જીવનના સારાંશના દિવસો

લાંબું જીવીને માણસ શું કરે? પણ એ પહેલાં, કેટલા વર્ષના આયુષ્યને લાંબું કહેવું અને કેટલાને ટૂંકું ગણવું? રાજ કપૂર સિક્સ્ટી પ્લસની ઉંમરે ગુજરી ગયા ત્યારે લાગતું હતું કે આ કળાકારે હજુ એક દાયકો ફિલ્મજગતને આપ્યો હોત તો? એ પછી સત્યજિત રાય સિક્સ્ટી પ્લસની ઉંમરે અવસાન પામ્યા ત્યારે એ જ સવાલ ફરી થયો. સ્મિતા પાટીલ ૧૯૮૬માં ૩૨ વર્ષની ઉંમરે અવસાન પામી ત્યારે પણ આવો જ સવાલ થયો હતો.

અઠ્યોતેર વર્ષે ગુજરી જતી વ્યક્તિ જીવન અધૂરું છોડીને જતી રહી છે એવી લાગણી જન્માવી શકે છે અને બત્રીસમાં વર્ષે અવસાન પામનારી વ્યક્તિ જીવનને શક્ય હતું એટલું તમામ આપી દીધું હોવાનો સંતોષ એના સ્વજનોને આપતી જઈ શકે છે. ઝિંદગી બડી હોની ચાહિયે, લંબી નહીં એવું આનંદે એના બાબુ મોશાયને કહ્યું હતું ત્યારે બડી ઝિંદગીની વ્યાખ્યા સૌ કોઈ પોતપોતાની રીતે કરી લેશે એવું એણે વિચાર્યું હશે.

એક પછી એક વર્ષગાંઠો વીતતી જાય અને જૂનાં કૅલેન્ડરો તથા જૂની ડાયરીઓની પસ્તી જીવનમાં વધતી જાય એવી લાંબી નિરર્થક જિંદગી કોને જોઈએ છે? કોઈ પણ ભોગે અસ્તિત્વ ટકાવી રાખવું, બે હાથ બનીને, કાલાવાલા કરીને મહેરબાનીઓ ઉઘરાવીને જીવ્યા કરવાથી કદાચ છ, સાત, આઠ કે નવ દાયકાનું આયુષ્ય પસાર થઈ જાય અને વડીલોએ આપેલા દીર્ઘાયુ થવાના આશીર્વાદ સાચા પણ પડે, પરંતુ એવી લાચારીથી કોણ જીવવા માગે છે? દુનિયામાં સૌથી સુખી માણસ એ છે, જેને ઉપરથી કહેવામાં આવે કે ચોવીસ કલાક પછી તારું મોત છે ત્યારે એ એવા વિચારોમાં અટવાઈ ન જાય કે આગામી અંતિમ કલાકોમાં મારે ક્યાં ક્યાં કામ આટોપી લેવાં જોઈએ. જેનાં તમામ કામ આટોપાયેલાં હોય અને અધૂરા રહી જતા કામથી કોઈનેય તકલીફ ન થવાની હોય એ માણસ સૌથી સુખી. આવા સુખિયા જીવને આયુષ્ય બેંતાળીસનું મળે, બાંસઠનું કે બ્યાંશીનું, કશો ફરક પડતો નથી.

જીવીએ ત્યાં સુધી કામ કરીએ અને કાયમ પથારીવશ રહેવું પડે એવી માંદગી આવે એના કરતાં મોત સારું એવી ઈચ્છા ઘણાને હોય, પણ માણસની દરેક ઈચ્છા પૂરી થવા માટે જન્મતી નથી, કેટલીક ઈચ્છાઓ અધૂરી જ રહી જવા માટે સર્જાતી હોય છે, જેથી માણસને અહેસાસ થતો રહે કે એણે અપૂર્ણતાઓ વચ્ચે જ જીવવાનું છે અને એમાં જ પોતાનું પૂર્ણ વિશ્ર્વ રચવાનું છે. પરવશતા કોઈનેય ગમતી નથી. તમારી ખુમારીને ટીચી ટીચીને એનો ભુક્કો બોલાવી દે છે આ પરવશતા. કશી જ ખબર હોતી નથી કે કેવી જવાની છે પાછલી જિંદગી. જેને પાછલી જિંદગી કહી શકાય એટલાં વર્ષો બાકી બચ્યાં છે કે નહીં એની પણ ક્યાં ખબર હોય છે? અને એટલે જ માનસિક સલામતી અપાવનારા દલાલોનો ધંધો ધમધોકાર ચાલતો હોય છે. વેપાર વીમા કંપનીઓનો, વેપાર ધર્મગુરુઓનો અને વેપાર તબીબી જગતનો. પાછલી ઉંમરની સલામતી માટે માણસે આગલી ઉંમરનાં કેટલાં વર્ષો વેડફી નાખવાં જોઈએ? જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં સાજામાંદા થઈએ ત્યારે કામ આવે એ માટેની મૂડી જમા કરવા માણસે જિંદગીનાં વચલાં વર્ષોમાં દિવસરાત કામ કરીને શરીર તોડી નાખવું જરૂરી છે?

પણ જેને વચલાં વર્ષો માનીને ચાલીએ છીએ એ મધ્યવય જ જિંદગીનો અંતિમ તબક્કો પુરવાર નહીં થાય એની શું ખાતરી? કુદરતના કોઈ પણ એક સૌથી મોટા રહસ્ય વિશે તમને પૂછવામાં આવે તો તમે કયું રહસ્ય ગણાવો? કુદરતમાં રહેલા સૌથી મોટા એક ફ્રસ્ટ્રેશન વિશે પૂછવામાં આવે તો તમે કઈ કારમી હતાશાનું નામ આપો? માનવીનું આયુષ્ય. માણસ જન્મે ત્યારે એના શરીરના કોઈ એક અંગ પર માણસની એક્સપાયરી ડેટ લખેલી આવવી જોઈએ – દવાની શીશી પર લખી હોય છે એવી. ઘણા બધા પ્રશ્ર્નો એકસામટા ઊકલી જાય. ફિલ્મ શરૂ થતાં પહેલાં સેન્સર બોર્ડના સર્ટિફિકેટમાં તમને જણાવવામાં આવે છે કે તમારે કેટલા ઘંટા અને કેટલી મિનિટ માટે એ ફિલ્મ માણવાની છે (કે સહન કરવાની છે). માણસને ભગવાન પાસેથી કમસે કમ એટલું જાણવાનો તો હક્ક છે જ કે પોતે કેટલાં વર્ષ સુધી આ પૃથ્વી પર જીવવાનો છે. પ્લાનિંગ કરવાની તો ખબર પડે.

દુનિયામાં કોઈક પળે અચાનક કંઈક એવું બને, જેને કારણે દરેકે દરેક માણસને પોતાનું આયુષ્ય કેટલું છે એ વિશે ખબર પડી જાય તો જિંદગી વિશેના એના વિચારોમાં, બીજાઓ સાથેની એની વર્તણૂકમાં કેટલો અને કેવો ફરક પડે?

માણસની સૌથી મોટી જે અસલામતી છે એ જ એનું સૌથી મોટું આશ્ર્વાસન છે. એનું નામ છે આવતી કાલ. આવતી કાલનો વિચાર એના મનમાં ફફડાટ પેદા કરે છે. અને આ પેદા થયેલો ફફડાટ આવતી કાલે ભૂંસાઈ જશે એવો વિચાર આવે છે ત્યારે કોઈ પીઠ પસવારીને આશ્ર્વાસન આપતું હોય એવી લાગણી જન્મે છે, જેને કારણે અને જેના માટે મનમાં અસલામતી હોય એ જ તમને આશ્ર્વાસન આપવાની ક્ષમતા ધરાવે છે.

મરાઠી નવલકથાકાર રાજેન્દ્ર બનહટ્ટીની નવલકથા ‘અખેરચી આત્મકથા’નો સુંદર અનુવાદ શકુંતલા મહેતાએ કર્યો છે – ‘આખરની આત્મકથા’. ત્રાણું પૂરાં કરીને ચોરાણુંમા વર્ષમાં પ્રવેશી ચૂકેલા અને છતાં ભરપૂર જીવન જીવવા માગતા એક વૃદ્ધની નવલકથા છે. નવલકથામાં એક જગ્યાએ વાર્તાનાયક કહે છે: ‘નોકરી કરી ત્રીસ વર્ષ, પેન્શન ખાઉં છું પાંત્રીસ વર્ષથી… ચોરાણુંમું વર્ષ બેઠા પછી ઝીણા અક્ષરે છાપેલું દેખાતું નથી. ટાઈમ્સનાં મથાળાં પરથી જ બધું સમજાઈ જાય. માહિતીનો સાર સમજાય છે એટલું પૂરતું છે. હવે સારાંશના જ દિવસો છે. સવિસ્તર માહિતીનું કામ પણ શું છે?’

રાજેન્દ્ર બનહટ્ટીએ જે અવસ્થાને જીવનના સારાંશના દિવસો જેવી અદ્ભુત ઉપમા આપી તે અવસ્થામાં માણસે શું વિચારવાનું રહેશે? એ જ કે જે દિવસોના સાર સમી અવસ્થા ભોગવી રહ્યા છીએ એ દિવસોમાં, જીવનના મધ્યાહ્નમાં, જે કંઈ કર્યું તે બધું જ કરવું શું જરૂરી હતું? શું શું જરૂરી હતું – શું શું જરૂરી નહોતું. સારાંશના દિવસોમાં જાતને પૂછવાનો સવાલ એના ક્રિયાપદનો કાળ બદલીને થોડોક વહેલો પૂછી લીધો હોય તો? અત્યારે જે કંઈ કરીએ છીએ એમાનું શું શું કરવું જરૂરી છે? શું શું જરૂરી નથી? શક્ય છે કે અત્યારે જ આ સવાલો પુછાઈ જાય અને જવાબ મેળવવાની મથામણ શરૂ થઈ જાય તો જીવનના સારાંશના દિવસો આવે ત્યારે કશું પૂછવાપણું રહે જ નહીં.

—————-

કાગળ પરના દીવા

કશુંક જતું કરીને આગળ વધી જવાનો નિર્ણય લેવાનું કામ ખૂબ કપરું હોય છે. પણ એક વખત એ નિર્ણય લઈને આગળ વધો છો ત્યારે ખ્યાલ આવે છે કે જિંદગીનો એ શ્રેષ્ઠ નિર્ણય હતો.

– વૉટ્સઍપ સુવાક્ય

—————

સન્ડે હ્યુમર

હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે નરેન્દ્ર મોદી જે સાંજે વ્હાઈટ હાઉસમાં ડિનર માટે આવ્યા એના બીજા દિવસે સવારે જાગીને તરત જ ઓબામાએ મિશેલને કપાળ પર ચૂમીને ઉઠાડતાં કહ્યું, ‘મારી વહાલી, બકુડી!’

Published: Mumbai Samachar, Sunday, 8th September 2014

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *