લગ્ન માટેની સ્ત્રીની માનસિકતા બદલાઈ છે, પુરુષની નહીં

એક પ્રવચન પછીની પ્રશ્ર્નોત્તરી દરમિયાન શ્રોતાએ સવાલ પૂછ્યો હતો: તમે કહો છો કે સ્ત્રીએ માનસિક સ્વતંત્રતા મેળવવી હોય કે જાળવી રાખવી હોય તો એના માટે એણે આર્થિક રીતે સ્વતંત્ર થવું જરૂરી છે, પણ તમને શું નથી લાગતું કે જ્યારથી સ્ત્રીઓ વધુ ભણતર લેતી થઈ ગઈ છે, ઑફિસોમાં કે ધંધાવેપારમાં ભાગ લેતી થઈ ગઈ છે ત્યારથી લગ્નજીવનના વિખવાદો વધવા માંડ્યા છે? સ્ત્રી જો ઘર સંભાળવાની અને બાળકોને ઉછેરવાની પોતાની જવાબદારીને વળગી રહે અને કમાણીની જવાબદારી પુરુષની જ રહે તો દાંપત્યજીવન વધારે સરળ ન બને?

શ્રોતા બૌદ્ધિક હતા અને દેખીતી રીતે એમનો તર્ક કોઈના ય ગળે ઊતરી જાય. સહેજ વિચાર્યા પછી આ તર્કમાંનો દોષ જડે: એમણે જે બે પરિસ્થિતિનું વર્ણન કર્યંુ તે બેઉ પરિસ્થિતિ હકીકત છે. એક, અગાઉના કરતાં હવે સ્ત્રીઓ વધુ ભણેગણે છે, બહારની દુનિયામાં આવતી થઈ છે અને નોકરીધંધામાં પણ ભાગ લેતી થઈ છે. વાત બિલકુલ સાચી. બીજી વાત પણ એટલી જ સાચી. છેલ્લા ત્રણેક દાયકાઓમાં સમાજમાં લગ્નજીવનના જેટલા વિખવાદો કે છૂટાછેડાના કિસ્સાઓ સાંભળવા મળે છે એવું અગાઉના સમયમાં ઓછું બનતું. આ બેઉ પરિસ્થિતિઓ હકીકત છે, પણ આ બંને વચ્ચે જે કાર્યકારણભાવ સ્થાપ્યો છે તેમાં ચૂક છે.

સ્ત્રી ઉચ્ચ કેળવણી લેતી થઈ અને નોકરી- વ્યવસાય- બિઝનેસ કરતી થઈ એટલે એના લગ્નજીવનમાં વિખવાદ સર્જાવાનું શરૂ થયું એવું નથી. વાસ્તવિકતા એ છે કે પુરુષોની મેન્ટાલિટીમાં- સ્ત્રી પ્રત્યેના એના અભિગમમાં- ઝાઝો ફરક પડતો નથી, જ્યારે સ્ત્રીની માનસિકતા બદલાઈ છે, પુરુષોના ચોક્કસ અભિગમ પ્રત્યેનો સ્ત્રીનો પ્રતિભાવ બદલાયો છે. મારા કે તમારા પિતા- દાદા- પરદાદા મારી કે તમારી માતા- દાદી- પરદાદી સાથે જે રીતે વર્તતા, લગભગ એવું જ વર્તન આપણે પણ પોતપોતાની પત્ની સાથે કરતા આવ્યા છીએ. આપણી માતા, દાદી, પરદાદી બહુ ભણી નહીં, એમણે ઝાઝી દુનિયા જોઈ નહીં, વિશ્ર્વના પ્રવાહોથી એ માહિતગાર બની નહીં અને એમણે પોતાના પતિના અન્યાયોને ચૂપચાપ સહન કરી લીધા. એમની ચૂપકીદીને કારણે એમનાં લગ્નજીવનના વિખવાદ ભાગ્યે જ બહાર આવ્યા. આ ચુપકીદી મહદ્અંશે એમની લાચારીમાંથી જન્મતી હતી, પણ આપણી સહનશીલતામાંથી આ ચુપકીદી જન્મી છે એવું માની લીધું. લાચારી, મજબૂરી કે મોહતાજી એક ચીજ છે અને સમજણપૂર્વકની સહનશીલતા આખી જુદી ચીજ છે.

બહારની દુનિયા તરફની બારી બંધ હોવાને કારણે તેમ જ આર્થિક પરાવલંબનને કારણે આવી લાચારીઓ એ વખતે સર્જાતી હતી, પણ હવે એવું રહ્યું નહીં. પિતૃઓ જેવા જ આપણા વર્તનની સામે પત્ની અવાજ ઉઠાવતી થઈ ગઈ. ભણતર મેળવીને, બહારની દુનિયા તરફની ખૂલી ગયેલી બારીને કારણે તેમ જ આર્થિક સ્વાવલંબન મળ્યું હોવાને કારણે સ્ત્રીએ અન્યાય સામે બગાવત કરવાની શરૂઆત કરી હોય તો એમાં વાંક કોનો- અન્યાય કરનારાઓનો કે પછી અન્યાય સામે અવાજ ઉઠાવનારાઓનો?

લગ્નજીવનમાં જ નહીં, કોઈ પણ ક્ષેત્રે વિખવાદ ઊભો થાય ત્યારે વાંક અન્યાય સામે બગાવત કરનારાઓનો જ કાઢવામાં આવે છે. દાંપત્યજીવનની બાબતમાં, અન્યાય કરનારા પુરુષો છટકી જાય છે અને કશું પણ ભાંગેતૂટે ત્યારે એની સંપૂર્ણ જવાબદારી અવાજ ઉઠાવનાર પર, સ્ત્રી પર, ઢોળી દેવામાં આવે છે.

વિખ્યાત નાટ્યકાર હૅન્રિક ઈબ્સનનું ખૂબ જાણીતું થયેલું નાટક ‘અ ડૉલ્સ હાઉસ’ પહેલવહેલી વાર યુરોપમાં ભજવાયું ત્યારે એ જમાનાના પ્રેક્ષકો સ્તબ્ધ થઈ ગયા હતા: કોઈ પણ પત્ની શું પતિ સાથે આ રીતનું વર્તન કરી શકે? ૧૮૭૯માં આ નાટક પ્રથમવાર ભજવાયું હતું.

નાટકના નાયક ટૉર્વલ્ડ હેમર અને નાયિકા નોરા હેમરનું દાંપત્યજીવન પ્રેક્ષકને પ્રસન્ન જણાય છે, પણ નાટકના ત્રણ અંક દરમિયાન ખ્યાલ આવે છે કે છેલ્લાં આઠ વર્ષથી સુખી ગણાતાં આ યુગલમાંની પત્નીએ શું શું, કેવું કેવું અને કેવી કેવી રીતે સહન કર્યું છે. નાટકના ત્રીજા અંકના છેલ્લા દૃશ્યમાં નોરાનો પતિ પૂછે છે: શું તારી તારાં બાળકો પ્રત્યે, તારા પતિ પ્રત્યે કોઈ જ ફરજ નથી? ત્યારે નોરા પતિને કહે છે: મારી બીજી પણ એક ફરજ છે જે આના જેટલી જ પવિત્ર છે. કઈ, પતિ પૂછે છે અને નોરા કહે છે: માય ડ્યૂટી ટુવર્ડ્ઝ માયસેલ્ફ. પોતાની જાત માટેની પોતાની ફરજને સમજી ગયેલી નોરાને રોકવા પતિ ફરી કહે છે: સૌથી પહેલાં તું એક પત્ની છે, માતા છે, પણ નોરા આ દલીલ સ્વીકારતી નથી: સૌ પ્રથમ હું એક માણસ છું, તારા જેવી જ એક માનવી…

અંતે નોરા પોતાની આંગળીમાં પહેરેલી લગ્નની વીંટી પતિના હાથમાં પાછી આપીને, પોતે પહેરાવેલી વીંટી પાછી માગી લે છે. એક નાનકડી બૅગમાં સામાન ભરીને પતિનું ઘર છોડી જાય છે. એ જ્યાં જન્મી હતી, ઊછરી હતી એ શહેરમાં પાછી જઈને વસશે, નોકરી કરશે અને પોતાની રીતે જીવશે. આખા નાટકનું સૌથી યાદગાર શ્રાવ્ય હોય તો તે છે નાટકના અંતે ગુડબાય કહીને પતિના ઘરનું બારણું પછાડીને બંધ કરતી નોરાનો આક્રોશ. ધ સ્ટ્રીટ ડોર ઈઝ સ્લૅમ્ડ શટ ડાઉનસ્ટેર્સની સૂચના નાટ્યલેખક આપે છે ત્યારે દરેક દિગ્દર્શક આ સ્લૅમ્ડ શબ્દનું મહત્ત્વ સમજે છે અને પ્રેક્ષાગારમાંથી બહાર નીકળતા પ્રેક્ષકના કાનમાં બારણું પછડાવાનો એ અવાજ ગુંજ્યા કરે છે. લગભગ દોઢસો વર્ષ પહેલાંના કુલીન યુરોપિયન ઑડિયન્સ માટે પત્નીનું આવું વર્તન અસ્વીકાર્ય ગણાતું, છતાં નાટક સ્વીકારાયું.

આજની તારીખે પણ આધુનિક સ્ત્રીનું આવું વર્તન સમાજ કદાચ ન સ્વીકારી શકે તો એ સમાજનો પ્રશ્ર્ન છે, સ્ત્રીનો નહીં.

‘અ ડૉલ્સ હાઉસ’ ગુજરાતીમાં વર્ષો પહેલાં ભજવાયું હતું. જશવંત ઠાકરે દાયકાઓ પહેલાં અમદાવાદમાં આ નાટકનું ગુજરાતી સ્વરૂપ ‘ઢિંગલી ઘર’ના નામે ભજવ્યું હતું, જેમાં નોરાનું પાત્ર દીના પાઠકે નિભાવ્યું હતું. શંભુ મિત્રે ‘તુતુલ ખોલા’ના નામે બંગાળીમાં ભજવ્યું હતું જેમાં તૃપ્તિ મિત્રે નોરાનો રોલ કર્યો હતો. ત્યારબાદ આંતરકૉલેજ નાટ્ય સ્પર્ધામાં એનું એકાંકી સ્વરૂપ બનાવીને હવે બ્રિટનમાં સ્થાયી થયેલા લૉર્ડ મેઘનાદ દેસાઈ તથા વર્ષા અડાલજા (તે વખતે આચાર્ય)એ પણ આ નાટક ભજવ્યું.

‘પિગ્મેલિયન’ના નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શૉ હૅન્રિક ઈબ્સનને પોતાના ગુરુ માનતા. મૉડર્ન થિયેટર માટે મૉડર્ન નાટક લખનારાઓમાં ઈબ્સન પાયાનો પથ્થર ગણાય. “અ ડૉલ્સ હાઉસ માટે કહેવાતું કે નાટકના અંતે ધડાકાભેર બંધ થતા દરવાજાનો એ અવાજ આખા યુરોપમાં ગુંજ્યો હતો. એટલી મોટી અસર આ નાટકે ત્યાંની સ્ત્રીઓ પર કરી.

ગુજરાતી સ્ટેજ પર ફરી એકવાર આ નાટક ભજવાવું જોઈએ. આજના જમાનાને અનુલક્ષીને એમાં ફરક એટલો જ કરવાનો કે નાટકના અંતે નોરા નહીં, એનો પતિ ધડાકાભેર બારણું પછાડીને ગૃહત્યાગ કરે છે! પછી જુઓ, સંસ્થાઓવાળા ધડાધડ તમારી પાસે તારીખો બુક કરાવે છે કે નહીં!

Published in Mumbai Samachar 0n 7th October 2014 in the ‘Purush’ supplement in my weekly column ‘ Man to Man’.

2 comments for “લગ્ન માટેની સ્ત્રીની માનસિકતા બદલાઈ છે, પુરુષની નહીં

  1. મનસુખલાલ ગાંધી
    October 8, 2014 at 6:28 AM

    પુરુષોને માટે બહુ કડવી એવી બહુ સત્ય વાત તમે લખી છે……. તમારા લખ્યા મુજબના અંત પ્રમાણે માત્ર એકલી ગુજરાતીમાંજ નહીં, અંગ્રેજી સહિત ભારતની બધી ભાષાઓમાં પણ આવું નાટક ભજવાય તો સ્ત્રીઓ તો ઠીક, સ્ત્રી સંસ્થાઓ પણ જરૂર આ નાટકને વધુ ઉમંગભેર વધાવશે…

  2. અલકેશ પટેલ
    October 9, 2014 at 4:02 PM

    વાહ…અદ્‌ભૂત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *