા, ઘણા સફળ થયા અને એમાંથી એક – અમિતાભ બચ્ચન – રાજેશ ખન્નાની લોકપ્રિયતાને પણ આંબી જાય એવી સફળતા મેળવી શક્યા. પણ આ બે દાયકા દરમિયાન રાજેશ ખન્ના સાવ કંઈ અંધારા ખૂણામાં ધકેલાઈ ગયા નહોતા. ૧૯૭૩-૭૪ પછીના બે દાયકા દરમિયાન રાજેશ ખન્નાએ ઘણી પછડાટો જોઈ, કેટલીક સફળતા પણ માણી, પરંતુ અમિતાભ બચ્ચને નાઈન્ટીઝમાં જેટલી ખરાબ નિષ્ફળતાઓ જોઈ એવી ઘોર નિષ્ફળતાઓ સદ્નસીબે રાજેશ ખન્નાના જીવનમાં આવી નહીં. સાથોસાથ કમનસીબી એ કે અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિ, બી.પી.એલ.ની ઍડ્સ અને ‘મહોબ્બતેં’થી જે રીતે ભવ્ય પુનરાગમન પામીને ફરી એક વાર દર્શકોના દિલમાં છવાઈ ગયા તેવું સદ્ભાગ્ય રાજેશ ખન્નાને જીવનના ઉત્તરાર્ધમાં મળ્યું નહીં. એટલું જ નહીં એમના મૃત્યુ પછી એમની પ્રોપર્ટી માટે વિખવાદ થયો, મામલો કોર્ટે ગયો, ફેમિલીએ કહ્યું કે ‘આશીર્વાદ’ બંગલોને રાજેશ ખન્નાનું સ્મૃતિ સ્મારક બનાવવામાં આવશે અને એક દિવસ એ બંગલો ચૂપચાપ વેચી દેવામાં આવ્યો છે એવી તમને અંગ્રેજી છાપાંમાંથી ખબર પડે છે.

‘ધી લોન્લીનેસ ઑફ બીઇંગ રાજેશ ખન્ના: ડાર્ક સ્ટાર’ની પ્રસ્તાવનામાં શર્મિલા ટાગોર સાચું જ કહે છે કે રાજેશ ખન્ના વૉઝ અ મૅન ઑફ કૉન્ટ્રાડિક્શન્સ ઍન્ડ કૉમ્પ્લેક્સિટીઝ. ખરેખર તો રાજેશ ખન્ના એકલા જ નહીં, આપણે સૌ વિરોધાભાસોના માણસ છીએ અને અનેક ગ્રંથિઓથી જકડાયેલા માણસ છીએ. હકીકત એ છે કે જે વ્યક્તિ પામી જાય છે અને પામીને સ્વીકારી શકે છે કે હા, મારામાં આ આ વિરોધાભાસો છે અને હું આટલી આટલી ગ્રંથિઓથી પીડાઉં છું – તે જ વ્યક્તિ પોતાની સાથે અને જગત સાથે શાંતિથી જીવી શકે.

શર્મિલા ટાગોરનું કહેવું છે કે રાજેશ ખન્ના મિત્રો માટે ખૂબ ઉદાર હતા, એમણે ખૂબ મિત્રો ગુમાવ્યા. સાથોસાથ એ મિત્રો માટે ખૂબ પઝેસિવ હતા, એમાં જ એમણે ખૂબ મિત્રો ગુમાવ્યા. આવું શર્મિલાજીનું ઑબ્ઝર્વેશન છે.

પ્રસ્તાવનાના આ એક પૅરેગ્રાફમાં શર્મિલા ટાગોરે પોતાના કો-સ્ટારના જીવનનો નિચોડ આપી દીધો છે:

‘દોસ્તીની જેમ કાકાએ એમની સ્ટારડમને પણ નર્ચર કરવાને બદલે હાથમાંથી સરી જવા દીધી. એ જોઈ નહીં શક્યા કે ઑડિયન્સ બદલાઈ રહ્યું છે, એ જે પ્રકારના રોલ્સ કરી રહ્યા છે તે લેસ ઍન્ડ લેસ રિલેવન્ટ બનતા જઈ રહ્યા છે. કાકા સમયની સાથે રહેવા માટે પોતાની જાતને રિઈન્વેન્ટ નહીં કરી અથવા કરી શક્યા નહીં, તે એ હદ સુધી કે છેવટે એ પોતાના જ કૅરિકેચર બની ગયા અને લોકો એમની હાંસી ઉડાવવા લાગ્યા.

હિંદી સિનેમાના સૌપ્રથમ સુપરસ્ટારની જીવનસફરની આ ગાથા ક્યારેક અતીતની યાદોને હોઠની મુસ્કાન બનાવી દે છે તો ક્યારેક આ પાનાંઓ વાંચીને મન ભરાઈ આવે છે કે જો આપણને એમની વ્યથાઓ અત્યારે પણ હચમચાવી જતી હોય તો જેણે આ બધું પોતાની જાત સાથે બનતાં અનુભવ્યું હશે એમના પર કેવી પહાડ જેવી આપત્તિઓ વીતી હશે. વધુ કાલે.

આજનો વિચાર

હું તરત કબૂલ કરી દઉં કે સિનેમા કે ફિલ્મી ગીતો સામે મને અણગમો નથી. મારું અજ્ઞાન એ હકીકત છે, એટલું જ. એ અજ્ઞાન ઓછું થાય એ મને ગમે છે. વરસની મારી સરેરાશ, ફિલ્મ જોવાની, કેટલી માનો છો? સંભવ છે અર્ધી ફિલ્મની સરેરાશ હશે… મારો એક તરુણ મિત્ર મારે ત્યાં રહેવા આવેલો. એણે પ્રભાત થતાં જ ગીતાના અઢાર અધ્યાયોની જેમ મુક્ત કંઠે, આ, તે, અમુક, તમુક ફિલ્મના પ્રચલિત અનેક ગીતો લલકારીને હવાની ખુશનુમાઈ વધારી દીધી. આવો ઉપકાર વારંવાર મારી ઉપર થતો નથી એથી જ ફિલ્મી ગીતોની જે કંઈ સમૃદ્ધિ છે તેનાથી વંચિત રહીને જીવું છું. જોકે, છેક એવું તો ન હોય. અમારા જમાનાના સાયગલ, પંકજ મલ્લિક આદિને અંદરથી વાગોળીને જીવું છું.

– ઉમાશંકર જોશી

(પ્રથમ નિબંધસંગ્રહ ‘ગોષ્ઠિ’માં

પ્રગટ થયેલા નિબંધ ‘ફિલ્મી ગીતો’માંથી)

એક મિનિટ

સચ બોલતા હૂં તો રિશ્તે ટૂટ જાતે હૈ

જૂઠ બોલતા હૂં તો ખુદ ટૂટ જાતા હૂં.

વૉટ્સઍપ પર વાંચેલું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *