નોબેલ ઈનામની આગળ પાછળ

‘અડધીપડધી સગલી’ ઉર્ફ ‘હાફ ગર્લફ્રેન્ડ’વાળા ચેતન ભગતના ભક્તોને ઈરવિંગ વૉલેસનું નામ પણ ખબર નહીં હોય. એક જમાનામાં આર્થર હેલી (‘ધ હૉટેલ’), હેરલ્ડ રૉબિન્સ (‘કારપેટ બેગર્સ’) અને ઈરવિંગ વૉલેસની ત્રિમૂર્તિ બેસ્ટ સેલિંગ નૉવેલ્સ લખતા.

ઈરવિંગ વૉલેસે એ જમાનામાં, એટલે કે છેક ૧૯૬૪ની સાલમાં એક નૉવેલ લખી હતી – ‘ધ મૅન’. આ નૉવેલની વન લાઈનર એના લિટરરી એજન્ટે પ્રકાશકોન…ા પ્રતિનિધિઓ સામે લિલામ કરી આખી નૉવેલ તો રાઈટ્સ વેચ્યા પછી લખાઈ. વન લાઈનર હતી – જો કોઈ બ્લૅક પર્સન અમેરિકાનો પ્રેસિડેન્ટ બને તો – ત્યારે આવું વિચારવું કે આવી કલ્પના કરવી પણ અશક્ય કામ ગણાય. ‘ધ મૅન’ બેસ્ટ સેલર બની. ઈરવિંગ વૉલેસની ‘ધ ફૅનક્લબ’ (૧૯૭૪) પરથી પ્રેરણા લઈને શૈલેષ દવેએ ‘બેગમ શબાબ’ નાટક લખ્યું હતું. ‘ધ પ્લૉટ’ (૧૯૬૭), ‘ધ સેવન મિનિટ્સ’ (૧૯૬૯), ‘ધ વર્ડ’ (૧૯૭૨), ‘ધ આર ડૉક્યુમેન્ટ’ (૧૯૭૬), જે ઈમરજન્સી દરમિયાન ભારતના ક્રાંતિકારી વિચાર કરવાવાળાઓમાં બહુ વેચાઈ. પત્રકાર સુધીર માંકડ એ વખતે ખૂબ લોકોને એ નૉવેલ ભેટ આપતા. ઈમરજન્સી પછી એમણે એક નકલ મને પણ આપી હતી, ‘ધ સેક્ધડ લેડી’ (૧૯૮૦), ‘ધ ઑલમાઈટી’ (૧૯૮૨) વગેરે કુલ લગભગ દોઢ ડઝન નવલકથાઓ ઈરવિંગ વૉલેસે લખી હતી. ૧૯૯૦માં ૭૪ વર્ષનું હર્યુંભર્યું જીવન માણીને મારા આ ડાર્લિંગ રાઈટર ગુજરી ગયા. એમનાં લગભગ તમામ પુસ્તકો એક જ વ્યક્તિને અર્પણ થયાં સિલ્વિયા વૉલેસને. એમની પત્ની અપવાદરૂપે ક્યારેક પેરન્ટ્સને કે અન્ય મિત્ર-સ્વજનને અર્પણ થયાં.

નૉવેલ ઉપરાંત નૉન ફિક્શન પુસ્તકો પણ ડઝનેક લખ્યાં. ‘ઈન્ટિમેટ સેક્સ લાઈવ્સ ઑફ ફેમસ પીપલ’ લખવામાં સિલ્વિયાએ પણ વરને ખાસ્સી હેલ્પ કરી હતી. સિલ્વિયા ૨૦૦૬માં ૮૯ વર્ષની ગ્રાન્ડ ઑલ્ડ એજમાં ગુજર્યો. ૧૯૭૧માં ઈરવિંગ વૉલેસનું એક નૉન-ફિક્શન પુસ્તક પ્રગટ થયું હતું: ‘ધ નિમ્ફો ઍન્ડ અધર મૅનિયાક્સ: ધ લાઈટસ, ધ લવ્સ ઍન્ડ ધ સેક્સ્યુઅલ ઍડવેન્ચર્સ ઑફ સમ સકૅંન્ડલસ ઍન્ડ લિબરેટેડ લેડીઝ.’

ઈરવિંગ વૉલેસ બીજી જ નવલકથાથી મશહૂર બની ગયા. ૧૯૬૧માં ‘ધ ચૅપમૅન રિપોર્ટ’. પહેલી ઓકીડોકી નીવડી અને ત્રીજી નવલકથા ‘ધ પ્રાઈઝ’ (૧૯૬૨)થી સ્ટાર બની ગયા. ‘ધ પ્રાઈઝ’ નવલકથા માટે એમણે કોઈ સિઝન્ડ પત્રકારને શરમાવે એવું રિસર્ચ કર્યું હતું. ગુજરાતીમાં અશ્ર્વિની ભટ્ટ પોતાની નવલકથાઓ

માટે જેવું અને જેટલું રિસર્ચ કરતા એવું અને એટલું અત્યાર સુધી કોઈ પત્રકાર-નવલકથાકારે કર્યું નથી. ‘ધ પ્રાઈઝ’ની પ્રીમાઈસિસ કંઈક આ મતલબની છે:- છ અલગ અલગ વ્યક્તિઓને છ અલગ અલગ સ્થળે અને છ અલગ અલગ સિચ્યુએશન્સમાં એક સરખો ટેલિગ્રામ મળે છે: ‘ઈન રેક્ગ્નિશન ઑફ યૉર વર્ક ઈન ફલાણા ફિલ્ડ ધ નોબેલ ફાઉન્ડેશન ઑફ સ્ટૉકહોમ ઑન બીહાફ ઑફ ધ સ્વીડિશ ઍકેડેમી ઈઝ પ્લીઝ્ડ ટુ ઈન્ફોર્મ યુ ધૅટ યુ હેવ ટુડે બીન વોટેડ ધિસ યર્સ નોબેલ પ્રાઈઝ… ડીટેલ્સ ફોલો. હાર્ટિએસ્ટ કૉન્ગ્રેચ્યુલેશન્સ’.

એન્ડ્રુ ક્રેગ ૩૯ વર્ષનો ભયંકર ટેલેન્ટેડ પણ કર્મ્શ્યલી સાવ નિષ્ફળ, ફટેહાલ પરિસ્થિતિમાં જીવતો, રાઈટર છે. ‘ધ પ્રાઈઝ’નો એ પ્રોટેગોનિસ્ટ છે, વાર્તાનો કથાનાયક છે. બેવડો છે. (તે ત્યાં સુધી કે નોબેલ પ્રાઈઝ સેરિમનીમાં પણ એ ટાઈટ હતો). તાર મળ્યો ત્યારે એ ઘરે નહોતો. ઘરે તાર આવ્યો એ પહેલાં પોસ્ટ ઑફિસમાંથી ગામના એક છાપાના ખબરપત્રીને જાણ થઈ ગઈ. ખબરપત્રીએ ઘરે ફોન કરીને ખુશખબર આપ્યા જેથી તરત જ રિએક્શન/બાઈટ/ઈન્ટરવ્યુ મળે. પણ એ ઘરે નહોતો એટલે એની વાઈફને સમાચાર આપ્યા. એન્ડ્રુ ક્રેગની વાઈફે ફોન જોડ્યો અને એન્ડ્રુને કહ્યું, ‘સાલા તારું પાટલૂન ચડાવ અને ઘરે આવી જા. પત્રકારોની ભીડ જમા થવાની છે, તને નોબેલ લાગ્યું છે.’

એન્ડ્રુ ક્રેગ એની ગર્લફ્રેન્ડના ઘરે હતો.

આ જ રીતે છ જણાને પોતપોતાના ક્ષેત્રમાં નોબેલ પ્રાઈઝ ‘લાગ્યાં’ છે એવા સમાચાર મળે છે અને સાતસો પાનાનો તોતિંગ જલસો શરૂ થાય છે.

ઈરવિંગ વૉલેસની આ નવલકથા ખૂબ વંચાઈ, વખણાઈ, વેચાઈ અને ભારે કૉન્ટ્રોવર્ચ્યલ પણ થઈ. ૧૯૬૮માં, નૉવેલ પ્રગટ થયાના ૬ વર્ષ પછી વૉલેસે આ નવલકથા કેવી રીતે લખી, કેવું કેવું રિસર્ચ થયું, એડિટિંગ, રિરાઈટિંગ કેવી રીતે કર્યું એના અનેક દાખલા, ઉદાહરણો સાથેનું એક એક્સાઈટિંગ પુસ્તક લખ્યું: ‘ધ રાઈટિંગ ઑફ વન નૉવેલ’.

આ પુસ્તકમાં વૉલેસેનોબેલ પ્રાઈઝ આપનારી નિર્ણાયક સમિતિના સભ્યો સાથે કરેલી વાતચીતના ઉતારા પણ આપ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ વિશ્ર્વપ્રસિદ્ધ ઈનામના નક્કી કરનારાઓમાં કેટલાક અક્કલના ઓથમીર પણ હોય છે, કેટલાક પૂર્વગ્રહ પીડિત હોય છે તો કેટલાક આઉટરાઈટ કરપ્ટ હોય છે.

૧૯૮૦ના અરસામાં મેં ‘ધ રાઈટિંગ ઑફ વન નૉવેલ’ પુસ્તક મુંબઈમાં અનેક જગ્યાએ રખડીને ખરીદવાની કોસિસ કરી હતી. મેટ્રો પાસેની સેક્ધડ હૅન્ડ બુક શૉપમાં પણ શોધ્યું. છેવટે એક દિવસ ફાઉન્ટ પાસેની સેન્ટ્રલ ટેલીગ્રાફ ઑફિસની ફૂટપાથ પર વિશાળ પથારો પાથરીને જૂનાં પુસ્તકો વેચતા ફેરિયા પાસેથી પાંચ રૂપિયાની પ્રિન્સલી કિંમતે મળી ગયું. અત્યાર સુધી જીવની જેમ સાચવ્યું હતું. પાંચેક વર્ષ પહેલાં ખબર પડી કે મારી લાઈબ્રેરીમાં નથી. ક્યાંક મુકાઈ ગયું, કોઈને વાંચવા આપ્યું ખબર નથી. થોડાક મહિના પછી લકીલી મને એની ફ્રેશ કૉપી ખરીદવાની તક મળી. આજે જોઉં છું તો એ પણ મારી પાસે નથી સાવ લ્હારિયું ખાતું છે.

નવી કૉપી માટે તપાસ કરી. આઉટ ઑફ પ્રિન્ટ છે. એમેઝોન ડૉટ ઈનમાં સેક્ધડ હૅન્ડ કૉપી બાર હજાર રૂપિયામાં (ટુ બી પ્રીસાઈસ રૂ. ૧૨,૪૪૮ પૂરા) વેચાય છે (હવે તો કોઈ લઈ ગયું હશે તો પણ પાછી નહીં મળે!)

ઍની વે.

શોધું છું. મળશે તો વા નહીં તો વાયરો. ઘણું યાદ છે એમાંથી. નોબેલ પ્રાઈઝ આપવામાં કેટકેટલી બેદરકારી, બેવકૂફી તથા બદમાશીઓ થાય છે એના અનેક ઑથેન્ટિક કિસ્સાઓ એમાં છે. પાકિસ્તાની મલાલા અને હિન્દુસ્તાની કૈલાસ સત્યાર્થીને શાંતિનું નોબેલ પ્રાઈઝ મળ્યા પછી દેશભરમાં જે ઉલ્લાસમય શોરબકોર ચાલી રહ્યો છે તે ગેસથી ભરેલા, ઊંચે ઊડેલા ફુગ્ગામાં ટાંકણી ભરાવવાનો અમારો ઈરાદો છે. પણ ડાયરેક્ટલી એવું ધડ દઈને કહીએ તો જરા શૉક લાગે એટલે ઈન્જેક્શન આપતાં પહેલાં સ્પિરિટ લગાડાય એવો આ પ્રસ્તાવના લેખ લખ્યો. હવે બીજા બે લખીશ.

આજનો વિચાર
એક વાત હું શીખ્યો કે મારી લાઈફમાં મારી પાસે શું શું છે એનું કોઈ ઈમ્પોર્ટન્સ નથી, કોણ કોણ છે એનું જ મહત્ત્વ છે.

– વૉટ્સઍપ સુવાક્ય

એક મિનિટ!
ચંદ્ર પણ કમાલનો છે, યાર!

થોડા દિવસ પહેલાં દેખાયો તો લાખો બકરાં હલાલ થઈ ગયાં.

અને હમણાં દેખાયો તો લાખો બકરાંનું એક વર્ષનું આયુષ્ય એક્સટેન્ડ થઈ ગયું!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *