નોબેલ ઈનામમાં ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં

૧૯૩૭થી ૧૯૪૮ વચ્ચેના ગાળામાં કુલ પાંચ વખત ગાંધીજીનું નામ શાંતિ માટેના નોબેલ પ્રાઈઝ માટે નોમિનેટ કરવામાં આવ્યું હતું, પણ સૌને ખબર છે એમ ગાંધીજીને ક્યારેય નોબેલ ઈનામ મળ્યું નહોતું. ૨૦૦૬માં નોર્વેજિયન નોબેલ કમિટીના સેક્રેટરી ગેર લુંડસ્ટાડે જાહેરમાં ક્ધફેસ કર્યું હતું, ‘અમારા ૧૦૬ વર્ષના ઈતિહાસમાં અમે સૌથી મોટી ભૂલ મહાત્મા ગાંધીને અવગણીને કરી છે. ગાંધીને નોબેલ પીસ પ્રાઈઝ મળે કે ન મળે એને કારણે એમની પ્રતિભા ઓછી નથી થઈ જતી (આમ છતાં અમારે પક્ષે એ ભૂલ કહેવાય જ) અને ૧૯૪૮માં ગાંધીના અવસાન બાદ નોબેલનું શાંતિનું ઈનામ કોઈનેય નહીં આપીને સમિતિએ પોતાની ભૂલ સુધારી લેવાનો (ઝાંખો પાંખો) પ્રયત્ન તો કર્યો જ હતો.’

નોબેલ પ્રાઈઝ વ્યક્તિના મૃત્યુ પછી અપાતાં નથી, ભારતરત્ન અપાય છે. ૧૯૪૮માં નોબેલ પીસ પ્રાઈઝની સમિતિએ આ ઈનામ કોઈનેય નહીં અપાય એવી જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે આ વર્ષે કોઈ પણ ‘હયાત વ્યક્તિ’ આ ઈનામને લાયક ઠરતી નથી.

નોબેલ ઈનામો અમેરિકનોને, જયુઝ (યહૂદીઓ)ને અને હમણાંથી ઈસ્લામ કે મુસ્લિમ વિરોધી કાર્ય કરનારાઓને વધારે મળે છે એવું આંકડાઓ કહે છે. નોબેલની કક્ષાના કોઈ પણ આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય ઈનામોની બાબતમાં એક સત્ય જાણી લેવું જોઈએ કે આવાં ઈનામોની વિશ્ર્વસનીયતા બાંધવા માટે જેઓ ખરેખર એના હક્કદાર હોય એમને ક્યારેક ક્યારેક આવાં ઈનામો આપવામાં આવે છે. ક્રેડિબિલિટી ઊભી કરવા આ જરૂરી છે. એ પછી જ્યારે મોકો ઊભો થાય ત્યારે વેસ્ટેડ ઈન્ટરેસ્ટ વાળા કે લાગવગિયાઓને ઘુસાડી દેવામાં આવે. દાખલા તરીકે ગુજરાતીમાં સાહિત્યનું કોઈ ઊચ્ચ પારિતોષિક મેળવનારાઓની યાદીમાં ઉમાશંકર જોષી, પન્નાલાલ પટેલ કે પછી લાભશંકર ઠાકર અને રમેશ પારેખનાં નામ તમે જુઓ એટલે પ્રભાવિત થઈ જાઓ. પણ આ જ પારિતોષિક કોઈ માવજીભાઈ કે લલ્લુભાઈ કે પંજુભાઈને પણ અપાતું હોય છે. પારિતોષિકની વેલ્યુ વધારવા ઉમાશંકર, પન્નાલાલ વગેરે જરૂરી હતા એટલે એમને એ ઈનામ અપાયાં. ઉમાશંકર વગેરેને તો આવાં પારિતોષિકો ન મળે તોય એમની સર્જનગુણવત્તા કે લોકપ્રિયતા સહેજ પણ ઘટતાં નથી, પણ નિર્ણાયક સમિતિ અને પારિતોષિક આપનાર સંસ્થાને પોતાના વેસ્ટેડ ઈન્ટરેસ્ટ માટે માવજીભાઈ કે લલ્લુપંજુને ઈનામ આપવામાં વધારે રસ હોય છે.

નોબેલ પારિતોષિકો આપવામાં કેવા કેવા ગોટાળો થાય છે એની વાત લાંબી છે અને ઘણી

મઝાની છે. ૧૯૪૫માં, જર્મનીની હાર પછી નોબેલ પીસ પ્રાઈઝ માટે બ્રિટનના તે વખતના વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલનું નામ નોમિનેટ થયું હતું. યુદ્ધખોર ચર્ચિલનું નામ શાંતિનું નોબેલ પ્રાઈઝ આપવા માટે નોમિનેટ થાય એ જ મોટી નવાઈ. જો કે, એ વર્ષે નહીં પણ ૧૯૫૩માં ચર્ચિલને નોબેલ ઈનામ આપવામાં આવ્યું અને તે પણ શાંતિ માટે નહીં, સાહિત્ય માટે! સાહિત્ય માટે કેમ? તો કહે એમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે અને ‘ધ સેક્ધડ વર્લ્ડ વૉર’ વિશે એમણે લખેલા છ ગ્રંથ જગમશહૂર થયા છે. લો કરો વાત. એ તો ઈતિહાસ કહેવાય, હિસ્ટરી. એને લિટરેચર થોડું કહેવાય. (આવું જ જોકે, ગુજરાતી ભાષામાં પણ બન્યું હતું. દિલ્હીની સાહિત્ય અકાદમીએ ગાંધીજીના સેક્રેટરી મહાદેવ દેસાઈના પુત્ર નારાયણ દેસાઈને ‘અગ્નિકુંડમાં ખીલેલું ગુલાબ’ નામના પુસ્તક માટે ઍવાર્ડ આપ્યો હતો. પુસ્તક સુંદર છે અને જીવનકથા એ સાહિત્યનો જ એક પ્રકાર છે. આ પુસ્તકમાં મહાદેવભાઈની બાયોગ્રાફી છે, પણ નારાયણ દેસાઈ કોઈ સાહિત્યકાર નથી અને આ ઍવૉર્ડ ડિઝર્વ કરે એવા બીજા ડઝનબંધ સિનિયર સાહિત્યકારો તે વખતે હયાત હતા પણ એ સૌને અવગણીને વેસ્ટેડ ઈન્ટરેસ્ટવાળી નિર્ણાયક સમિતિએ ચર્ચિલભાઈની જેમ નારાયણભાઈને નવાજવાનું નક્કી કર્યું હતું.)

નોબેલ પ્રાઈઝ કેવી કેવી વ્યક્તિઓને પણ મળ્યાં છે, ખબર છે? ૧૯૧૮માં કેમિસ્ટ્રીનું નોબેલ ઈનામ ફ્રિટ્ઝ હેબરને મળ્યું હતું જેનો વિવાદ તે વખતે પણ ખૂબ ચગ્યો હતો અને આજ દિન સુધી નોબેલ ઈનામ માટેનો સૌથી ચર્ચાસ્પદ મુદ્દો આ જ રહ્યો છે કે જેણે પ્રથમ વિશ્ર્વયુદ્ધ દરમ્યાન ઝેરી ગૅસની શોધ કરવામાં મદદ કરી, માનવજાતનો એક સાથે લાખોની સંખ્યામાં સંહાર કરી શકાય એવા પોઈઝનસ વાયુની શોધ કરવામાં ભાગ લીધો એ માણસને નોબેલ લોરિયેટ કહેવો કે મહારાક્ષસ.

કેમિસ્ટ્રીમાં જેમને રસ હશે કે ગતાગમ પડતી હશે એમને કાર્બન એસિમિલેશન વિશે જાણકારી હશે (આપણને એમાં રસ પણ નથી, ગતાગમ તો આટલીય નથી પડતી). ૧૯૬૧માં આ બાબતે મેલ્વિન કેલ્વિનને નોબેલ મળ્યું પણ એની સાથેના બીજા બે સંશોધકોને બિલકુલ ઈગ્નોર કરવામાં આવ્યા. આજની તારીખે ઘણા બોટનિસ્ટ અને બાયોલોજિસ્ટ કૅલ્વિન – બેન્સન – બૅશમ (સીબીબી) સાયકલ તરીકે જેને ઓળખે છે તે સંશોધનમાં એન્ડ્રુ બેન્સન તથા જેમ્સ બૅશમનો એકડો નોબેલ સમિતિએ સાવ કાઢી નાખ્યો. મેલ્વિન કેલ્વિને પણ નોબેલ વિજયના દાયકાઓ પછી લખેલી આત્મકથા ‘ફૅલોઇંગ ધ ટ્રેઈલ ઑફ લાઈટ’માં પોતાની સાયન્ટિફિક જર્નીમાં એન્ડ્રુ બેન્સનના નામનો ઉલ્લેખ સુધ્ધાં નથી કર્યો.

મેલ્વિન કૅલ્વિન કરતાં ગેર્હાર્ડ ઍર્ટલનો સ્વભાવ સાવ જુદો. ૨૦૦૭માં એને કૅટેલિટિક ઈફેક્ટ્સ ઑફ મેટલ સરફેસીઝના વિષયે સંશોધન માટે કેમિસ્ટ્રીનું નોબેલ પ્રાઈઝ મળ્યું ત્યારે એણે આશ્ર્ચર્ય અને નારાજગી વ્યક્ત કર્યાં, કારણ કે આધુનિક સરફેસ સાયન્સ અને કૅટેલિસિસના ક્ષેત્રે જેમણે પાયાનું કામ કર્યું હતું એ ગેબોર સોમોર્જાઈની નોબેલ સમિતિએ ઘોર અવગણના કરી હતી. હાલાકિ સોમોર્જાઈ અને ઍર્ટલને ૧૯૯૮માં કૅમિસ્ટ્રીનું એક અન્ય મહાપારિતોષિક સંયુક્તપણે અપાઈ ચૂક્યું હતું. સરફેસ સાયન્સના નિષ્ણાતોએ સોમોર્જાઈને એ નોબેલના આધા હિસ્સા માટે શા માટે લાયક ન ગણ્યા તે માટે ઘણો ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને આજ દિન સુધી એ રહસ્ય છે કે સમિતિએ આવું શું કામ કર્યું.

૨૦૦૮ના કૅમિસ્ટ્રી માટેના નોબેલ ઈનામ માટે પણ વિવાદ થયો હતો. ગ્રીન ફલોરસન્ટ પ્રોટીન અંગેના સંશોધન માટે ઓસામુ શિમોમુરા, માર્ટિન શાલ્ફી અને રોજર વાય. સીનને સહિયારું ઈનામ મળ્યું. આ વિષયમાં પાયાનું કામ કરનારા વૈજ્ઞાનિક – સંશોધક ડગ્લાસ પ્રાશરને અવગણવામાં આવ્યા. તે વખતે ત્રણમાંના એક વિજેતા માર્ટિન શાલ્ફીએ જાહેર નિવેદનમાં કહ્યું હતું, ‘અમે લોકોએ અમારી લૅબમાં જે કામ કર્યું તે કામના પાયામાં ડગ્લાસ પ્રાશરે સંશોધન કર્યું હતું. નોબેલ સમિતિએ ડગ્લાસ પ્રાશર અને મારા બીજા બે સાથીઓને (જેમને ઈનામ મળ્યું છે) નોબેલ આપીને, મને બાકાત કર્યો હોત તો કોઈ જ વાંધો નહોતો. પોતાની સિદ્ધિઓની ઘોર અવગણના થયા પછી ડગ્લાસ પ્રાશર પોતાના ક્ષેત્રની બહાર ફેંકાઈ ગયો. ૨૦૦૮ પછી અમેરિકાના અલબામા રાજયના હન્ટ્સવિલ શહેરમાં એણે શટલ બસના ડ્રાયવર તરીકેની નોકરી કરીને ગુજરાન ચલાવવું પડ્યું. ત્રિપુટીમાંના રોજર વાય. સીન ઘણા વખતથી ડગ્લાસ પ્રાશરનું નામ આગળ ધર્યા કરતો હતો. પ્રાશરની ઍકેડેમિક કરિયર સ્થગિત થઈ ગઈ ત્યારે સીને એને જૉબ પણ ઑફર કરી હતી. છેવટે ૨૦૧૩માં પ્રાશરે સીનની લૅબમાં જૉબ લીધી. વધુ કાલે.

આજનો વિચાર

મિડિયોકર લોકો ક્યારેય પોતાના કરતાં ઊંચા ગજાના માણસોનો આદર નહીં કરે. પણ ટેલેન્ટેડ લોકો તરત જ જીનિયસ માણસોને રેકગનાઈઝ કરશે.

-આર્થર કોનન ડોઈલ

એક મિનિટ!

દેસી લવ!

ફિદા છું તારા ચોટલા પર

જીવું છું બાજરાના રોટલા પર;

જો તું નંઈ બોલે મારી જોડે,

તો બેઠો રઈસ તારા ઓટલા પર.

-તારો બકો

1 comment for “નોબેલ ઈનામમાં ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં

  1. M.D.Gandhi, U.S.A.
    October 20, 2014 at 7:22 AM

    બહુ સંદર જાણકારી આપી છે.

    સુંદર લેખ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *