આજના જમાનામાં પુરુષને પચાસ વર્ષની ઉંમર પછી પણ નિરાંતે જીવી શકાય એવો ગૃહસ્થાશ્રમ નથી મળતો

ભગવાને મરવાનું ફરજિયાત ન રાખ્યું હોત તો આજે દાદાના દાદા સાથે બેઠાં બેઠાં તારક મહેતા કા ઊલટા ચશ્મા આપણે જોતા હોત. વિજ્ઞાને માણસનું આયુષ્ય વધારી મૂક્યું છે. એક જમાનામાં પચાસની ઉપર પહોંચેલો પુરુષ ખર્યું પાન ગણાતો. આજે સાઠ-સિત્તેર વર્ષની ઉંમરે અવસાન પામતા પુરુષના ખબર મળતાં સગાંવહાલાં વિચારતા થઈ જાય છે કે આ કંઈ મરવાની ઉંમર ન કહેવાય.

માણસ માટે મરવાની ઉંમર કઈ? ભગતસિંહ, વિવેકાનંદ કે ગુરુદત્ત સાતેક દાયકાનું આયુષ્ય ભોગવ્યા પછી ગુજરી ગયા હોત તો ભારતના રાજકારણમાં, અધ્યાત્મમાં અને ફિલ્મ ઉદ્યોગમાં શું ફરક પડ્યો હોત? મોરારજી દેસાઈ કે ગાંધીજી ભરયુવાનીમાં કે મિડલ એજ દરમિયાન ગુજરી ગયા હોત તો ભારતનો ઈતિહાસ કેટલો જુદો હોત?

વિજ્ઞાનને કારણે વૃદ્ધાવસ્થા હવે પ્રોબ્લેમ રહી નથી. દરેક રોગનો ઈલાજ છે. આમ છતાં શરીર શરીરનું કામ કરે છે. એ તો અસલના જમાનામાં ચોખ્ખું ઘી અને ચોખ્ખું ધાન ખાધું હતું એટલે કાઠું ચાલે છે એવું ગઈ કાલની દાદીમાઓ કહેતી હતી. જોઈન્ટ ફેમિલી. એક ભવ્ય વ્યવસ્થા છે જે શહેરની તનાવપૂર્ણ જિંદગીમાં અમસ્તી જ બદનામ થાય છે. એક વિશાળ ઘરમાં ઘરના વડવા પોતાની ચાર પેઢીનાં ૭૮ સભ્યો સાથે રહેતા હોય એવી ખબર પડે તો ટીવીની ન્યૂઝ ચેનલોના પત્રકારો સ્ટોરી મળશે એમ વિચારીને કેમેરામેન સાથે ત્યાં દોડી જાય છે. હળીમળીને સુખેથી રહેતું સંયુક્ત કુટુંબ સરકસની અજાયબી હોય એવા કુતૂહલથી મીડિયાવાળા પ્રશ્ર્નો પૂછે છે: તમારા આ વિશાળ કુટુંબમાં ક્યારેય ઝઘડો નથી થતો? વાસણ ભેગાં હોય તો ક્યારેક ખખડે પણ ખરાં, વડદાદી જવાબ આપે છે. અસલના જમાનામાં તાંબા, પિત્તળ અને જર્મન સિલ્વરનાં વાસણો આવતાં. એ ખખડતા ત્યારે મંજુલ રણકો સંભળાતો. આજકાલ કટાઈ જાય એવાં સ્ટેનલેસ સ્ટીલનાં, નૉન-સ્ટિક મટીરિયલનાં અને પ્લાસ્ટિકનાં, મેલેમાઈનનાં વાસણો આવે છે. એ ખખડે ત્યારે બોદો અવાજ આવે છે. માણસોનું પણ એવું જ.

સાઠ વર્ષની ઉંમર પછી માણસે જીવવું જોઈએ. ભરપૂર જીવવું જોઈએ. આખી જિંદગી જે નથી કર્યું કે જે નથી થઈ શક્યું તે બધું જ કરવું જોઈએ. પચીસ વર્ષની ઉંમર સુધી માણસ ભણે છે કાં તો ધંધા-નોકરીમાં નવાસવા ટ્રેઈની તરીકે ગોઠવાઈ જવાની વેતરણમાં હોય છે. પચીસ પછી, આપણી પરંપરા મુજબ બ્રહ્મચર્યાશ્રમ પૂરો થાય છે અને ગૃહસ્થાશ્રમ શરૂ થાય છે. પણ આજના જમાનામાં હકીકતે એવું નથી બનતું. પચીસથી પચાસ વર્ષની ઉંમર પાછળ જોયા વિના વૈતરું કરવામાં વીતી જાય છે.

જિંદગીની રૅટ રેસ. હજુ વધારે અને હજુ થોડુંક વધારે કમાઈ લેવાની લાલસા કમર તોડી નાખે છે. ગૃહસ્થાશ્રમ ઘેર ગયો.

પરંપરાગત વાનપ્રસ્થાશ્રમના આરંભ પછી જ ખરાં અર્થમાં જિંદગીની શરૂઆત થતી હોય છે અહીં તો. બાપીકી ગાદી પર ન બેઠા હોય અને સેલ્ફ મેઈડ હોય એવા માણસો પચાસ વર્ષની ઉંમર પછી જિંદગીનો ગૃહસ્થાશ્રમ શરૂ કરી શકે છે. પણ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ચૂક્યું હોય છે. છોકરાં ટીનએજર થઈ ગયા હોય છે. ડૅડીની કંપની એમને ન્યુસન્સ લાગવા માંડે છે.

પત્ની સાથે જે ઉંમરે સંવાદ સાધવાનો હતો તે ઉંમરે સધાયો નહીં અને હવે ખૂબ મોડું થઈ ગયું હોય એવું લાગે છે. જિંદગી ફરી એકડે એકથી જીવવાની હોય તો તમે કેવી રીતે જીવો એવા કોઈકને પુછાયેલા કોઈકના પ્રશ્ર્નનો જવાબ માણસ પોતાના સંદર્ભમાં શોધતો થઈ જાય છે. જિંદગીની કિતાબની બીજી આવૃત્તિ પ્રગટ કરવાની હોય તો હું પહેલી આવૃત્તિમાં રહી ગયેલી પ્રૂફ રીડિંગની ભૂલો સુધારી લઉં એવું કોઈ અંગ્રેજ લેખકે કહ્યું હતું.

પસાચ વર્ષ પછી માણસ જિંદગીમાં સ્થિર થાય છે. અથવા તો એને એવું લાગે છે. સંતાનોની કારકિર્દી, એમનાં લગ્ન, એમનાં નોકરી-ધંધાની પ્રારંભિક તકલીફો.

મારે જે કંઈ સહન કરવું પડ્યું એમાંનું કશું જ મારાં છોકરાઓએ સહન ન કરવું પડે એવું વિચારીને પ્રૌઢ ઉંમરે પહોંચેલો માણસ પચાસથી સાઠ સુધીની જિંદગી પણ વેડફી નાખે છે. દીકરા-દીકરીઓની જિંદગી સુંવાળી કરવા જતાં એની પોતાની જિંદગી ખરબચડી બની જાય છે. એક એક પૈસો બચાવીને પિતા સંતાનો માટે ઈન્વેસ્ટમેન્ટ કરે છે. જે રૂપિયામાંથી પોતે મઝા લઈ શકે છે એ રૂપિયો નેક્સ્ટ પેઢીને મોજમજા માટે સાચવી રાખે છે. અને બદલામાં શું સાંભળવા મળે છે? ‘ફાધર જતાં જતાં પચીસ પેટી મૂકતા ગયા પણ યાર, આજના જમાનામાં આટલા પૈસામાં આવે શું?’ ગધેડા, તને ખબર નથી કે આ પચીસ લાખ બાપાએ કેવી રીતે જમા કર્યા છે, જૂના જમાનાના બા-ફોઈ કોઈને ન સંભળાય એ રીતે બબડે છે.

આજે તમે આ અઠવાડિયે ખંડાલા, આવતા મહિને કુલુ-મનાલી અને દિવાળી આવ્યે મકાઉ-ફુકેટ કર્યા કરો છો પણ તમને ખબર છે કે તમારાં મા-બાપને તમે મથુરા-હરદ્વારની જાત્રાય નથી કરાવી. ચાલ્યા મોટો શૉપિંગ કરવા દુબઈ. ફાઈવસ્ટાર હૉટેલમાં ચા પીને હજારની પત્તી ફેંકી દેતાં દીકરા-વહુને ખબર છે કે એક જમાનો હતો જ્યારે દાદા પાસે પિત્તળની તપેલી ખરીદવાના પૈસા નહોતા અને દિવસો સુધી દાદા-બા નાકા પરની ભટ્ટની રેંકડી પરથી તૈયાર ચા લાવીને અડધી-અડધી પીતાં હતાં?

નાસ્તામાં કૉર્નફ્લેક્સ, જામ અને કોણ જાણે શું શું આરોગતાં પોતરાઓને ક્યાંથી ખબર હોય કે તમારો દાદો તમારી ઉંમરનો હતો ત્યારે પોતાના માબાપ માટે લાવેલું બે આનાના ગાંઠિયાનું પડીકું અભરાઈ પરથી વાંદરો ઉઠાવી જતો ત્યારે પોતે ઉદાસ થઈને જોઈ રહેતો.

દીકરાઓ માટે કે દીકરાનાં સંતાનો માટે સ્ટ્રગલ કરવાની જવાબદારી સાઠ વર્ષ પછી પણ માથે ઊંચકીને ચાલ્યા કરવાનું નહીં. આ ઉંમરે મોડું તો થઈ ગયું છે પણ સાવ મોડું નથી થઈ ગયું-જીવન જીવવાનું. છોકરાઓ પોતાનું ફોડી લેશે. બહુ કર્યું એમના માટે, થોડુંક વધારે પડતું પણ. હવે હરવાફરવાનું, વાંચવાનું, સાંભળવાનું, જોવાનું મનગમતી પ્રવૃત્તિમાં રસ લેવાનો, મનગમતા માણસોને મળવાનું, વેવાઈ સાથે વાત કરવાની મઝા ન આવતી હોય તો વેવાણમાં ઈન્ટરેસ્ટ લેવાનો. પણ જલસાથી જીવવાનું. લાઈફ બીગિન્સ, વન્સ અગેન, ઍટ સિક્સ્ટી.

અને પૂરી ક્યારે થવી જોઈએ લાઈફ? આંકડો પાડીને નિશ્ર્ચિત ઉંમર વૈજ્ઞાનિકો પણ ન કહી શકે. પણ એટલું ખરું કે જીવવાની ઈચ્છા હજુ બાકી હોય ત્યારે મોત આવી જવું જોઈએ. જિજીવિષા વિના જીવ્યા કરવાનો કોઈ અર્થ નથી. પેટ્રોલની ટાંકી સાવ ખાલી થઈ જાય એના કરતાં મુસાફરીના અંત સુધી કાંટો રિઝર્વની નીચે ન જાય એ જ સારું.

(મૅન ટુ મૅન – સૌરભ શાહ, Published in Mumbai Samachar’s ‘Purush’ supplement on Tuesday, 30 September 2014)

3 comments for “આજના જમાનામાં પુરુષને પચાસ વર્ષની ઉંમર પછી પણ નિરાંતે જીવી શકાય એવો ગૃહસ્થાશ્રમ નથી મળતો

 1. M.D.Gandhi, U.S.A.
  October 1, 2014 at 5:27 AM

  બહુ સમજવા જેવો અને સુંદર લેખ છે.

 2. Dharamdas Goradia
  October 1, 2014 at 12:10 PM

  Jindgina Anubhavno Nichod Chee As i continued reading i felt as if my feelings/experience ( I am 70 yrs) iare being echoed I am sure senior citizens will relate with their personal status
  Seminars can be held on this article

 3. જયેન્દ્ર પંડ્યા
  October 1, 2014 at 1:52 PM

  મુરબ્બી શ્રી સૌરભ ભાઈ
  આપનો “આજનાં જમાનામાં પુરુષને પચાસ વર્ષની ઉમર પછી પણ નિરાંતે જીવી શકાય એવો ગૃહસ્થાશ્રમ નથી મળતો ” લેખ ખુબજ ગમ્યો. વિચાર કરી દે તેવો લેખ છે. આજનાં જમાના માં વધારે જીવી તો જવાય છે પણ તે કેવી રીતે જીવાય છે તેને આવરી લીધું છે. દવા ના આધારે જીવન લંબાવાનું ક્યાં સુધી ખરું. પાછુ જીવન લંબાવવું કે જીવન સારી રીતે જીવવું તેની પણ વિમાસણ હોય છે. આજની નવી પેઢી સાથે જીવન લંબાવવું ઘણું કઠણ હોય છે. જેઓ સમૂહ અને અવિભક્ત કુટુંબમાં જીવ્યા ન હોય તેઓને જનરેશન ગેપની તકલીફ પડે છે. જેમ જેમ સમય અને જમાનો બદલાય છે તેમ તેમ જીવન પણ ઘસડાય છે. પહેલાં લોકો જીવન જીવી જાણતા હતા, જીવન નો મર્મ સમજતા હતા હવે આજનો પુરુષ ફક્ત જીવન પાછળ દોડ લગાવી ઘસડાઈ જાણે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *