ઉંમરના એક એવા વળાંક પર: ભાગ ૨

માબાપોને વહેમ હોય છે કે અમે છોકરાંઓને સારા સંસ્કાર આપીને ઉછેરી રહ્યાં છીએ. સંસ્કાર એટલે શું? એના પડીકાં કયા બજારમાં મળે છે? રાત્રે સૂતાં પહેલાં પ્રાર્થના કરવાની ટેવ પડાવી કે કદીય જુઠ્ઠું ન બોલવાની શિખામણો આપ્યા કરવી એનો અર્થ સંતાનોને સંસ્કાર આપવા એવો થતો હોય તો આજની તારીખે સોમાંથી નવ્વાણું ગુજરાતીઓ સંસ્કારી હોવા જોઈએ. પણ એવું નથી. સંતાનોને સંસ્કારી બનાવી શકાય એ એક ભ્રમણા છે. માબાપ પોતે સંતાનોને સંસ્કારી બનાવી શકે છે એ એનાથીય મોટી ભ્રમણા છે.

દરેક બાળક પોતાની આસપાસનું વાતાવરણ સૂંઘતું રહે છે. એના કુમળા સબકૉન્શ્યસમાં નાનામાં નાની હકીકતો નોંધાતી રહે છે. આખા કુટુંબને રોજ રાત્રે પ્રાર્થનાઓ ગવડાવતો બાપ દિવસ દરમિયાન કેટલી, કેવી અને કઈ કઈ બદમાસીઓ કરતો હોય છે એની જાણ સંતાનોને, કોણ જાણે કેવી રીતે પણ, થઈ જતી હોય છે. નર્મતા, વિવેક, ત્યાગ, ભક્તિ, નિ:સ્વાર્થતા, સ્વમાન અને પ્રામાણિકતાના પ્રેરક પ્રસંગો સુણાવતી માતા પડોશણ સાથે, જેઠાણી – દેરાણી – નણંદ – સાસુ સાથે કે ભાઈબંધ – બહેનપણીઓ સાથે કેટલી લુચ્ચાઈ અને શયતાનિયતથી પેશ આવતી હોય છે એની ખબર સંતાનને સૌથી પહેલાં થઈ જતી હોય છે.

માબાપો સંતાનોને સંસ્કારી કે અસંસ્કારી નથી બનાવતાં, સંતાનો ખુદ પોતાની આસપાસનું વાતાવરણ સૂંઘતાં રહીને, પોતાની ચોતરફનાં સ્પંદનો ઝીલતાં રહીને મોટપણે સંસ્કારી કે અસંસ્કારી બની જતાં હોય છે. બાળકો સમક્ષ ઢાંકપિછોડો કરવાનો તમે ગમે એટલો પ્રયાસ કરો, એના પ્રચ્છન્ન મગજમાં રહેલી ચાળણી તમારા દંભને, તમારા ખોટ્ટાડાપણને, તમારી બનાવટોને ચૂપચાપ પકડી પાડે છે – તમને ખબરેય ન પડે એ રીતે.

સેક્સને લગતા સવાલો બાળકના મનમાં ઊઠે ત્યારે એ નિ:સંકોચ તમને પૂછી બેસે છે, કારણકે એ નિર્દોષ છે, એનું મન કોરી પાટી જેવું છે. પણ સવાલ સાંભળીને તમે શરમાઈ જાઓ છો, સંકોચાઈ જાઓ છો, ઉશ્કેરાઈ જાઓ છો, ભોંઠા પડી જાઓ છો, કારણકે તમારી પાટી ખૂબ ખરડાઈ ચૂકી છે. જાતજાતના રંગીન ચૉક વડે એમાં લીટાલપેડા થઈ ચૂક્યા છે. વારંવાર છેકભૂંસ કર્યા પછી પણ તમે એ પાટી પર તમારી મનગમતી ભાત ઉપસાવવામાં નિષ્ફળ રહ્યા છો. તમારી આ વિકૃત મનોદશાને કારણે જ તમે બાળકનો સવાલ સાંભળીને શરમાઓ છો, સંકોચ પામો છો, ગુસ્સે પણ થાઓ છો. અને તમારાં શરમસંકોચક્રોધ ઢાંકવા તમે બાળકના સવાલના જવાબમાં કાં તો જુઠ્ઠો જવાબ આપો છો, કાં જવાબ ટાળો છો, કાં અધૂરો ઉત્તર આપીને તમારી સાથે બાળકને પણ પલાયનવાદી બનવા માટે પ્રેરણા આપો છો.

હકીકત એ છે કે મોટા ભાગનાં (મોટા ભાગનાં, બધાં જ નહીં) માબાપનું કોઈ ગજું નથી હોતું બાળકને થતી સેક્સ અંગેની મૂંઝવણો વિશેના જવાબ આપવાનું. માબાપોનું પોતાનું મન જ્યારે મૂંઝવણો, અસમંજસ કે વિકૃતિઓથી છલકાતું હોય ત્યારે એક સીધાસાદા નિર્દોષ સવાલનો ભાર પણ એમને કચડાઈ જવા જેટલો લાગવાનો. છાપામાં છપાતી ખૂબસૂરત અર્ધનગ્ન તસવીરોથી માંડીને હિંદી ફિલ્મોમાં દેખાતાં દૃશ્યોનો જાહેરમાં વિરોધ કરીને કે છાપામાં ચર્ચાપત્રોનો મારો ચલાવીને સંતોષ લેતાં માબાપો રાત્રે જ નહીં, દિવસે જોવાતાં સપનાંઓમાં કોની કોની સાથે શું શું કરવું એનાં ચોકઠાંઓ ગોઠવે છે એની પ્રત્યક્ષ જાણ ભલે સંતાનોને ન થતી હોય પણ સેક્સ વિશેના નિર્દોષ સવાલોના જવાબોમાં ડોકાતો માબાપોનો આદર્શવાદ, નીતિવાદ કેટલો પોકળ, બોદો અને દેખાડુ છે એ સૂંઘી લેતાં બાળકોને વાર નથી લાગતી.

તો પછી કરવું શું?

‘ધ ગાર્ડિયન’ના સર્વે મુજબનું બાળકોનું વર્તન મંજૂર રાખવું? એને સાહજિક અને કુદરતી ગણીને સ્વીકારી લેવું? બાળકોને સામેથી ક્યારેય આ વિશે કશું જ ન કહેવું? અને બાળકો પોતે સામેથી આ વાત લઈને તમારી પાસે આવે તો?

એકસામટા અનેક વિરાટ પ્રશ્ર્નોની આગ તમારી સામે છે અને કૂવો ખોદવા માટે કોદાળીના સ્થાને ટાંકણી છે. આપણે સમય કરતાં પાછળ છીએ એટલું જ નહીં ઈલ્ઈક્વિપ્ડ પણ છીએ, પૂરતાં ઓજારો કે સાધનો પણ નથી આપણી પાસે.

લાંબા ગાળે શું કરવું કે થવું જોઈએ એની વાત કરતાં પહેલાં તાત્કાલિક શું કહેવું – બાળકોને – એની વાત કરીએ. જવાબમાં બાળકોને તમારો અભિપ્રાય આપવાની કોશિશ નહીં કરો. એને બને એટલી વધુ નક્કર હકીકતો જણાવો. શરીરનું રચનાશાસ્ત્ર, જનનેન્દ્રિયોની કામગીરી, ઉત્તેજનાનાં કારણો, શમન કરવાની વિવિધ તરકીબો અને આ તમામ સંવેગોમાં રહેલાં ભૂખ, તરસ કે પછી ગુસ્સો, રુદન, હાસ્ય, ઊંઘ ઈત્યાદિ જેવા કુદરતીપણાં વિશે સમજાવો. બાળકને જે કંઈ મહેસૂસ થાય છે કે એ જે અવસ્થામાંથી પસાર થઈ રહ્યું છે તે સાહજિક છે, એ વિકૃતિ નથી એવી ખાતરી એનામાં જગાવો. અને ખરેખર જો કોઈ વિકૃતિ તમને એનામાં દેખાય તો એનો ઈલાજ તમે હાથમાં નહીં લેતા, હોશિયાર સાઈકિયાટ્રિસ્ટ કે સેક્સોલૉજિસ્ટ પાસે એને લઈ જજો, ગમે તેની પાસે નહીં લઈ જતા. આવી નાજુક સમસ્યાઓની સાથે ડીલ કરવાનો અનુભવ તેમ જ વૈજ્ઞાનિક બૅકગ્રાઉન્ડ જેમની પાસે નથી એવા કોઈ વડીલ, મિત્ર કે જનરલ પ્રેક્ટિશનર પાસે લઈ જશો તો ઓડનું ચોડ થઈ જશે, બકરું કાઢતાં ઊંટ પેસી જશે.

ટૂંકમાં, આ સારું કહેવાય ને આ ખરાબ કહેવાય એવા અભિપ્રાયો આપીને બાળકના નીતિમાનસ પર કબજો જમાવી બેસવાની ધૃષ્ટતા નહીં કરવાની. એ પૂછે કે ‘પપ્પા/મમ્મી, તમે સ્પષ્ટ કેમ નથી કહેતા કે આ સારું કહેવાય કે ખરાબ?’ ત્યારે તમારે જણાવવાનું કે, ‘ભૂખ લાગે એ સારું કહેવાય કે ખરાબ? તરસ લાગે એ સારું કહેવાય કે ખરાબ?’ બેમાંથી એકેય નહીં, કારણકે ભૂખ એ ભૂખ છે અને માત્ર લાગે છે, બસ. ભૂખ-તરસ લાગ્યા પછી તમે કેવી રીતે એનું સમાધાન કરો છો એનું મહત્ત્વ છે. દરેક ભૂખ દરેક સમયે સંતોષી શકાતી નથી. તમારી હેસિયત જલેબી ખાવાની ન હોય છતાં જલેબી જ ખાવી છે એવી જીદ કરો તો શું પરિણામ આવે? ડૉક્ટરે તમારી શારીરિક અવસ્થાને કારણે (સે ફોર એક્ઝામ્પલ તમારી કમળાની કે ટાઈફોઈડની બીમારીને કારણે) તમને તીખું તળેલું મીઠાઈ ખાવાની ના પાડી હોય તો ન જ ખવાય. એ રીતે અમુક શારીરિક અવસ્થામાં જે ક્રિયા ન કરવાની હોય તે ન જ કરાય. અને આમ છતાં, લીવર કે પાચનતંત્ર અશક્ત હોય ત્યારે તીખું તળેલું મીઠાઈ તમારે છાનામાના ખાઈ જ લેવાં હોય તો તમને કોણ રોકવા આવી શકે, પણ એવું કરવાથી કેવાં કેવાં ગંભીર પરિણામો આવે છે એની તમને ખબર છે. માટે ‘ધ ચૉઈસ ઈઝ યૉર્સ, મારાં વહાલાં બાળકો!’

આ થઈ આપણા અપૂરતા સાધનોવાળા સમાજમાં લઈ શકાય એવા તાત્કાલિક પ્રતિભાવોની વાત. પણ કામચલાઉ (અથવા તો હંગામી, સરકારી શબ્દ વાપરવો હોય તો) ઉકેલોના આધારે કાયમી સમસ્યાનો નિવેડો ન આવે. સંતાનોના જાતીય શિક્ષણ માટે અમારી પાસે ચોક્કસ ખયાલાત છે. સિગારેટ, દારૂ, ચોરી, જુઠ્ઠું બોલવું વગેરેથી બાળકોને દૂર રાખવા શું શું થઈ શકે એ વિશે પણ ચોક્કસ વિચારો છે. એ વિશે આવતી કાલે વિગતે ઊતરતાં પહેલાં એક વાક્ય જે અગાઉ અમે અનેકવાર લખી/બોલી ચૂક્યા છીએ એનું પુનરાવર્તન કરવાની લાલચ અમે ટાળી શકતા નથી. બાળકોને સંસ્કારી બનાવવાની તમે ગમે એટલી કોશિશ કરશો તો પણ છેવટે તો એ તમારાં જેવાં જ બનવાનાં છે.

આજનો વિચાર

જે નાસી જવાનું નથી એને બંધનમાં રાખવાનો પ્રયત્ન શું કામ કરો છો તમે?

– રવીન્દ્રનાથ ટાગોર

એક મિનિટ!

દારૂને લીધે બરબાદ થયેલા બેવડાએ કસમ ખાધી અને ઘરમાંથી દારૂની ખાલી બાટલીઓ ફેંકવા લાગ્યો.

પહેલી ફેંકી અને બોલ્યો: તારે લીધે મારી નોકરી ગઈ.

બીજી ફેંકી: તારે લીધે મારી બૈરી ગઈ.

ત્રીજી ફેંકી: તારે લીધે મારી ગર્લફ્રેન્ડ ગઈ.

ચોથી ભરેલી નીકળી: તું સાઈડમાં આવી જા, આમાં તારો કોઈ વાંક નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *