ગલી કક્ષાનાં પારિતોષિકો અને નોબેલ પ્રાઈઝ વચ્ચે કોઈ ફરક છે?

નોબેલ ઈનામો ઉત્તરોત્તર વિવાદાસ્પદ બનતા જાય છે. શાંતિનું નોબેલ પ્રાઈઝ દર વખતે કકળાટ ઊભો કરે છે. હૅન્રી કિસિંજર, મધર ટેરેસા, યાસર અરાફત અને બરાક ઓબામા – આ ચારેયને વારાફરતી નોબેલ ઈનામો મળી ચૂક્યા છે. આ ચારેયને એક પંગતમાં મૂકવા એ વાત જ આખી હાસ્યાસ્પદ છે. બરાક ઓબામાએ ૨૦ જાન્યુઆરી, ૨૦૦૯ના દિવસે અમેરિકાના પ્રમુખપદના સોગં…દ લીધા અને પ્રમુખપદે હજુ ૯ મહિના પણ નહોતા થયા ત્યાં એમને ૨૦૦૯નું શાંતિનું નોબેલ પારિતોષિક આપવાની જાહેરાત થઈ. ૯ મહિનામાં ઓબામાએ વિશ્ર્વમાં એવી તે કઈ મોટી શાંતિ ફેલાવી દીધી કે એમને આવડું મોટું નોબેલ ઈનામ આપવું પડે એ તો દૈ જાણે.

સાહિત્યનાં નોબેલ ઈનામો રાજકારણની ગણતરીથી વધુ અપાય છે, સાહિત્યના લેખનની ગુણવત્તા તરફ પછી ધ્યાન અપાય છે. બાકીનાં ક્ષેત્રોનાં નોબેલ ઈનામો પણ દર વખતે યોગ્ય વ્યક્તિને જ મળતાં હોય એ જરૂરી નથી. જેમને આવું રૅક્ગ્નિશન મળવું જોઈએ એવી કેટલીય વ્યક્તિઓ એનાથી વંચિત રહી ગઈ હોય એવા અનેક દાખલા છે.

બ્રિટનના જાણીતા આર્થિક સાપ્તાહિક ‘ધ ઈકોનોમિસ્ટે’ એક વખત સૂચન કર્યું હતું કે ફિઝિક્સ, કૅમિસ્ટ્રી, ઈકનોમિક્સ, મેડિસિન, લિટરેચર અને શાંતિ માટે જેમ નોબેલ ઈનામો અપાય છે એમ દર વર્ષે દુનિયાના એક શ્રેષ્ઠ બિઝનેસમૅનને પણ એક મિલિયન ડૉલર્સનું પારિતોષિક આપવું જોઈએ. ‘ધ ઈકોનોમિસ્ટ’ના આ સૂચન પછી દુનિયાભરમાં ચર્ચા ચાલી.

બિઝનેસમૅનને નોબેલ ઈનામ આપવાની પ્રથા શરૂ કરવામાં આવશે ત્યારે કેવો સિનારિયો સર્જાશે. આ કિસ્સા પરથી કલ્પના કરો: ૧૯૮૬માં ઈટલીની દવા બનાવતી કંપનીએ પહેલા નવ મિલિયન ડૉલર્સ ખર્ચીને (નોબેેલ ઈનામની રકમ કરતાં પોણા નવ ગણા નાણાં ખર્ચીને) રિટા લેવી મોન્ટાચિનીને મેડિસિનનું નોબેલ ઈનામ અપાવ્યું હતું. એવો આક્ષેપ છે. આ જંગી રકમ નોબેલની નિર્ણાયક સમિતિના સ્વીડિશ સભ્યો પાછળ ખર્ચવામાં આવી હતી. દુનિયાના બિઝનેસમૅનો માટે પચ્ચીસ-ત્રીસ-પચાસ કરોડ રૂપિયા જેટલી રકમ કંઈ જ નથી. અબજો પતિઓની ધનની લાલસા સંતોષાઈ જાય તે પછી એમને પ્રસિદ્ધિની તથા સત્તાની લાલસા જાગતી હોય છે. હજાર, બે-ત્રણ હજાર કરોડ રૂપિયાના આસામીઓ ભારતમાં જ હજારો છે. દુનિયામાં તો લાખો છે. આ તમામ (તમામ) બિઝનેસમૅનોએ પોતાનો બિઝનેસ સામ, દામ, દંડ, ભેદની નીતિથી સ્થાપ્યો, વિકસાવ્યો અને જાળવ્યો હોય છે. કોઈપણ બિઝનેસ – મૅન કે એમની કંપની, એમનું ગ્રુપ, એમનું ઓર્ગેનાઈઝેશન પ્રામાણિક છે એવી છાપ જો સમાજમાં હોય તો તેનો જશ એમના ચાર્ટર્ડ એકાઉન્ટટ્સને તેમ પબ્લિક રિલેશન્સ

ડિપાર્ટમેન્ટને જવો જોઈએ. નોબેલ ઈનામ છે, જ્યારે બિઝનેસમૅનોને પણ અપાતું થઈ જશે

ત્યારે આ પારિતોષિકની રહી સહી આબરૂ અને બચી ખુચી વિશ્ર્વસનીયતા પણ પાણીમાં મળી જશે.

નોબેલ જ નહીં સ્થાનિક, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સંગીત, સાહિત્ય, નાટક, ફિલ્મ, સમાજસેવા ઉદ્યોગ વગેરે અનેક બાબતો માટે અપાતાં નેવું નહીં નવ્વાણું ટકા ઈનામો, પારિતોષિકો, માનપાન કાં તો બોગસ હોય છે, કાં લાગવગથી અપાતાં હોય છે, કાં ખરીદવામાં આવતા હોય છે.

કોઈ વખત એવું પણ બને કે તમે સીધેસીધી લાગવગ ન લગાવો પણ તમારા વતી કોઈક તમારું નામ સૂચવીને (જેવું એક ફડતૂસ ગુજરાતી ફિલ્મ ‘ધ ગુડ રોડ’ને ઓસ્કાર માટે મોકલવાની બાબતમાં થયું) ઈનામ કે એવૉર્ડ કે છેવટે નોમિનેશન તમારા માટે લઈ આવે. કેટલીક વખત સાવ બોગસ પારિતોષિક કે એવૉર્ડને પ્રતિષ્ઠા મળે એ માટે વચ્ચે એકાદ વર્ષે જાણીતી – ટેલેન્ટેડ હસ્તીના હાથમાં પકડાવી દેવામાં આવે. કેટલાક આયોજકો પોતાની વગ વધારવા અને પીઆરશિપ કરવા મોટું નામ ધરાવતી વ્યક્તિઓને એવૉર્ડ આપતા હોય છે. આવા બોગસ એવૉર્ડો ભારતમાં ઘણાં છે. અમદાવાદ – રાજકોટ-સુરતના ગુજરાતી સમાજમાં વ્યાપકપણે અને મુંબઈની ગુજરાતી સંસ્થાઓમાં પણ આ દૂષણ છે. તકલીફ એ છે કે તથાકથિત મહાનુભાવો આવા ‘માનપાન’ લેવા માટે પૂંછડી પટપટાવીને પોતાનું પેટ્રોલ બાળીને ઈનામ વિતરણ સમારંભોમાં અભિવૃદ્ધિ કરવા પહોંચી જતા હોય છે.

કોઈને હર્ટ ન થાય એટલે મુંબઈ છોડીને દૂર દિલ્હીનો દાખલો લઈએ. દિલ્હીમાં શિરોમણિ એવૉર્ડનું એક તૂત ચાલતું. એક વખત ભવ્ય સમારંભમાં સુનીલ ગાવસ્કર, કે. પી. એસ. ગિલ, બિસ્મિલ્લા ખાન, રાજ બબ્બર વગેરેને શિરોમણિ એવૉર્ડ અપાયા. નિર્ણાયક સમિતિમાં સુનિલ દત્ત, ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ એવૉ પી. એન. ભગવતી, ફિલ્ડ માર્શલ સામ માણેકશા વગેરે હતા. પ્રતિષ્ઠિત નામોની આવી વણઝાર વિશે જાણીને આપણા જેવા સામાન્ય માણસોને તો શિરોમણિ એવૉર્ડ માટે અહોભાવ થયા વિના રહે જ નહિ. પણ આ એવૉર્ડની ભીતરની વાત જાણ્યા પછી આ જ નહીં, આવા તમામ (તમામ) એવૉર્ડ માટે તિરસ્કાર થયા વિના પણ ન રહે.

નવી દિલ્હીમાં ગાવસ્કર ઉપરાંત વીરેન્દ્ર સિંહ બાંઠિયા નામના કોલકત્તાના કોઈ ઈન્કમ ટૅક્સ ઓફિસરને પણ શિરોમણિ એવૉર્ડ અપાયો હતો. આ ઑફિસર પર કેટલાક ઉદ્યોગગૃહોની કરચોરી પ્રત્યે આંખ આડા કાન કરવાના આરોપસર ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરી થઈ ચૂકી હતી અને સજારૂપે ભ્રષ્ટાચાર શક્ય ન હોય એવી પોસ્ટ પર બદલી પણ થઈ ચૂકી હતી. એવૉર્ડ મળ્યા પછી તરત જ આ બાંઠિયાએ (આ અટક છે, વિશેષણ નથી) પોતાના ઉપરીને આ સિદ્ધિ મળ્યાની જાણ કરતો પત્ર લખ્યો જેથી સજામાંથી મુક્તિ મળે.

હજુ વાંચો. કોલકતા સ્થિત બિરલા જ્યુટ કંપનીના સિનિયર ઑફિસર એેમ. ડી. પોદ્દારને જગમોહન સિંહ નામના એક સજ્જને પત્ર લખ્યો હતો કે તમને શિરોમણિ એવૉર્ડ આપવામાં આવે છે. જગમોહન સિંહે રૂબરૂ મળીને પોદ્દાર પાસે એવૉર્ડ સમારંભ નિમિત્ત પ્રગટ થનારા સુવેનિયરમાં રૂપિયા ચાળીસ હજારની (એ જમાનામાં ચાર લાખ જેવી રકમ ગણાય) જાહેરખબર માગી. પોદ્દારે ના પાડી. જગમોહને બહુ રકઝક પછી હમારા નહીં તુમ્હારા નહીં કરીને છેવટે માત્ર દસ હજાર રૂપિયામાં સેટલ કરવાની તૈયારી બતાવી તોય પોદ્દારે નમતું ન જોખ્યું. પોદ્દારને એવૉર્ડ ન મળ્યો.

જગમોહન સિંહ નામના સજ્જન શિરોમણિ ઈન્સ્ટિટ્યૂટના સંચાલક છે અને પોતાના જર્નાલિસ્ટ ભાઈ હરભજન સિંહ સાથે મળીને આવા તિકડમો કરતા રહે છે. ૧૨ વર્ષે દિલ્હીની કોઈ ફાઈવ સ્ટાર હૉટેલમાં સમારંભ યોજે અને રાષ્ટ્રપતિ કે કેન્દ્રીય પ્રધાનમંડળમાંના જાણીતા ચહેરાઓ કે એવા જ કોઈકના વીવીઆઈપીઓના ‘વરદ્ હસ્તે’ એવૉર્ડ અપાવે. જસ્ટિસ પી. એન. ભગવતી જેવી પ્રામાણિક અને દુન્યવી પ્રતિષ્ઠાથી અલિપ્ત એવી વ્યક્તિને પણ જે નિર્ણાયક સમિતિમાં નામ મૂકવા માટે રાજી કરીને શીશામાં ઉતારી શકે એ જગમોહન સિંહ ખરેખર બહુ ઊંચી માયા હોવી જોઈએ.

આપણે આવા કિસ્સાઓમાંથી તારવવાનું એટલું જ કે ક્યારેય કોઈને એવૉર્ડ, ઈનામ કે પારિતોષિક મળ્યાના સમાચાર છપાય ત્યારે ગદ્ગદ્ થઈને એમને અભિનંદન આપવા દોડી ન જવું, નોબેલ પારિતોષિક મળે તો પણ. કારણ કે એ પણ આ ગલી કક્ષાના એવૉર્ડ્સનું એક વૈશ્ર્વિક સ્વરૂપ જ છે. વધુ કાલે.

આજનો વિચાર
સારા માણસો વિશેની ખરાબ વાતને માની લેવા લોકો આતુર જ નહીં, તલપાપડ હોય છે.

– ફેસબુક સુવાક્ય
એક મિનિટ
કૉલેજમાં એક છોકરાએ છોકરીને કમળનું ફૂલ આપ્યું. છોકરીએ થપ્પડ મારી.

છોકરો: અરે, હું તો ભાજપનો પ્રચાર કરી રહ્યો છું.

છોકરી: અને હું કૉન્ગ્રેસનો..

1 comment for “ગલી કક્ષાનાં પારિતોષિકો અને નોબેલ પ્રાઈઝ વચ્ચે કોઈ ફરક છે?

  1. M.D.Gandhi, U.S.A.
    October 20, 2014 at 7:25 AM

    બહુ સંદર જાણકારી આપી છે.

    સુંદર લેખ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *