“બાયપાસની મોંઘી સર્જરી વડે માત્ર માનસિક આશ્ર્વાસન ખરીદાય છે”

‘જગતભરમાં કેટલા લોકોને ખબર છે કે તબીબી વિજ્ઞાન પાસે ખરેખર હૃદયરોગનો હુમલો, પક્ષઘાત, બ્લડપ્રેશર, કૅન્સર કે સંધિવા જેવા અનેક રોગોને માત કરવાની કે એવા રોગો થતા અટકાવવાની કોઈ દવા જ નથી,’ ડૉ. મનુ કોઠારી અને ડૉક્ટર લોપા મહેતાએ આ સવાલ વારંવાર પૂછયો છે. સવાલ પૂછવા માટે એમની પાસે અધિકાર છે અને જવાબ આપવાનો પણ. ડૉ. મનુભાઈએ વર્ષો સુધી મુંબઈની સુપ્રસિદ્ધ જી. એસ. મેડિકલ કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું, સાથેસાથ વિશ્ર્વના ટોચના સાયન્ટિસ્ટ્સ જેવાં અનેક મૌલિક સંશોધન કાર્યો તેમ જ અભ્યાસકાર્યો પણ કર્યાં. સવાલના જવાબમાં ડૉ. મનુ કોઠારીએ કહ્યું હતું, ‘આ રોગો માટે જે કંઈ દવા આપવામાં આવે છે એ તો જેમ ધોકો મારીને નઠારા છોકરાને ચૂપ કરી દેવામાં આવે એમ રોગીને બેહાલ કરી નાખે છે. આ દવારૂપે બધી લટકતી તલવારો (યાને કિ સાઈડ ઈફેક્ટ્સ) પાછી છાશવારે બદલાતી રહે છે. આ બદલાતી ફૅશનને પ્રગતિના ચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે.’

હૃદયરોગના હુમલા વિશે અને બાયપાસ સર્જરી વિશે તમારા મનમાં જો કોઈ હાઉ હોય તો તે ડૉ. મનુ કોઠારીની દલીલો સાંભળીને જતો રહેતો. કાલ ઊઠીને કુટુંબમાં કોઈને બાયપાસ સર્જરી કરાવવી પડે તો બે-પાંચ-દસ લાખ રૂપિયા સાચવીને રાખ્યા હોય તો સારું એમ માનીને જો તમે એટલી બચત કરી રાખી હોય તો એનો સદુપયોગ બીજે ઠેકાણે કરશો. ડૉ. મનુ કોઠારીના ત્રણ મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે:

૧. બાયપાસની શસ્ત્રક્રિયા મહદ્અંશે મનના સંતોષ માટે છે. બાયપાસની આસપાસ એક મોટી તાકીદની પરિસ્થિતિ ઊભી કરવામાં આવે છે. મોટા ખર્ચા થાય છે. શસ્ત્રક્રિયા કરનાર સર્જન પાસે સમય મેળવવો રેલવેમાં રિઝર્વેશન મેળવવા કરતા પણ વધુ મુશ્કેલ છે. આ બધાને કારણે દરદી અને એના કુટુંબીજનો પર માનસિક અસર થાય છે કે આપણે નસીબદાર છીએ, સમયસર જે પગલાં લેવાં જોઈએ તે લેવાઈ ગયાં છે. હૃદય માટે હવે કોઈ જોખમ રહ્યું નથી. બસ. તેઓ નિરાંતનો શ્ર્વાસ લેતાં થઈ જાય છે.

અંદાજ કાઢવામાં આવ્યો છે કે આ શસ્ત્રક્રિયા કરાવનાર વ્યક્તિઓમાં લગભગ ૬૪ ટકા દરદીઓમાં શસ્ત્રક્રિયાની વિધિ દરદીને અને એનાં સગાંસંબંધીઓને મનથી રાહત આપે છે. આ શસ્ત્રક્રિયા રોગની પ્રકૃતિમાં કોઈ ફેરફાર કરી શકતી નથી. પણ આટલી મોટી હૉસ્પિટલ, અતિ દક્ષ વિભાગ, લાંબો સમય ચાલતી મોટી શસ્ત્રક્રિયા, આટલો બધો ખર્ચ જેમાં થતો હોય એ શસ્ત્રક્રિયાની વિધિ જ દરદી અને સગાં-સંબંધીઓને ખાતરી આપે છે કે બધું જ ઘટતું કરીને દરદીને સાજો કરી દેવામાં આવ્યો છે, દરદીના હૃદયમાં હવે તલભાર રોગ રહ્યો નથી. આ માનસિક આશ્ર્વાસનની ખરીદી ઘણાં કુટુંબોને આર્થિક રીતે પાયમાલ કરી મૂકે છે.

૨. બીજો મુદ્દો ટેક્નિકલ છે, પણ ધીરજ રાખીને સમજવા જેવો છે. બાયપાસની શસ્ત્રક્રિયામાં હૃદયના જ્ઞાનતંતુઓ છેદાઈ જાય છે એટલે હૃદય દ્વારા દુખાવાનો સંદેશો મગજ સુધી પહોંચી શકતો નથી. બાયપાસ કરતી વખતે હૃદય પર રહેલું પેરીકાર્ડિયલ આવરણ કાપવું પડતું હોય છે. આને કારણે અનાયાસે જ્ઞાનતંતુઓ પણ કપાઈ જાય છે. કોરોનરી ધમનીમાં કંઈ જ ફરક પડતો નથી પણ પીડાના સિગ્નલ મગજ સુધી ન પહોંચવાને કારણે દરદીને રાહત લાગે છે. આ શસ્ત્રક્રિયાને કારણે મગજ પર વિપરીત અસર પહોંચે છે જેનો ઉલ્લેખ નિષ્ણાતો કરતા નથી. ૨૫ ટકા વ્યક્તિઓનો આઈક્યુ (ઈન્ટેલિજન્સ ક્વોશન્ટ, બુદ્ધિઆંક) બાયપાસ કરાવ્યા પછી ઘટી જાય છે. કેટલાક લોકો ઉદાસ રહે છે, આત્મહત્યાનો વિચાર કરતા થઈ જાય છે. કેટલાકના હાથપગ લકવાગ્રસ્ત થઈ જાય છે. આનું કારણ શું? મગજ માત્ર માહિતી આપનાર અંગ નથી, માહિતી સ્વીકારનાર અંગ પણ છે, વધુ વખત એ જ કામગીરી હોય છે મગજની. મગજ અને હૃદયને જોડનારા જ્ઞાનતંતુઓ હૃદયમાંથી મગજ તરફ માહિતી લઈ જાય છે. હૃદયની બાયપાસ સર્જરી ઉપરાંત અન્ય કેટલીક શસ્ત્રક્રિયા પણ આવી જ આડઅસર ઊપજાવે. દાખલા તરીકે હોજરી અને મગજને જોડનાર જ્ઞાનતંતુઓ પણ હોજરીમાંથી મગજ તરફ માહિતી લઈ જાય છે. હોજરીમાં ચાંદું પડયું હોય (પેપ્ટિક અલ્સર) ત્યારે જો એના ઉપચાર રૂપે શસ્ત્રક્રિયા કરીને હોજરી અને મગજને જોડતા જ્ઞાનતંતુઓ કાપી નાખવામાં આવે (વેગોટોમી) તો દરદી મનથી ઘણો ઢીલો થઈ જાય, દારૂ અને અન્ય વ્યસનોનો સહારો લેતો થઈ જાય, ઘણી વાર આત્મહત્યા પણ કરી બેસે.

૩. હૃદયના જે ભાગમાંથી દુખાવાની ફરિયાદ થતી હોય છે તે ભાગ શસ્ત્રક્રિયા કરવાથી પૂરેપરો મરી જાય છે એટલે ત્યાંથી પછી દુખાવો શરૂ થતો નથી. તબીબી ભાષામાં એને માયોકાર્ડિયલ ઈશ્ર્ચિમિયા લોડિંગ ટુ માયોકાર્ડિયલ ઈન્ફાર્ક્શન કહે છે. અર્થાત્ હૃદયના જે ભાગમાં લોહી ઓછું પહોંચતું હોય એટલા ભાગને કાયમ માટે ખોટું પાડી દેવું. હૃદયની ધમનીમાં બાયપાસ કરતી વખતે થોડો સમય હૃદયના જેટલા ભાગમાં એ ધમની લોહી પૂરું પાડતી હોય ત્યાં લોહી પહોંચતું નથી તેથી હૃદયનો એટલો ભાગ મરી જાય છે. આમ એ ભાગને કાયમ માટે ચૂપ કરી દેવામાં આવે છે. દરદી અને ડૉક્ટર ખુદ, દુખાવો શાંત પડતાં શસ્ત્રક્રિયાની અક્સીરતા પર વારી જાય છે. આંગણાં મોકળાં મૂકીને ખાળે ડૂચા દેવામાં આવે છે.

આ ત્રણ મહત્ત્વના મુદ્દાઓ સાથે ડૉ. મનુ કોઠારી અને ડૉ. લોપા મહેતાએ બીજી પણ કેટલીક વાતો કહી છે જે ડૉ. મનુભાઈની શ્રદ્ધાંજલિરૂપે લખાતી આ લેખમાળાના આવતા હપ્તામાં વાંચીશું. આ તબીબી વાતો સમજતી વખતે એક મુદ્દો ખાસ ધ્યાનમાં રહેવો જોઈએ કે એલોપથી સંપૂર્ણપણે બિનઉપયોગી છે એવું કોઈ નથી કહેતું, ડૉ. મનુભાઈએ પણ એવું ક્યારેય કહ્યું નથી, માન્યું નથી. એમનો જે રોષ હતો તે એલોપથી વિશેના કેટલાક ભ્રામક વિચારો સામે, દરદીઓને ઉપકારક બન્યા વિના માત્ર એમને મિથ્યા માનસિક સંતોષ આપતી કેટલીક ઉપચાર પદ્ધતિઓ સામે તેમ જ એલોપથીના આડેધડ કમર્શ્યલાઈજેશન સામે.

—————-

કાગળ પરના દીવા

પહેલું સુખ તે જાતે નર્યા.

– સદાબહાર ગુજરાતી કહેવત

—————-

સન્ડે હ્યુમર

દિવાળી દરમ્યાન મારા બિલ્ડિંગમાં મારી કેવી આબરૂ છે એની મને ખબર પડી ગઈ.

બધા જ ફ્લેટનાં બાળકો વારાફરતી મારા ઘરે આવીને રૉકેટ ફોડવા માટે ખાલી બાટલી માગી જતા.

– વૉટ્સઍપ પર ફરતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *