શોખીન હોવું એટલે શું

માણસ શા માટે પ્રવૃત્તિ કરે છે? એ નવરો બેઠો નખ્ખોદ ન વાળે એટલે? નખ્ખોદ વાળવું એ પણ એક પ્રકારની પ્રવૃત્તિ કહેવાય. સતત કામ કરતાં કંટાળો આવે એમ ખૂબ લાંબા સમય સુધી કામ ન કરવાનો પણ કંટાળો આવે. માણસ કંટાળો દૂર કરવા કામ કરતો હોય છે? ના. કંટાળો દૂર કરવા માટે મોજશોખની પ્રવૃત્તિઓ થતી હોય છે. કામ રોજીરોટી કમાવા થતું હોય છે. જે પ્રવૃત્તિ કરવાનો શોખ હોય એમાંથી જ રોજીરોટી મળે એવું ખ્વાબ ઘણાએ સેવ્યું હશે, એ સાકાર બહુ ઓછાના જીવનમાં થાય છે.

મોટા ભાગે જે કામ રોજીરોટી આપતું હોય તે જ કામ વર્ષો પછી આપોઆપ ગમવા માંડતું હોય છે. વર્ષો વીતતાં જાય અને નિપુણતા આવી જાય એમ વાળંદને હજામત કરવાની મઝા આવે, વકીલને વકીલાત કરવાની મઝા આવે અને લેખકને લખાપટ્ટી કરવાની મઝા આવે.

પણ શોખ એ જુદી વસ્તુ છે. વાળંદને ગાવાનો શોખ હોઈ શકે પણ એ જ પ્રવૃત્તિ ગાયક માટે આજીવિકાનું સાધન હોય અને ગાયકને વાંચવાનો શોખ હોય જ્યારે લેખક માટે વાચન એના વ્યવસાયનો એક અનિવાર્ય હિસ્સો હોય અને લખતાં-વાંચતાં થાકે ત્યારે એને ટ્રેકિંગ પર જવાનો શોખ હોય, જ્યારે ટ્રેકર્સ સંગઠન ચલાવનાર માટે ટ્રેકિંગ આજીવિકાની પ્રવૃત્તિ હોય અને શોખ માટે એ કુદરતી વાતાવરણ છોડીને લાસ્ટ શોમાં અંધારિયા થિયેટરમાં હિન્દી ફિલ્મો જોતો હોય, જે ફિલ્મોનાં ગીતો સાંભળીને એને લતા મંગેશકરની જેમ ગાવાનો પણ શોખ થાય. જોકે, લતાજી માટે ગાયન વ્યવસાય અને બ્રેડબટરનું સાધન હોય. (લતાજી માટે ગાવું બ્રેડબટર કરતાં બેકરી-ડેરી વધુ હતું!)

માણસના શોખનો વિષય અને એના વ્યવસાયનું ક્ષેત્ર એક જ હોય એ સારું કહેવાય? ઉત્તમ કહેવાય. પ્રોવાઈડેડ, એકની એક રટમાં એ એકવિધ જીવન જીવતો ન થઈ જાય તો. (લતાજીને ક્રિકેટ જોવાનો શોખ છે.)

ધારો કે તમને રસોઈ બનાવવાનો શોખ હોય અને એ શોખ નિપુણતાની પરાકાષ્ઠાએ પહોંચ્યા પછી તમે સંજીવ કપૂરને ટક્કર મારી શકો છો એવું તમને લાગવા માંડે છે અને ધારો કે ચોવીસે કલાક તમારી આ જ (ભલે ગમે એટલી મઝાની) પ્રવૃત્તિમાંથી થોડાક ફંટાઈને કંઈક બીજું કરવાનું તમને મન થાય તો તમે શું કરો? એવા વખતે તમે જે કરો તે તમારો શોખ કહેવાય અને કુકિંગની પ્રવૃત્તિ વ્યવસાય બની જાય. કોઈ કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર રવિવારે રિલેક્સ થવા કુટુંબ માટે કુકિંગ કરે તે એનો શોખ થયો.

સો વાતની એક વાત. માણસ શોખીન હોવો જોઈએ. શોખીનથી અમારો મતલબ મલમલનો ઝભ્ભો પહેરીને ગલોફામાં કલકતી એકસોવીસ દબાવીને કાંડા પર તાજા મોગરાનો ગજરો બાંધીને ફરે એવા શોખીન નહીં, પણ કોઈક હૉબી, કોઈક વ્યવસાયભેર પ્રવૃત્તિ જેના માટે ખૂબ પૅશન હોય, એવા શોખની વાત છે.

અને આવી હૉબીમાં આગળ વધતાં વધતાં માણસે એ વિષયમાં પારંગત થવાની, સો ટકાની નિપુણતા મેળવવાની ખ્વાહિશ રાખવી જોઈએ. ખ્વાહિશ એટલા માટે નહીં કે કાલ ઊઠીને ન કરે નારાયણ ને તડકીછાંયડી આવે તો એ શોખમાંથી કમાણી કરી શકાય. ના, બિલકુલ નહીં. પારંગતતા પોતાના સંતોષ માટે, નિજાનંદ ખાતર. વુડી એલન દર મંગળવારે મૅનહટનની એક રેસ્ટોરાંમાં વર્ષોથી નિયમિતપણે કલેરનેટ વગાડવા જાય છે.

માણસના આવા કોઈ પણ શોખ ન તો કમાણીના ઈરાદાથી વિકસાવેલા હોવા જોઈએ, ન પ્રસિદ્ધિના ઈરાદાથી પ્રગટેલા હોવા જોઈએ અર્થાત્ તમારા શોખ વિશે તમારી ખૂબ નજીકની પાંચ-પચીસ વ્યક્તિઓ સિવાય કોઈનેય ખબર ન હોય તો કોઈ વાંધો નહીં અને એમાંથી રતીભાર ધનપ્રાપ્તિ ન થતી હોય તો તો ઉત્તમ. કારણ કે જો તમને લાલચ થઈ કે હું એક બૅન્ક મૅનેજર છું અને મારી પાસે ખૂબ મોટું સ્ટેમ્પ્સ કલેક્શન છે કે પછી હું મોટર મિકેનિક છું અને ખૂબ સરસ વાજિંત્ર વગાડું છું કે હું ખૂબ વ્યસ્ત ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છું અને વર્લ્ડ ક્લાસ ફોટોગ્રાફી કરું છું એ વિશે પાંચ-પચીસને બદલે પાંચસો-હજાર-દસ હજારને ખબર પડવી જોઈએ તો પછી દસ હજારમાંથી, પચાસ હજાર, લાખ, દસ લાખ સુધી પહોંચવાની ભૂખ જાગશે, પ્રસિદ્ધિની લાલસા ઉઘડતી જ જશે અને છેવટે નિજાનંદ માટે કેળવેલો તમારો શોખ તમારા માટે દેખાડાનું કે તમાશાનું સાધન બની જશે. લોકોની વાહ વાહ મેળવવા તમે એમના ટેસ્ટને અનુકૂળ થવા તમારો સ્તર નીચો કરતા જશો અથવા બદલાવી નાખશો. છેવટે તમારો શોખ તમારો બીજો વ્યવસાય બની જશે.

શોખની પ્રવૃત્તિમાંથી પૈસા કમાવાની વૃત્તિનું પરિણામ પણ એટલું જ ખરાબ આવી શકે. શોખ ખાતર તમે વાજિંત્ર વગાડતાં શીખ્યા કે સરસ મઝાનો બગીચો તમે બનાવ્યો અને પછી તમને થાય કે નાઈટ ક્લબમાં કે સ્ટેજના કાર્યક્રમોમાં વગાડીને કે ગુલાબની કલમો વેચીને મહિને જરીક એક્સ્ટ્રા ઈન્કમ કરી લઉં તો તમારો નિજાનંદ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરે.

દરેક માણસ પાસે પોતાના વ્યવસાયના ક્ષેત્રબહારની ઓછામાં ઓછી એક એવી પ્રવૃત્તિ જરૂર હોવી જોઈએ જે કરવામાં એને જબરજસ્ત મઝા પડે અને જેનામાંથી એને પ્રસિદ્ધિ કે પૈસો મેળવવાની આટલીય ઈચ્છા ન હોય. આવી પ્રવૃત્તિ કરતા હોઈએ કે આવો શોખ કેળવ્યો હોય તો માણસને પોતાના જીવનના અંતિમ દાયકાઓમાં સંતોષ મળે કે જિંદગીમાં ખાવા, પીવા અને રાજ કરવા ઉપરાંતનું પણ કંઈક કર્યું છે.

આજનો વિચાર

તમને તમારા જીવનમાં પરિવર્તન લાવવાની ઈચ્છા થતી હોય ત્યારે તમારે તમારી આસપાસની વ્યક્તિઓના જીવનમાં પણ પરિવર્તન લાવવાની ખેવના રાખવી જોઈએ.

પાઉલો કોએલો

એક મિનિટ!

સૌથી ટૂંકી મર્ડર મિસ્ટરી

પત્ની: સાંભળો છો?

પતિ: ના.

1 comment for “શોખીન હોવું એટલે શું

  1. M.D.Gandhi, U.S.A.
    October 7, 2014 at 12:07 AM

    જીવનમાં નાનો-મોટો એકાદો શોખ તો હોવોજ જોઈએ. હવે ધારોકે કોઈ ચા-કોફી-થંડુ ન પીતા હોય અને કોઈને ઘરે જાવ, અને તેઓ આગ્રહ કરે અને ન લ્યો, તો સામેવાળાને તો એમજ લાગવાનું, કે ભાઈ-બેન મોટા માણસ થઈ ગયાં લાગે છે, એટલે અમારા ઘરનું કાંઈ લેતાં નથી……. ખરેખર તો પોતાને નીજાનંદમાં રાખનારો શોખ સામેવાળાને અગવડમાં ન આવવો જોઈએ…. એકલા હો ત્યારે વાંચનનો, ટીવી જોવાનો, ગીતો સાંભળવાનો કે ફરવાનો કે આજના જમાનામાં કમ્પ્યુટર ઉપર બેસવાનો કે એવો કોઈ પણ પ્રકારનો કોઈક એકાદો પણ શોખ રાખ્યો હોય તો જીવનમાં કંટાળો નહીં આવે…..

    બહુ સુંદર લેખ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *