હસ્તાક્ષરની મહત્તા

મને કાગળ પર પેન કે પેન્સિલથી લખવાનું ગમે છે. કૉમ્પ્યુટર પર ક્યારેક લખવું પડે તો લખીએ પણ ફાવતું નથી કારણ કે આવડતું નથી. છેલ્લાં પંદર વીસ વર્ષ દરમ્યાન ઓછામાં ઓછા ચાર-પાંચ વાર સિરિયસ પ્રયત્નો કર્યા હશે કે કૉમ્પ્યુટર પર ડાયરેક્ટ ગુજરાતી ટાઈપસેટિંગ કરતાં શીખી જઈએ, છેવટે માંડ માંડ ફોનેટિક કીબોર્ડ પર ક્યારેક થોડું ઘણું ગુજરાતી લખી લઉં છું, સાયન્ટિફિકલી શીખીને ગુજરાતીમાં લખવામાં જે શિસ્ત જોઈએ તે મારામાં નથી અને ક્યારેક એનો મને રંજ પણ રહેતો. મારા કરતાં વીસ-વીસ વરસ મોટા લેખકોમાંના કેટલાક સીધું કૉમ્પ્યુટર પર લખતા થઈ ગયા છે, યંગવન્સ તો લગભગ બધા જ.

અંગ્રેજીમાં ઈમેલ વગેરે પૂરતું ટાઈપ કરી લઈએ પણ દસે આંગળીએ નહીં, બે જ આંગળીએ છેક ટેન્થના વૅકેશનમાં વતનના ગામે મારા વકીલ દાદા મને ટાઈપિંગ ક્લાસ ભરવા મોકલતા. (તે વખતે એમને કદાચ એમ હશે કે આ છોકરો ભવિષ્યમાં રાઈટર બનીને ગુજરાન ન ચલાવી શકે તો કમ સે કમ કોર્ટની બહાર ટાઈપિસ્ટનું કામ તો કરી શકે!) પણ તે ય શિસ્તના અભાવે શીખ્યા નહીં.

આજે હું જ્યારે કોઈને કીબોર્ડ પર અંગ્રેજીમાં મિનિટના સાઈઠની સ્પીડે ટાઈપ કરતાં જોઉં છું ત્યારે મને એમના માટે ખૂબ માન થાય છે. અને એમાંય ગુજરાતીમાં કે અન્ય કોઈ ભારતીય ભાષામાં આ સ્પીડે કોઈને કામ કરતાં જોઉં ત્યારે તો એમને સાષ્ટાંગ દંડવત્ કરવાનું મન થાય. કેવી રીતે તેઓ આ ઝડપે ‘કૉમ્પ્યુટર પર

લખી’ શકતા હશે. ધે આર ધ બ્લેસ્ડ વન્સ.

પણ મારી પાસે એવા આશીર્વાદ નથી એટલે ઘણી વખત આ બાબતે હું મને ઈન્ફીરિયર ગણતો. અને બહાદુરી બતાવવા કહ્યે રાખતો કે આપણને તો ભાઈ, કાગળ પર પેનથી કે પેન્સિલથી લખવાની બહુ મઝા આવે. અને પછી સુપિરિયર ફીલ કરવા રહેતો કે તમને ખબર છે, જેફ્રી આચર પણ લૉન્ગ હૅન્ડમાં કાગળ પર પેનથી લખે છે અને શોભા ડે પણ લૉન્ગ હૅન્ડમાં પેન્સિલથી લખે છે. મોટા મોટા લેખકો ટાઈપ ના કરે, હાથથી લખે એવું જતાવીને હું પણ જાતને અને બીજાઓને મનાવવાની કોશિશ કરતો કે હું પણ ‘મોટો લેખક’ છું.

ગઈ કાલે મને ફેસબુક પર એક લિન્ક મળી જેના વિઝયુઅલમાં કાગળ પર પેનથી લખનારો હાથ હતો અને ઉપર આ વાક્ય અંગ્રેજીમાં સુપર ઈમ્પોઝ કર્યું હતું: હાથથી લખવાથી બ્રેઈનના એ એરિયાઝ એક્ટિવેટ થાય છે જે તમને વધારે સારી અને વધારે ઝડપી રીતે શીખવામાં મદદ કરે છે. લિન્ક પોલી ‘સાયન્સ એલર્ટ’માં કોઈએ સવા મહિના પહેલાં લખેલો રિપોર્ટ હતો.

એ રિપોર્ટનો સાર તમને કહું: કીબોર્ડ પર લખવાથી આપણો પ્રેશ્યસ ટાઈમ ઘણાો બચી જાય છે પણ હાથથી લખવાના ઘણા બધા ફાયદા છે. રિસર્ચસે પુરવાર કર્યું છે કે જે બાળકો હાથથી લખતાં શીખી જાય છે તેઓ વાંચતાં પણ ઝડપથી શીખે છે. એ બાળકો જે વાંચે છે તે એમના મગજમાં યાદ રહી જાય છે અને નવા નવા આઈડિયાઝ પણ એમને વધારે આવે છે.

રિપોર્ટ મુજબ, પેરિસની ‘કૉલેજ દ ફ્રાન્સ’ના સાયકોલોજિસ્ટ સ્ટેનિલાસ ડહેન (સાચો ઉચ્ચાર જે થતો હોય તે) એ ‘ધ ન્યુ યોર્ક ટાઈમ્સ’ને કહ્યું: ‘આપણે જ્યારે (હાથથી) લખીએ છીએ ત્યારે ઑટોમેટિક્લી એક યુનિક પ્રક્રિયા મગજમાં શરૂ થઈ જાય છે. (હાથથી લખવામાં) દરેક અક્ષરના જે વળાંકો આવે છે તે મગજ રેક્ગ્નાઈઝ કરે છે અને એને કારણે તમારું દિમાગ સ્ટિમ્યુલેટ થાય છે.

બીજો એક સ્ટડી અમેરિકામાં થયો. ઈન્ડિયાના યુનિવર્સિટીના એ સ્ટડીમાં બહાર આવ્યું કે બાળકો હાથથી લખતાં હોય ત્યારે દિમાગના ત્રણ ભાગ એક્ટિવેટ થાય છે- લેફ્ટ ફુસિફોર્મ ગાયરસ, ઈન્ફીરિયર ફ્રન્ટલ ગાયરસ અને પોસ્ટીરિયર પેરિએટલ ગાયરસ. (એટલે શું તે પૂછીને મારા મગજનું દહીં ન કરતા). દિમાગના આ ત્રણેય એરિયાઝ મોટા લેખકો હાથથી લખે છે અને વાંચે છે ત્યારે એમના દિમાગમાં પણ એક્ટિવેટ થાય છે આ એક વાત. અને બીજી વાત જે છોકરાંઓ ટાઈપ કરતા હોય એમના દિમાગમાં આવું એકિ્ટવેશન થતું નથી.

આ સ્ટડી કરવામાં જેમણે ભાગ લીધો તે કેરિન જેમ્સે ‘ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ’ને કહ્યું કે હાથથી લખનારાઓના દિમાગે કાગળ પર એક અક્ષર, એક શબ્દ ઉતારતાં પહેલા નક્કી કરી લેવાનું હોય છે કે જે ભાવના વ્યક્ત કરવાની છે તે ક્યા શબ્દોમાં વ્યક્ત કરવાની છે અને એના કરતાં વધારે, એ શબ્દો લખવા માટે એના અક્ષરોના કેવા કેવા વળાંકો લખવાના છે.

આ વળાંકો નક્કી કરવાની પ્રક્રિયાને કારણે દિમાગ વધારે સતેજ થતું હોય છે.

બીજી કેટલીક સ્ટીઝમાં પણ પુરવાર થયેલું છે કે જે બાળકો ટાઈપ કરવાને બદલે હાથેથી લખે છે તેઓ વધારે શબ્દો લખી શકે છે અને મૌલિક વિચારો પણ વધારે આપી શકે છે. આ બાળકોની સ્મૃતિ શક્તિ પણ વધારે તેજ હોય છે.

મોટા માણસો પોતાના લેક્ચર કે પ્રેઝન્ટેશન માટે હાથેથી લખેલી નોટ્સ સાથે રાખે ત્યારે કામ વધારે સારું થતું હોય છે. લૅપટૉપ પર કે આઈપૅડ પર નોટ્સ રાખીને બોલતા કે પ્રેઝન્ટેશન આપતા મહાનુભાવોએ નોંધ લેવી.

બીજું, સ્ટડીઝ કહે છે કે જેમના અક્ષર સુંદર હોય એમના દિમાગના પેલા ત્રણ એરિયાઝ વધુ સારી રીતે ઍકિ્ટવેટ થતા હોય છે, એમની સ્મૃતિશક્તિ સારી હોય છે.

તો અહીં રિસર્ચવાળી વાત પૂરી થઈ. બાકીની વાત.

ગાલિબનો એક શેર મને ખૂબ ગમે છે. હસ્તાક્ષરના ગુણગાન એમાં ગવાયા છે. શેર છે: આતે હૈ ગૈબ સે યે મઝામીં ખયાલ મેં/ ગાલિબ સરીર-એ-ખામા નવા-એ સરોશ હૈ.

ઘણી વખત આ શેર મેં ક્વોટ કર્યો છે પણ લાગે છે કે સૌથી રિલેવન્ટ આ જગ્યા છે.

ગાલિબ કહે છે: આ જે બધા લેખ (કે કવિતા) માટેના વિષયો આવે છે તે બધા ઉપરથી, ગૈબમાંથી આવે છે. આ જે કાગળ પર કલમ (ખામા)ના ઘસાવાથી જે રવ (સરીર) ઉત્પન્ન થાય છે તે બીજું કશું નહીં પણ નવા-એ-સરોશ છે, ફરિશ્તાઓનું ગુંજન છે!

તો દોસ્તો, આટલાં વર્ષે હવે, આય એમ પ્રાઉડ કે હું હાથથી લખું છું.

આજનો વિચાર

બતા કિસ કોને મેં

સુખાઉં તેરી યાદેં

બરસાત બાહર ભી હૈ

ઔર ભીતર ભી

– વૉટ્સઍપ પર ફરતું

એક મિનિટ!

સ્ત્રીઓ સાથે સુખી રહેવાના પુરુષો માટેના પાંચ નુસખા.

૧. એવી સ્ત્રી સાથે રહો જે તમને આનંદમાં રાખે.

૨. એવી સ્ત્રી સાથે રહો જેની પાસે તમારા માટે ટાઈમ હોય.

૩. એવી સ્ત્રી સાથે રહો જે તમારી કૅર કરે.

૪. એવી સ્ત્રી સાથે રહો જે તમને ખરેખર પ્રેમ કરતી હોય.

૫. અને ફાઈનલી. મેક શ્યોર કે આ ચારેય સ્ત્રીઓ એકબીજીને ઓળખતી ન હોય.

Published in Mumbai Samachar on 1st August 2014

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *