ઉંમરના એવા વળાંક પર: પૂર્ણાહુતિ

લગ્ન પછી પતિ-પત્ની વચ્ચે જે શારીરિક સંબંધ હોય તે સિવાયના તમામ સેક્સસંબંધો વિકૃત કહેવાય એવું આપણે માની લીધું છે. તમને પણ ખબર છે અને મને પણ ખબર છે કે હકીકતમાં આવું નથી હોતું, પણ જાહેરમાં કે પછી બીજી વ્યક્તિ આગળ આવું કબૂલ કરતાં આપણને અન્કમ્ફર્ટેબલ ફીલ થાય છે. એટલે આપણે એવો દેખાડો, ઢાંકપિછોડો કે દંભ ચાલુ રાખીએ છીએ. સેક્સ માટેની આવી માન્યતા આપણન…ે પોતાને તો જિંદગીમાં નડતી જ રહે છે, વારંવાર ગિલ્ટી ફીલ કરાવતી રહે છે અને આપણા કરતાં વધારે આપણી આ માન્યતા બાળકો સાથે આ બાબતે ડીલ કરતી વખતે વધારે નડે છે.

સંતાનોને ‘સુધારતાં’ પહેલાં માબાપોએ પોતાની અંદર ઝાંકીને જોવું જોઈએ કે શું તેઓ ‘કૃષ્ણ કરે તે લીલા અને બીજા કરે તે ભવાઈ’ની મેન્ટાલિટીનો ભોગ તો નથી બન્યા ને. બાળકોને ‘સીધા રસ્તે’ લાવવા મથતા પેરન્ટ્સે વિચારવું જોઈએ કે પોતે ક્યારે, ક્યાં ક્યાં અને કેટલીવાર પેલા કહેવાતા પ્રોહિબિટેડ ઝોનમાં આંટો મારી આવ્યા છે.

તમારું સંતાન એવા કોઈ પ્રતિબંધિત ક્ષેત્રમાં પ્રવેશી ચૂક્યું હોય કે પ્રવેશી રહ્યું હોય કે એની આસપાસ આંટાફેરા કરી રહ્યું હોય ત્યારે તમારી સૌથી પહેલી ફરજ એને સેફ સેક્સની જાણકારી આપવાની બને છે. તમે એને ઈન્ટરનેટ સર્ફ કરતાં રોકી શકવાના નથી. ઘરના કમ્પ્યુટર કે ટીવીમાં ચાઈલ્ડ લૉકની મદદથી બાળકનો ‘એ પ્રકાર’ની ક્ધટેન્ટ માટેનો એક્સેસ રોકશો તો પણ એ એના રસ્તા શોધી લેશે. પ્રેગનન્સી અને એચઆઈવી એઈડ્સ અને ક્ધડોમ વગેરે વિશેની જાણકારી તમે સ્ટ્રેટ ફેસ સાથે, સહેજ પણ આવેશ બતાવ્યા વિના તમારા સંતાનને આપી શકો તો સારી વાત છે. શક્યતા એવી છે કે એ પ્રકારની જાણકારી મિત્રો અને ઈન્ટરનેટના માધ્યમ દ્વારા ઑલરેડી એની પાસે હોય.

જે જાણકારી એની પાસે કદાચ નહીં હોય તે એ કે અઢાર વર્ષની નીચેની કોઈ પણ વ્યક્તિ સાથેની સેક્સ ગેરકાનૂની છે. આ જાણકારી તમારે એને આપવી જોઈએ. એને ડરાવવા નહીં, સાવચેત કરવા. તમારા પંદર-સોળ વર્ષના દીકરાને તમે સહેજ પણ ગુસ્સે થયા વિના કહી શકો કે તારી ગર્લફ્રેન્ડની ઉંમર અઢાર વર્ષ કરતાં એક દિવસ પણ ઓછી હશે તો તું માઈનોર સાથે સેક્સ કરવાના આરોપસર જેલમાં જઈ શકે છે. તમે બંનેએ પરસ્પર સંમતિ સાથે મઝા કરી હોય અને ફુલફ્લેજેડ સેક્સ નહીં, માત્ર અડપલાં કર્યાં હોય તો પણ તને જેલ થઈ શકે છે, જો છોકરીએ આ બાબતની ફરિયાદ પોલીસમાં નોંધાવી હશે તો. છોકરી પોતાની ઈચ્છાથી ફરિયાદ નહીં કરે, પણ છોકરીનાં માબાપ જો વિફર્યા તો તને પાઠ ભણાવવા એનો બાપો પોતાની દીકરી પર પ્રેશર લાવીને તને જેલમાં ધકેલી દેશે. તો હવે તું તારી રીતે વિચાર. ટીન એજર બન્યા પછી ‘હવે તો હું મોટો થઈ ગયો છું’ એવું તું વારંવાર કહીને હક્કો માગતો હોય તો રિસ્પોન્સિબિલિટી લેતાં પણ શીખી જા. હક્ક ત્યારે જ મળે જ્યારે ફરજ નિભાવવાની દાનત હોય. તને એમ લાગતું હોય કે તને હવે તારી રીતે જીવવાનો હક્ક છે તો એ રીતે જીવવાનાં પરિણામો શું આવી શકે તે વિશે વિચારી લે. પરિણામ ભોગવવાની તૈયારી ન હોય તો ડોન્ટ એક્સપેક્ટ કે તું તારી મરજી મુજબ લાફઈ એન્જોય કર્યા કરીશ અને આવી કોઈ આપત્તિ વખતે તારો બાપ તને એમાંથી ઉગારવા માટે એના હાર્ડ અર્ન્ડ મની કે ટાઈમ કે એનર્જી તારી પાછળ ખર્ચી નાખશે.

બીજી એક વાત. બાળકોને સમજાવવું પડે કે સેક્સ એકદમ પર્સનલ વાત છે. જ્યાં ને ત્યાં એના દેખાડા ન હોય. જેમ કમોડનું સ્થાન બાથરૂમમાં છે, ડ્રોઈંગરૂમમાં સોફાની બાજુમાં કમોડ ન મુકાય એમ સેક્સનું સ્થાન પબ્લિક પ્લેસીસમાં નથી. ઈન્ડીસન્ટ બીહેવિયર માટે પોલીસ તમને પકડી જઈ શકે છે, કારને કોઈક અંધારિયા ખૂણે ઊભી રાખીને પાછલી સીટ પર માત્ર કડલિંગ કરતા હો તો પણ પોલીસને કાનૂને હક્ક આપ્યો છે કે એ તમને પોલીસ સ્ટેશને લઈ જઈ શકે છે. માઈનોર નહીં એડલ્ટ ઉંમરનાં હો તો પણ.

હજુ એક વાત. માબાપે સ્વીકારી લેવું પડે કે આ એક એવી લાગણી છે જે તમે તમારા સંતાનમાંથી નાબૂદ નથી કરી શકવાના કે ડાયવર્ટ પણ નથી કરી શકવાના. સંતાનને તમે એટલી સમજ આપી શકો કે તને જે ફીલિંગ થાય છે તે એકદમ નૅચરલ છે, પણ આ ઉંમરે કે પછી કોઈ પણ ઉંમરે લાઈફનું કેન્દ્ર સેક્સ નથી હોતું. લાઈફમાં કરવા જેવી બીજી ઘણી વાતો છે, સેંકડો વાતો છે. લાઈફ બીજી ઘણી રીતે એન્જોય કરી શકાય છે. કઈ કઈ રીતે એની ક્વિક યાદી પણ તમે આપી શકો. આ ઉપરાંત, લાઈફ માત્ર એન્જોયમેન્ટ માટે જ નથી. જેમ પપ્પાને એન્જોયમેન્ટ મળે કે ન મળે એમણે કમાવવા જવું જ પડે છે અને મમ્મીએ રસોઈ- ઘરકામમાં ઈન્ટરેસ્ટ લેવો જ પડે, મઝા ન આવે તો પણ. લાઈફને મેઈન્ટેન કરવા આવાં કામ કરવાનાં હોય. એમ અત્યારે તને ગમે કે ન ગમે તારે ભણવું જ પડે, ઘરનું અમુક કામ કરવાની જવાબદારી લેવી જ પડે. આખો દિવસ ભાઈબંધ- બહેનપણીઓ સાથે સેક્સની કે પછી બીજી વાતોમાં ઈન્ડલ્જ કર્યા કરવાથી યુ વિલ નૉટ ગો એનીવ્હૅર.

હું માનું છું કે એકાદબે વખત આટલું કહી દઈને માબાપે વધુ ચિંતા કરીને પોતાનો સમય અને સંતાનનો મૂડ ખરાબ ન કરવાં જોઈએ. બાળક સાવ નાનું હતું ત્યારે તમે એને છીછીપીપી કરતાં શીખવાડ્યું. એને ટૉઈલેટ ટ્રેનિંગમળી ગયા પછી તમે એને એ બાબતે કશું કહેવાનું છોડી દીધું. એ જ રીતે સેક્સ વિશે પાયાની આટલી સમજણ આપી દીધા પછી તમારે રોજેરોજ એના પર ધ્યાન રાખવાનું નથી. જેમ ટૉઈલેટ ટ્રેનિંગ આપી દીધા પછી હવે તમે એને પૂછતા નથી કે તેં આ ક્રિયા કરી? ફલાણું કર્યું? હાથ બરાબર ધોયા? એ જ રીતે આ વિષય પર વારંવાર ટેન્સ થઈને બાળક સાથે ચર્ચા કરવાનો મતલબ નથી રહેતો.

સેક્સ એક એવો વિષય છે જેની નિખાલસપણે ચર્ચા થવી જોઈએ અને બે જણ વચ્ચેના સેક્સસંબંધો એવો વિષય છે જેની ક્યારેય ચર્ચા ન થવી જોઈએ. એને બદલે આપણે કરીએ છીએ ઊંધું જ. આપણા પરિચયમાં હોય કે જેમની સાથે દૂર દૂરની ઓળખાણ હોય કે પછી જેમનું નામ આપણને માત્ર ખબર હોય એવી વ્યક્તિઓના સેક્સજીવન વિશે આપણે જલસાથી ચર્ચા કરીએ છીએ, પણ સેક્સને એક સબ્જેક્ટ તરીકે ટ્રીટ કરીને એના વિશે શાસ્ત્રીય ચર્ચા કરવાનું, એને સાયકોલોજિકલ અને સાયન્ટિફિક પરિઘમાં રાખીને ડિસ્કસ કરવાનું હંમેશાં ટાળીએ છીએ. આપણી કમનસીબી એ છે કે સેક્સ આપણા માટે કાં તો કૂથલીનો વિષય છે કાં પછી રમૂજનો- જોક્સનો.

આપણી બીજી તકલીફ એ છે કે આપણા કેટલાક ધર્મગુરુઓ સેક્સ વિશે તદ્દન બેપાયાદાર વાતો એમના પ્રવચનોમાં કે પુસ્તકોમાં કહેતા રહે છે અને આપણે સંતાનોને એવા મોટા માણસોની વાતો તથા ધર્મની આડશ લઈને શિખામણ આપવા માંડીએ છીએ. સેક્સ વિશેની અવૈજ્ઞાનિક વાતો ધરાવતાં એ પ્રકારનાં ધર્મપુસ્તકો પર પ્રતિબંધ લાદવો જોઈએ. ધાર્મિક લાગણી દુભવતાં કેટલાંક પુસ્તકો પર વાજબી રીતે પ્રતિબંધ લાદવામાં આવતો હોય છે. જો ધાર્મિક કારણોસર પુસ્તકો પર પ્રતિબંધ આવી શકે તો વૈજ્ઞાનિક કારણોસર કેમ નહીં?

સ્ત્રીઓને જોવાની પુરુષપ્રધાન સમાજની પરંપરાગત દૃષ્ટિને મેલ શોવિનિસ્ટ દૃષ્ટિ કહેવાય એ તમને ખબર છે. આજના જમાનામાં એવી મેલ શોવિનિસ્ટ દૃષ્ટિ તમારે છોડવી જ પડે. એ રીતે સંતાનો તરફ જોવાની તમારી પેરન્ટ્સ શોવિનિસ્ટ દૃષ્ટિ પણ તમારે ત્યજી દેવી પડે. તો જ તમે સુખી થઈ શકો, સંતાનોને પણ સુખી કરી શકો.

એક મિનિટ!
કડવા ચોથને દિવસે કેટલીક સ્ત્રીઓએ એક નહીં ત્રણ-ચાર ચાળણીમાંથી ચંદ્ર જોયો. દરેકની સુખાકારી માટે એક-એક!

અને સની લિયોને પણ કડવા ચોથનો ઉપવાસ રાખ્યો એમ વિચારીને કે: ‘ટુ હુમસોએવર ઈટ મે ક્નસર્ન…’

1 comment for “ઉંમરના એવા વળાંક પર: પૂર્ણાહુતિ

  1. M.D.Gandhi, U.S.A.
    October 14, 2014 at 11:17 AM

    બહુ સુંદર લેખ છે. પણ, આપણા દેશમાં હોય કે કોઈ પણ દેશમાં, અમેરીકામાં પણ, માબાપો સંતાનો સાથે સેક્સની વાતો ખુલ્લા દિલે નથી કરી શકતાં…. મભમમાં કદાચ કહેતાં હશે… પણ જો, જો બે દંપતિ મિત્રો હોય અને જો તેઓ પોતાના નહીં પણ, મિત્રના સંતાન-દીકરો હોય કે દીકરી-ની સાથે વાત કરશે તો, એ મિત્રના સંતાન સાથે ખુલ્લા દિલે વાત કરી શકશે અને મિત્રના સંતાનને પણ માબાપની ગેરહાજરી હોવાથી સંકોચ નહીં થાય. આમ બે મિત્રો એકબીજાના સંતાનો સાથે સરળતાથી અને સંકોચ વગર સેક્સ વિષેના સાચા વિચારો રજુ કરી શકશે અને યોગ્ય સલાહ પણ આપી શકશે અને પછી પણ જરૂર પડ્યે આજ સંતાનો માબાપના આજ મિત્રો પાસે જઈને કોઈ સલાહ જોઈતી હોય તો પણ લઈ શકશે…અને સારા કે નરસા બનાવ વખતે ડગલે ને પગલે જરૂર પડવાનીજ…….અને એ વખતે એ સંતાન તેમની પાસે જઈને વિના સંકોચે સલાહ માગી શકશે…માબાપ પાસે સલાહ માટે નહીં જઈ શકે….માબાપને આવું પુછવામાં સંકોચ તો કોઈ પણ બાળક રાખશે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *