મોટિવેશનમાંય તફડંચી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર બ્યુરોક્રેટ્સને મોટિવેટ કરવા માટે શિવ ખેડાને આમંત્રણ આપવાની છે એવા સમાચાર છે. વ્યક્તિદીઠ હજારો રૂપિયાની ફી શિવ ખેડાના મોટિવેશનલ સેમિનારો માટે આપવી પડતી હોય છે. શિવ ખેડાનું નામ મોટિવેશનલ સ્પીકર તરીકે ખૂબ આદરથી લેવાય છે.

ઉપદેશક, પ્રેરણાત્મક, પ્રવચનકાર, ચિંતક, મૅનેજમેન્ટ ક્ધસલ્ટન્ટ વગેરે તરીકે ઓળખાતા શિવ ખેડા જેવા જાણીતા મોટિવેશનલ સ્પીકર્સ બીજા ઘણા આ ક્ષેત્રમાં છે. લોકોને પ્રેરણાનાં પીયૂષા પીવડાવનારા અને ચિંતનનાં ચૂરણ ચટાડનારા આ મોટિવેશન સ્પીકર્સ કેવા હોય છે?

બીજાઓની ખબર નથી. શિવ ખેડાની ખબર છે. એક અંગ્રેજી સાપ્તાહિકે શિવ ખેડાની પોલ ખોલતી સ્ટોરી પ્રગટ કરી હતી. એ અહેવાલ મુજબ અમૃત લાલ નામના નિવૃત્ત સરકારી અધિકારીએ પુરવાર કર્યું છે કે શિવ ખેડાએ અમૃત લાલના પુસ્તકમાંથી તફડંચી કરીને પાનાનાં પાનાં ભર્યાં છે. ‘ફ્રીડમ ઈઝ નૉટ ફ્રી’ નામના શિવ ખેડાના પુસ્તકમાં અમૃત લાલના ‘ઈન્ડિયા – ઈનફ ઇઝ ઈનફ’ પુસ્તકમાંથી કુલ ૩૪ ઉતારા બેઠ્ઠાને બેઠ્ઠા લેવામાં આવ્યા છે.

અમૃત લાલનું સંશોધન જણાવે છે કે શિવ ખેડાએ આ કૃત્ય પહેલી વારનું નથી કર્યું. ‘યુ કૅન વિન’ નામના શિવ ખેડાના બેસ્ટ સેલર બની ગયેલા પુસ્તકનો ૭૩ ટકા હિસ્સો કિસ્સા-વાર્તાઓ તથા જોક્સથી ભરેલો છે. ૧૨૯૦ પાનાંમાં ૮૨ કિસ્સા-દૃષ્ટાંત કથાઓ છે જેમાંની લગભગ તમામ ક્યાંથી લેવામાં આવી છે, એનો મૂળ સ્રોત કયો છે, તેની કોઈ માહિતી આપવામાં આવી નથી. બાકીનાં ૯૦ અવતરણો – ક્વોટેશન્સ છે તથા ૧૩ કાવ્યો છે જેમાંનાં પાંચ કોનાં છે તેની કોઈ માહિતી અપાઈ નથી.

શિવ ખેડા પોતે પોતાના લખેલા એકાદ વાક્યને પણ રજિસ્ટર્ડ ટ્રેડ માર્ક ગણાવવાની પૂરતી તકેદારી રાખે છે. તેમનું એક બહુ જાણીતું વાક્ય છે: ‘લીડર ડઝ નૉટ ડુ ડિફરન્ટ થિંગ્સ,

હી ડઝ થિંગ્સ ડિફરન્ટલી.’ પ્રથમ નજરે સ્માર્ટ સૂત્ર લાગે પરંતુ સમજવા જાઓ તો એમાં શબ્દચાતુર્ય સિવાય બીજું કશું હાથ ન આવે. આ પ્રકારની શબ્દલીલા અને શબ્દચતુરાઈઓ ગુજરાતીમાં પણ મોટે ભાગે થતી હોય છે. શિવ ખેડાએ આ વાક્યને પોતાના નામે રજિસ્ટર્ડ કરાવ્યું છે અને પોતાનાં પુસ્તકો તથા પોતાની જાહેરાતો ઈત્યાદિમાં, જ્યાં જ્યાં આ વાક્ય વપરાય, ત્યાં ત્યાં તેઓ એના રજિસ્ટર્ડ ટ્રેડમાર્કનું (વર્તુળમાં લખેલા ‘આર’નું) ચિહ્ન અચૂક મૂકે છે. સારી વાત છે. પણ જે વાક્યમાં આવું ચિહ્ન ન હોય એ દુનિયાનાં તમામ સારાં વાક્યો કે દૃષ્ટાંતકથાઓ કે પ્રસંગ-ટુચકાઓ વગેરે રજિસ્ટર્ડ નથી એટલે પોતાના બાપનો માલ છે એમ ગણીને કોઈ વાપરવા માંડે તે ચાલે?

અમૃત લાલની ફરિયાદ પછી શિવ ખેડા એમને રૂપિયા પચ્ચીસ લાખ અદાલત બહારના સમાધાન પેટે આપવા તૈયાર હતા.

તમારી જિંદગી વિશે તમને સલાહ આપનારા ઉપદેશકો, ચિંતકો, પ્રવચનકારો, મોટિવેશનલ સ્પીકરો તથા સેમિનાર આયોજકોનો દુનિયામાં રાફડો ફાટ્યો છે, ભારત અને ગુજરાતમાં પણ. આમાંના નવ્વાણું ટકા લોકો પાસે મૌલિક ચિંતનના નામે મીંડું હોય છે. તેઓ ગામ આખાને પ્રેરણા આપવા નીકળી પડે છે અને જે જે પોતાની માર્કેટિંગ જાળમાં ફસાય એને ચિંતનના ડોઝ પીવડાવે છે. આમાંથી એમનું પોતાનું કશું જ નથી હોતું. દુનિયાના તેમ જ પોતાને જે ભાષા સમજાય તે ભાષામાં લખનારા મૌલિક ચિંતકોનું વાંચી વાંચીને, એને તોડી મરોડીને, તેઓ તફડાવે છે, ઉઠાવે છે. આ પ્રકારના લોકોમાં મૌલિકતા ત્યારે જ જોવા મળે જ્યારે તેઓ, સ્વ. હસમુખ ગાંધીની ભાષામાં કહીએ તો, અંગ્રેજીમાંથી ગુજરાતીમાં તરજૂમો કરતી વખતે ભૂલ કરે.

જેમની પાસે સ્વતંત્ર અને મૌલિક સર્જન કરવાની ક્ષમતા નથી હોતી તેઓ જ આવા ઊંધા ધંધાઓ કરતા રહે છે. સ્વ. નૌશાદ, સ્વ. જગજિત સિંહ, લતા મંગેશકર અને બીજા અનેક સંગીત મહારથીઓએ રિમિક્સ મ્યુઝિક વિશે વાત કરતાં આ જ વાત ભૂતકાળમાં કહી છે. જેમને મૌલિક સંગીતનું સર્જન કરતાં આવડતું નથી તેઓ બીજાઓએ બનાવેલી ધૂનોને મારી મચડીને રિમિક્સ કરે છે. અગાઉ બીજાઓનાં ગીતો માત્ર બૅન્ડવાજાંવાળાઓ વગાડતા અને પાર્ટી-ક્લબ – સમારંભોમાં વૉઈસ ઑફ લતા કે વૉઈસ ઑફ કિશોરના નામે નાનીમોટી ઑરકેસ્ટ્રાવાળાઓ ગાઈને પેટિયું રળી લેતા. તેઓને કોઈ સંગીતના આરાધક નથી ગણતું. એમાંની કોઈક વ્યક્તિ આગળ જતાં પ્લેબૅક સિંગર બની જતી તે એક સુપર અકસ્માત ગણાતો, કુમાર સાનુ જેવો. ફિલ્મોમાં ગાવા માટે કંઈ – ઑરકેસ્ટ્રામાં ગાવાની તાલીમ હોવી જરૂરી નથી.

પણ અત્યારે આવું ‘અનુ-સર્જન’ કરનારા રિમિક્સિયાઓ કળાકાર ગણાય છે. આમાં કળાકાર શબ્દનું અપમાન થાય છે. જોકે, કળાકાર શબ્દને ગુજરાતી પ્રજાએ ખૂબ સસ્તો બનાવી દીધો છે. છાપામાં હેડલાઈનો બને છે: ‘ગઠિયો કળા કરી ગયો’ અને કોઈ ઉત્સાદ ચાલાકી કરીને લોકોને ઠગતો હોય તો લોકો કહે: ‘એનો ભરોસો નહીં કરતા, એકદમ કળાકાર છે.’ સુરતમાં જો તમે છાપામાં હીરાઘસુઓ વિશે સારું પણ લખો તોય તમારા માથે પસ્તાળ પડે: એમને હીરાઘસુ નહીં કહેવાના, તેઓ રત્નકળાકાર છે! ભલે, ભાઈ. અને અમે કલમઘસુ છીએ, બસ.

તફડંચીકારોની માનસિકતા જબરી હોય છે. અહીંથી ત્યાંથી એઠું-જુઠું ઉપાડીને એમાં થોડો ગરમ મસાલો નાખી, ઉપર કોથમીર-કોપરું ભભરાવીને તમને પીરસે અને પછી કહે કે અમને પણ સર્જક ગણો, અમારા કૃત્ય પર ‘મૌલિકતા’નો છાપો મારીને અમને આદર આપો. તમે એવું કરવાની ના પાડો તો તેઓ દલીલ કરશે કે: આ દુનિયામાં કશું જ મૌલિક નથી, જે છે તે બધું જ અગાઉ વિચારાઈ/ બોલાઈ/ લખાઈ/ ભજવાઈ ગયેલું છે.

અગાઉ મરાઠી નાટકોમાં અને હવે તો ગુજરાતી નાટકોમાં પણ જેમ અનુવાદક કે રૂપાંતરકારોને ‘લેખક’નો દરજ્જો મળી જાય છે એમ રિમિક્સ આલ્બમોમાં જૂના જમાનાની ઝંકાર બીટ્સ ઉમેરવાનું કૃત્ય કરનારાઓ પણ હવે ‘સંગીતકાર’ તરીકે ઓળખાતા થઈ ગયા છે.

અમારા એક વેપારી મિત્ર વારંવાર અમને સલાહ આપતા કે ક્યારેય પાયોનિયર નહીં બનવાનું. તમે જે કંઈ નવું કરશો તેની તરત નકલ કરીને બીજાઓ કમાઈ લેશે. એના કરતાં બીજાઓ જે કંઈ નવું નવું કરે છે તેને ધ્યાનથી જોતા રહો અને ઝડપથી એની નકલ કરીને તમારો ધંધો વધારતા રહો.

આજની તારીખે દરેક ક્ષેત્રમાં અમારા એ વેપારી મિત્રની આ સલાહ અમલમાં મુકાઈ રહી હોય એવું લાગે છે. શિવ ખેડાએ તો છાતી ઠોકીને પેલા અંગ્રેજી સાપ્તાહિકને કહ્યું હતું: ‘કોઈ વાક્યને કે પુસ્તકના શીર્ષકને તમે તમારા ટ્રેડમાર્ક તરીકે પેટન્ટ ન કરાવો તો એના પર તમારો કોઈ કૉપીરાઈટ નથી રહેતો… અને અનેક સ્રોતમાંથી ઉછીનું લઈને તમે એક નવું પુસ્તક બનાવો તો એમાં ક્યાંય કૉપીરાઈટનો ભંગ નથી થતો…’

વેલ, જો આ દલીલ સાચી હોય તો કોઈ અમને કહેશે કે શિવ ખેડાએ પોતાની તથાકથિત સચ્ચાઈને કોર્ટમાં પુરવાર કરવાને બદલે રૂપિયા પચ્ચીસ લાખમાં આઉટ ઑફ કોર્ટ સેટલમેન્ટ શા માટે કર્યું.

ઈન્ટરનેટના આવ્યા પછી તફડંચીનું કામ ઔર સહેલું થઈ ગયું છે. પુસ્તકો, લેખો, કોલમો, પ્રવચનો વગેરે માટેની સામગ્રી તમને નેટ પરથી તૈયાર મળી જાય છે. સાચા અને મૌલિક સર્જકે આમાંની ઉપયોગી માહિતીની ચોકસાઈ કર્યા પછી તેનું પાચન કરીને પોતાની સર્જનશક્તિનું કૌવત વધારવાનું હોય. કમનસીબે, આપણે ત્યાં આ માહિતીને અને બીજાઓનાં મૌલિક સર્જનોને ચાવ્યા વિના ગળી જઈને, પચાવ્યા વિના તરત જ મોઢામાં બે આંગળી અંદર સુધી ખોસીને વમન કરી નાખવામાં આવે છે. મઝાની વાત એ છે કે કેટલાક વાચકોને એવું વાંચવાની પણ મઝા પડે છે.

Published in Mumbai Samachar on 20th June 2014

2 comments for “મોટિવેશનમાંય તફડંચી

 1. Suresh Doshi
  October 12, 2014 at 5:14 PM

  I m die hard freind of your articles. I have read your article earlier also. Today again you have printed ? Why I don’t Understand.

  I forget the QUOTE of Nitshey can u write that again. I have cut so many articles & kept with me . Unfortunately I misplaced.
  Everyday in morning I read your article first & then have tea& breakfast.
  Regards.

  Suresh Doshi

 2. Rakesh R Mehta
  September 26, 2015 at 11:42 AM

  વાંચી ને ઘણી નવાઇ લાગી પણ આ જ સત્ય છે. આપે છેલ્લે લખ્યુ એ મુજબ આજના ઇન્ટરનેટના યુગમાં કશેથી પણ ઉઠાન્તરી કરવાનુ ઘણુ જ સહેલુ છે, પરંતુ એ પણ એટલુ જ સાચુ છે કે પહેલા કરતા આવા ચોર લોકોની ચોરી પકડવાનુ પણ એટલુ જ સહેલુ થઇ ગયુ છે આજ ઇન્ટરનેટના ના કારણે. પેલી જૂની ગુજરાતી કહેવત યાદ આવે છે, જે પોષતુ તે જ મારતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *