મિચ્છામિ દુક્કડમ્: આપણને માફી માગતાં આવડે છે?

દિવાળી પછીના બેસતા વર્ષે આપણે જે મળે તેને, હાલતાં ને ચાલતાં, ‘સાલ મુબારક’ કહેતા ફરીએ છીએ. એક દિવસ નહીં, મહિનો નહીં, આખું વરસ મુબારક જાય એની શુભેચ્છા કેટલી કેઝયુઅલી આપતા ફરીએ છીએ. ફોનબુક અને વૉટ્સઍપ કૉન્ટેક્ટ્સના તમામને ન્યુ યર પ્રોસ્પરસ જાય એના એસએમએસ અને દીવડાવાળી ઈમેજિસ મોકલી દઈએ છીએ. આમાંથી, મા કસમ, કોઈ એક વ્યક્તિને પણ નિરાંતે યાદ કરીને એમનું આગામી વર્ષ આપણી શુભેચ્છાથી કેવું સરસ જશે કે જવું જોઈએ એવી કલ્પના કરવાની ફુરસદ આપણી પાસે હોય તો.

એક રૂટિન વિધિ તરીકે તદ્ન બેદરકારીથી, કૅઝયુઅલ ઍટિટ્યુડથી કહેવાતા આ ‘સાલ મુબારક’ની એક ફોર્માલિટી સિવાય બીજી કોઈ ઉપયોગિતા નથી. જુઓને, દર નવા વરસે ઢગલાબંધ શુભેચ્છાઓ મળતી હોવા છતાં કોઈ ફરક પડ્યો છે આપણી જિંદગીમાં.

પર્યુષણના પવિત્ર પર્વની સમાપ્તિ પછી એક સુંદર પ્રથા ધર્મના મહાપુરુષોએ સૂચવી છે – ક્ષમાપના. વીતેલા વર્ષ દરમ્યાન મન, વચન, વર્તનથી જાણે કે અજાણે આપણે કોઈને દુભવ્યા હોય તો આ અવસર છે એમની માફી માગવાનો: ‘મિચ્છામિ દુક્કડમ્’.

પણ આનુંય ‘સાલ મુબારક’ જેવું જ છે. ‘સૉરી’ કે ‘માય એપોલોજિસ’ કે રિગ્રેટના

આ સુંદર શબ્દો – મિચ્છામિ દુક્કડમ્ – એટલા કેઝયુઅલી અને ભાવ કે લાગણી વિના બોલાતા હોય છે કે આપણને થાય કે આ ભાઈ (કે આ બહેન) ખરેખર આપણી માફીના લાયક છે?

સૌથી પહેલાં તો, જેને ને તેને મિચ્છામિ દુક્કડમ્ કહેવાનું ન હોય. ગ્રુપ એસએમએસ કે ગ્રુપ પોસ્ટ કે એફબીના સ્ટેટસમાં મિચ્છામિ દુક્કડમ્ મોકલવાનું ન હોય. જે લોકો વરસ આખું તમારા સીધા કે આડકતરા સંપર્કમાં નથી આવ્યા એ વળી કેવી રીતે જાણે-અજાણે તમારાથી દુભાવાના છે? એમની માફી શું કામ માગવાની?

લિફટમાં કે રસ્તે મળતા કે ટ્રેનમાં કે ફલાઈટમાં ભટકાઈ જતા તદ્ન અપરિચિતને પણ ‘ગુડ મોર્નિંગ’ કે ‘નમસ્તે’નું અભિવાદન કરીએ ત્યાં સુધી બરાબર છે. પણ આપણે તો ‘સાલ મુબારક’ની પાવન શુભેચ્છાને એ લેવલ સુધી લઈ આવ્યા અને હવે ‘મિચ્છામિ દુક્કડમ્’ જેવી અતિ ગંભીર ધર્મપરંપરાને.

તમને ખબર છે કે વીતેલા વર્ષ દરમ્યાન તમે પરિવારમાં, મિત્રોમાં કે ધંધાવ્યવસાયમાં કોને કોને દુભવ્યા છે. તમને ખબર છે કે કેટલાક જાણેઅજાણે પણ દુભાયા હશે. પ્રતિક્રમણ કર્યા પછી એ સૌને વારાફરતી યાદ કરો. રૂબરૂ શકય ન હોય તો ફોન પર અને એય શકય ન હોય તો લાંબો પર્સનલ મેસેજ તૈયાર કરીને એમને કહો કે ફલાણા પ્રસંગે તમે મારાથી દુભાયા. અત્યારે એ યાદ કરીને મને મારા માટે ઓછું આવી રહ્યું છે. એ બનાવ પછી તરત જ મારે તમારી માફી માગી લેવી જોઈતી હતી. પણ એટલી હિંમત ભેગી થઈ નહીં. મહિનાઓ સુધી એ વાત મને કનડતી રહી. મેં નક્કી કર્યું છે કે હવેથી તમારી સાથે કે કોઈનીય સાથે આવું વર્તન ન થઈ જાય એ માટે હું કૉન્શ્યસ રહીશ, એટલો સુધારો મારા સ્વભાવમાં લાવવા માટેની જાગૃતિ કેળવીશ. અને હા, તમને દુભવીને મેં તમારી લાગણીઓને જે ઠેસ પહોંચાડી છે તે માત્ર ‘મિચ્છામિ દુક્કડમ્’ કહી દઈશ એટલે ભૂંસાઈ જશે એવું માનવું મારા માટે બાલિશતા છે. એ ઉઝરડાને, એ જખમને રૂઝવવા માટે આવતા વર્ષો દરમ્યાન હું એવું વર્તન તમારી સાથે કરીશ જે તમારા માટે મલમની ગરજ સારે અને આવતા વર્ષે પર્યુષણ પર્વની સમાપ્તિ પછી એ મલમવાળા કિસ્સાઓ તમારા ઉપરાંત મને પણ શાતા આપે. આવતા વર્ષે જ નહીં, હવે પછીના જિંદગીના તમામ વર્ષો દરમ્યાન મારે ક્યારેય તમારી માફી માગવી ન પડે, ‘મિચ્છામિ દુક્કડમ્’ કહેવું ન પડે એવું વર્તન કરવાની ક્ષમતા ભગવાન મને આપે એવી પ્રાર્થના કરું છું.

અને આટલું કહ્યા/લખ્યા પછી તમારે કહેવું/લખવું હોય તો કહો/લખો: મિચ્છામિ દુક્કડમ્.

હવે બીજી વાત.

કોઈ તમારી માફી માગે ત્યારે તમારે શું કરવાનું હોય? એમને માફ કરવાના હોય. એમને સધિયારો આપવાનો હોય કે હશે, જે થયું તે થઈ ગયું. વાત જ એવી હતી. તમારી ક્ષમા હું સ્વીકારું છું.

પણ આવું જતાવવાને બદલે આપણે કોઈનું ‘મિચ્છામિ દુક્કડમ્’ સાંભળીને સામે શું કહીએ છીએ? ‘મિચ્છામિ દુક્કડમ્’! લો, આ કંઈ સલામ-નમસ્તે નથી. કોઈ તમને ‘સલામુઅલૈકુમ’ કહીને ઉપરવાળો તમારા પર શાંતિના આશીર્વાદ વરસાવે ત્યારે તમે પણ વળતો જવાબ આપો કે ‘વા અલૈકુમસ્સલામ’ (ઉપરવાળો તમાર પર પણ શાંતિના આશીર્વાદ વરસાવે) એવું કહો છો તે બરાબર છે.

પણ ‘હું તમારી માફી માગું છું, મને ક્ષમા કરો’નો જવાબ ‘હું પણ તમારી માફી માગું છું, મને ક્ષમા કરો’ એવો ન હોઈ શકે. ‘મિચ્છામિ દુક્કડમ્’ના ઉત્તરરૂપે જ્યાં સુધી ધર્મપુરુષો એવો કોઈ શબ્દ પ્રયોગ ન શોધી કાઢે ત્યાં સુધી તમે કહી શકો છો કે ‘ના, ના, એવું બોલવાની જરૂર નથી’, ‘ડોન્ટ મેન્શન’ અથવા તો ‘અરે ભાઈ, હું તો ક્યારનો એ બનાવ ભૂલી ગયો છું, તમે પણ ભૂલી જાઓ.’ અથવા પછી ‘હા, તમને મેં હૃદયપૂર્વક ક્ષમા આપી. તમે પણ એવો કોઈ ખટકો તમારા દિલમાં નહીં રાખતા.’

એક ત્રીજી વાત. વીતેલા વરસ દરમ્યાન તમારા કોઈ એવા વર્તન કે સિરીઝ ઑફ બીહેવિયરથી હું હર્ટ થયો હોઉં અને મેં જાણીજોઈને તમને દુભવ્યા હોય અને એનો કોઈ અફસોસ, એની કોઈ રિગ્રેટ્સ મારા મનમાં ન હોય તો મારે શા માટે તમને ‘મિચ્છામિ દુક્કડમ્’ કહેવું જોઈએ. આવા પવિત્ર પ્રસંગે હું શું કામ એવો દંભ કરું? મેં જે કહ્યું તે તમારા વર્તનના જવાબમાં કહ્યું હતું અને ફરીથી એવું વર્તન કરશો તો હું ફરીથી એવું જ કહીશ તમને. કારણ કે મને નથી જોઈતું કે કોઈ મારી લાઈફમાં મારી સાથે આ રીતે બીહેવ કરે. અને એટલે જ મને કોઈ અફસોસ નથી, મારે કોઈ દિલસોજી વ્યક્ત કરવી નથી. આયમ નૉટ સૉરી ફૉર વૉટ આય ટોલ્ડ યુ. આયમ નૉટ ગોઈંગ ટુ સે ‘મિચ્છામિ દુક્કડમ્’ ટુ યુ.

માફી માગવી તો વ્યક્તિગત રીતે માગવી, સાગમટે ન મગાય. એક માફીની ફોટોકૉપીઝ કાઢીને બધામાં નહીં વહેંચવાની. કોઈએ મોકલેલી ‘મિચ્છામિ દુક્કડમ્’ની પોસ્ટ બીજા કોઈને ફૉરવર્ડ નહીં કરવાની. પ્રેમ, પ્રાર્થના, સેક્સ અને ભોજન જેટલી જ પર્સનલ વસ્તુ છે ક્ષમા. એની અભિવ્યક્તિ અંગત હોય – બે જણ વચ્ચે. અને ક્ષમા માગવી જ હોય તો એ રીતે માગવાની કે સામેવાળી વ્યક્તિને તમારી ભાવના બરાબર પહોંચે કે તમે શું કામ ક્ષમા માગી રહ્યા છો. ‘મિચ્છામિ દુક્કડમ્’ના લાગણીભર્યા પવિત્ર શબ્દોને લુખ્ખી રીતે ઉતાવળે કે કોઈ સંદર્ભ વિના ઉચ્ચારીને આપણે ક્ષમાપના પર્વની ગરિમાને હાનિ પહોંચાડીએ છીએ.

ગળે ઉતરે તો આજથી જ આ વાત અમલમાં મૂકજો. ખરા હૃદયથી, વિગતવાર માગેલી ક્ષમા પછી તમારા દિલનો ભાર હળવો થઈ જશે અને સામેની વ્યક્તિની નજરમાં તમારા માટેનો ઘટેલો આદર પુન:સ્થાપિત થઈ જશે.

બાકી તો, ચૉઈસ તમારી છે. બેસતા વર્ષે જેને ને તેને ‘સાલ મુબારક’ ‘સાલ મુબારક’ કહ્યા કરો એ જ રીતે જેને ને તેને ‘મિચ્છામિ દુક્કડમ્’ ‘મિચ્છામિ દુક્કડમ્’ની લહાણી કર્યા કરો. નિરાંતે અને વિગતે વ્યક્ત થયા વિનાની તમારી નવા વર્ષની શુભેચ્છાઓની કે ક્ષમાપનાની લાગણી બીજાઓ સુધી ક્યારેય પહોંચવાની નથી. અને પહોંચતી નથી એટલે એ લાગણીઓની કોરી અભિવ્યક્તિ પછી પણ તમારું જીવન એવું ને એવું રહે છે – કોરુંધાકોર.

આજનો વિચાર

લવ મીન્સ નેવર હેવિંગ ટુ સે યુ આર સૉરી.

– એરિક સેગલ (‘લવ સ્ટોરી’ નવલકથામાં)

દિલની વાતોમાં દિલગિરી ન હોય.

(આ જ વાક્યનો ઉમદા અનુવાદ: કવિ ઉદયન્ ઠક્કર)

એક મિનિટ!

બૉયફ્રેન્ડ: જાનુ, તારું નામ મારી હથેળી પર લખું કે મારા દિલ પર?

ગર્લફ્રેન્ડ: સાચો પ્રેમ હોય તો તારા બાપાને કહીને મિલકતના દસ્તાવેજ પર લખાવીને લાવ.

(Published in Mumbai Samachar on 29th August 2014)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *