આત્માનું મમ્બો-જમ્બો

આ વિષય પર અગાઉ ઘણી વખત લખી ચૂક્યો છું. હવે, ફરી એક વાર, અને છેલ્લી વાર.

વનસ્પતિ સજીવ છે છતાં ગુલાબનું ફૂલ કરમાઈને ખરી પડે છે ત્યારે બીજાં ગુલાબો એકબીજાંને પૂછતાં નથી કે પેલા ખરી પડેલા ગુલાબનો આત્મા ક્યાં ગયો. કીડીમાં પણ જીવ છે છતાં એક કીડીનો મૃતદેહ જોઈને બાકીની કીડીઓને આત્મા વિશે સવાલ થતો નથી. આત્મા વિશેના પ્રશ્ર્નો માણસને જ થાય છે, કારણ કે એ વિચારી શકે છે.

આત્મા વિચારને કારણે જન્મે છે, આત્માનું અસ્તિત્વ વિચારના સ્તર પર છે. આત્મા એક ક્ધસેપ્ટ છે, જેને પ્રતીક રીતે સમજવાની કોશિશ કરવાની હોય. એને એક રૂપક ગણીને જીવનના તત્ત્વજ્ઞાનમાં ઊંડા ઊતરવાનું હોય.

એને બદલે થયું છે શું? આત્માની આગળપાછળ એક મસમોટી જાળ ગૂંથી લેવામાં આવી. આત્માને વૈચારિક સ્તરેથી ઉપાડીને લગભગ ભૌતિક સ્તરે મૂકી દેવામાં આવ્યો. અને પછી તો આત્માનાં વર્ણનો, ક્યારેક તો ચિત્રાત્મક વર્ણનો પણ, થવાં લાગ્યાં. આત્માનું તેજ બતાવવા ચિત્રમાં આત્મામંડળ મૂકાય અને મૃત્યુ પછી આત્મા શરીર છોડીને જતો હોય એવું દર્શાવવા શરીરમાંથી અવકાશ ભણી જતો તેજલિસોટો દેખાડાય. મારે ખૂબ નમ્રતાપૂર્વક અને આગ્રહપૂર્વક કહેવું પડે છે કે આત્મા વિશેની આવી ભ્રમણાઓમાંથી બહાર આવ્યા વિના કોઈ વ્યક્તિનો ખરો વિકાસ થવો શક્ય નથી.

આત્મા એટલે માણસના વિચારો તથા એના અનુભવોમાંથી ઘડાયેલું એનું અંગત માનસિક વિશ્ર્વ. હૃદયનું કામ યાંત્રિક રીતે શરીરનું સંચાલન કરવાનું. પણ મનુષ્ય ફક્ત હૃદય નામના શરીરના એક અગત્યના અવયવને લીધે કે માત્ર અન્ય તમામ અવયવોને લીધે જીવતો નથી. એ પોતાની પાસેના માનસિક વિશ્ર્વને કારણે પણ જીવે છે.

કોઈકના મૃત્યુ પછી આપણે જ્યારે એમને શ્રદ્ધાંજલિ આપતાં કહીએ છીએ કે એમનો આત્મા બહુ ઉચ્ચ કોટિનો હતો ત્યારે એમ કહેવા માગતા હોઈએ છીએ કે એમણે જીવનના અનુભવો દ્વારા તથા પોતાના વિચારો દ્વારા એક એવા અંગત માનસિક વિશ્ર્વનું સર્જન કર્યું જેને કારણે એમને પોતાને તો જીવવાનો આનંદ-સંતોષ મળ્યો જ, એમને લીધે એમની આસપાસની દુનિયાના લોકો પણ એ આનંદ-સંતોષનો સ્પર્શ અનુભવતા થયા. માણસનો સ્વભાવ તથા એના અસલ વ્યક્તિત્વના સરવાળામાંથી આ આત્મા સર્જાય છે. માણસના આ અનુભવો- વિચારોમાંથી ઘડાતા સ્વભાવનું તથા વ્યક્તિત્વનું કાઠું એટલું મજબૂત હોવું જોઈએ કે બહારનું કોઈ પણ પરિબળ એને નાનો સરખો ઘસરકોય કરી ન શકે. કોઈના દબાણ હેઠળ ઝૂકી જતા વ્યક્તિત્વની કે કોઈના ડરને લીધે ઢંકાઈ જતા મનુષ્યના અસલી સ્વભાવની જ્ઞાનીઓએ તથા મનીષીઓએ દયા ખાધી છે.

આત્મા અમર છે એનો અર્થ શું થયો? ભગવદ્ગીતાના ‘સાંખ્યયોગ’ નામક દ્વિતીય અધ્યાયમાં કહ્યું કે આત્માને શસ્ત્ર છેદી શકતો નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી પલાળી શકતો નથી, વાયુ સૂકવી શકતો નથી, નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ, નૈનં દહતિ પાવક:; ન મૈનં કલેદ્યન્ત્યાપો, ન શોષયતિ મારુત:. અને મહર્ષિ વેદવ્યાસે જ્યારે કહ્યું કે ન હન્યતે હન્યમાને શરીરે, આ આત્મા કદી જન્મતો પણ નથી અને મરતો પણ નથી અર્થાત્ એ નિત્ય છે, અવિનાશી છે- ત્યારે એનો અર્થ શું થયો?

સમજીએ. અવિનાશી શું હોઈ શકે જીવનમાં? જીવનનાં મૂલ્યો, જીવન જીવવામાં હોકાયંત્રની જેમ કામ લાગતા સિદ્ધાંતો તથા જીવનની ગુણવત્તા માપવાની ફૂટપટ્ટી જેવી નીતિમત્તા. જે

અવિનાશી છે તે મૂલ્યો, આ સિદ્ધાંતો, આ નીતિમત્તા છે. પૃથ્વી પર જ્યાં સુધી મનુષ્ય વસે છે ત્યાં સુધી આ સઘળું રહેવાનું છે. કારણ કે એ (મૂલ્યો, સિદ્ધાંતો, નીતિમત્તા) દ્વારા જ જગતનું સંચાલન ઠીક રીતે થઈ શકે એમ છે એવું આપણે જોઈ લીધું છે, આપણા પૂર્વજોએ પણ જોઈ લીધું છે, આપણા પછીની પેઢીઓને પણ એ જ અનુભવ થવાનો છે. આજે એક આખી જનરેશન વૃદ્ધ થઈ જાય, મૃત્યુ પામે, નવી પેઢી આ દુનિયાને ભોગવતી થઈ જાય, સંભાળતી થઈ જાય તો પણ મૂલ્યો, સિદ્ધાંતો, નીતિમત્તાનું મહત્ત્વ નામશેષ નથી થવાનું. હા, જમાના મુજબ એમાં ફેરફારો થવાના. ફેરફારો એટલે કેવા ફેરફારો? ચાર પગે ચાલતો મનુષ્ય ઉત્ક્રાંતિ દરમ્યાન બે પગે ચાલતો થઈ જાય એ પછી એને વાંદરાની જેમ એક ડાળીએ લટકીને બીજી ડાળીએ જવા માટે કે કૂદકો મારતી વખતે બૅલેન્સિંગ માટે પૂંછડીની જરૂર ન રહે ત્યારે ક્રમશ: એ અવયવ શરીરમાંથી નામશેષ થઈ જાય. બસ, એવો ફેરફાર થાય, એ સિવાયનો નહીં. (જોકે, કેટલાકમાં એ પર્ટિક્યુલર અવયવ આજની તારીખે પણ મોજૂદ હોય છે એ વાત જરા જુદી છે અને એ અવયવને ભોંયમાં દાટ્યા પછી પણ એનો આકાર યથાવત્ રહે એવાય આત્માઓ હજુ જોવા મળે છે આ જગતમાં, એ વાત તો વળી સાવ જ જુદી.)

આત્મા અમર છે એનો અર્થ એ છે કે આ મૂલ્યો, સિદ્ધાંતો, નીતિમત્તા જેવા સદ્ગુણો અમર છે. કોઈ પ્રામાણિક વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે જગતમાંથી પ્રામાણિકતા મરી પરવારતી નથી (કોઈ જુલમી વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે પણ જગતમાંથી જુલમ મરી પરવારતો નથી. ગાંધીજીના અવસાનને કારણે સત્ય કે હિટલરના મોતને કારણે જુલમ આ દુનિયામાંથી નામશેષ થઈ ગયાં નથી.)

શાશ્ર્વત અને અવિનાશી એવા સદ્ગુણોથી ઘડાતા સ્વભાવ અને વ્યક્તિત્વમાંથી સર્જાતા વિચારોને ધાકધમકીથી કોઈ ડરાવી શકતું નથી. એને કોઈનાય શસ્ત્રનો ડર નથી હોતો, ન તો અગ્નિ- પાણી- વાયુ જેવાં નૈસર્ગિક તત્ત્વો આપત્તિ બનીને એનું કશું બગાડી શકવાનાં. મનુષ્યના જીવનમાં કુદરત દ્વારા સર્જાયેલા સંજોગોમાં પણ આ સદ્ગુણો અડીખમ રહે છે.

અને આત્મા અમર છે એ વાતને હજુ વધુ સરળતાથી સમજી લઈએ. કાલ ઊઠીને હું ગુજરી જઉં (કાલ એટલે કાલે ને કાલે નહીં) તો હું મારા વર્તન દ્વારા, મારાં લખાણો દ્વારા જે જે વ્યક્તિઓના સીધા- આડકતરા સંપર્કમાં આવ્યો છું તે દરેકના મનના એક નાનકડા ખુણે યાદ રહેવાનો છું, મારી છાપ છોડી જવાનો છું. જેમ મારા પિતાના વ્યક્તિત્વ- વિચારોનો એક અંશ એમના ગયા પછી એમના તમામ સગાં-સંબંધી, વારસદારો, અંગત અને ધંધાદારી મિત્રો. પરિચિતોમાં જીવે છે એમ જ. અને ભવિષ્યમાં જ્યારે તમારાં સો વર્ષ પૂરાં થઈ જશે ત્યારે તમારો એક અંશ આ બધામાં જ જીવતો રહેશે- એ અંશ જેમાં મારો અંશ ભળેલો છે અને મારા એ અંશમાં મારા પિતાનો એક અંશ પણ છે. આમ મારા પિતાનો આત્મા ક્યારેય નહીં મરે. આમ મારો આત્મા ક્યારેય નહીં મરે. આમ તમારો આત્મા ક્યારેય નહીં મરે. આપણા ગયા પછી આપણે આપણા સંપર્કમાં આવેલા, ભૌતિક કે વૈચારિક રીતે સંપર્કમાં આવોેલા, તમામ લોકોમાં- એમના વિચારોમાં, એમના સબકોન્શ્યસમાં, એમના હૃદયના કોક છાને ખૂણે જીવતા જ હોઈએ છીએ. આત્મા અમર છે એનો અર્થ આ થયો. આત્માની સમજને આવા વ્યવહારુ તથા તદ્ન સરળ સ્તરે લઈ ગયા પછી જિંદગીની ગૂંચ ઓછી થાય છે અને જીવવાની ગંભીરતા વધી જાય છે.

અને છેલ્લે મોક્ષ. ગાંધીજીએ ભગવદ્ગીતાનો ગુજરાતી અનુવાદ કર્યો- ‘અનાસક્તિ યોગ’. એની પ્રસ્તાવનામાં લખ્યું: ‘…ગીતાનો મોક્ષ એટલે પરમ શાન્તિ.’

મોક્ષ એટલે મુક્તિ. પરમ શાન્તિ એટલે ચિંતામાંથી મુક્તિ. આ કૉલમ વાંચીને જો તમને આવો અનુભવ થતો હોય તો તમે રોજે રોજ મોક્ષ પામો છો એવું કહી શકો. અને જો આવો અનુભવ ન થતો હોય તો હજુ તમારે લખચોરાસીના ફેરા કરવાના છે, આવતા જન્મે કાગડો, કીડી કે કૂતરા બનવાનું છે.

આજનો વિચાર

મનોમન માનતા હોઈએ કે આવું તો કંઈ થવાનું જ નથી તો પછી એ ઘટના બને એવી આશા રાખીને શું કામ બેસી રહેવું.

– નેલ્સન મન્ડેલા

એક મિનિટ!

કસમથી, માત્ર બે જ સેક્ધડમાં મેં કરેલાં તમામ પાપ મને યાદ આવી જાય છે જ્યારે રાત્રે ઘરે પહોંચું છું કે તરત પત્ની બોલી ઊઠે છે:

‘બેસો, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે.’

Published in Mumbai Samachar on 3 September 2014

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *