મૅરેજ માણસને મીડિયોકર બનાવે છે

‘જબ વી મેટ’ અને ‘લવ: આજકલ’ સિવાય બીજી કોઈ ફિલ્મો ન બનાવી હોત તો પણ અમને દિગ્દર્શક તરીકે ઈમ્તિયાઝ અલી ગમતો હોત /રાધર વધારે ગમતો હોત. યુ નો વૉટ આય મીન. ‘રૉકસ્ટાર’ અને ‘હાઈવે’ જેમણે જોઈ છે તેઓ અમારી વાત સાથે સહમત થશે.

ઈમ્તિયાઝ અલીના પત્ની પ્રીતિ સાથેના છૂટાછેડાની વિધિ કમ્પલીટ થઈ ગઈ છે. ‘લવ: આજકલ’ના પેલા ડાયલોગને યાદ કરીએ તો હવે ખુલ્લાં સાંઢ જેવી એની જિંદગી છે. હાઉ લકી.

એક અંગ્રેજી છાપાને આપેલા ઈન્ટરવ્યૂમાં ઈમ્તિયાઝ અલીએ બેત્રણ બહુ સરસ વાત કરી છે. એ કહે છે (તમે એની સાથે સહમત થાઓ, ન થાઓ એ જરૂરી નથી, અમે એની સાથે સહમત થઈએ છીએ કે નથી થતા એ પણ અહીં ડિસ્કસ કરવાની જરૂર નથી), એ કહે છે કે: ‘મૅરેજ તમને મીડિયોકર બનાવી દે છે.’

ઈમ્તિયાઝ અલીને પૂછવામાં આવ્યું હતું: ‘ડિવોર્સ લીધા પછી તમે ઘણા જુદા માણસ લાગો છો, નહીં?’

એણે જવાબ આપ્યો હતો: ‘વાત સાચી છે. હું બધાની સાથે ખૂબ ફોર્મલ ફોર્મલ વર્તતો થઈ ગયો હતો. મૅરેજ તમને આર્ટિફિશ્યલ બનાવી દે છે. આ કરવાનું, આ નહીં કરવાનું. આને કારણે તમને માત્ર ગૂંગળામણ જ નથી થતી. તમે મીડિયોકર પણ બની જાઓ છો. તમે જે છો એના સી.એમ. *** એ. વર્ઝન જેવા બની જાઓ છો. બીજાની અપેક્ષાઓ સંતોષવા માટે તમે જે નથી એવા દેખાવું પડે છે તમારે.’

ઈમ્તિયાઝ અલીનો ઈન્ટરવ્યૂ તો ઘણો લાંબો છે જેમાં એની ફિલ્મો વિશે, એણે જે જે કલાકારો સાથે કામ કર્યું તેની સરસ વિગતો છે પણ એનું અહીં આપણને કામ નથી. માત્ર એક નાનકડા સવાલનો

ગુડ મૉર્નિંગ

નાનકડો ક્રિપ્ટિક જવાબ કામનો છે. એને પૂછવામાં આવ્યું: ‘લગ્નપ્રથાને તમે હેટ કરો છો?’

ઈમ્તિયાઝ અલીના જવાબમાં બિટ્વીન ધ લાઈન્સ વાંચજો. એ કહે છે: ‘ઍકચ્યુલી, જે લોકોનાં લગ્ન ચાલુ છે એ લોકો લગ્નપ્રથાને વધારે હેટ કરે છે’ (સ્મિત.)

લગ્નની પવિત્રતા અને સપ્તપદી સાથે આપણે લોકોએ સાંકળી લીધેલા સાત-સાત જન્મના ફેરા અને લગ્નની અનિવાર્યતા તથા લગ્ન માટેની તત્પરતા, ઉતાવળ તેમ જ અમુક ઉંમર સુધી લગ્ન ન થાય તો કુટુંબમાં, સમાજમાં દરેકનું નીચાજોણું – આ બધું આપણે બહુ જોયું, વર્ષોથી જોતાં આવ્યા છીએ.

લગ્ન અને સંબંધોના આ વિષય પર મેં તો ખૂબ લખ્યું છે, વિસ્તારથી લખ્યું છે, નવા નવા ઍન્ગલ્સથી લખ્યું છે. મેં કહ્યું છે કે અન્ય કોઈ વિકલ્પોના અભાવે લગ્નપ્રથા સહજીવન માટે શ્રેષ્ઠ છે, વ્યક્તિગત રીતે તેમ જ સામાજિક રીતે, પણ – અહીં બહુ મોટો પણ આવે છે – લગ્નપ્રથા બધા માટે ટેબલ નથી. સમાજના નવ્વાણું ટકા માટે હશે, એકાદ ટકા માટે નથી. અત્યારે આમાં મારે ઊંડા ઊતરવું નથી કારણ કે અગાઉ છુટકત્રુટક આ વિશે પૂરતી ચર્ચા કરી છે.

રહ્યો સવાલ પ્રેમનો. શું કરીશું એનું? લગ્નમાં પરિણમે તો જ પ્રેમ કામિયાબ, નહીં તો અધૂરો, એવું? પ્રેમનો અન્જામ લગ્ન જ હોય એવી ભ્રમણામાં મોટાભાગના લોકો હોય છે, ટીન એજરો પણ (એ લોકોએ વળી શું કામ એ ઉંમરે ઘર-વર રમવાની ઉતાવળ કરવી જોઈએ?)

ગયા અઠવાડિયાથી રાત્રે જાગી જાગીને એક કે બે ફિફા વર્લ્ડ કપની મૅચો જોઉં છું અને આ ફૂટબૉલ પ્લેયર્સની વર્લ્ડ કક્ષાની ગેમ જોઈને મને ઘણી વખત આ વિચાર એક સેક્ધડ માટે આવીને પછી ઊડી જાય છે કે આ ડિઝાયરેબલ, હૅન્ડસમ, ઍથ્લેટિક બૉડીવાળા, ફેમસ અને રિચ પ્લેયર્સની લવ લાઈફ કેવી હશે? એમાંના કેટલાક પરણેલા હોય છે, કેટલાક લિવ-ઈન રિલેશનશિપમાં હોય છે, કેટલાકની ગર્લફ્રેન્ડ હોય છે અને કેટલાક કાચા કુંવારા ખુલ્લા સાંઢની જિંદગી જીવતા હોય છે.

તેઓની પર્સનલ લાઈફમાં શું ક્યારેય પ્રૉબ્લેમ્સ નહીં થતા હોય, પત્ની કે ગર્લફ્રેન્ડ એમનાથી નારાજ થઈ ગઈ, રિસાઈ ગઈ કે પછી એની જ ટીમના બીજા કોઈ પ્લેયર સાથે કે એના ચાહક સાથે એ ચાલુ થઈ ગઈ. કે પછી એ પોતે ક્યાંક બીજે અટવાઈ ગયો અને પોલ ખુલ્લી પડી ગઈ. અથવા તો તદ્દન સાદો, રોટલીશાક દાળભાતના જમણા જેવો સાદો, ઝઘડો બન્નેની વચ્ચે થયો – વિચારભેદને કારણે કે બૅકગ્રાઉન્ડ જુદાં હોવાને કારણે કે ભવિષ્ય માટેનાં સપનાં જુદાં હોવાને કારણે કે પછી નકરી ગેરસમજણોને કારણે.

તો આવી ડિસ્ટર્બિંગ અવસ્થામાં આ લોકો શું કરતા હશે? દેવદાસ બનીને બારમાં બેસી રહેતા હશે? આખો વખત પેલીને યાદ કરી કરીને મૂકેશ કે તલત મહેમૂદનાં ગીતો સાંભળ્યા કરતા હશે? જિંદગીનો મક્સદ ખોવાઈ ગયો છે, ભવિષ્ય અંધકારમય થઈ ગયું છે એવું વિચારતા થઈ જતા હશે? ચોવીસ કલાક મન ભટકયા કરતું હશે? કૉન્સન્ટ્રેશન ગુમાવી બેસતા હશે!

ના, લવલાઈફ (કે પછી મૅરીડ લાઈફ)ના ડિસ્ટર્બન્સીસ માણસની જિંદગીને જો ખોરવી નાખે તો એ લૂઝર કહેવાય. અહીં માત્ર પુરુષની જ કે માત્ર સ્ત્રીની જ વાત નથી. બેઉની વાત છે. જો આ ફૂટબોલ પ્લેયર્સની બીહેવિયર એવી થઈ જતી હોત તો તેઓ આટલે સુધી પહોંચ્યા જ ન હોત. ખાવાપીવા – ઊંઘવાનું ડિસ્ટર્બ કરી નાખે તો તેઓ પ્રેકટિસ કેવી રીતે કરે. કૉન્સન્ટ્રેશન ગુમાવી દે તો ગેમને શાર્પન કેવી રીતે કરી શકે. પેલીને જ યાદ કર્યા કરે તો રાઈવલ ટીમની સ્ટ્રેટેજિને પોતાનો કોચ સમજાવતો હોય ત્યારે ધ્યાન કેવી રીતે આપે. સતત સ્ટેમિના અને સ્ટ્રેન્થની સાથે ફૂટવર્ક અને ચકોર નજરની ધાર કાઢવાની હોય ત્યારે તમને તમારી લાઈફમાં તમારી સાથે પેલીએ શું કામ આવું વર્તન કર્યું કે પેલીએ પેલાની સાથે કેમ વૉટ્સઍપ પર ગપસપ કરી કે એવુંતેવું વિચારવાનો ટાઈમ જ ન હોય, એવી એનર્જી કે એવી ઈચ્છા પણ ન હોય.

તો શું પ્રેમ કરવો એ નવરા લોકોનું કામ છે? ડોન્ટ પુટ વર્ડ્સ ઈન માય માઉથ. હું એવું નથી કહેતો. હું એટલું જ કહું છું કે જીવનમાં પ્રેમની પ્રાયોરિટી સેક્ધડરી છે. ફર્સ્ટ ઍન્ડ ફૉરમોસ્ટ પ્રાયોરિટી તમારું કામ છે. એ કામ રિક્શા ચલાવવાનું હોય, વિમાન ચલાવવાનું હોય, કલમ ચલાવવાનું હોય કે પછી દેશ કે ઘર ચલાવવાનું હોય. કામ તમારી પ્રાથમિકતા છે. પ્રેમનો વારો પછી આવે. અને જો પ્રેમની પ્રાયોરિટી બીજી હોય તો સ્વાભાવિક રીતે જ લગ્નની પ્રાયોરિટી પણ પહેલી તો ન જ હોય ને.

આય થિન્ક ઈમ્તિયાઝ અલીની વાત સાચી છે: લગ્ન માણસને મીડિયોકર તો બનાવે જ છે, પણ આવું કહેવાની હિંમત પરણેલાઓએ નહીં કરવાની. ઈમ્તિયાઝ અલીની જેમ ડિવોર્સની ડિક્રી હાથમાં આવી ગયા પછી જે બોલવું હોય તે બોલવાની છૂટ. ત્યાં સુધી મનમાં સમજો છો તે જ ઘણું છે અને ક્યારેક અમારા જેવા મિત્રોની સાથે બૉર્નવિટા પીતાં પીતાં શૅર કરો છો તે સારું છો (ઘણા મિત્રોને ઍન્ટિક્વિટી સામે વાંધો છે એટલે હવે અમે બૉર્નવિટાના પેગ બનાવતા થઈ ગયા છીએ).

ઈમ્તિયાઝ અલીને છેલ્લો સવાલ પૂછાયો હતો: ‘તમે પહેલાંના કરતાં વધારે હૅપી છો હવે?’ થોડોક વિચાર કરીને એ જવાબ આપે છે: ‘હું કહીશ કે વધારે ઍન્ગ્રી અને વધારે સૅડ પણ છું. બહુ મિક્સ્ડ ઈમોશન્સ છે.’

ઈમ્તિયાઝ અલીએ વધારે ઍન્ગ્રી અને વધારે સૅડ હોવાની નિખાલસ કબૂલાત કરી. સાથોસાથ વધારે હૅપી હોવાની વાત પણ ઈન્ડાયરેક્ટલી સ્વીકારી લીધી, એ જોયું તમે!

Published in MUMBAI sAMACHAR ON 19TH jUNE 2014

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *