ઉંમરના એવા વળાંક પર

લંડનના ‘ધ ગાર્ડિયન’ સાપ્તાહિકમાં ઈંગ્લેન્ડના જુવાન બચ્ચાઓની, ટીન એજર્સની, સેક્સલાઈફ વિશે એક સર્વે પ્રગટ થયો હતો. ૧૧ થી ૧૫ વર્ષની ઉંમરના પ્રિ-ટીન એજર્સ તેમ જ ટીન એજર્સને એમના બૉયફ્રેન્ડ્ઝ-ગર્લફ્રેન્ડ્ઝ વિશે પાંચ સવાલ પૂછવામાં આવ્યા હતા.

‘ધ ગાર્ડિયન’ એક સિરિયલ પેપર છે, ‘ધ સન’ જેવું ઉછાંછળું નથી. એટલે ‘ધ ગાર્ડિયન’નો આશય વાચકોને ગલગલિયાં કરાવવાનો ન હોય, સર્વેક્ષણની તારવણી દ્વારા સમાજને લાલ બત્તી ધરવાનો હોય.

સવાલ પહેલો: તમને ગર્લફ્રેન્ડ/બૉયફ્રેન્ડ છે કે હતી/હતો?

૧૧ વર્ષની ઉંમરનાં ૪૧ ટકા બચ્ચાંઓએ હા પાડી, ૧૨ વર્ષનાં ૪૬ ટકા, ૧૩ વર્ષનાં ૬૯ ટકા, ૧૪ વર્ષનાં ૮૪ ટકા અને ૧૫ વર્ષનાં ૯૨ ટકા છોકરા-છોકરીઓએ હા પાડી.

બીજો સવાલ: આ જે મિત્ર છે તે માત્ર મિત્ર જ છે? એને તમે ચુંબન બિલકુલ નથી કરતાં? (હૅવ યુ બીન જસ્ટ ફ્રેન્ડ્ઝ વિથ નો કિસિંગ?)

૧૧ વર્ષના ૨૨ ટકા બચ્ચાઓએ હા પાડી અર્થાત્ ૨૨ ટકા બાળકોની વિજાતીય મૈત્રીમાં ચુમ્માચુમ્મીની કોઈ વાત નહોતી. ૧૨ વર્ષનાં ૧૬ ટકા બચ્ચાઓએ, ૧૩ વર્ષનાં ૧૩ ટકા, ૧૪ વર્ષનાં ૧૨ ટકા તથા ૧૫ વર્ષનાં માત્ર ૬ ટકા છોકરા-છોકરીઓએ કહ્યું કે ગર્લફ્રેન્ડ/બૉયફ્રેન્ડ સાથે ચુંબનની આપ-લેના કોઈ સંબંધ નથી, માત્ર ઈનોસન્ટ ફ્રેન્ડશિપ છે.

કિસ્ડ ઍન્ડ કડલ્ડ? આ ત્રીજો સવાલ ટૂંકો ને ટચ હતો: ચુંબન અને સાથે નાનીમોટી મસ્તી કરો ખરા? જવાબ સાંભળજો અને સાંભળીને જાતને સંભાળજો.

૧૧ વર્ષના ૨૨ ટકા બચ્ચાંઓએ કહ્યું: હા! ૧૨ વર્ષનાં ૩૦ ટકા, ૧૩ વર્ષનાં ૪૫ ટકા અને ૧૪ વર્ષનાં ૫૫ ટકા તથા ૧૫ વર્ષનાં ૪૫ ટકા (૧૦ ટકા ઘટી ગયા કેમ? હવે પછીના બે સવાલ પરથી કદાચ ખબર પડશે) ‘બાળકો’એ કહ્યું કે હા, અમારા બૉયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ સાથે અમે એવું બધું કરી લઈએ.

ચોથો સવાલ: અત્યંત ખાનગી કહેવાય એવાં અંગોને સ્પર્શો? ૧૧ વર્ષનાં શૂન્ય ટકા બાળકોએ હા પાડી. થૅન્ક ગૉડ. ૧૨ વર્ષના ૩ ટકા, ૧૩ વર્ષના ૮ ટકા, ૧૪ વર્ષના ૧૯ ટકા અને ૧૫ વર્ષના ૩૧ ટકા બચ્ચેલોગે કહ્યું: યસ.

અને પાંચમો સવાલ: જાતીય સમાગમ કર્યો? ૧૧ વર્ષમાંથી ફરી એક વાર કોઈ નહીં. ૧૨ વર્ષમાંથી ૧ ટકા, ૧૩ વર્ષમાંથી ૪ ટકા, ૧૪ વર્ષમાંથી ૧૦ ટકા અને ૧૫ વર્ષમાંથી ૫૭ ટકાએ કહ્યું: જી, હા.

સર્વે પૂરો. આપણી વાત શરૂ.

ઈંગ્લેન્ડનાં નાનાં છોકરાંઓ હવે નાનાં નથી રહ્યાં. નાની ઉંમરે તેઓ પુખ્ત અનુભવ લેતા થઈ ગયા છે. અમેરિકામાં શું હાલત હશે? લગભગ આ જ. સુધરેલા કહેવાતા અન્ય પશ્ર્ચિમી દેશોમાં તેમ જ એશિયાના આર્થિક દૃષ્ટિએ ગજું કાઢી રહેલા દેશોની પરિસ્થિતિ પણ બહુ જુદી નહીં હોય. આજે નહીં તો આવતી કાલે, ભારતમાં પણ આવાં સર્વેક્ષણો આ જ ટકાવારી આપશે. અહીં મહત્ત્વ કઈ ઉંમરનાં કેટલા ટકા છોકરા-છોકરીઓ શું કરે છે ને શું નથી કરતાં એનું નથી. તમારે હવે એ સમજવાનું અને સ્વીકારવાનું છે કે તમને ગમે કે ન ગમે, તમારી ગમે એટલી નિગરાની હોવા છતાં, આ ઉંમરનાં બાળકો કે કિશોર-કિશોરીઓ કે ટીન એજર્સ કે છોકરા-છોકરીઓ એકમેક સાથે હસવાખેલવા ઉપરાંત બીજું ઘણુંબધું કરતાં હોય છે.

આ સંજોગોમાં માબાપે શું કરવું? ટીન એજર બચ્ચાઓને સેક્સ એજ્યુકેશન કેવી રીતે આપવું. એ વિશેનાં પુસ્તકો વાંચીને એમાં લખેલી ટિપ્સને અનુસરવું? બાળકો વિજાતીય મિત્રો સાથે એકાંતમાં બિલકુલ હળેમળે નહીં એ માટે ૨૪ કલાક જાપ્તો રાખવો? બાળલગ્ન કરાવી દેવાં? સલાહ માટે વિશ્ર્વસનીય સેક્સોલૉજિસ્ટ પાસે દોડી જવું? શું કરવું?

આ સવાલોનો સામનો આ ઉંમરનાં સંતાનો ધરાવતાં ગુજરાતી માબાપોને આજે સતાવતો હશે, નહીં સતાવતો હોય તો આવતી કાલનાં એ ઉંમરનાં સંતાનો ધરાવતાં માબાપોને સતાવશે, જેનો શાસ્ત્રીય ઉકેલ શોધ્યા વિના છૂટકો નથી.

શાળાઓમાં જાતીય શિક્ષણ આપીશું તો બાળકો બગડી જશે એવું કહેનારા વિરોધીઓએ જરા સમજવું જોઈએ કે મુગ્ધાવસ્થામાં કે તે પહેલાં, જાતીય શિક્ષણ નહીં મળે તો બાળકોની જાતીય લાગણી વિકૃતિના માર્ગે વળી જાય એવી શક્યતા ઘણી મોટી છે. સેક્સ શબ્દ સમાજને ભડકાવનારો છે. સમાજની ઉત્પત્તિ આ સેક્સને કારણે જ થઈ છે એવું વિચારવાને બદલે વધુ ડાહ્યા માણસો આ વિષય વિશે જાહેરમાં ચર્ચા કરવાનું ટાળે છે. એક જમાનામાં મુંબઈ શહેરમાં કોઈ ભડવીરે સેક્સ વિશે જાહેર પ્રવચનો ગોઠવ્યાં ત્યારે ખાનદાની વક્તાઓ આ વિષયના મૂળને સ્પર્શ્યા વિના એનાથી ૪૦ માઈલ દૂરના ઘેરાવામાં ફર્યા કરતા હતા. સેક્સ વિશે મુક્તપણે ચર્ચાઓ થતી નથી તેને કારણે આખો સમાજ અનેક ભ્રમણાઓમાં જીવે છે. આપત્તિ વખતે રેતીમાં માથું ખોસી દેતા શાહમૃગની જેમ અચ્છાઅચ્છા લોકો સેક્સ વિશે સ્પષ્ટ અને શાસ્ત્રીય જાહેર વિચારો કરવાનું ટાળે છે. આને કારણે કેટકેટલીય સમસ્યાઓ સર્જાય છે. બાબા-સાધુઓના શિષ્યાપ્રેમથી માંડીને ચેલકાઓ સાથેના સજાતીય પ્રેમથી લઈને જાહેરખબરોનો ધોધ વરસાવતા ઊંટવૈદોના ધંધા જેવી પ્રવૃત્તિઓ પુરબહારમાં ચાલે છે. કરોડો સ્ત્રીપુરુષો આ વિષયની અધૂરી જાણકારીને લીધે ટીન-એજર મટી ચૂક્યા પછી પણ માનસિક-શારીરિક સંતાપ ભોગવતાં રહે છે. યુવાનીમાં પગ મૂકતાં લાખો છોકરા અને છોકરીઓ જાતીય શિક્ષણને અભાવે પ્રોમિસ્ક્યુઅસ બની જાય છે, અવિચારી પગલાં ભરીને લપસી પડે છે.

ટીન એજર્સમાં (ખરેખર તો એમને ટીન એજર્સ પણ કેમ કહેવાય? ૧૧-૧૨ વર્ષનાં બાળકો તો હજુ ટીન એજમાં પગલાં માંડતાં હોય છે) માત્ર સેક્સને લગતી જ સમસ્યાઓ નથી હોતી. ‘ધ ગાર્ડિયન’ના સર્વેમાં સિગારેટ, દારૂ, ચોરી, ડ્રગ્સ અને પૉર્નોગ્રાફી વિશે પણ પૂછપરછ થઈ. ૧૧ વર્ષનાં ૬૧ ટકા છોકરા-છોકરીઓએ દારૂ (કે બિયર) પીધો છે એવું જાણવા મળ્યું. આ પ્રમાણ વધતાં વધતાં ૧૫ વર્ષનાં ટીન એજર્સમાં ૯૪ ટકા સુધી પહોંચી ગયું. (પીધો છે મતલબ બધા જ રેગ્યુલરલી પીએ છે એવું નહીં, પણ ચાખ્યો તો છે જ કે ક્યારેક પીએ છે એવું માનવું). ૧૧ વર્ષીય બચ્ચાઓમાંથી ૨૦ ટકાએ સિગારેટ પીધી હતી અને ૧૫ વર્ષીય છોકરા-છોકરીઓમાંથી ૬૫ ટકાએ પીધી હતી. ૧૧ વર્ષનાં ૩૧ ટકા બાળકોએ ક્યારેક નાનીમોટી ચોરી કરી હતી, ઉંમર સાથે આ પ્રમાણ વધતું ગયું અને ૧૫ વર્ષનાઓમાંનાં ૫૮ ટકાએ ચોરીની કબૂલાત કરી. ડ્રગ્સ ૧૧ વર્ષનામાં બે ટકા અને ૧૫ વર્ષનામાં ૨૩ ટકા પ્રચલિત હતી તથા પૉર્નોગ્રાફી આ વયજૂથના ૭૪થી ૯૨ ટકા ટીન્સે જોયેલી.

તો હવે શું કરીશું? માત્ર નૈતિકતાનાં મંજીરાં વગાડતાં રહીશું? કે પછી કશુંક નક્કર વિચારીશું? ભારતમાં પણ વહેલીમોડી આ જ પરિસ્થિતિ સર્જાવાની છે અથવા તો ઑલરેડી સર્જાઈ ચૂકી છે. એટલે જો વિચારવું હોય તો આ જ ઘડી છે વિચારી લેવાની. પાછળથી કદાચ ઘણું મોડું થઈ જશે. દસ-અગિયારથી પંદર-સોળ વર્ષનાં છોકરાંછોકરીઓની અંગત, કૌટુંબિક અને સામાજિક તેમ જ માનસિક અને શારીરિક પરિસ્થિતિ વિશે અનેક દિશાઓમાંથી વિચારો આવવા જોઈએ. કોઈ એકલદોકલ વ્યક્તિનું આ કામ નથી. સેક્સની ચર્ચા કરતી વખતે સૌથી મોટી જરૂરિયાત ટિટિલિયેશનની વૃત્તિને ટાળવાની છે. સાથોસાથ ચાંપલી, બાયલી, વાયડી અને વેવલી ભાષામાં થતી બુઢૌ ચર્ચાઓ ટાળવાની જરૂરિયાત પણ એટલી જ છે. કેટલાક બિનડૉક્ટર લેખકો માત્ર પોતાની ખાનગી વિકૃતિઓને જાહેરમાં સંતોષવાના હેતુથી જ આવી ચર્ચાઓ કરતા હોય છે અને એમને એવા વાચકો પણ મળી રહેતા હોય છે જેઓ આ જ ઈરાદાથી આવું બધું વાંચતા હોય છે. એવા લોકોને વિનંતી કે નેટ પર બેસી જાઓ, તમારી બધી જ વૃત્તિઓ સરસ રીતે સંતોષાશે. અહીં ઍકેડેમિક અને પ્રેક્ટિકલ ચર્ચા થશે જેમાં તમને મઝા નહીં આવે.

ટીન એજર્સની સમસ્યાઓના ઉકેલ શોધતાં પહેલાં સૌપ્રથમ જરૂર એ વાત સ્વીકારવાની છે કે આ એક જિંદગીનો એવો તબક્કો છે જેના વિશે ગંભીરતાપૂર્વક વિચાર્યા વિના ચાલવાનું નથી. ઉંમર ઉંમરનું કામ કરે અને વખત જતાં બધું થાળે પડી જશે એવી વૃત્તિ અહીં ભારે પડવાની છે. પહેલ માનસચિકિત્સકોએ, જાતીય વિજ્ઞાનશાસ્ત્રીઓએ, સમાજશાસ્ત્રીઓએ અને ગંભીર કિસમના લેખકો-વિચારકોએ કરવાની છે. આ એક એવો વિષય છે જેમાં ગમે તે વ્યક્તિ ઘૂસીને ગમે તેવો બફાટ કરીને જતી રહે તે ચાલે નહીં.

આવતી કાલે પાછા આ જ જગ્યાએ મળીએ છીએ અને આ વિશે આગામી વાત કરીએ છીએ.

આજનો વિચાર

પ્રેમ અને સેક્સ વચ્ચેનો પાયાનો તફાવત એ કે સેક્સથી ટેન્શન રિલીઝ થાય છે, પ્રેમને કારણે ટેન્શન સર્જાય છે.

-વુડી એલન

એક મિનિટ!

આ વખતે નોઈઝ-ફ્રી દિવાળી ઊજવો.

વાઈફને એના પેરેન્ટ્સને ત્યાં મોકલી દો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *