ઊજવાયા વિનાના ઉત્સવ જેવી ઉદાસીઓ

જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ એ ઉક્તિમાં મને અતિશયોક્તિ નહીં, અલ્પોક્તિ લાગે છે. રવિનું કિરણ તમારા તન માટે જેટલું અનિવાર્ય છે એના કરતાં કવિનો શબ્દ તમારા મન માટે અધિક જરૂરી છે. માણસના ભૌતિક સ્વાસ્થ્ય માટે રવિની આવશ્યકતા જેટલી છે એના કરતાં માણસના આંતરિક સ્વાસ્થ્ય માટે કવિના સર્જનની વધારે જરૂર છે. કારણ કહું તમને. સૂર્યપ્રકાશ વિના આ સૃષ્ટિ સંભવિત નથી એ કબૂલ, પણ વૈજ્ઞાનિક શોધખોળો પછી માણસ ધારે તો સૂર્યપ્રકાશ વિના કદાચ આખી જિંદગી જીવી શકે. આખી સૃષ્ટિની કે તમામ માનવજાતની વાત નથી કરતો, ઈન્ડિવિજ્યુઅલની વાત કરું છું. ‘વીકીલિક્સ’વાળો અસાંજે આજે પણ, મહિનાઓથી, સૂર્યપ્રકાશ વિનાના મકાનમાં જીવી રહ્યો છે. પણ કવિના શબ્દને, એના સર્જનને કોઈ રિપ્લેસ ન કરી શકે. ગુજરાતી ભાષાનું સદ્ભાગ્ય છે કે આપણી પાસે આવા અનેક સૂર્યો છે જે તમારા આંતરજગતને ઉજાળ્યા કરે છે. એમાંના ઘણા મારા પ્રિય કવિઓ છે જેમાંથી કેટલાકની પંક્તિઓ આજે યાદ કરવી છે. એમની કવિતાઓ એમના ભાવકોની ભાવસૃષ્ટિને સમૃદ્ધ બનાવે છે, મનને અનેક ગૂંચવણોથી મુક્ત કરીને જીવવાનું ઓછું કપરું બનાવે છે.

મન સાથે સમજૂતી કરી લીધા પછી, મનને ભાઈબંધ બનાવી દીધા પછી બધું જ સહ્ય બની જાય છે. રમેશ પારેખે છેક ૧૯૬૮માં એક ગઝલ લખી હતી:

એકધારી વાતનું કોઈ વિષયાન્તર કરે;

હું મને કહું છું અને તેય હું સાંભળતો નથી.

મેં ભરેલા શ્ર્વાસની લંબાઈ ત્યાં લાવી મને;

જ્યાં ઊગેલો સૂર્ય રાત્રે પણ કદી ઢળતો નથી.

એ વખતે કવિની ઉંમર કેટલી હશે? ત્રીસ પણ પૂરાં થયા નહોતાં. છતાં આ જ ગઝલના મક્તામાં રમેશ પારેખ લખે છે:

સાફ બેહદ થઈ ગઈ છે દૃષ્ટિઓ મારી હવે,

કોઈ કિસ્સો સ્વપ્નમાં પણ આંખને છળતો નથી.

આ શેર લખાયાને અઢી-ત્રણ દાયકા વીતી જાય છે. તમે માની બેસો છો કે કવિએ દૃષ્ટિઓને સાફ કરી નાખી એટલે તેઓ ડાહ્યાડમરા બની ગયા હશે. પણ આ કવિ વ્યવહારુ દુનિયામાં ગોઠવાઈ શકતા નથી, મનને ફોસલાવી શકતા નથી. ઊંચા આદર્શો સાથે તડજોડ કરી શકતા નથી. પ્રથમ કાવ્યસંગ્રહ ‘ક્યાં’માં આ ગઝલ લખાઈ એ પછી ઘણા મુકામો આવ્યા, કાવ્યસંગ્રહો આવ્યા. ‘અહીંથી અંત તરફ’માં ક્યારે લખાશે ગીતાઓ?’ શીર્ષક હેઠળની ગઝલનો મત્લા માત્ર પ્રેમની જ નહીં, જીવનના દરેક સંઘર્ષની વાત કરે છે:

આ તરફ ભીની દીવાસળી છે;

આ તરફ વાતા વંટોળિયાઓ,

આપણે સહુના ઘરમાં ઠરેલા;

પાછા પેટાવવા છે દીવાઓ.

ડૂબતા માણસને તણખલું મળે તો પણ એ એનું સદ્ભાગ્ય કહેવાય એવું પારેખ સાહેબ માનતા લાગે છે. એ વિના તો આ નાનકડું કાવ્ય લખે એ?

આપણે મળ્યાં તો ખરા

પણ એમ

જેમ દરિયાની ઘુમ્મરીમાં ડૂબતા માણસના હાથમાં

ક્યાંયથી તરતું આવેલું

વહાણ છાપ બાકસનું ખોખું આવી જાય

અને એય…

કવિ ‘અને એય…’ કહીને તમારી કલ્પનાસૃષ્ટિમાં આ કાવ્યને છુટ્ટું મૂકી દે છે. શિપ બ્રાન્ડ માચીસનું બૉક્સ તો શું સાચેસાચું વહાણ મળી જાય તો પણ ક્યારેક દરિયાઓ પાર કરી શકાતા નથી. સાગર ખેડવા માટે માત્ર વહાણ કે વહાણવટુ સાથે હોય એ પૂરતું નથી. સમુદ્રના સ્વભાવનો પણ પરિચય હોવો જોઈએ. ચિનુ મોદીએ ‘ઈર્શાદગઢ’ કાવ્યસંગ્રહની એક ગઝલના મત્લારૂપે લખ્યું હતું:

આપણા સંબંધનો ઈતિહાસનો આ સાર છે

પાણીની સમજ નથી ને વહાણનો આકાર છે

જિંદગી આખી તમે ઓટના કિનારે બેસીને ભરતીનાં સપનાં જોવામાં ગાળી. એક નાનકડા સ્વપ્નમાંથી જન્મેલી ઈચ્છા હવે વળગણ બની ગઈ. એક દિવસ એકાએક બોધિજ્ઞાન થાય છે કે ભલા માણસ, આવાં વળગણોને ગળે લગાડીને ફરતા રહ્યા એટલે જ આખી જિંદગી શોષાવું પડ્યું. મન નિર્લેપની ભૂમિકાએ આવી જાય છે. અને ચિનુ મોદીના આ શેરની નીચે તમારું નામ પણ એની સહી કરી આપે છે:

કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો,

એ જ ઈચ્છા છે, હવે એ પણ ન હો.

વળગણની ઈચ્છા ન હોય એવી ઈચ્છાને પણ તમે ઓગાળી શકો તો તમારામાં રાજેન્દ્ર શુકલની સાધુતાનો એક અંશ પ્રગટે. અમદાવાદની જુહુ સ્કીમ જેવી સત્યાગ્રહ છાવણીમાં પોતાનો એક અલગ ટાપુ બનાવીને રહેતા રાજેન્દ્ર શુકલના વૈરાગી સ્વભાવને એમના ભાવકોએ માણ્યો છે. પૉશ વિસ્તારમાંના એમના કુદરતી સ્થાપત્ય ધરાવતા બંગલાનો મિજાજ ભગવા રંગનો છે. આ ઘરમાં તમને દરેક દીવાલમાંથી કવિનો અવાજ સંભળાય છે. તમે ટીન એજમાં હતા ત્યારે મુંબઈ દૂરદર્શન પર ગુજરાતી કાર્યક્રમોની બોલબાલા હતી અને એ વખતે ઉમાશંકર જોશીના સંચાલનમાં એક ભવ્ય કવિ સંમેલન યોજાયું હતું. ટોચના તમામ કવિઓની હાજરી હતી. રાજેન્દ્ર શુકલના ધીરગંભીર સ્વરમાં સાંભળેલી ‘અવાજ’ શીર્ષકની એ રચના હજુય કાનમાં ગૂંજે છે:

યુગો થકી સઘન એકલતા સમું

અહીં અવાજના નગરમાં વસતો,

અવાજના મકાનમાં જરઠ હું શ્ર્વસતો અવાજને,

અવાજનો સમય તો ગ્રસતો અવાજને,

રચ્યો, પચ્યો પ્રથમ મેં જ અવાજને,

ને પછી અવાજનું નગર આ ચણતો ગયો ત્યહીં,

ધીમે ધીમે કાવ્ય ક્રેસેન્ડો પર પહોંચે છે અને પછી આ પંક્તિ પર એની ક્લાઈમેક્સ આવે છે:

તો કદાચ હું

અવાજમુક્ત સ્થળના વસનારને મળું…

રાજેન્દ્ર શુકલને તમે ‘હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક’ ગાતાં સાંભળો ત્યારે તમને એક નરસિંહ મહેતા યાદ આવે અને બીજા યાદ આવે મનોજ ખંડેરિયા. મનોજ ખંડેરિયાને ઓળખવા માટે ભાવકને ‘વરસોનાં વરસ’ નથી લાગતાં. એમને ક્યારેય એમના જૂનાગઢના નિવાસસ્થાને તમે નથી મળ્યા, મુંબઈ સહિતના બીજાં શહેરોમાં જ મુલાકાતો થઈ છે, છતાં એમને મળો ત્યારે આખું જૂનાગઢ તમને ભેટી પડતું હોય એવું લાગે. મનોજ ખંડેરિયાના સમૃદ્ધ આંતરિક વિશ્ર્વનો જેમને પરિચય થયો છે એ બધા કહેતા કે આ કવિની અટક ખંડેર પરથી નહીં, મહેલ પરથી હોવી જોઈએ.

તળેટી જતાં એવું લાગ્યા કરે છે

હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે

અહીં આપણે આપણા શબ્દો ગાવા

જમાનો તો બીજું ય માગ્યા કરે છે

મનોજ ખંડેરિયાના આ બે શેર શબ્દ સાથે નિસબત ધરાવતા સૌ કોઈનું અનુસંધાન પાંચસો વર્ષ પહેલાં થઈ ગયેલા ગુજરાતી ભાષાના આદિ કવિ નરસિંહ મહેતાની કવિતાની આધ્યાત્મિકતા સાથે કરાવે છે. લોકોએ જે માગવું હોય તે માગે, ‘આપણે આપણો ધર્મ સંભાળવો.’ કવિનો ધર્મ શબ્દ સાથેની વફાદારીને અકબંધ રાખવાનો. સાચું લાગે તેને સાચી રીતે કહી દેવાનો. કવિ બરાબર સમજે છે આ વાત. છતાં ક્યાંક એમને મર્યાદા નડે છે.

શરીરને ઢાંકી રાખવા ત્વચાની જરૂર વિશે કોઈ બેમત નથી. પરંતુ ક્યારેક એ ત્વચા શરીર ઉપરાંત સ્વભાવને પણ ઢાંકતી થઈ જાય છે. આવા સમયે મનોજ ખંડેરિયા લાચાર બનીને બે શેર રમતા મૂકે છે, પહાડ પર ઊભા રહીને ખીણની દિશામાં એક પીંછું હવામાં તરતું મૂકતા હોય એમ:

જવું કયાં? જવાના સવાલો નડે છે

જગાએ જગાના સવાલો નડે છે

મને પારદર્શક થવાની છે ઈચ્છા

કરું શું? ત્વચાના સવાલો નડે છે

સુરત શહેરની સાથે મધુર સ્મૃતિઓ સંકળાયેલી છે અને ઉદાસીઓ પણ. ભગવતી શર્માની ગઝલોમાં પ્રગટતી ઉદાસી જેવી જ. આ ઉદાસી ઉજવાયા વિનાના કોઈ ઉત્સવ જેવી હોય છે. ખરી રહેલું કંકુ આ ઉદાસીઓને ઘેરો લાલ રંગ આપે છે. ભગવતીભાઈના એક શેરમાં આ મૂડ આબાદ ઝીલાયો છે:

કંકુ ખરખર, તોરણ સૂકાં

દીવાની ધોળી રાખ ઊડે;

હું અવસર એકલવાયો છું,

આ ઘર, ઊંબર ને ફળિયામાં

એકલા પડી ગયા પછી એ અવસ્થા મનના માહૌલને ગોઠી જતી હોય છે. અલિપ્ત હોવું એટલે શું એનો અનુભવ ‘નિર્લેપ’ સિવાય બીજા કોને હોઈ શકે? ઘણાને ખબર નહીં હોય કે ભગવતીકુમાર શર્માનું તખલ્લુસ ‘નિર્લેપ’ છે.

અવસાદથી અલિપ્ત ને આનંદથીય દૂર

શ્રાવણમાં હું નથી અને ફાગણમાં હું નથી.

રમેશ, ચિનુ, રાજેન્દ્ર, મનોજ કે ભગવતીકુમાર જેવા કવિઓના શબ્દો તમારી પાસે છે એટલે જ અત્યારે તમે મેન્ટલ હૉસ્પિટલમાં નથી.

————

કાગળ પરના દીવા

એકાંતમાં જ તમે સૌથી ઓછા એકલવાયા

હો છો.

– લૉર્ડ બાયરન (૧૭૮૮-૧૮૨૪)

————

સન્ડે હ્યુમર

જો તમારી ગર્લફ્રેન્ડ અમદાવાદની હોય તો

એની પાસેથી થોડા પૈસા ઉધાર લઈ લો

કોઈ દિવસ છોડીને નહીં જાય.

Published in Mumbai Samachar on 29th June 2014

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *