મૅક્સિમ ગૉર્કી, એચ. જી. વેલ્સ અને સમરસેટ મૉમ જેવા ‘મામૂલી’ સાહિત્યકારોને નોબેલ કેમ નહોતું મળ્યું

ઈકોનોમિક્સનું નોબેલ પ્રાઈઝ આલ્ફ્રેડ નોબેલના વિલમાં નહોતું લખ્યું પણ છેક ૧૯૬૯માં બૅન્ક ઑફ સ્વીડને નોબેલ પરિવારની સાથે રહીને શરૂ કર્યું. ઘણા લોચા છે એમાં. આ નવુંસવું નોબેલ ઈનામ અત્યાર સુધીના પિસ્તાળીસ વર્ષમાં નવ-નવ વખત યુનિવર્સિટી ઓફ શિકાગોના પ્રોફેસરોને ફાળે ગયું છે.

૨૦૦૮માં અમેરિકનોની નજરમાંથી ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જ્યોર્જ ડબ્લ્યુ. બુશ સાવ ઊતરી ગયા હતા. બુશ વિરોધીઓને ખુશ કરવા એ વર્ષે આ ઈનામ બુશના કટ્ટર ટીકાકાર પૉલ ક્રુગમૅનને અપાયું.

રસેલ ક્રોવાળું ‘બ્યુટિફુલ માઈન્ડ’ પિક્ચર જેમના પરથી બન્યું તે જહૉન ફૉર્બ્સ નૅશ તથા અન્યોને ૧૯૯૪માં આ નોબેલ મળ્યું ત્યારે એવડી મોટી કોન્ટ્રોવર્સી થઈ ગઈ કે નિર્ણાયક સમિતિના આજીવન સભ્યોની મુદત ત્રણ વર્ષમાં જ પૂરી કરી નાખવામાં આવી અને ઈકોનોમિક્સના આ નોબેલ ઈનામ માટે ભવિષ્યમાં પોલિટિકલ સાયન્સ, સાયકોલોજી અને સોશ્યોલોજી જેવાં અર્થશાસ્ત્ર સાથે દૂરનો નાતો ધરાવતાં ક્ષેત્રોને પણ આવરી લેવાશે એવી ઘોષણા કરવી પડી.

શાંતિનું નોબેલ પ્રાઈઝ પહેલેથી જ ચૂંથાયેલું રહ્યું છે તે આપણે ગાંધીજીની બાબતમાં જોઈ ગયા. શાંતિનું નોબેલ પ્રાઈઝ એક ઘણું મોટું પોલિટિકલ વેપન છે. મધર ટેરેસા નો ડાઉટ સારું કામ કરતાં હતાં કલકત્તામાં. મધર ટેરેસા જેવું કામ કરનારી પરગજુ ભારતીય મહિલાઓ ભારતમાં ઘણી છે. યુરોપ-અમેરિકાના ગરીબ-પછાત-કાળિયાઓ માટે પણ આવું જ કામ કરતી અનેક મહિલાઓ છે. મધર ટેરેસાને શાંતિનું નોબેલ આપીને એક કાંકરે બે પંખી મારવામાં આવ્યાં. ભારત ગરીબ દેશ છે એવું દુનિયાભરમાં હાઈલાઈટ થાય એટલું જ નહીં જ્યાં સુધી નોબેલ ઈનામો અપાતાં રહેશે ત્યાં સુધી આ રેકૉર્ડ રહે. જાણે અમેરિકામાં કાળિયાઓ ઈવન ધોળિયાઓ બધા જ સુખી-પૈસાદાર છે, જાણે એ લોકોને ત્યાં બધાયને માંદગીમાં સારવાર મળી રહે છે, કોઈ ઝૂંપડપટ્ટીમાં રહેતું નથી. બીજી વાત એ હાઈલાઈટ થાય કે ભારત જેવા પછાત દેશને ગરીબોના ઉદ્ધાર માટે ગોરી મહિલાની અને વિદેશી ફંડ્સની જરૂર પડે છે. એક તોતિંગ રાષ્ટ્રને ઈકવેડોર, વેનેઝુએલા કે નાઈજીરિયા જેવા દેશ તરીકે ચીતરવામાં મધર ટેરેસાને હાથો બનાવવામાં આવ્યાં, જે તેઓ ખુશીખુશી બની ગયાં.

ચીન એક જુલમી દેશ છે એવો આંતરરાષ્ટ્રીય પ્રચાર કરવા માટે દલાઈ લામાને ૧૯૮૯નું શાંતિનું નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યું હતું. શાંતિના નોબેલ પ્રાઈઝ વિશેની મુદ્દાની વાત વિસ્તારપૂર્વક કરતાં પહેલાં આજે બીજી થોડીક વાત કરી લઈએ. સાહિત્યના નોબેલ ઈનામની.

ઈરવિંગ વૉલેસની નોબેલ ઈનામો પરની નવલકથા ‘ધ પ્રાઈઝ’ કેવી રીતે લખાઈ એ વિશે વૉલેસે ‘ધ રાઈટિંગ ઑફ વન નૉવેલ’ પુસ્તક લખ્યું છે એની વાત આવી ગઈ. પુસ્તક પણ મારા હાથમાં આવી ગયું.
લેખ વાંચીને મારા મિત્ર અને હિન્દી ફિલ્મો ના ટેલેન્ટેડ યંગ રાઇટર-ડિરેક્ટર સંજય છેલે પોતાની વર્ષગાંઠ ના દિવસે એ પુસ્તક મને ભેટ આપ્યું. દોસ્ત હોય તો આવા.

ઈરવિંગ વૉલેસ નોબેલ પારિતોષિકોની નિર્ણાયક સમિતિના એક સિનિયર સભ્ય ડૉ. સ્વેન હેડિનને મળ્યા (કેવી રીતે એની વાત ઘણી ઈન્ટરેસ્ટિંગ છે પણ લાઈફમાં એવી તો ઘણી બધી ઈન્ટરેસ્ટિંગ વાતો હોય છે જે કહેવાનો વખત, મોકો કે જગ્યા નથી મળતાં.) ડૉ. હેડિન સ્વીડનમાં રહેતા અને જર્મનીના હિટલરના જબરદસ્ત સપોર્ટર. હિટલર જ નહીં, હિટલરના સાથીઓ – ગોબેલ્સ, હિમલર, ગોરિંગ – બધાને ઓળખતા અને એ બધાના પ્રશંસક. ડૉ. હેડિન ધારે ત્યારે ફોન કરીને હિટલરને મળવા જર્મની જઈ શકતા.

મઝાની વાત એ છે કે ડૉ. હેડિન એક નહીં ત્રણ-ત્રણ નોબેલ પ્રાઈઝ નિર્ણાયક સમિતિના સભ્ય હતા. ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને લિટરેચર. એક વ્યક્તિમાં ત્રણ-ત્રણ વિષયોનું એવું તે કેટલું જ્ઞાન હોવાનું કે આવડું મોટું ઈનામ કોને આપવું તે નક્કી કરી શકે. ઈરવિંગ વૉલેસે ડૉ. હેડિન સાથેની મુલાકાતમાં અનુભવ્યું કે ‘આ માણસમાં તો ભારોભાર પ્રેજ્યુડિસ છે, આ વળી કેવી રીતે તટસ્થતાપૂર્વક કોઈ પણ બાબતે વિચારી પણ શકે.’

ડૉ. હેડિને ઈરવિંગ વૉલેસને વાતવાતમાં કહ્યું, ‘પર્લ બક (ચીની લેખિકા)ને નોબેલ આપવાની આઠ સભ્યો ના પાડતા હતા. મારા સહિત બે જ જણ પર્લ બકની તરફેણમાં હતા. છેવટે મારું ધાર્યું થયું અને પર્લ બકને નોબેલ મળ્યું… પર્લ બક અને એના હસબન્ડે મારું છેલ્લું પુસ્તક (‘ચ્યાંગકાઈ-શેકની જીવનકથા’) પ્રગટ કર્યું અને મને મામૂલી રૉયલ્ટી આપી. વિચાર કરો, મેં એને નોબેલ અપાવ્યું તો પણ.’

ઈરવિંગ વૉલેસે પૂછયું મૅક્સિમ ગૉર્કી જેવા મહાન લેખકને કેમ નોબેલ ન મળ્યું. હેડિન કહે, એ વહેલા ગુજરી ગયા, બાકી ઘણી વખત એમનું નામ યાદીમાં દેખાતું હતું. (ગૉર્કી ૬૮ વર્ષની વયે ૧૯૩૬માં ગુજરી ગયા. તે જમાનામાં એટલી ઉંમર પાકટ ગણાતી, ૬૦ પછી માણસ ખર્યું પાન ગણાતો.)

ઈરવિંગ વૉલેસે પૂછયું એચ. જી. વેલ્સને કેમ ક્યારેય નોબેલ ન આપ્યું તમે લોકોએ? ડૉ. હેડિન કહે એ તો બહુ માઈનોર લેખક કહેવાય અને સાવ જર્નાલિસ્ટિક લખાણ હતું એનું. લો બોલો, ‘ટાઈમ મશીન’, ‘ધ ફર્સ્ટ મેન ઓફ ધ મૂન’, ‘ઈન્વિઝિબલ મૅન’, ‘ધ વૉર ઑફ ધ વર્લ્ડ્ઝ’ જેવી અડધો ડઝન ક્લાસિક્સ સહિત કુલ ચારેક ડઝન પુસ્તકો લખનારો લેખક નોબેલ પારિતોષિક સમિતિના સિનિયર નિર્ણાયક માટે માઈનોર, મામૂલી લેખકિયો હતો. વેલ્સ ૧૯૪૬માં ગુજરી ગયા.

પછી વૉલેસે પૂછયું, ‘ડબ્લ્યુ. સમરસેટ મૉમને નોબેલ કેમ નહોતું મળ્યું.’

મૉમ, વેલ્સ, ગૉર્કી – આ બધા લેખકો જ્યારે લખતા હતા ત્યારે લિટરેચરનું નોબેલ નક્કી કરનારી સમિતિમાં ડૉ. હેડિન રહેતા એટલે ઈરવિંગ વૉલેસે આ વર્ટિક્યુલર લેખકો વિશે સવાલો કર્યા હતા.

‘ઑફ હ્યુમન બૉન્ડેજ’ જેવી સદાબહાર નવલકથા ઉપરાંત અનેક ટૂંકી વાર્તા, નાટકો અને બીજું ચિક્કાર લેખન કરીને ૯૧ વર્ષની વયે ૧૯૬૫માં મૃત્યુ પામેલા વિલિયમ સમરસેટ મૉમ વિશે ડૉ. હેડિનનો શું અભિપ્રાય હતો?

‘એ તો બહુ પૉપ્યુલર કહેવાતી અને લિટરેચરમાં ખાસ નોંધપાત્ર પ્રદાન નહીં.’

છેવટે ઈરવિંગ વૉલેસે પૂછયું, ‘અને જેમ્સ જોય્સને કેમ ન મળ્યું?’

ડૉ. હેડિન ઉવાચ: જેમ્સ જોય્સ વળી કોણ છે?’

ગુજરાતી સાહિત્યનું મસમોટું ઈનામ આપતી નિર્ણાયક સમિતિના સભ્ય પૂછે કે ‘રમેશ પારેખ? એ વળી કોણ?’ એવો આ ઘાટ થયો, દોસ્તો. વધુ સોમવારમાં.

આજનો વિચાર

કશું જ મફત નથી મળતું. પ્રાઈઝ મેળવવા માટે પણ તમારે પ્રાઈસ ચૂકવવી પડતી હોય છે.

– આફીની એનોક ઓનુઆ (નાઈજીરિયન લેખક)

એક મિનિટ!

શશી થરૂરને કૉન્ગ્રેસના પ્રવક્તાપદેથી હટાવ્યા પછી કૉન્ગ્રેસ પાર્ટીની સાક્ષરતાની ટકાવારી પાંચ ટકામાંથી ઘટીને અડધો ટકો થઈ ગઈ છે.

– વૉટ્સઍપ પર ફરતું.

1 comment for “મૅક્સિમ ગૉર્કી, એચ. જી. વેલ્સ અને સમરસેટ મૉમ જેવા ‘મામૂલી’ સાહિત્યકારોને નોબેલ કેમ નહોતું મળ્યું

  1. M.D.Gandhi, U.S.A.
    October 20, 2014 at 7:16 AM

    બહુ સંદર જાણકારી આપી છે.

    સુંદર લેખ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *