નિંદાખોર વ્યક્તિ હંમેશાં નાની જ રહેતી હોય છે

કૂથલીની કઝિન નિંદા. સામાન્ય રીતે આપણે કોની નિંદા કરતા હોઈએ છીએ? તમને તમારી ઑફિસમાં ચા આપવા આવતા છોકરાની નિંદા કરવાનું મન નહીં થાય. ઑફિસના બૉસને પટાવાળાની નહીં, પોતાના ધંધાદારી પ્રતિસ્પર્ધીઓની કે પોતાના કરતાં ખૂબ આગળ હોય એવા લોકોની નિંદા કરવાની મઝા આવતી હોય છે, એમની સિદ્ધિઓને ઝાંખી પાડવાનું ગમતું હોય છે. દરેક સફળ વ્યક્તિની સફળતા વિશે શંકા વ્યક્ત કરનારા એક હજાર લોકો એની આસપાસના વર્તુળમાંથી મળી આવશે: એ તો એના બાપની ગાદી પર બેઠો છે – સેલ્ફ મેઈડ નથી. સેલ્ફ મેઈડ હોય તો – એના જૂના ભાગીદારોને પૂછી જુઓ, બધાને છેતરીને પચાવી પાડ્યું છે. પ્રામાણિકતાથી મેળવ્યું હોય તો – એ તો માત્ર નસીબ કામ કરી ગયું, બાકી મહેનત બીજાઓ પણ ક્યાં નથી કરતા. અને તમારા સારાં તત્ત્વોના સરવાળા પછી મળેલી સિદ્ધિની, જેને પડકારી શકાય એવી સિદ્ધિની સીધી ટીકા નથી થઈ શકતી ત્યારે માણસો તમારી કેવી નિંદા કરીને તમને પછાડવાનો પાશવી આનંદ મેળવે છે? બીજું બધું જાણે સમજ્યા પણ એના શૂઝ જોયા! આટલો મોટો માણસ પણ બૂટપૉલિશના દસ રૂપિયા ખર્ચતાં જીવ ના ચાલે. અથવા તો, આવડું મોટું નામ પણ ભારે મૂડી માણસ, આપણે ગયા હોઈએ તો મૂડ હોય તો વાત કરે બાકી અડધી ચાય ના પીવડાવે.

જેને પડકારવા આપણે બહુ વામણા હોઈએ એની નિંદા આપણે પહેલાં કરતાં હોઈએ છીએ. આવી વ્યક્તિઓના જાહેર, સેમી-જાહેર અને તદ્દન અંગત જીવનમાં ડોકિયું કરીને એ વ્યક્તિની અપનાવવા

જેવી વાતોને નિકટતાથી ઓળખવા મળેલી તકનો લાભ ઉઠાવતા હોઈએ તો જુદી વાત છે, પણ આપણને રસ હોય છે એમના વ્યક્તિત્વમાં ખૂણેખાંચરે રહેલી ઝીણી ઝીણી એવી બાબતો શોધવામાં જે ભવિષ્યમાં બીજાઓ સાથે વાત કરતી વખતે એમની નિંદા કરવામાં કામ લાગે.

બીજાની સિદ્ધિઓની ડાયરેક્ટલી કોઈ પ્રકારની નકારાત્મક વાત નથી થઈ શકતી ત્યારે માણસ એની નિંદા કરવા મંડી પડે છે. ક્યારેક મનમાં કોઈ જૂની વાતનો બદલો લેવાની ભાવના પણ હોય છે, એવી કોઈ વાત જે હજુ સુધી અંદરોઅંદર કઠતી હોય પણ પ્રગટ થાય તો એમાં પોતાનું વધારે નીચાજોણું થાય એવો ભય હોય. આવા સંજોગોમાં નિંદા શ્રેષ્ઠ હથિયાર છે: માણસ બધી રીતે સોનાનો, પણ તમને ખબર છે, એક વખત મારી પાસે પાંચ રૂપિયા ઉધાર માગવા આવેલો. તમે પૂછો કે શું તમે આપેલા? તો કહેશે: ના રે, ના. પણ આવી રીતે માગે એ કેટલું ખરાબ કહેવાય? આવું કહેનારા લોકો સામેના માણસની બીજી કોઈ રીતે ટીકા કરી શકે એમ ન હોય ત્યારે મનમાં સંઘરેલી જૂની કોઈ વાતનો સબકૉન્શ્યસલી આ રીતે બદલો લઈ લેતા હોય છે.

નિંદાના પાયામાં બીજું એક મહત્ત્વનું કારણ તે સેલ્ફ જસ્ટિફિકેશન. બીજાના લગ્નેતર સંબંધો, બીજાના આર્થિક વ્યવહારો, બીજાના સ્વભાવની કટુતાઓ, બીજાની સ્વાર્થવૃત્તિઓ, બીજાની લોલુપ નજરો, બીજાની દયાહીનતા, બીજાની કુટેવો, બીજાનો અસામાજિક વ્યવહાર અને બીજાની લોભવૃત્તિની નિંદા કરવાની મઝા આવતી હોય છે. એ વ્યક્તિ આપણા કરતાં દરેક દરજ્જે મોટી હોય ત્યારે મઝા પણ મોટી આવતી હોય છે. એની નિંદા કરતી વખતે અસાવધપણે આપણે આસપાસના લોકોના મનમાં એક વાત મૂકી દેતા હોઈએ છીએ કે આવો મોટો માણસ આવું કરી શકતો હોય તો આપણે તો ભઈ, નાના માણસ. આપણાથીય ક્યારેક એવું થઈ જાય તો ચાલે હવે.

કૃષ્ણ કરે તે લીલા અને અમે કરીએ તે ભવાઈ? એવું પૂછનારાઓને પોતાની ભવાઈઓને લીલાનો દરજ્જો આપવા કરતાં વધારે રસ મોટા માણસોની લીલાઓને પોતાની ભવાઈઓની કક્ષાએ ઊતારી પાડવામાં હોય છે. ઊંચે બેઠેલાઓને પોતાના સ્તર સુધી ખેંચી લાવવામાં એમને રસ હોય છે, કારણ કે એમને ખબર છે કે પોતે એમના સ્તર સુધી ઉપર નથી ઊઠી શકવાના.

જીવનમાં કેટલીક એવી વ્યક્તિઓ અથડાઈ જતી હોય છે જે ખરેખર નિંદાને લાયક હોય, એમનું તમારે શું કરવું? બને તો એમનાથી દૂર રહેવું અને સંપર્કમાં આવવું અનિવાર્ય હોય તો એના, આપણને ન ગમતા વ્યક્તિત્વ જેટલો ભાગ છોડી દઈને, બાકીના ભાગ સાથે નિસબત રાખવી.

સતત નિંદા કર્યા કરવાથી લાંબે ગાળે મનમાં માત્ર કલેશ ઊભો થતો હોય છે. સતત બીજાનું ઘસાતું બોલ્યા કરવાથી એક પછી એક નિકટના સાથીઓ પણ દૂર થઈ જતા હોય છે. બીજાની નિંદા તમારા ચારિત્ર્યનું હનન કરતી હોય ત્યારે તમારા કરતાં વધુ નુકસાન નિંદા કરનારનું થતું હોય છે. નિંદાખોર માણસ કાયમ નાનો જ રહેતો હોય છે, સાંકડો રહેતો હોય છે. નિંદા કરવાની પ્રબળ ઈચ્છા તમારા – મારા બધામાં હોવાની. લોકો કેટલા નિંદાખોર હોય છે એવું કહેવું એ પણ એક પ્રકારની નિંદા જ છે.

આજનો વિચાર

ઓછું ઊંઘો,

વધુ વાંચો.

– ફેસબુક સુવાક્ય

એક મિનિટ!

૬૦ વર્ષનો કરોડપતિ પોતાની પચ્ચીસ વર્ષની નાજુક નમણી અને ગૉર્જીયસ વાઈફ સાથે બારમાં આવ્યો.

મિત્ર: અરે યાર, આવી વાઈફ તને કેવી રીતે મળી?

કરોડપતિ: મેં મારી ઉંમર છુપાવી.

મિત્ર: તેં એને એમ કહ્યું કે તું ૬૦નો નહીં, ૪૫નો છે?

કરોડપતિ: ના. મેં કહ્યું હું ૯૦નો છું!

1 comment for “નિંદાખોર વ્યક્તિ હંમેશાં નાની જ રહેતી હોય છે

  1. મનસુખલાલ ગાંધી
    October 9, 2014 at 3:33 AM

    નિંદા, કુથલી વગેરે ખરાબજ છે, પણ, માનવ સ્વભાવ એવો છે ને કે, જો થોડા લોકો પણ પાર્ટી કે સમુહમાં ભેગા થયાં હોય અને ક્રિકેટ, રાજકારણ કે ફીલમોની વાતો જ કરે તો પણ થોડા સમયમાંજ વાતો ખુટી જાય, પણ, નિંદા, કુથલી, બીજાની ભવાઈ, બાજાના લગ્નેતર સંબંધો વગેરેની વાત જયાં સુધી ચાલતી રહે, લોકો ચગળતા રહે, આનંદ માણતાં રહે ત્યાં સુધી વાતો ખુટેજ નહીં…..

    સમજવા જેવો સુંદર લેખ છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *