સાચી દોસ્તીમાં આપવા-લેવામાં શંકા કરવાની નહીં

તુલસીદાસનું રામાયણ શું માત્ર ભગવાન રામના જીવનની વાર્તા જાણવા માટે મહત્ત્વનું છે? વાર્તારસ કોઈ પણ કથામાં હોવો અનિવાર્ય, પણ કથાનું મહત્ત્વ માત્ર એમાં રહેલા સ્ટોરી એલીમેન્ટને કારણે સર્જાતું નથી. વાર્તા કહેતાં કહેતાં ડહાપણની, જીવનના અનુભવોને પ્રગટ કરતી બેચાર વાત આવતી જાય ત્યારે એ વાર્તા એક મહાન ગ્રંથરૂપે પ્રચલિત થાય છે. શ્રીરામચરિત માનસમાં ઠેર ઠેર વિચાર-મૌક્તિકો પથરાયેલાં છે જે રામાયણની પરંપરાગત કથાને નવું ડાયમેન્શન, અલગ પરિમાણ આપે છે.

આદર્શો અને સિદ્ધાંતોને મજબૂરીથી કે આદતથી વળગી રહેનારાઓને ખ્યાલ નથી રહેતો કે ક્યારે વિરોધ કરવો, ક્યારે એ વિરોધમાં મક્કમ રહેવું અને ક્યારે એને પડતો મૂકવો. સમાધાન એટલે તકવાદ નહીં. સમાધાન એટલે? મહાભારતમાં કહેવાયું છે એમ શુદ્ધ સોનાના દાગીના ન બને – એને ટકાઉ બનાવવા, સારો ઘાટ ઘડવા થોડું તાંબું ઉમેરવું પડે. અર્થાત્ આજની ભાષામાં ચોવીસ કૅરેટના સોનાના દાગીના ન બને – બાવીસ કૅરેટના જ બને. આ બે કૅરેટનો જે તફાવત છે તેનું નામ સમાધાન. તુલસી રામાયણમાં મારિચના સંદર્ભમાં એક દુહો છે: તબ મારિચ હૃદયં અનુમાના, નવહિ બિરોંધે નહિ કલ્યાના સસ્રી, મર્મી, પ્રભુ, સઠ, ધની, બૈદ, બંદિ, કબિ, ભાનસ ગુની.

હથિયારવાળો, જાણકાર હોય એવો, માલિક, લુચ્ચો, શ્રીમંત, વૈદ, ભાટ, કવિ તથા રસોઈયો – આ નવ પ્રકારના માણસો સાથે વિરોધ કરવામાં સારું થતું નથી. આજના સંજોગોમાં આ યાદી લાંબી થાય. મૂળ દુહાને વળગી રહેવા કરતાં એમાં સંતાયેલા સારને ઓળખી લેવાથી ખબર પડે કે તમે ગમે એટલા સાચા હો કે સામેવાળો ગમે એટલો ખોટો હોય તો પણ દરેક સંજોગોમાં વિરોધનો ઝંડો પકડીને ઝંપલાવી દેવાનું જરૂરી નથી.

દોસ્તીમાં, નજીકના સંબંધોમાં આપણે ઘણી વખત નિકટ આવવાની કોશિશમાં, વધુ સ્નેહ જતાવવાના પ્રયત્નોમાં સામેની વ્યક્તિ સાથેના વર્તનમાં અજાણતાં જ આપણી નમ્રતા ગુમાવી બેસીએ છીએ. કોઈ જ ઈરાદા વગર સામેની વ્યક્તિને નાની ચીતરી બેસીએ છીએ, તુલસીદાસ કહે છે:

સંગ તેં જતી, કુ મંત્ર તે રાજા,ગુમાન તેં ગ્યાન, પાન તેં લાજા,

પ્રીતિ પ્રનય બિનુ મદ તે ગુની,નાસહિં બેગિ નીતિ અસ સુની

સંગથી સંન્યાસીનો, ખરાબ મંત્રીથી રાજાનો, અભિમાનથી જ્ઞાનનો, (મદિરા) પાનથી લજ્જાનો, નમ્રતા વિનાના સ્નેહનો તથા મદથી ગુણનો નાશ થાય છે – આ પ્રમાણેની નીતિ મારા સાંભળવામાં આવી છે.

ભગવાન રામચંદ્ર તથા સુગ્રીવ વચ્ચેના સંવાદો દરમ્યાન તુલસીદાસ ખરા મિત્ર સાથેના વ્યવહારની ચાવી આપે છે. જે તમારા જીવનમાં અભિન્ન અંગ છે એવા મિત્રો સાથે તમારાથી દુનિયાદારીભર્યો વ્યવહાર ન થાય. મૈત્રી એ બધાથી પર છે. દુહો છે:

દેત લેત મન સંક ન ધરઈ,બલ અનુમાન સદા હિત કરઈ;

બિપતિ કાલ કર સતગુન નેહા,શ્રુતિ કહ સંત મિત્ર ગુન એહા.

આપવામાં અને લેવામાં શંકા કરવી નહીં. પોતાનાં બળ તથા વિચાર વડે સદા તેનું હિત કરવું. વિપત્તિના વખતમાં તેના પર સોગણો સ્નેહ કરવો. શાસ્ત્રમાં આ પ્રમાણે સન્મિત્રનાં લક્ષણો કહ્યાં છે.

અને કેવા મિત્રનો ત્યાગ કરવો? તુલસીદાસ કહે છે: મોઢે મીઠી મીઠી વાતો કરે તથા પાછળથી મનની કુટિલતાથી બૂરું ચાહે. હે ભાઈ, આવી રીતે જેનું મન સર્પની ચાલ સમાન છે, એવા ખરાબ મિત્રનો ત્યાગ કરવો એ સારું છે.

અને આ સંવાદની પરાકાષ્ઠાએ તુલસીદાસ ચિંતન કરે છે:

શત્રુ મિત્ર સુખ દુ:ખ જગ માંહી,

માયા કૃત પરમારથ નાહી.

શત્રુ, મિત્ર તથા સુખદુખ સંસારમાં માયાને લીધે છે, વાસ્તવિક્તામાં આવું કશું જ હોતું નથી.

હનુમાન અને વિભીષણ વચ્ચેના સંવાદો દરમ્યાન એકબીજાને સંબોધીને કહેવાયેલા નહીં, પરંતુ કહેનારના જીવનની (અહીં હનુમાનના) ફિલસૂફી વર્ણવતા શબ્દો આવે છે:

જો આપન ચાહે કલ્યાના, સુજસુ સુમતિ સુભ ગતિ સુખ નાના;

સો પરનારી લિલાર ગોસાંઈ,તજઉ ચઉથિ કે ચંદ કે નાઈ.

જો તમે તમારું ભલું, સુંદર, યશ, સારી બુદ્ધિ, શુભ ગતિ તથા વિવિધ સુખ ચાહતા હો તો હે સ્વામિન, પારકી સ્ત્રીના મસ્તકને ચોથનો ચંદ્ર સમજીને ત્યજી દો. આજની ટી.વી. સીરિયલોમાં દેખાડાતી સંબંધોની આંટીઘૂંટીમાં રસ લેનારાઓને આ દુહો જલદીથી સમજાઈ જાય તેવો છે.

માણસને ખબર નથી પડતી કે ક્યારે કોની સાથે ભાઈબાપા કરીને કામ લેવું અને ક્યારે હુકમ ચલાવીને. ઘણી વખત આપણે ભલમનસાઈ બતાવવા નમ્રતાપૂર્વક વર્તીને, વિનંતીઓ કરી હોવા છતાં એનું પરિણામ નથી આવતું. અમુક લોકો આગળ વિનંતી કરવી જ નકામી. કેવા લોકો આગળ? તુલસીદાસ કહે છે: મૂર્ખને વિનંતી, કુટિલને પ્રીતિ તથા જન્મથી જ કૃપણને સુંદર નીતિ કહેવી, વળી મમતામાં આસક્ત પુરુષોને જ્ઞાનની કથા કહેવી, મહાલોભીને વૈરાગ્યની વાત કહેવી, ક્રોધીને ઈન્દ્રિયદમન માટે કહેવું, કામીને ભગવાનની કથા કહેવી, તે ખારવાળી જમીનમાં બીજ રોપવા સમાન છે.

આજનો વિચાર

હારવાનો ડર હશે તો હારશો જ.

– પાઉલો કોએલો

એક મિનિટ!

એક ગુજરાતીએ દસ-દસ વરસ સુધી તપ કરીને ભગવાનને રિઝવ્યા. ભગવાને ખુશ થઈને એને અમરત્વ બક્ષવા કહ્યું,

‘વત્સ, મોઢું ખોલ. અમૃત રેડું તારા મોમાં.’

ગુજરાતી બોલ્યો, ‘કલાક પછી, પ્રભુ.’

‘કેમ?’ ભગવાને પૂછ્યું.

‘હમણાં જ માવો ખાધો, પ્રભુ.’

1 comment for “સાચી દોસ્તીમાં આપવા-લેવામાં શંકા કરવાની નહીં

  1. મનસુખલાલ ગાંધી
    October 9, 2014 at 3:35 AM

    સુંદર લેખ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *