વિસ્મય, કૌતુક અને આશ્ર્ચર્યોની કૂંપળો

નવી વ્યક્તિઓ અજાણી ન લાગે અને પરિચિત વ્યક્તિઓને ફરી ફરી મળવાનું મન થાય એ માટે શું કરી શકીએ? બેઉ જુદા મુદ્દા છે. વારાફરતી લઈએ.

જેમની સાથે અગાઉ ક્યારેય મુલાકાત કે વૉટ્સઍપ કે ફોનવ્યવહાર ન થયાં હોય એવી વ્યક્તિને પહેલ- વહેલી વાર મળતાં સામાન્યત: ખચકાટ થાય. જો કોઈ કામ માટે જતા હો તો કામ કરી આપશે કે નહીં, ચાહક તરીકે મળતા હો તો તોરીલો વર્તાવ કરશે કે હૂંફથી મળશે, મિત્ર બનાવવા માગતા હો તો મિત્ર તરીકેની લાયકાતો એનામાં હશે કે નહીં એવો ઉચાટ અંદરખાને રહેવાનો. પ્રથમ વાર મળવાના બાહ્ય ઉશ્કેરાટ હેઠળ આ ઉચાટ પોતાની જ સમક્ષ પ્રગટ ન થાય એવું પણ બને. નવી વ્યક્તિની ઓળખાણ સાથે એ વ્યક્તિની આસપાસના સમગ્ર માહોલનો પરિચય થવાનો. વ્યક્તિ ગમે પણ એનું વાતાવરણ ન ગમે એવું ય ને ક્યારેક એથી ઊંધું પણ બને.

પાર્ટી કે જાહેર સમારંભ કે નાટક, લગ્ન, મેળાવડાઓમાં થતી રહેતી નવી નવી ઓળખાણોમાંથી દરેક ઓળખાણ માત્ર ઔપચારિકતાના સ્તર પર રહી શકતી નથી. કેટલાક પરિચયો વિઝિટિંગ કાર્ડ્ઝની કે સેલફોનના નંબરની આપ-લેની ફૉર્માલિટી વટાવીને ખૂબ આગળ જઈ શકતા હોય છે.

નાનકડા વર્તુળમાં, ઘરમાં, ઑફિસમાં કે પછી ટ્રેન-ફ્લાઈટ જેવી જાહેર જગ્યાઓએ માત્ર એકાદ બે જાણીતી વ્યક્તિઓની જ હાજરીમાં કે પછી એમનીય હાજરી વિના થતા પરિચયોમાં નિરાંતે પ્રસ્તાવના બાંધવાની મોકળાશ મળતી હોય છે. વ્યક્તિ એટલે માત્ર એના કાર્ડ પરનું નામ કે હોદ્દો નહીં, પરંતુ એથી વિશેષ એની પ્રતીતિ આવા નિરાંતના પરિચયો દરમિયાન થતી હોય છે. આવા પરિચયોમાં ભવિષ્યમાં અપોઈન્ટમેન્ટ વિનાના સંબંધો પાંગરવાની શક્યતા હોય છે.

એક વખત મળ્યા પછી ક્યારેય ન મળતા હોય એવા ચહેરાઓની યાદી ઘણી લાંબી હોવાની. ક્યારેક આમાંના કેટલાક ચહેરા નજર સામે ઝબકીને તરત ઓગળી જવાના, એમની સાથેની મુલાકાતનું સ્થળ, એ સમય, એ માહૌલ યાદ કરો તે પહેલાં જ ધુમ્મસમાં વિલીન થઈ જવાના. બાકી રહી જવાની એમને ફરી ક્યારેક મળવાની ઝંખના. પ્રથમ પરિચય પછી જેઓ નિયમિતરૂપે કે અવારનવાર મળતા રહે છે એમાંથી કોને કેટલાં વર્ષોથી ઓળખો છો? એમની સાથેની પ્રથમ મુલાકાત યાદ છે? કેટલાકની સાથેની પ્રથમ મુલાકાતની એક-એક સેક્ધડ યાદ છે? કેટલાક લોકો ખૂબ નજીક આવ્યા હોવા છતાં એટલા દૂર નીકળી જતા હોય છે કે એમની સાથેની પ્રથમ તો શું છેલ્લામાં છેલ્લી મુલાકાત પણ સ્મૃતિમાંથી ભૂંસાઈ જતી હોય છે.

નવી વ્યક્તિને મળતી વખતે કેટલાક પોતાના સંરક્ષક ક્વચમાંથી બહાર આવતાં ડરે છે. બખ્તર દૂર થતાં જ પોતાની વલ્નરેબિલિટી ઉઘાડી પડી જશે એવો ડર એમને સતાવે છે. અજાણી વ્યક્તિઓને પણ મળવું જોઈએ, એમાંથી કોણ મિત્ર બની શકે, કહી ન શકો. અત્યારે જે મિત્રો છે તે પણ કોઈ એક સમયે તમારાથી અજાણ્યા હતા. કમનસીબી એ છે કે જે મિત્રો હતા તેમાંના કેટલાક આજે અજાણ્યા થઈ ગયા છે. પરિચય આગળ વધતાં વધતાં ક્યારેક એવા મોડ પર આવીને ઊભો રહે છે જ્યારે તમે એમની સાથે નથી જઈ શકતા અને એ માર્ગ બદલીને તમારી દિશામાં ચાલી નથી શકતા. પછી પરિચિતમાંથી અપરિચિત થવાની પ્રક્રિયા ચાલે છે જે ઘણી લાંબી હોય છે, અને દર્દનાક પણ.

છૂટી ગયેલા ચહેરાઓ છેવટે ભુલાઈ જાય છે, અથવા તો એ ભુલાઈ ગયા છે એવું જાતને સાંત્વન આપવામાં આવે છે. અત્યારની પરિચિત વ્યક્તિઓના ચહેરામાં ક્યારેક એ ભુલાઈ ગયેલા ચહેરાને જોવાની કોશિશ કરો છો અને એ બેઉનેય, તમારા સહિત ત્રણેયને, અન્યાય કરી બેસો છો.

કુટુંબમાં, સમાજમાં, મિત્રવર્તુળમાં અને અન્ય પરિચિતોમાં એવા કેટલાય ચહેરા હોય છે જેમની સાથેના સંબંધો પર વર્ષોની ધૂળ બાઝી ગઈ હોય. લાગણીઓ સ્થગિત થઈ જાય ત્યારે આવું બનતું હશે. ઉમળકામાં, હૂંફમાં કે આવેશમાં વધારો ન થાય અને ઘટાડો પણ ન થાય એ સ્થિતિ સંબંધો માટે જોખમી છે. આવા સપાટ સંબંધોની અવાવરુ જમીન પર ઘણું બધું ખડ ઊગી નીકળે જેને કારણે વિસ્મય, કૌતુક અને આશ્ર્ચર્યોની કૂંપળો ફૂટી શકતી નથી. સંબંધો સ્થિર થઈને બંધિયાર બની ન જાય એ માટે જ કદાચ લાંબા ગાળાના ઘનિષ્ઠ સંબંધોમાં તંદુરસ્તી જાળવવા ઝઘડા અનિવાર્ય ગણાતા હશે. મનમાં જામી ગયેલો કચરો વલોવાય છે ત્યારે જ નજીકની વ્યક્તિઓ સાથે ઝઘડાઓ સર્જાય છે.

તળિયે બાઝી ગયેલો કચરો ઉપર આવી જાય ત્યારે એને તારવીને ફેંકી દેવાનો હોય. દુનિયાદારીની ભાષામાં આ તારવણીની ક્રિયાને રિસામણાં – મનામણાં – સમજાવટ કહેતા હશે. આ ક્રિયા જો મોડી શરૂ થાય કે લાંબી ચાલે તો પ્રવાહી ફરી પાછું હતું તેવું ને તેવું જ થઈ જવાનો ભય રહે છે.

પરિચિત વ્યક્તિઓને ફરી ફરી મળવાનું મન થાય એ માટે જાતને રોજ માંજીને ચકચકિત રાખવી પડે. આખરે તો તમે જેને મળો છો એના વ્યક્તિત્વનું પ્રતિબિંબ ઝીલવાનું જ કામ કરતા હો છો. તમારો અરીસો જેટલો ચોખ્ખો હશે એટલું પ્રતિબિંબ પણ સ્પષ્ટ હોવાનું.

પોતાને નીરસ બનાવી દેતી વ્યક્તિને ક્યારેય બીજાઓના જીવનમાં રસ પડતો નથી. નવા પ્રવાહો, નવા વિચારો, નવા શોખ, નવો સમય સ્પર્શવો જોઈએ અને જૂનાં મૂલ્યો, જૂની નીતિમત્તા, જૂની પ્રામાણિકતા અને જૂની ખાનદાનીની સતત ધાર નીકળતી રહેવી જોઈએ; નહિતર નજીકનો પરિચય અવજ્ઞામાં, ઉપેક્ષામાં ફેરવાઈ જવાનો. દરેક સંબંધના ઉછેરની અને એને તાજગીભર્યા સાતત્યને માર્ગે વાળતા રહેવાની એકમાત્ર જવાબદારી તમારા પોતાના શિરે છે. સામેવાળાને જે રીતે વર્તવું હોય એ રીતે એ વર્તે, આપણે કઈ રીતે વતવું એનો નિર્ણય આપણા પર છે.

પરિચિતતામાં એકધારાપણું પ્રવેશે એ પહેલાં જ સહજતાથી થોડું અંતર વધારી દેવું જોઈએ. આવી ઓટ પછીની ભરતી વધુ નિકટતા લાવે. ક્યારેક દરેક પરિચયને વારાફરતી નવી જગ્યાએ ઊભા રહીને, નવા દૃષ્ટિકોણથી જોવા-તપાસવાની ટેવ પાડવી જોઈએ. શક્ય છે કે કોઈક એવું અજાણ્યું પાસું ધ્યાનમાં આવે જેને કારણે સંબંધને નવો અર્થ મળે. આમાં જોખમ પણ છે. કોઈક એવું પાસું પણ જોવા મળી જાય જેને જોયા પછી અર્થનો અનર્થ પણ થઈ જાય. છતાં જોખમ લેવું જોઈએ. જોખમો લીધા વિનાના સંબંધો અણીના સમયે કાયર બનીને બેસી પડે. ક્યારેક સામેની વ્યક્તિના સ્થાને પોતાની જાતને મૂકીને આખાં દૃશ્યો જોવાથી પોતાની મર્યાદાઓ સુધારવાનો અવકાશ ઊભો થાય.

જીવનમાં અનેક વ્યક્તિઓ મળે છે, કેટલીક છૂટી પડે છે, કેટલીક ફરી મળે છે. દરેક વ્યક્તિનું મળવું આપણા અસ્તિત્વમાં કશોક ઉમેરો કરે છે અને એમનું છૂટા પડવું બાદબાકી. આટઆટલા ઉમેરાઓ અને બાદબાકીઓ છતાં સરવાળે જિંદગી જીવવા જેવી લાગે છે એનું રહસ્ય

શું? દુનિયાનાં તમામ રહસ્યોનો તાગ મળી જાય તો કશું લખવાની જરૂર જ ન રહે.

આજનો વિચાર

તુમ કો મિલ જાયેગા બહેતર મુઝ સે

મુઝ કો મિલ જાયેગા બહેતર તુમ સે

પર કભી કભી લગતા હૈ ઐસે

હમ એક દૂસરે કો મિલ જાતે

તો હોતા બહેતર સબ સે.

– ફેસબુક શાયરી

એક મિનિટ!

જે પત્ની એના પતિથી ગભરાય છે તે સીધી સ્વર્ગમાં જાય છે.

જે નથી ગભરાતી તેના માટે સ્વર્ગ અહીંયાં જ છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *