બાળકો માટે ઈમોશનલ મૅનેજમેન્ટનો કોર્સ જરૂરી છે, પેરન્ટ્સ માટે પણ

ઈમોશનલ મૅનેજમેન્ટ નામની કોઈ વિદ્યાશાખા, બિઝનેસ મૅનેજમેન્ટની જેમ નથી. હોવી જોઈએ. અર્થશાસ્ત્ર, તર્કશાસ્ત્ર કે રસાયણશાસ્ત્રની જેમ પદ્ધતિસરનું લાગણીશાસ્ત્ર પણ વિકસાવવું જોઈએ. સાયકોલૉજી કે સાયકીએટ્રીના એક અંગ તરીકે કે ફાંટા તરીકે નહીં, પણ એક સ્વતંત્ર વિદ્યાશાખારૂપે લાગણીશાસ્ત્ર વિકસાવવું જોઈએ. એક વિષય તરીકે શાળા…ના પહેલા ધોરણથી જ એ શીખવવામાં આવે અને ઓછામાં ઓછું બારમા ધોરણ સુધી આ વિષય ફરજિયાત શીખવવામાં આવે. શક્ય હોય તો સ્નાતક કક્ષાએ પણ એને ફરજિયાત અભ્યાસક્રમનો એક ભાગ બનાવવામાં આવે.

ગણિતમાં એક વત્તા એક ગણતાં શીખવવામાં આવે અને ભૂગોળમાં ટુંડ્ર પ્રદેશની વિશેષતાઓ વિશે જાણકારી આપવામાં આવે અને પાણીપતના યુદ્ધમાં હારનાં કારણો શીખવવામાં આવે એમ લાગણીશાસ્ત્રમાં શું શું શીખવવું જોઈએ?

સૌથી પહેલાં તો બાળકને એની પોતાની લાગણીઓ ઓળખતાં શીખવવું જોઈએ. આ – ગુસ્સો – કહેવાય. આ – હતાશા – છે. કે આનંદના આટલા પ્રકાર છે. બાળકને ખબર પડવી જોઈએ કે ગુસ્સે થઈ જવું એ ખુશ થઈ જવા જેટલું જ સ્વાભાવિક છે. કોઈકને ભેટી પડવાનું મન થવું એ જેટલું સાહજિક છે એટલી જ સ્વાભાવિક છે કોઈકના માથામાં બૅટ મારીને એને લોહીલુહાણ કરી નાખવાની લાગણી. પણ જેમ કોઈકને ભેટી પડવાની ઈચ્છા થાય તો તમે એમ કરતા નથી (મોટા થયા પછી, ધૅટ ઈઝ) કે કહી શકતા નથી, એ જ રીતે કોઈના માથા પર બેટ પણ પછાડી શકાતું નથી. તો પછી આવા આવેશોનું શું કરવું? કોઈના પર વહાલ ઊભરાય ત્યારે, કોઈના પર ગુસ્સો આવે ત્યારે શું કરવું? ક્યારેક કોઈ દોસ્તારે કે બહેનપણીએ બદમાશી કરી તો એની બદમાશીનો બદલો કેવી રીતે વાળવો? સમસમીને બેસી રહેવું કે પછી બીજો ગાલ ધરવાની સુફિયાણી સલાહ યાદ કરવી!

મોટા થયા પછી પણ આપણને આવડતું નથી હોતું કે આપણા ગુસ્સાને, આપણી ઈર્ષ્યાને, આપણી લાલચોને, આપણા પ્રેમને – વહાલને કેવી રીતે મૅનેજ કરવાં. મોટા થયા પછી પણ આપણને ખબર નથી હોતી કે ક્યાંક જવા માટે ટ્રેન ન મળતી હોય ત્યાં રિક્શા, બસ, ખાનગી વાહન દ્વારા – ગમે તે રીતે જઈ શકાય એમ જો જીવનમાં આપણને હૂંફ ન મળતી હોય કે દોસ્તી ન મળતી હોય કે વડીલનું વાત્સલ્ય ન મળતું હોય તો એવા સંજોગોમાં શું કરવું? ખટકયા કરતા અભાવને પંપાળતાં બેસી રહેવું? કે પછી એ અભાવને ભરવાની કોશિશ કરવી? કઈ રીતે કોશિશ થાય? ક્યાં ક્યાં કોશિશ થાય?

મોટા થયા પછી પણ આ કે આવા સંખ્યાબંધ પ્રશ્ર્નોના ઉત્તર મેળવતાં મુશ્કેલી પડતી હોય તો ઈમોશનલી બિલકુલ આશ્રિત હોય એ ઉંમરનાં બાળકોને તો કેટલી બધી તકલીફ પડતી હશે, પોતાની લાગણીઓને મૅનેજ કરવામાં.

પંદર-વીસ-પચીસ વર્ષથી જે બંગલો મૅનેજ ન થયો હોય એને બે-અઢી દાયકા બાદ ફરી રહેવાલાયક બનાવવો હોય તો કેટલી બધી મહેનત કરવી પડે. વેલ મેઈન્ટેઈન્ડ મકાનમાં આવી તકલીફ રહેતી નથી. લાગણીઓને મૅનેજ કરવી જોઈએ એવી સભાનતા વિના જ બાળક મોટું થઈ જાય છે, ટીન એજર બને છે. તે વખતે એ સૌપ્રથમવાર અનુભવે છે કે એના લાગણીતંત્રના તાર ખૂબ ગૂંચવાઈ ગયા છે. આ બધી ગૂંચ પહેલેથી જ ઉકેલાતી રહી હોત તો ટીન એજમાં મૂંઝવતી લાગણીઓને સમજી શકાઈ હોત, આ લાગણીઓ સાથે કામ પાર પાડવામાં સરળતા પડતી હોત. ટૂંકમાં, લાગણીઓની સાથે કેવી રીતે પનારો પાડવો, એને કેવી રીતે મૅનેજ કરવી એ વિશેની પાયાની જાણકારી મળી ગઈ હોત.

મનમાં ઉદ્ભવતી ગુસ્સો કે ઈર્ષ્યા જેવી નકારાત્મક ગણાતી લાગણીઓનું સર્જાવું સાહજિક છે એ વાત સમજતાં સમજતાં માણસના વાળ ધોળા થઈ જાય છે. ગુસ્સો આવવો કે ઈર્ષ્યા થવી કે એવી જ અન્ય તમામ, નેગૅટિવ ગણાતી લાગણીઓ થવી સાહજિક છે એ વાત બાળક સ્વીકારતાં શીખે તો જ એને આગળ શિખવાડી શકાય કે ગુસ્સો શાંત કેવી રીતે કરવો, ઈર્ષ્યા ન થાય તે માટે શું કરવું. આવું જ સૅક્સની બાબતમાં.

પણ માબાપ તરીકે કે શિક્ષક તરીકે આપણે કરીએ છીએ શું? કહી દઈએ કે: ગુસ્સો ન થાય, એક વખત કહી દીધું ને. સીધો હુકમ. તારું રમકડું એને રમવા આપ. સીધો હુકમ. પોતાનું રમકડું બીજાને રમવા ન આપવું એ લાગણી બાળકમાં સાહજિક છે. કોઈક બાળકને એવી લાગણી ન થતી હોય અને એ સામેથી બીજાં બાળકોને પોતાનાં રમકડાં રમવા આપે તો ઉત્તમ જ છે, પણ મોટાભાગનાં બાળકો નથી આપી શકતાં. એમને આપણે સીધો હુકમ કરીએ છીએ (કે સમજાવીએ છીએ) કે બીજાને રમવા આપ તો જાણે-અજાણે બાળકને મનમાં લાગે છે કે બીજાને રમકડું રમવા ન આપવાની લાગણી ઉદ્ભવે તે ખોટું કહેવાય, પોતાનામાં એટલી ખોટ છે, પોતાનું વ્યક્તિત્વ એટલું ખરાબ છે. વાસ્તવમાં, બાળકને સમજ પડવી જોઈએ કે આવી લાગણી ઉદ્ભવે તેમાં ખોટું કશું જ નથી, ખોટું માત્ર એ લાગણીનું અમલીકરણ કરવામાં આવે છે. લાગણીના ઉદ્ભવ અને અમલીકરણ વચ્ચેનો આ ભેદ બિલકુલ સ્પષ્ટ છે અને એ જાતે સમજીને બાળકને સમજાવવા જેવો છે.

મારામાં કોઈ સારી લાગણી ઉદ્ભવે એને કારણે હું આપોઆપ સારો થઈ જતો નથી અને કોઈના માટે ખરાબ લાગણી જન્મે તો એના કારણે હું આપોઆપ ખરાબ પણ થઈ જતો નથી. હું સારો કે ખરાબ ત્યારે જ છું જ્યારે એ લાગણીનું સભાન કે અભાનપણે અમલીકરણ થાય છે. તમે એમ ન કહી શકો કે મારામાં ખરાબ લાગણી ઉદ્ભવવી જ ન જોઈએ, કારણ કે એક, એ સાહજિક છે. મોટર હોય તો એનું ટાયર પંકચર થવાનું જ. પંકચર સાહજિક છે. એને રિપેર કરાવી લેવાની સમજ હોવી જોઈએ. પંકચર્ડ ટાયરવાળી ગાડી ચલાવવાથી થનારા નુકસાન અંગેની જાણકારી હશે તો જ પંકચર રિપેર કરાવવાની અગત્યતા સમજાશે. બીજું, માની લો કે મારામાં કોઈ પણ ખરાબ લાગણી ઉદ્ભવતી નથી, માત્ર સારી સારી લાગણીઓ જ ઉદ્ભવે છે. આમ છતાં જ્યારે વર્તન કરવાનો વખત આવે છે ત્યારે મારું વર્તન સ્વાર્થી કે ગુસ્સાભર્યું કે ઈર્ષ્યાળુ હોઈ શકે છે, બિલકુલ હોઈ શકે છે. મનમાં જે લાગણી ઉદ્ભવતી જ નથી (એવું આપણને લાગે છે કે ઉદ્ભવતી નથી) એવી લાગણીઓ પણ સબ-કૉન્શ્યસમાં છુપાયેલી પડી હોઈ શકે છે.

આ અને આવા અનેક મુદ્દા ઈમોશનલ મૅનેજમેન્ટ કોર્સમાં આવરી શકાય. વધુ આવતી કાલે, સોમવારના ‘ગુડ મૉર્નિંગ’માં.

—————–

કાગળ પરના દીવા
લવ એટલે પઝેસિવનેસ નહીં; પણ ઘણા લોકો આવું જ માને છે – બીજી વ્યક્તિને સંપૂર્ણપણે પઝેસ કરવી એટલે જ લવ. કોઈને પઝેસ કરવાથી લવની તમામ શકયતાઓ મરી પરવારે છે.

– ઓશો
————–

સન્ડે હ્યુમર
અમે અનુરોધ કરીએ છીએ આમિર ખાનને કે ‘સત્યમેવ જયતે’નો એક એપિસોડ એવા લોકો પર બનાવો જે દારૂ નથી પીતા પણ સાથે બેસીને બધું મન્ચિંગ ખાઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *