‘હે મન, તું બધાં બારણાં ખોલીને, રાત્રિના દીવા બુઝાવી નાખ’

‘અંધારું થતાં રાતના જે દીવા મેં સળગાવ્યા હતા તે હે મન, બુઝાવી નાખ. આજે બધાં બારણાં ખોલીને બુઝાવી નાખ. આજે મારા ઘરમાં કોણ જાણે ક્યારે રવિનાં કિરણોએ પ્રભાત પ્રગટાવ્યું છે, માટીનાં કોડિયાંની હવે જરૂર નથી, ભલે તે ધૂળભેગાં ધૂળ થઈ જતાં. હે મન, તું બધાં બારણાં ખોલીને રાત્રિના દીવા બુઝાવી નાખ.’

રવીન્દ્રનાથ ટાગોરની આ કવિતાનો સુંદર અનુવાદ નગીનદાસ પારેખે કર્યો છે. કાવ્યસંગ્રહ છે ‘નૈવેદ્ય’. દિવાળીને અંધારામાં દીપક પ્રગટાવવાનો ઉત્સવ આપણે ગણ્યો પણ અહીં કવિ એક ડગલું આગળ ચાલે છે. કવિઓ હંમેશાં જમાના કરતાં આગળ વિચારે છે. ટાગોર માને છે કે કોડિયાની જરૂરિયાત આખરે તો અંધકારની પરિસ્થિતિનો સ્વીકાર છે. કોડિયાની જરૂર જ ન રહે એવી પરિસ્થિતિ સર્જાવી જોઈએ. એવું ત્યારે બને જ્યારે અંધકાર દૂર થાય, પ્રભાતનું આગમન થાય.

હવે પછી કોઈને દિવાળીની શુભેચ્છા આપવા માટે વૉટ્સઍપ પર દીવડાનું નહીં, સૂર્યોદયનું પિક્ચર મોકલવાનું.

અંધકાર અને પ્રકાશની સૂક્ષ્મ વાતોમાં કવિને રસ હોય. ઘરની બહારનો અંધકાર અને સૂર્યોદય જોવા મળે એમાં કવિને રસ છે. કવિ આંખને કે નજરને કશું નથી કહેતા, મનને વિનંતી કરે છે: ‘હે મન, તું બધાં બારણાં ખોલીને રાત્રિના દીવા બુઝાવી નાખ.’

મનનાં કિમાડ ખોલવા એટલે દિવાળીની ઉજવણી કરવી. બંધ દ્વારની સંકુચિતતાને વિદાય આપવી. સંબંધોમાંથી અને વિચારોમાંથી લાગણીની કૃપણતાને દૂર કરવી. ઉત્સવો અને તહેવારો એકલા માણવા માટે નથી હોતા. કુટુંબની, મિત્રોની, સગાંસંબંધીઓની અને ઑફિસના કલીગ્સની સાથે ઊજવવાના આ દિવસો હોય છે.

તારીખિયામાંથી પાનું ફાડી લેવાથી આસોની અમાસ નથી આવી જતી. એના માટે એક આખું વર્ષ રાહ જોવી પડે છે. અંધકારની પણ કોઈ રાહ જુએ? કાળી ડિબાંગ રાત્રિની કોણ રાહ જુએ? છતાં જોવાય છે. અજવાસ સાથે અંધારાનો પણ સ્વીકાર હોય. કલેશના પ્રસંગોની તૈયારી ન રાખી હોય તો સંબંધો જીરવવા મુશ્કેલ બની જાય. તૈયારી રાખી હોય તો સ્વસ્થતા બહુ જલદી મળી જાય.

વાક્બારસ. વાગ્દેવીનો આ દિવસ અપભ્રંશ થઈને વાઘબારસમાં પલટાઈ ગયો જે ગઈ કાલે જ ઉજવાઈ ગયો. લોકો માનવા લાગ્યા કે અંબામાંનું, શક્તિનું વાહન વાઘ એટલે આ એમનો દિવસ છે.

અંબાજીના એક નહીં, નવ-નવ દિવસ છે, છોગામાં વિજયાદશમી પણ એમની જ ગણોને. વાક્બારસ સરસ્વતીનો દિવસ છે અને એ લક્ષ્મીજીની ધનતેરસ પહેલાં મુકાયો છે એ સૂચક છે. સુર-તમાં વાક્બારસે સરસ્વતીદેવીનાં સંતાનોસમા કવિઓ રાત્રે ભેગા થઈને કવિસંમેલન કરે એવી પ્રથા દાયકાઓથી ચાલી આવે છે.

કલમની પૂજા કર્યા પછી જ વારસામાં મળેલા જૂના રાણી છાપ રૂપિયાના ચાંદીના ખણખણતા સિક્કાની પૂજા થાય છે. કોઈ કહે છે કે હવે બજારોમાં દિવાળીને દિવસે ચોપડાપૂજનનું મહત્ત્વ ઘટી ગયું છે. ઠેર ઠેર કૉમ્પ્યુટરો આવી ગયાં અને આમેય યર એન્ડિંગ એકત્રીસ માર્ચનું થઈ ગયું છે. તેથી શું થઈ ગયું? આપણે ચોપડાઓમાં પાનાંની પૂજા નહોતા કરતા, એ પાનાંઓ પર લખાનારા આંકડા અને અક્ષરો માટે આશીર્વાદ માગતા હતા જે હજુય માગી શકીએ છીએ.

ફાઈનાન્શિયલ યર તો ગમે તે હોય, જૂન એન્ડિંગ હોય કે માર્ચ એન્ડિંગ હોય, એને કારણે સદીઓથી ચાલતા આવેલા કારતક – માગશર – ભાદરવો – આસોના ચક્રમાં થોડો ફરક પડી શકે? મારું માનસિક વર્ષ હંમેશાં દિવાળીને દિવસે એક ફેરો પૂરો કરે છે.

નવા વર્ષના સંકલ્પો વિશે હાસ્યકારોએ લેખો લખીને સંકલ્પ કરવાની આખી મઝા બગાડી કાઢી છે. દિવાળી અંકોના વાંચન અને ચોળાફળી – મઠિયાં – ઘૂઘરાના સેવન પછી જે દિવસ આવે છે તે શું વગર ઉષ્માએ સાલ મુબારક – સાલ મુબારક કહીને વેડફી નાખવા માટે હોય છે? બેસણામાં જેમ કોઈ બે હાથ જોડીને સાંત્વન માટેનું નમસ્તે કરીને જતું રહે અને તમને યાદ પણ ન આવે કે એ ભાઈ કોણ હતા, એ રીતે બેસતા વર્ષે જે ને તે તમને હાલતાં ચાલતાં સાલ મુબારક કહેતું જાય. એકાદ દિવસ નહીં, એકાદ અઠવાડિયું નહીં, એક આખું વર્ષ મુબારક નીવડે, ખુશકિસ્મત અને ભાગ્યશાળી નીવડે, કલ્યાણકારી અને બરકત આપનારું નીવડે એ માટેની શુભેચ્છાઓ આટલી લાપરવાહીથી અપાય? કોઈકનું નવું વર્ષ શુભદાયી અને લાભદાયી નીવડે એ માટેની પ્રાર્થના અંતરથી આવવી જોઈએ.

વૉટ્સએપ કે ફેસબુક કે ટેક્સ્ટ મૅસેજીસ દ્વારા મળતા ગ્રીટિંગ્સમાં ઔપચારિકતા હોય છે. એટલે જ જુઓને, દર વર્ષે આટલી બધી શુભેચ્છાઓ મળતી હોવા છતાં કંઈ ફરક પડે છે આપણી લાઈફમાં.

નિર્મળ હૃદયે, શુદ્ધ ભાવનાથી વ્યક્ત થયેલી શુભેચ્છાઓનો પડઘો ચોક્કસ પડતો હોય છે. જેમને અપાઈ છે એમના જીવનમાં જ નહીં, જેમણે આપી છે એના હૃદયમાં પણ આવી લાગણીઓ બોલાતી જ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *