સ્વર્ગસ્થ ડૉ. મનુ કોઠારીને મળીને, વાંચીને, સાંભળીને તમારા મનમાંથી રોગનો ફફડાટ દૂર થઈ જતો

DR. MANU KOTHARI AND ME
જેમને લીધે જિંદગી જીવવા જેવી લાગતી હોય એવા લોકો જતા રહે ત્યારે સાચું કહું, જીવન ઓછું જીવવા જેવું લાગે છે. તબીબી ક્ષેત્રનાં જેમનાં સંશોધનોને હવે પશ્ર્ચિમી મીડિયા પણ સ્વીકારી રહ્યું છે તે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ડૉ. મનુ કોઠારીએ ત્રણ દિવસ પહેલાંના ગુરુવારે ૭૯ વર્ષની ઉંમરે છેલ્લો શ્ર્વાસ લીધો ત્યારે કંઈક આવી જ ફીલિંગ આંખમાંથી છલકાઈ ગઈ. દવા આપીને દર્દીને સાજા કરનારા ડૉકટરને લોકો દેવ ગણે છે. એ હિસાબે દવા આપ્યા વિના દર્દીને સાજા કરનારા ડૉકટર મહા-દેવ ગણાવા જોઈએ. તબીબીશાસ્ત્રની ટોચની પદવીઓની હારમાળા ધરાવતા ડૉ. મનુ કોઠારીનું કૅન્સર અંગેનું સંશોધન આજે પણ કોઈ પડકારી શકતું નથી. ધ વૉશિંગ્ટન પોસ્ટ અને ધ ન્યૂ યૉર્ક ટાઈમ્સ છેક હવે એવા રિપોર્ટ્સ છાપતા થયા છે કે મેડિકલ ક્ષેત્રમાં ‘ઓવર ડાયગ્નોસિસ’ થાય છે. ડૉ. મનુ કોઠારી દાયકાઓથી સલાહ આપતા રહ્યા કે વાતવાતમાં ચેકઅપ કરાવવા દોડી જવું મૂર્ખામી છે. કમ્પલીટ બોડી ચેકઅપ કમ્પલીટ નાદાનિયત છે. ડાયગ્નોસિસ માટે ફ્રી ઑફ ચાર્જ યોજવામાં આવતા કૅમ્પ્સ વાસ્તવમાં ઘરાકો મેળવવાની માર્કેટિંગ યોજનાઓ છે. સ્વામી સચ્ચિદાનંદે કહ્યું છે કે ખંડન કરવાથી ખંડન થતું નથી, ઊલટાનું મંડન થાય છે. મુંબઈની કેઈએમ હૉસ્પિટલ સાથે સંલગ્ન જી. એસ. મેડિકલ કૉલેજના ઍનેટોમી વિભાગના ભૂતપૂર્વ ડીન ડૉ. મનુ કોઠારી તબીબી ક્ષેત્રે કોઈનુંય ખંડન નહોતા કરતા પણ પોતાની તબીબી વિચારધારાને આગવી શૈલીમાં વ્યક્ત કરતા રહેતા. તેઓ તબીબી ક્ષેત્રના કે તબીબોના વિરોધી નહોતા પણ આ પવિત્ર ક્ષેત્રમાં ચાલી રહેલી ગેરરીતિઓને વૈજ્ઞાનિક ઢબે તમારી સમક્ષ ઉઘાડી પાડતા. એમને મળીને, વાંચીને, સાંભળીને માંદગી માટેનો તમારો ફફડાટ સાવ ગાયબ થઈ જતો.

માણસને સૌથી વધુ ભય શેનો સતાવે? મૃત્યુનો? ના. મૃત્યુનો ભય એને પોતાને હોય એના કરતાં વધારે એના પર જેમનાં જીવનનો આધાર છે એવી વ્યક્તિઓને વધારે હોવાનો. કારણ કે એના ગયા પછી એણે તો કશું સહન કરવાનું નથી, એના આશ્રિતોએ વધુ સહન કરવાનું હોય છે. મૃત્યુ કરતાં પણ મોટો ભય માણસને રોગનો હોય છે. શરદીખાંસી જેવા રોગની વાત નથી. અલ્ઝાઈમર્સ ડિસીઝ જેવા રોગ. કૅન્સર કે હૃદયને લગતા રોગ. વૃદ્ધાવસ્થાને કારણે તમે યાદશક્તિ ગુમાવતા જાઓ તો તમારી આજીવિકા ગુમાવી બેસો. અલ્ઝાઈમર્સનાં પરફેક્ટ કારણો કે ઍકયુરેટ ઉપચારો શોધાયા નથી. આ રોગ ન થાય એ માટે તમે પ્રિવેન્ટિવ મેઝર્સ લઈ શકતા નથી. કૅન્સર થવાનો તમને ડર હોય તો પણ તમે એ માટે પ્રિવેન્શનનાં પગલાં લઈ શકતા નથી, કારણ કે કૅન્સર શું કામ થાય છે એનું જ સંશોધન હજુ અધૂરું છે. કૅન્સરના દર્દીને સાજા કરનારી દવાઓ માત્ર દાવાઓ છે, ક્લેમ્સ છે. ઉલ્કાપાતનો ચોક્કસ સમય કહી શકનારું વિજ્ઞાન આપણી પાસે છે, કૅન્સરને જડમૂળમાંથી ઉખાડી નાખનારું વિજ્ઞાન નથી.

હાર્ટ ઍટેક. કોઈ પણ ઉંમરે હૃદયરોગનો હુમલો આવી શકે. રોગથી મરી જવાનો ડર માણસને એટલો નથી હોતો જેટલો રોગની સારવાર પાછળ આર્થિક રીતે પાયમાલ થઈ જવાનો ભય હોય છે. આ ભયગ્રંથિને કારણે દવા બનાવનારી કંપનીઓ, મેડિકલ રિસર્ચ સેન્ટરો, હૉસ્પિટલો તથા ડૉકટરી આલમનો ધંધો ખૂબ ફૂલેફાલે છે. મેડિકલેઈમ જેવા વીમા લેનારી કંપનીઓ પણ હવે આ બૅન્ડવેગનમાં સામેલ થઈ ગઈ છે.

કોઈપણ માણસનું શરીર અમુક ચોક્કસ પ્રકારના કોષો સાથે જન્મે છે. માણસની તંદુરસ્તીનો આધાર એને રોગ થયા પછી મળતી સારવારની ઉત્કૃષ્ટતા પર નહીં, પરંતુ રોગ થયા પહેલાંની એની શારીરિક – માનસિક પરિસ્થિતિ પર છે. આ વાતને જરા વધુ સરળતાથી જોઈએ. પહેલું સુખ તે જાતે નર્યાની કહેવતમાં પ્રિવેન્શન ઈઝ બેટર ધૅન ક્યોર ઉક્તિનો સમાવેશ થઈ જાય છે. જે વાતને તબીબી વિજ્ઞાનની સચોટતાનો આધાર જોઈએ તે વાત મારા જેવા કોઈ બિનતબીબના મોઢે બોલાતી કે એવાની કલમે લખાતી હોય ત્યારે એની વિશ્ર્વસનીયતા ઘટી જાય. એટલે જ ડૉ. મનુ કોઠારી અને એમનાં કલીગ ડૉ. લોપા મહેતાએ લખેલાં કેટલાંક પુસ્તકોના નિચોડરૂપે એમણે કહેલી જ બે-ચાર વાત આ શ્રદ્ધાંજલિના લેખમાં ટાંકવા માગું છું:

આ બંને લેખકોએ એક જગ્યાએ રોકફેલર ફાઉન્ડેશને પ્રગટ કરેલા પુસ્તક ‘ડુઈંગ બેટર ફીલિંગ વર્સ’ને ટાંક્યું છે. આ પુસ્તકના નિચોડરૂપે કહેવાયું છે કે તબીબી સંભાળનું ધોરણ ઊંચું એટલે સ્વાસ્થ્યનું ધોરણ પણ ઊંચું એવું સમીકરણ ખોટું છે. જન્મ વખતે જ નવજાત શિશુ જીવશે કે નહીં, કેટલું જીવશે, વ્યક્તિ જીવનભર કેટલો વખત સાજી રહેશે અને કેટલો વખત માંદી એ નક્કી થઈ જાય છે અને આવી બાબતોમાં ૯૦ ટકા વખત ડૉકટરો, દવાઓ કે હૉસ્પિટલો કશું જ કરી શકતાં નથી. ૯૦ ટકા માંદગી જે પરિબળોથી નિયંત્રિત થાય છે તેના પર ડૉકટરોનો કે દવાઓનો કોઈ જ કાબૂ હોતો નથી. આ પરિબળો છે વ્યક્તિની અંગત જીવનરીતિ (ધૂમ્રપાન જેવી કુટેવો કે નિયમિત કસરત જેવી સારી આદતો કે ચિંતાજનક સ્વભાવ, આનંદી મિજાજ જેવી માનસિકતા), સામાજિક પરિસ્થિતિ (આવક, ખોરાકની ગુણવત્તા તથા એનું પ્રમાણ, માતાપિતાનો શારીરિક વારસો), રહેઠાણ, હવાપાણી અને આસપાસનું વાતાવરણ, માણસને આધુનિક યુગમાં જે પ્રકારની માંદગીઓ આવે છે એમાંથી ઘણીખરીને તબીબી ક્ષેત્ર મહાત કરી શકતું નથી એવું આ પુસ્તક કહે છે.

ડૉ. મનુ કોઠારી અને ડૉ. લોપા મહેતા ‘ઑક્સફર્ડ કમ્પેનિયન ટુ મેડિસિન’ને ટાંકીને કહે છે કે: ‘કેટલાય દરદીઓ તેમની માંદગીમાંથી ડૉકટરની દવા લીધા વિના તેમ જ ખોટી માત્રા કે બિનઅસરકારક દવા લીધી હોવા છતાં, સાજા થઈ જાય છે. સાજા થવા માટે કુદરત જ કારણભૂત છે એની ડૉકટરોને ખબર હોય છે. તેમને એ પણ ખ્યાલ હોય છે કે મોટા ભાગની માંદગીમાં રોગી આપમેળે સાજો થઈ જાય છે. જિંદગી બચાવવા માટે દવા કે શસ્ત્રક્રિયાની જ્વલ્લે જ જરૂર પડે છે.

ડૉ. મનુ કોઠારીએ પોતાના દીર્ઘ અને સ્વસ્થ આયુષ્ય દરમ્યાન આપણા જેવા કૉમન પીપલને ધ્યાનમાં રાખીને કહેલી અગણિત વાતોને જો કૅપ્સ્યુલરૂપે મૂકી આપવી હોય તો આ પાંચ તારણો નીકળે. આ પાંચ વાતો યાદ રાખીને ડૉ. મનુ કોઠારીને સાચી શ્રદ્ધાંજલિ આપીએ:

૧. રોગ શરીરનો ધર્મ છે અને મૃત્યુ સમયનો ધર્મ છે. આ બન્ને વચ્ચે કારણ અને પરિણામનો સંબંધ નથી. ઉંમર સહજ બેતાળાં આવવાં, વાળ સફેદ થવા, ચામડી પર કરચલી પડવી, મોતિયો આવવો, શરીરનું કદ સહેજ ઓછું થવું – આ બધાને સહજ રીતે, શરીરના ગુણધર્મની જેમ આપણે સ્વીકારીએ છીએ એમ જ હૃદયની ધમનીમાં જોવા મળતા વિકારોને (જેને કારણે લોકો બાયપાસ કરાવવા દોડી જાય છે) પણ ઉંમર સહજ ફેરફારો તરીકે સ્વીકારવાની સમજ કેળવવી પડશે.

૨. રોગ અને મૃત્યુને કારણ-કાર્યનો સંબંધ નથી. તંદુરસ્ત વ્યક્તિઓ આંખના પલકારામાં ઢળી પડે છે અને લાંબા વખતથી પીડાતા માનવીની જીવનદોરી ટકી રહે છે. મૃત્યુ માત્ર રોગને કારણે જ આવે છે એવું નથી. દરેક રોગનો ઈલાજ છે જ એવું પણ નથી. રોગ જ મૃત્યુનું કારણ છે એવી ભ્રમણામાંથી તબીબી વિજ્ઞાન બહાર આવ્યું નથી. એમાંથી મુક્ત થવાનો સમય પાકી ચૂકયો છે.

૩. પોતાને અને પોતાના એકદમ નિકટના સ્વજનોને રોગ લાગુ પડે છે ત્યારે ડૉકટરો ખપ પૂરતો ઉપચાર કરે, ઉગ્ર સારવારનો આશ્રય નથી લેતા.

૪. રોગનું નિદાન વહેલું થયું કે મોડું, રોગની ઉગ્રતા વધુ કે ઓછી, એવી વિવિધ બીનાઓ રોગની તવારીખમાં મીનમેખ કરી શકતી નથી. રોગનું નિદાન વહેલું થયું હોત તો સારું થાત એવો ઉલ્લેખ કરી, રોગમાંથી મુક્ત કરવાનો જશ પોતે રાખીને સારું ન થવાનો સંપૂર્ણ બોજો રોગીના ગળે નાખી ડૉકટર પોતે છૂટી જાય છે.

૫. વિશ્ર્વભરના અભ્યાસો પરથી તારવણી નીકળે છે કે પ્રત્યેક ૧૦ ઈલાજમાંથી ૯ ઈલાજ બિનજરૂરી, બિનઅસરકારક કે અસહાયક પુરવાર થાય છે. આવતા રવિવારે બાકીની વાત પૂરી કરીએ.

કાગળ પરના દીવા

માણસના સદ્ગુણોને યાદ કરવા એનું મૃત્યુ થાય ત્યાં સુધી રાહ જોવાની?

-સૌરભ શાહ

4 comments for “સ્વર્ગસ્થ ડૉ. મનુ કોઠારીને મળીને, વાંચીને, સાંભળીને તમારા મનમાંથી રોગનો ફફડાટ દૂર થઈ જતો

 1. October 20, 2014 at 4:43 AM

  ડૉ મનુ કોઠારી આગળ સ્વ વાંચીને અમારું હ્રુદય ધબકારો ચૂકી ગયું.તેમને જોયા નથી- તેમને સભામા હાજર રહી સાંભળ્યા નથી પણ અનેક વાર યુ ટ્યુબ પર માણ્યા છે તેમના લખાણો વાંચ્યા છે અનેકોને વંચાવ્યા છે.વિદ્વાન સામ પિત્રોડાને સાંભળ્યા ત્યારે એમણે કહેલી વાત કેન્સરના સેલ તો મિત્રો છે.આપણે જીવીએ તેમા તેને વધુમા વધુ રસ છે તો તેને ભયાવહ પધ્ધતિથી બાળવા,કાપવા ને તેને દુશ્મન ભાવે જોવા કરતા તેના સેલની મૅમરીમા તેને કઇ રીતે વર્તવાનું છે તે યાદ અપાવવામા આવે તો વિશ્વભરમા મોટું રાહતનું કામ થાય.!
  સત્કાર્યો આપની શોભા હતી
  સજ્જનતા આપની સુવાસ હતી
  પ્રસન્નતા આપનુ જીવન હતુ
  પરોપકાર આપનુ રટણ હતુ
  આપના મહાન આત્માને અમારા સહુની વેદનાસભર શ્રધ્ધાંજલિ…

 2. M.D.Gandhi, U.S.A.
  October 20, 2014 at 7:23 AM

  બહુ સંદર જાણકારી આપી છે.

  સુંદર લેખ…

 3. Satish Dholakia
  October 20, 2014 at 7:12 PM

  કોઇ એક સમયિક મા ડૉ.મનુ કોઠારી નો એક લેખ વાચેલ તે પણ આંખ ઉઘાડ્નારો હતો. તમે પણ સુન્દર અવલોકન કરી સરળ ભષા મા વર્ણવ્યં,આવતા અંક ની રાહ માં..!

 4. KAUSHIK DESAI
  July 31, 2015 at 4:37 PM

  VERY NICE SAURABH SIR
  I MET PERSONALLY DR.MANUBHAI N LOPABEN MEHTA.

  R.I.P.

  THANKS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *