બાળ મજૂરીની સમસ્યા કેટલી મોટી છે?

નોબેલ ઈનામ આપનારી નિર્ણાયક સમિતિના સભ્યો ઉપરાંત ઈરવિંગ વૉલેસે કેટલાક નોબેલ પારિતોષિક વિજેતાઓને મળવાનું નક્કી કર્યું. આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને પર્લ બક સહિત પાંચ નોબેલ લોરિયેટ્સે ઈરવિંગ વૉલેસને સહકાર આપ્યો. ડૉ. રૉબર્ટ મિલિકન નામના નોબેલ વિજેતા પાસેથી ખબર પડી કે એમને નોબેલ પ્રાઈઝ મળ્યું ત્યારે એકને બદલે બે મેડલ્સ આપવામાં આવ્યા હતા. એક સોલિડ ગોલ્ડનો ચંદ્રક જે સંભાળીને તિજોરીમાં મૂકી દેવાનો અને બીજો એના જેવો જ પણ પિત્તળ પર ઢોળ ચડાવેલો ચંદ્રક જે ઘર જતાઆવતા લોકોને બતાવવા માટે ચાલે.

રશિયન સાહિત્યકારોને જેમ નોબેલ ઈનામથી દૂર રાખવામાં આવતા એમ રશિયન વૈજ્ઞાનિકોને પણ નોબેલ નહીં આપવાનો ચાલ તે વખતે હતો. એમાં અપવાદ પાવલોવ નામના રશિયન વૈજ્ઞાનિકનો હતો. પાવલોવને એટલા માટે નોબેલ અપાયું કે આલ્ફ્રેડ નોબેલ જીવતો હતો ત્યારે પાવલોવનો એ પ્રશંસક હતો અને પાવલોવને એણે મદદ પણ કરી હતી.

નોબેલ પારિતોષિક આપવા પાછળના ઈરાદાઓ અને બદઈરાદાઓ વિશેનું આટલું બૅકગ્રાઉન્ડર અનિવાર્ય હતું. કારણ કે આ ઈનામની પ્રતિષ્ઠા ઘણી મોટી છે. કૈલાસ સત્યાર્થીને બાળ મજૂરોની સમસ્યાના નિવારણ માટે બિરદાવવા સારુ શાંતિના નોબેલ ઈનામથી નવાજવામાં આવ્યા છે. બાળ મજૂરોની સમસ્યા શું ખરેખર ‘સમસ્યા’ છે? અને જો એ ખરેખર સમસ્યા હોય તો શું એવડી મોટી સમસ્યા છે જેના નિવારણ માટે કોઈ કામ કરે તો એને આટલું મોટું ઈનામ આપીને નવાજવા પડે?

જરા જોઈએ.

ભારતમાં જ નહીં, દુનિયાના સુધરેલા ગણાતા દેશોમાં પણ ‘બાળ મજૂરી’ પ્રચલિત છે, ફરક માત્ર એટલો કે ત્યાંના લોકો એને ‘બાળ મજૂરો’નું લેબલ આપતા નથી. ત્યાં શું કહેવાય છે? વૅકેશન જૉબ. ગરીબ કે મિડલ ક્લાસ કુટુંબોમાં જ નહીં, ખાધપીધે સુખી કુટુંબોમાં પણ ત્યાં (એટલે કે ‘સુધરેલા’ ગણાતા દેશોમાં) વૅકેશન જૉબનો મહિમા થાય છે. પેટ્રોલ પમ્પના અટેન્ડન્ટ તરીકે કે ઘેર ઘેર ફરીને છાપાં નાખવા માટે કે મૅક્ડોનાલ્ડ્સમાં પોતાં મારવા માટે ‘બાળ મજૂરો’ અર્થાત્ હાઈ સ્કૂલમાં ભણતાં છોકરા-છોકરીઓનો ઉપયોગ થાય છે. કોઈ ફરિયાદ કરતું નથી કે ‘બાળકો’નું શોષણ થાય છે.

ભારતમાં (કે પછી કોઈ પણ દેશમાં) એવા લાખો બાળકો હોવાનાં જેમને સરકારી સ્કૂલોમાં મફત શિક્ષણ મળતું હોવા છતાં એમને ભણવું નથી હોતું. તમે બળજબરીથી એમને ભણાવશો તોય રખડી ખાશે. એને બદલે શ્રમનો મહિમા કરીને જો તેઓ પોતાના પૂરતા કે કુટુંબને સહાયરૂપ થવા માટે કામ કરીને બે પૈસા કમાઈ લેતા હોય તો એમાં ખોટું શું છે?

આ છોકરાઓ ન ભણે, ન કામ કરે તો કરે શું? ચોરીચપાટી અને લૂંટફાટ કરે. અને આપણે ત્યાં એવું દૂષણ, બાળ-ગુનેગારોનું, ઘણું ઓછું છે. સૌથી વધારે અમેરિકામાં છે. ત્યાંના ગરીબ કાળિયાઓનાં જે છોકરાં હરામ હાડકાનાં હોય તે ડ્રગ્સ વેચવાથી માંડીને નાનીમોટી ચોરીઓ તેમ જ રાહદારીઓને ડરાવી ધમકાવીને એમની માલમત્તા પડાવી લેવા માટે નામચીન છે. ત્યાંના લોકો એને મગિંગ કહે છે. બ્લૅક અને વ્હાઈટ – બેઉ પ્રકારનાં બાળકો જો કામે લાગી જાય તો આવી ગુનાખોરીમાં પડતાં નથી. પણ કામધંધા વગરનાં બાળકોને એટલે કે ટીન એજર્સને એક વખત મગિંગનો ચસકો લાગી ગયો તો મોટા થઈને તેઓ એ જ ધંધામાં આગળ વધતાં હોય છે.

જરા કલ્પના કરો. ભારતમાં જો ‘બાળ મજૂરી’ (આ એક્સપ્રેશન યોગ્ય નથી છતાં પ્રચલિત છે એટલે વાપરવું પડે છે) ન હોત તો આજે બાળ ગુનેગારોની સંખ્યા અત્યારે છે એના કરતાં અનેકગણી વધારે હોત.

‘બાળ મજૂરી’માં પ્રૉબ્લેમ ત્યારે જ આવે છે જ્યારે બાળકોને પરાણે, ફરજિયાતપણે, ધાકધમકીથી કામ કરાવવામાં આવે. આ ઉપરાંત બીજો પ્રૉબ્લેમ બાળકોનાં – છોકરીઓ તેમ જ છોકરાઓના જાતીય શોષણનો પણ છે.

પણ અહીં પાપડી ભેગી ઈયળ બફાઈ જાય છે. ‘બાળ મજૂરી’નો વ્યાપ કેટલો મોટો છે એવું બતાવવા ઉપરના ફકરામાં કહેલી બે જેન્યુઈન સમસ્યાવાળા કિસ્સાઓમાં બાકીના ઈનોસન્ટ કિસ્સાઓ નાખી દેવામાં આવે છે. અમુક હજારને બદલે અમુક લાખનો આંકડો તમારી સમક્ષ આવે એટલે તમે ચોંકી જાઓ એ સ્વાભાવિક છે. અને લાખોના આંકડા ઑન પેપર બતાવતી એન.જી.ઓ.ને વિદેશમાંથી લાખો ડૉલર્સનું ફંડ મળે તે પણ સ્વાભાવિક છે.

‘બાળ મજૂરી’ની નાબૂદી માટે કામ કરતી સંસ્થાઓ જ નહીં આ પ્રકારની સેવાઓ ઘણા બધા ક્ષેત્રોમાં કરતી સંસ્થાઓને કાગળ પર મોટા મોટા આંકડાઓ દેખાડવામાં ઈન્ટરેસ્ટ હોય છે. આવી સેવા સંસ્થાઓ ઉર્ફે એન.જી.ઓ. મારા રિસર્ચનો વિષય રહ્યો છે. મૅગ્સેસે એવોર્ડ વિનર એવા એક ભારતીય નાગરિકની સેવા સંસ્થાના હિસાબકિતાબમાં ઊંડા ઉતરતાં અમને જાણવા મળેલું કે તેઓ બ્લેક એન્ડ વાઈટ ફોટોકૉપી દીઠ પાંચ રૂપિયાનો ખર્ચ (આજથી દસ વર્ષ પહેલાંના પાંચ રૂપિયા) હિસાબના ચોપડે લખે છે. એટલું જ નહીં, એ સેવાસંસ્થા ફોટોકૉપી તો પાછી પોતાની ઑફિસના મશીનમાં જ કાઢતી હતી. અનેક સેવા સંસ્થાઓના હોદ્ેદારો પોતે માત્ર માનદ્વેતન કે ઑનરેરિયમ જ લેતા હોવાનો દાવો કરતા હોય છે. હકીકતમાં તેઓ માનધનના નામે તગડો પગાર અને મસમોટા બીજા ખર્ચાઓ સંસ્થામાંથી મેળવતા હોય છે અને એમનું ઘર એમના કુટુંબનું ભરણપોષણ આ જ આવકમાંથી ચાલતું હોય છે. પણ કહેવાય શું? ‘સેવા’ કરે છે.

અહીં એક વાતની સ્પષ્ટતા કરવી જરૂરી છે કે ભારતમાં એવી પણ સેવાસંસ્થાઓ છે જે જેન્યુઈન કામ કરે છે, ખોટા દેખાડાઓ નથી કરતી, હોદ્ેદારો – કાર્યકર્તાઓ ગાંઠના પૈસા ખર્ચીને કામ કરે છે અને આવા લોકોના સંપર્કમાં પણ હું છું. કઈ એન.જી.ઓ. જેન્યુઈન છે અને

કઈ ફ્રોડ છે એની સિક્સ્થ સેન્સ આટલાં વર્ષોના અનુભવથી મારામાં આવી ગઈ છે.

હવે આપણે કૈલાસ અને મલાલાના કાર્યો પર ફોકસ કરીને જોઈએ કે એ બંનેએ પોતપોતાની રીતે કરેલાં કામ સારાં અને જેન્યુઈન છે? અને હોય તોય શું તેઓ નોબેલ પીસ પ્રાઈઝને લાયક છે? કાલે.

આજનો વિચાર

વધતી જતી ઉંમરનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે સ્વીકારી લો છો કે તમારું ધાર્યું જ આ દુનિયામાં થાય એવું નથી હોતું.

– મોનિકા અલી (૪૭ વર્ષીય બ્રિટિશ લેખિકા)

એક મિનિટ

રાજ ઠાકરેએ પોતાના પક્ષના એક માત્ર ચૂંટાયેલા ઉમેદવારને બોલાવીને ખૂબ ખખડાવ્યો. શું કામ?

‘બેવકૂફ, તારા એકલાને કારણે મારે હવે આવતા પાંચ વરસ સુધી મારો પક્ષ ચાલુ રાખવો પડશે.’

– વૉટ્સઍપ પર ફરતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *