મનુસ્મૃતિ વિશે થોડી સમજ, થોડી ગેરસમજ

જોયેલું કે વાંચેલું યથાતથ સ્વીકારી લેવાની કુટેવ દરેકને હોય છે. કાનોકાન સાંભળ્યું હોય કે સગી આંખે જોયું હોય કે છાપા-પુસ્તકમાં છપાયેલું વાંચ્યું હોય તે શું આપોઆપ સત્ય કે હકીકત બની જાય? તમારા અનુભવો સત્ય કે હકીકત હોય તે જરૂરી નથી. સાંભળેલી, જોયેલી કે વાંચેલી વાતોને બહુ બહુ તો એક કરતાં વધુ દૃષ્ટિબિન્દુઓમાંનું એક ગણી શકો, અનેકમાંનું એક પાસું ગણી શકો. આટલી સાવચેતી રાખનારાઓ પાછળથી દુખી નથી થતા અને એમની દૃષ્ટિ એકાંગી, પૂર્વગ્રહયુક્ત નથી બનતી.

આ પ્રકાશમાં થોડીક ચર્ચા મનુસ્મૃતિ વિશે કરીએ. આ એક જૂનવાણી, રદ્દી અને અતાર્કિક ગ્રંથ છે એવી છાપ કેટલાકની છે તો કેટલાક માને છે કે મનુસ્મૃતિ જેવું ડહાપણ ભારતના અન્ય કોઈ પ્રાચીન ગ્રંથમાં ભર્યું નથી. સાચું શું?

મનુસ્મૃતિનું અત્યારે જે વર્ઝન પ્રચલિત છે તે ઈ. સ. ૧૦૦થી ઈ. સ. ૨૦૦ દરમ્યાન અસ્તિત્વમાં આવ્યું એવું ઈતિહાસકાર એ. એલ. બાશમે નોંધ્યું છે. મૂળનું આ સંક્ષેપ છે. મનુસ્મૃતિ એના કરતાં કેટલાક હજાર વર્ષ અગાઉ રચાઈ જેમાં એક લાખ શ્ર્લોક હતા. પછીના સંક્ષેપમાં બાર હજાર અને ત્યાર બાદ ઘટીને ચાર હજાર શ્ર્લોક થયા. પોણા બે હજાર વર્ષથી લગભગ અઢી હજાર શ્ર્લોકવાળી મનુસ્મૃતિ પ્રચલિત છે.

માનવ ધર્મશાસ્ત્ર અથવા વ્યવહારિક કાયદાશાસ્ત્રના આ ગ્રંથ નામે મનુસ્મૃતિમાં કુલ બાર અધ્યાય છે. પ્રથમ અધ્યાયમાં જગતની ઉત્પત્તિ વિશેના ૧૧૯ શ્ર્લોક છે. બીજા અધ્યાયમાં ષોડ્શ સંસ્કાર તથા બ્રહ્મચારીના ધર્મ વિશે ૨૪૯ શ્ર્લોક છે. ત્રીજા અધ્યાયમાં પંચમહાયજ્ઞ અને શાસ્ત્રવિધિ અંગેના ૨૮૬ શ્ર્લોક છે. ચોથા અધ્યાયમાં બ્રાહ્મણની આજીવિકા અને ગ્રહસ્થાશ્રમ વિશે ૨૬૦ શ્ર્લોક છે. અધ્યાય પાંચમાંના ૧૬૯ શ્ર્લોકમાં ભક્ષ્યાભક્ષ્ય પદાર્થ શું ખાવું ને શું ન ખાવું તેની ગાઈડલાઈન્સ તથા શુદ્ધિ (મૃત્યુ પછીની સૂતક વિધિ) વિશે તેમ જ સ્ત્રીધર્મ અંગેની વાતો છે. જોકે, સ્ત્રીધર્મ વિશેની વિગતવાર સૂચનાઓ પાછળના અધ્યાયમાં છે.

છઠ્ઠા અધ્યાયના ૯૭મા શ્ર્લોકમાં વાનપ્રસ્થાશ્રમ તથા સંન્યત્સાશ્રમ વિશે છે. રાજાઓના કે શાસકોના ધર્મ (અર્થાત્ ફરજ) વિશેના ૨૨૬ શ્ર્લોક સાતમા અધ્યાયમાં છે. આઠમા અધ્યાયમાં કરચોરી, ગુનો-સાક્ષી-ન્યાય તથા આર્થિક વ્યવહારો અંગેના કુલ ૪૨૦ શ્ર્લોક છે. આ અધ્યાય સૌથી લાંબો અને અગત્યતાના ક્રમમાં પ્રથમ ત્રણમાંનો એક છે.

નવમો તથા દસમો અધ્યાય ટૉપ ત્રણમાંના બાકીના બે અધ્યાયો છે. મનુસ્મૃતિ વિશે સામાન્ય પ્રજાને જે કંઈ આછીપાતળી જાણકારી છે તે તેના દસમા અધ્યાયને કારણે. એના ૧૩૧ શ્ર્લોકમાં જાતિઓ, તેના કર્મ તથા ચાર વણર્ર્ના ધર્મ વિશેનું વિવરણ છે. નવમા અધ્યાયમાં સ્ત્રીપુરુષની એકમેક પ્રત્યેની ફરજો તથા પરવ્યક્તિ સાથેના દુરાચાર તેમ જ તેની શિક્ષા અંગેના ૩૩૬ શ્ર્લોક છે. છેલ્લા બે અધ્યાયોમાંથી અગિયારમાં પાપ, કર્મો અને પ્રાયશ્ર્ચિત્ત અંગેના ૨૬૫ શ્ર્લોક તથા બારમા અને અંતિમ અધ્યાયના શ્ર્લોકનો સરવાળો કરીએ તો કુલ મળીને અત્યારની મનુસ્મૃતિમાં અઢી હજાર કરતાં વધુ (ટુ બી પ્રિસાઈસ ૨,૬૮૪) થાય છે.

મનુસ્મૃતિમાં જે લખ્યું છે તેને અંતિમ સત્ય માની લઈને આચરણ કરવાની જરૂર નથી. તેમ જ એમાંનું બધું જ નકામું છે એવી વાંકદેખી દૃષ્ટિ રાખવાની પણ જરૂર નથી. કોઈ પણ બાબતમાં વ્યક્તિના પોતાના માટે ત્યાજ્ય શું છે અને ગ્રાહ્ય શું છે તેનો નિર્ણય વ્યક્તિએ પોતે કરવાનો. આટલો નીરક્ષીર વિવેક જેમનામાં ના હોય, પાણી અને દૂધ વચ્ચેનો તફાવત પારખવાની જેમનામાં દૃષ્ટિ ના હોય, તે મનુષ્ય કહેવડાવવાને લાયક નથી, આવું મનુસ્મૃતિમાં નથી લખ્યું. અમે કહીએ છીએ.

મનુસ્મૃતિની રચના અંગેની કે ભગવાન મનુની ઉત્પત્તિ અંગેની દંતકથાઓ વિશે જાણવાને બદલે સીધું જ ધ્યાન એના કેટલાક વધુ અગત્યના અધ્યાયો પર કેન્દ્રિત કરીએ અને તે પહેલાં ફરી યાદ દેવડાવી દઈએ કે મનુસ્મૃતિમાં લખેલા દરેક શબ્દને અનુસરવું જેમ જરૂરી નથી તેમ એમાંની દરેક વાતને ડબલાં પહેરીને ધિક્કારવી પણ યોગ્ય નથી.

મનુસ્મૃતિના સૌથી દીર્ઘ એવા આઠમા અધ્યાયના આરંભે મનુષ્યોમાં થતા ઝઘડામાં અઢાર કારણો મનુએ ગણાવ્યાં છે: દેવું ચૂકવવું નહીં, એકવાર થઈ ચૂકેલો કરાર તોડવો, ખરીદવેચાણની શરતોનો ભંગ કરવો, ઢોરના માલિક અને ખરીદનાર વચ્ચેનો ઝઘડો, ખેતરની સીમ અંગેનો ફસાદ (જમીનના પ્લૉટ અંગેનો વિવાદ), કારણ સહિતની કે કારણ વિનાની મારપીટ કે ગાળાગાળી, ચોરી, બળજબરી, મિલકતની વહેંચણી, જુગાર અને પશુપંખી વચ્ચે હોડ લગાવવી (કૂકડાની લડાઈથી માંડીને મહાલક્ષ્મી પરની ઘોડાદોડ). આ અઢાર શક્યતાઓમાંથી જે માણસ પોતાને બચાવી શકે એ ઝઘડા-દાવાથી દૂર રહી શકે. (૮:૪, ૫, ૬, ૭)

આ પછી મનુએ ટંટાફિસાદ નીપટાવવા રાજાએ શું કરવું (પોતે ન્યાયાસને બેસી ન શકે તો એણે વિદ્વાન બ્રાહ્મણોની નિમણૂક કરવી) એ વિશે સૂચનાઓ આપી છે. અહીં એક તબક્કે મનુએ સલાહ આપી છે કે વિદ્વાને રાજસભામાં કાં તો જવું નહીં અને જો જવું પડે એમ હોય તો ત્યાં સત્ય જ ઉચ્ચારવું, કારણ કે સભામાં ગયા પછી જુઠ્ઠું બોલવાથી માણસ પાપી બને છે. (૮:૧૩).

આજની બ્યૂરોક્રસી, પાર્લામેન્ટ અને જ્યુડિશ્યરી – આ ત્રણેય જેમાં સમાયેલી હતી તે રાજસભાની કાર્યવાહી વિશે મનુ કહે છે:

‘જે રાજસભામાં સૌની હાજરીમાં અધર્મથી ધર્મનો અને અસત્યથી સત્યનો નાશ કરવામાં આવે છે તે રાજસભાના તમામ સભ્યો પાપના ભાગીદાર બને છે’ (૮:૧૪).

આટલું કહ્યા પછી મનુની આ વિખ્યાત પંક્તિઓ આવે છે:

‘હણાયેલા ધર્મ જ હણે છે અને રક્ષાયેલો ધર્મ રક્ષણ જ કરે છે (ધર્મો રક્ષતિ રક્ષિત:); હણાયેલો ધર્મ આપણો નાશ ના કરે તે માટે ધર્મને હણવો નહીં’ (૮:૧૫).

અહીં કાયદાના રાજ માટેની મનુની પ્રીતિ જુઓ: ‘કાયદાનું રક્ષણ જો ન્યાયતંત્ર ચલાવતા વિદ્વાનો નહીં કરે તો કાયદો સામાન્ય નાગરિકોનું રક્ષણ કરવામાં અસમર્થ નીવડશે.’

મનુસ્મૃતિની કેટલીક જાણીતી, ઓછી જાણીતી અને બિલકુલ અજાણી એવી વિગતોનો અભ્યાસ આજના સંદર્ભમાં પણ ક્યાંક, ક્યારેક કામ લાગી શકે.

મનુસ્મૃતિ વિશેની વાતોનું આ માત્ર ટ્રેલર છે. લેખશ્રેણી ભવિષ્યમાં ક્યારેક તક ઊભી થશે ત્યારે.

—————

આજનો વિચાર

કંઈ પણ ના બોલતી શાંત સ્ત્રી વાસ્તવમાં સાયલન્સરવાળી રિવોલ્વર જેવી હોય છે.

– વૉટ્સએપ પર ફરતું

————-

એક મિનિટ!

નવરાત્રિ પૂરી થઈ ગયા પછી હજુ પણ તમે સિંગલ હો તો એનો અર્થ એ થયો કે તમને ખરેખર ગરબા રમવામાં જ રસ છે.

– ફેસબુક પર રમતું

2 comments for “મનુસ્મૃતિ વિશે થોડી સમજ, થોડી ગેરસમજ

  1. Ratnaraj Sheth
    October 7, 2014 at 12:10 PM

    Very good article. Will look forward next instalment.

    • October 7, 2014 at 2:58 PM

      thanks. won’t be writing immediately. but yes intend to explore in detail to demystify the myths surrounded around it.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *