એક ઝાપટું પડે એને કંઈ ચોમાસું બેઠું એવું ન કહેવાય

૧૯૩૯ની છઠ્ઠી ડિસેમ્બર ભારતના ભાગલાની તવારીખમાં એક પાયાની તવારીખ છે (એ છઠ્ઠી ડિસેમ્બર હતી તે યોગાનુયોગ છે). આ દિવસે મોહમ્મદ અલી ઝીણાએ જાહેર અપીલ બહાર પાડી. હિન્દના મુસ્લિમોને એમણે ૨૨ ડિસેમ્બર, શુક્રવારના દિવસને મુક્તિ અને આભારના દિવસ તરીકે ઊજવવાની અપીલ કરી. કારણ? ઝીણાના મતે ‘કૉન્ગ્રેસી સરકારો આખરે કામ કરતી બંધ થઈ ગઈ છે તેને કારણે રાહતની લાગણી ફેલાઈ છે.’ મુસ્લિમોને ‘કૉન્ગ્રેસ અન્યાયી રાજ્યમાંથી’ છુટકારો મેળવવા માટે પ્રાર્થના કરવાની હતી.

ગાંધીજીએ ઝીણાની આ ‘હાકલ’ વિશે જાણીને ત્રણ દિવસ પછી એક અખબારી નિવેદન બહાર પાડ્યું જે બીજી સવારે ૧૦ ડિસેમ્બર ૧૯૩૯ના રોજ મદ્રાસના ‘ધ હિન્દુ’ દૈનિક સહિતનાં ભારતીય અખબારોમાં પ્રગટ થયું. ગાંધીજીએ કહ્યું, ‘હું ઝીણાસાહેબને (ગાંધીજી ઝીણાને કાં તો કાયદે આઝમ તરીકે કાં ઝીણાસાહેબ તરીકે સંબોધીને માન આપતા, જ્યારે ઝીણા તુચ્છકાર વ્યક્ત કરતા હોય એમ માત્ર મિસ્ટર ગાંધી બોલતા કે લખતા) અને તેમની સાથે જોડાયેલા મુસલમાનોને તેમણે લેવા ધારેલું પગલું ન લેવાની અપીલ કરવા ઈચ્છું છું.’

ઝીણાની જાહેર અપીલ સાથે જ મુસ્લિમ લીગના આશ્રય હેઠળ મળનારી બધી સભાઓમાં પસાર કરવાના ઠરાવનો પાઠ આપવામાં આવ્યો હતો. આ ઠરાવ વિશે ગાંધીજીએ એમના છાપાજોગા નિવેદનમાં કહ્યું, ‘એ ઠરાવમાં કૉન્ગ્રેસ પ્રાંતીય) સરકારો વિરુદ્ધ ગંભીરમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે… જો કૉન્ગ્રેસ, એ ઠરાવમાં વર્ણાવવામાં આવી છે, એટલી ખરાબ હોય તો એની સાથે કોઈ વાટાઘાટો કરવાને લાયક જ એને ન ગણાવી જોઈએ… (કૉન્ગ્રેસ વિરુદ્ધના) આ આક્ષેપો સાચા છે એવું માનવાનું જે મુસલમાનોને કહેવામાં આવશે એમને કૉન્ગ્રેસ પ્રત્યે દ્વેષભાવ જાગ્યા વગર રહેશે ખરો?’

ત્યાર બાદ ગાંધીજીના આ વિચારો સામે ઝીણાએ જાહેર જવાબ આપ્યો અને ગાંધીજીએ સેગાંવ (પાછળથી સેવાગ્રામ), વર્ધાથી ૨૩ જાન્યુઆરી ૧૯૪૦ના રોજ એક લેખ લખીને ‘હરિજન’ તથા ‘હરિજનબંધુ’માં છપાવવા માટે અમદાવાદ મોકલ્યો:

‘ધર્મભેદની ગણતરીએ ઓળખાતા જુદા જુદા પ્રજાસમૂહોવાળા એક ખંડ તરીકે હિન્દનો એમણે (ઝીણાએ) આપેલો ચિતાર જો ખરો ઠરે તો કૉન્ગ્રેસનું અડધી સદીથી વધુ કાળનું કર્યું – કરાવ્યું બધું ધૂળ થાય. પણ મને આશા છે કે કાયદે આઝમનો અભિપ્રાય મુસ્લિમ લીગની તવારીખની એક ઊડતી ઘટના ઠરશે.’

ગાંધીજીને દૃઢ શ્રદ્ધા હતી કે, ‘જુદા જુદા પ્રાંતના વતની મુસલમાનો પોતાના હિન્દુ કે ખ્રિસ્તી દેશભાઈઓથી પોતાની જાતને અલગ કરીને વિખૂટા પાડી શકે જ નહીં.’ ગાંધીજીએ આખા અલગ ધર્મની પ્રજા માટેના અલગ અલગ દેશોના વિચારને જડમૂળથી જ કાપી નાખવાના ઈરાદે લખ્યું: ‘ધર્મ બદલાયાથી કંઈ તેઓ પોતપોતાના પ્રાંતના રહીશ મટી જતા નથી. ઈસ્લામ ધર્મમાં આવેલા અંગ્રેજો ઈસ્લામ અંગીકાર કર્યા પછી કંઈ પોતાની રાષ્ટ્રીયતા (નેશનાલિટી) છોડતા નથી.’

ઝીણાએ લાહોરમાં ૨૨ તથા ૨૩ માર્ચ ૧૯૪૦ના રોજ યોજાયેલા અખિલ હિન્દ મુસ્લિમ લીગના અધિવેશનના પ્રમુખપદેથી ભાષણ કરતાં કહ્યું: ‘મિસ્ટર ગાંધી છેલ્લાં વીસ વર્ષથી કહ્યા કરે છે કે હિન્દુ – મુસ્લિમ એકતા વિના સ્વરાજ નથી… મિસ્ટર ગાંધી મુસ્લિમ લીગ સાથે સમાધાન કરવા ન માગતા હોય તો એમણે ખુલ્લંખુલ્લા કહી દેવું જોઈએ કે કૉન્ગ્રેસ હિન્દુ સંસ્થા છે, હિન્દુઓના સંગીન વિભાગ સિવાય બીજો કશો મત તે રજૂ કરતી નથી. મેં વારંવાર કહ્યું છે કે મિસ્ટર ગાંધી પોતાને હિન્દુ નેતા તરીકે જાહેર કરીને અભિમાન લે અને મને મુસલમાનોના પ્રતિનિધિ તરીકે એમને મળવાનું અભિમાન લેવા દે.’

ઝીણાના આ આકરા શબ્દોના પ્રત્યાઘાતરૂપે ગાંધીજીએ કહ્યું: ‘હું હિન્દુ છું એ વાતનું મને અભિમાન છે… કૉન્ગ્રેસ કંઈ હિન્દુ સંસ્થા નથી. કૉન્ગ્રેસ હિન્દુ સંસ્થા હોય તો એક મુસ્લિમ ધર્મનેતા (મૌલાના આઝાદ) તેના પ્રમુખ કેવી રીતે બને? વળી કૉન્ગ્રેસની કારોબારીમાં પંદરમાંથી ચાર સભ્યો મુસ્લિમ કેવી રીતે હોઈ શકે? હું હજુય કહું છું કે હિન્દુ – મુસ્લિમ એકતા સિવાય સ્વરાજ નથી.’

માર્ચના લાહોર અધિવેશનમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગે ઠરાવ પસાર કર્યો: ‘જે પ્રદેશોમાં મુસ્લિમોની સંખ્યા વધુ હોય એમને ભેગા કરીને ‘સ્વતંત્ર રાષ્ટ્રો’ બનાવવાં અને તેના ઘટકો સ્વશાસિત અને સાર્વભૌમ રહે. આવા પ્રદેશો, ઉદાહરણાર્થે, હિન્દુસ્તાનના વાયવ્ય તથા ઈશાનમાં આવેલા છે.’

આમ, ૧૯૪૦ના આ લાહોર અધિવેશનમાં મુસ્લિમ લીગ તરફથી દેશના ભાગલા માટેની વિધિસરની માગણી જાહેર થઈ. પણ ગાંધીજીને ઝીણાના ઈરાદાઓ કરતાં વધારે ભરોસો મુસ્લિમોનું દિલ જીતી લેવાની પોતાની આશા/ક્ષમતા પર હતો. એમણે ૬-૪-૧૯૪૦ના ‘હરિજન’માં લખ્યું: ‘પણ હું નથી માનતો કે ખરેખરો નિર્ણય કરવાનો વારો આવશે ત્યારે મુસ્લિમો હિન્દના ટુકડા કરવાની માગણી કરશે. તેમની સમજદારી તેમને તેમ કરતાં અટકાવશે. ‘બે પ્રજાઓ’વાળી આખી કલ્પના જ જુઠ્ઠાણું છે. હિન્દના મુસલમાનોનો મોટો ભાગ વટલાઈને ઈસ્લામ ધર્મમાં ગયેલાઓનો કે તેમના વંશજોનો બનેલો છે. આવું ધર્માંતર થતાંની સાથે કંઈ તેઓ નોખી પ્રજા બનતા નથી… (ખુદ) કાયદે આઝમની પોતાની બાબતમાં તો એમની અટક પણ એમને (મુસલમાન તરીકે) ઓળખવાનું સાધન નથી, કારણ કે એ અટક કોઈ પણ હિન્દુની હોઈ શકે. મને જ્યારે તેઓ પહેલીવાર મળ્યા હતા ત્યારે હું નહોતો જાણી શક્યો કે તેઓ મુસ્લિમ છે. એમનું પૂરું નામ જાણ્યું ત્યારે જ એમના ધર્મની ખબર પડી. તમને જાણીને નવાઈ લાગશે કે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ પટેલને તેમની દાઢી તેમ જ તુર્કી ટોપીને લીધે હું મુસલમાન ગૃહસ્થ સમજતો હતો. મરહૂમ સર મોહમ્મદ ઈકબાલ પોતે બ્રાહ્મણવંશમાંથી ઊતરી આવેલા એ બીનાનો તેઓ પોતે હંમેશાં અભિમાનપૂર્વક ઉલ્લેખ કરતા… અત્યારે મુસ્લિમ લીગને નામે જે કાંઈ ચાલી રહ્યું છે તેનાથી મને ઊંડો આઘાત પહોંચે છે. અત્યારે પ્રચાર થઈ રહેલા આ જૂઠાણા સામે મુસલમાનોને હું ન ચેતવું તો મારી ફરજ ચૂકું.’

પરંતુ ગાંધીજીના આ ઉદ્ગારોને બદલે દેશના મુસલમાનોને ઝીણાએ લાહોર અધિવેશનમાં ઉચ્ચારેલા એ શબ્દોમાં જ વધુ વિશ્ર્વાસ હતો. ઝીણાએ પ્રમુખીય પ્રવચનમાં મુસ્લિમ પ્રજાને ભારપૂર્વક સમજાવવાની કોશિશ કરી હતી કે, ‘હિન્દુ તથા ઈસ્લામ માત્ર બે ધર્મો જ નથી, જુદી જુદી અને સ્વતંત્ર સમાજ વ્યવસ્થાઓ છે. હિન્દુ – મુસ્લિમ એક થઈને એક સહિયારું રાષ્ટ્ર રચશે એ કલ્પના માત્ર એક ખ્વાબ છે, કોઈ વાસ્તવિકતા નથી. આવી બે કોમોને એક જ શાસન તળે રાખવાની ફરજ પાડવામાં આવે ત્યારે એક સંખ્યાબળમાં બહુમતીમાં હોય અને બીજી લઘુમતીમાં હોય ત્યારે પ્રજામાં અસંતોષ જ પેદા થાય અને એવા રાષ્ટ્રમાં કારભાર ચલાવવા જે કંઈ વ્યવસ્થાતંત્ર ઊભું કરવામાં આવે તે એની મેળે પડી ભાંગે.’

એપ્રિલ ૧૯૪૦માં સેવાગ્રામમાં એક ચીનવાસી મુલાકાતી સાથેની ગાંધીજીની વાતચીત આ મુજબની હતી:

ચીની: આપને ખબર છે કે ચીનમાં અમે એકતાને સારું ભારે કિંમત આપી છે. ચીનમાં ૨૫ વરસ સુધી આંતરવિગ્રહ ચાલ્યા પછી અમને અમારી પ્રજાના પ્રતિનિધિ તરીકે સેનાધિપતિ ચાંગ-કાઈ-શેક મળી આવ્યા છે. હિન્દની પ્રજાને આપના જેવા આધ્યાત્મિક વૃત્તિવાળા નેતા કરતાં કોઈ વધુ લડાયકવૃત્તિવાળા નેતાની જરૂર પડે એમ ન બને?

ગાંધીજી: હિન્દમાં આંતરવિગ્રહ થાય તો મારું દેવાળું નીકળ્યું ગણાશે ને તો (દેશને) લશ્કરી માણસની જરૂર પડશે.

ચીની સાથેની વાતચીતમાં ગાંધીજીએ ભારતના ભાગલા ન પડે તો દેશમાં આંતરવિગ્રહ (સિવિલ વૉર) થવાની શક્યતાને ભલે નકારી કાઢી, પણ ઝીણાના અભિગમને કારણે એમના મનમાં ક્યાંક ઊંડે ઊંડે પણ એવી શક્યતાનો ભય સેવાયા કરતો હોવો જોઈએ. ગાંધીજીના અને કૉંગ્રેસના પ્રતિનિધિ તરીકે કનૈયાલાલ મા. મુનશી વાઈસરૉય લૉર્ડ લિનલિથગોની મુલાકાતે ગયા ત્યારે (૧૨-૧-૧૯૪૦ના રોજ) મુનશીએ વાઈસરૉયને જે કંઈ કહ્યું તેમાં ગાંધીજીની લાગણીનો જ પડઘો હતો. લિનલિથગોએ પહેલાં કહ્યું: ‘… હવે લઘુમતીઓનો પ્રશ્ર્ન ઉકેલવાનો બાકી રહે છે. હું એટલું જરૂર માનું છું કે લઘુમતીઓને પ્રગતિનો માર્ગ (આઝાદી તરફ જવાનો રસ્તો) રૂંધવાનો હક્ક નથી.’

મુનશીએ તરત જ વાઈસરૉયને સંભળાવી દીધું: ‘પણ તમે જે રીતે વાત કરો છો તેથી તો તમે તેમને વધુમાં વધુ માગણી રજૂ કરવાનું સાધન આપો છો (અર્થાત્ મુસ્લિમોને તમે ચડાવી માર્યા છે). આને કારણે અમારું કામ મુશ્કેલ બને છે. ભૂતકાળનો અમારો બ્રિટિશ રાજનેતાઓનો અનુભવ છે કે તેમણે લઘુમતીઓને એટલું તો વધારે પડતું મહત્ત્વ આપ્યું કે તેઓ (મુસ્લિમો) મનફાવે તેવી માગણી કરવા લાગ્યા.’

ક. મા. મુનશીએ વાઈસરૉયને એ પણ કહ્યું કે ઝીણાને બદલે આગા ખાન કે સિકંદર જેવા ઓછા ઉગ્રવાદી નેતાઓને તમારે મહત્ત્વ આપવું જોઈએ: ‘આપની પાસે આગા ખાન છે, આપની પાસે આપના મિત્ર સિકંદર છે. ઝીણાના ભાવ ઊંચા ચડે છે તે તમારાં કાર્યોને લીધે જ. આને કારણે જ તે અમારી સામે વાહિયાત આક્ષેપો કરવા પ્રેરાય છે. તમે તેનો જવાબ સુધ્ધાં આપતા નથી. ઝીણા તો હવે એટલા આકરા બની ગયા છે કે એમની સાથે દોસ્તીભર્યા વાતાવરણમાં વાટાઘાટો કરવાનું પણ અશક્ય બની ગયું છે.’

ગાંધીજીના ૬-૪-૧૯૪૦ના ‘હરિજન’માંના લેખની સામે મુસ્લિમ લીગના ઓનરરી સેક્રેટરી લિયાક્ત અલી ખાન (જેઓ પછીથી પાકિસ્તાનના પ્રથમ વડા પ્રધાન બન્યા) ઝેર ઓકતી ભાષામાં અખબારી નિવેદન બહાર પાડે છે જે દસમી એપ્રિલના ‘બૉમ્બે ક્રૉનિકલ’ સહિતનાં અન્ય દૈનિકોમાં છપાય છે. નવાબજાદા લિયાક્ત અલી ખાન કહે છે:

‘મિસ્ટર ગાંધી કૉંગ્રેસના ચાર આનાના સભ્ય સુધ્ધાં નથી, છતાં કૉંગ્રેસના સરમુખત્યાર જેવા જ છે. જે રાજકારણી આવી બેવડી ભૂમિકા ભજવે તેને સામાન્ય માણસો કરતાં હંમેશાં ઘણી મોટી સગવડો રહે છે. તેઓ દુનિયા પાસે એમ મનાવવા માગે છે કે મૌલાના અબુલ કલામ આઝાદ કૉંગ્રેસના પ્રમુખ ચૂંટાયા એટલે એ સંસ્થાનું અસલી હિન્દુ સ્વરૂપ બદલાઈ ગયું છે. હું મિસ્ટર ગાંધીને જણાવવાની રજા લઉં છું કે એક ઝાપટું પડે એને કંઈ ચોમાસું બેઠું એવું ન કહેવાય. દુનિયાને આટલી સહેલાઈથી ઉલ્લુ બનાવી શકાતી નથી…’

લિયાક્ત અલી ખાનના આ ઝેરી ઊભરાનો ઉત્તર ગાંધીજીએ ૧૪ એપ્રિલ, ૧૯૪૦ના ‘હરિજનબંધુ’માં આપ્યો. ગાંધીજીના આ જવાબમાંનો માત્ર એક નાનો અંશ વાંચવાથી ભાગલા અંગેના એમના વિચારો સ્પષ્ટ રીતે બહાર આવતા જણાશે. એપ્રિલ ૧૯૪૦ પછીનાં સાત વર્ષો સુધી તેઓ આ જ વિચારો વારંવાર દોહરાવતા રહ્યા. પણ જેઓ આને સમગ્રપણે જોવાને બદલે એમાંની બે વાતોને પૃથક પૃથક રીતે વિશ્ર્લેષણ કરવા લાગ્યા એમના મનમાં ગાંધીજી માટે શંકાઓ પેદા થઈ હોય તો એમાં ગાંધીજીનો શું વાંક? પેલા ઉત્તરનો અંશ:

‘હિન્દના મુસલમાનો હિન્દના ભાગલા પાડવાની જિદ પકડીને બેસી જાય તો એક નિષ્ઠાવાન અહિંસાવાદી તરીકે હું એ જીદનો બળજબરીપૂર્વક સામનો તો ન કરી શકું, પણ એવા અંગવિચ્છેદની ક્રિયામાં હું રાજીખુશીથી ભાગીદાર ક્યારેય ન બનું. એમ થતું અટકાવવા એકેએક અહિંસક ઉપાય હું કરી છૂટું.’

તો પછી ગાંધીજીએ ૧૯૪૭માં એમના અહિંસક શસ્ત્ર એવા ઉપવાસનો ડર કેમ ના દેખાડ્યો? પાંચમી જૂન, ૧૯૪૭ની પ્રાર્થનાસભામાં ગાંધીજીએ આ સવાલનો જે જવાબ આપ્યો ત્યાં સુધી પહોંચતાં પહેલાં આટલું બેકગ્રાઉન્ડ સમજવું જરૂરી હતું.

વધુ કાલે.

—–

આજનો વિચાર

તમે જો તમારા વિચારો માટે લડી ના શકો તો બીજાના વિચારોનો વાંક કાઢવાનો કે એ વિશે ફરિયાદ કરવાનો તમને કોઈ હક્ક નથી.

– ઍય્ન રૅન્ડ

—–

એક મિનિટ!

ગગો: અલા ભગા, તેં તારી સગાઈ કેમ તોડી નાખી.

ભગો: એને કોઈ બૉયફ્રેન્ડ નહોતો.

ગગો: અરે, તો એમાં શું થયું?

ભગો: જે કોઈની ના થઈ શકી, એ મારી શું થવાની?

1 comment for “એક ઝાપટું પડે એને કંઈ ચોમાસું બેઠું એવું ન કહેવાય

  1. Daulatsinh Gadhvi
    October 7, 2014 at 10:31 AM

    I love gujarati my own language.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *