ભારતના ભાગલા રોકવા ગાંધીજીએ આમરણ ઉપવાસ કર્યા હોત તો?

પાકિસ્તાનને સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવાની માગણીએ છેક ૧૯૩૯-૪૦થી જોર પકડવા માંડ્યું હતું. તે સમયગાળાથી શરૂ કરીને ભાગલાની સત્તાવાર જાહેરાત થઈ ત્યાં સુધીના આ મુદ્દા વિશેના ગાંધીજીના વિચારોને કડીબદ્ધ રીતે રજૂ કરવાનો પ્રયાસ હજુ સુધી ગુજરાતી (કે અંગ્રેજીમાં પણ) ક્યારેય થયો નથી. ગાંધી જયંતીના આ સપ્તાહ દરમ્યાન લખવા ધારેલી મિનિ લેખશ્રેણીમાં સૌપ્રથમ વાર એ કોશિશ થશે.

ગાંધીજીએ ધાર્યું હોત તો તેઓ ભારતના ભાગલા થતા અટકાવી શક્યા હોત, પણ એ પોતે જ ઈચ્છા રાખતા હતા કે ભારત-પાકિસ્તાન જુદાં થાય, બાકી એમણે એ વખતે ઉપવાસ કર્યા હોત તો અંગ્રેજોની તાકાત નહોતી કે જતાં જતાં ભારતને ત્રણ ટુકડામાં વહેંચતા જાય: આવી એક ખૂબ પ્રચલિત લોકહવા દાયકાઓથી ચાલી આવે છે.

આજે પણ લોકો પૂછે છે: ગાંધીજીએ શા માટે ભાગલા માટે મંજૂરી આપી? શા માટે તેઓ આમરણ ઉપવાસ પર ઊતરી ન ગયા? આટલા પ્રશ્ર્નો ઓછા હોય એમ ગાંધીજી પર સીધેસીધું આળ ચડાવવામાં આવે છે કે એમને કારણે જ દેશના ભાગલા થયા. આ બધી વાતો માત્ર એક છાપ છે કે એમાં કશુંક સત્ય છે? શું ખરેખર ગાંધીજી ભારતના ભાગલાની તરફેણમાં હતા? શું તેઓ મુસલમાનોને આખું પાકિસ્તાન આપી દેવા માગતા હતા? અને હજુ એક સવાલ: ગાંધીજીએ ભાગલા વિરુદ્ધ આમરણ ઉપવાસ કર્યા હોત તો શું દેશના ટુકડા થતાં અટકી જવાના હતા?

ભારતને આઝાદી મળી એ વખતથી પુછાતા આવેલા આ પ્રશ્ર્નોના જવાબ તમને ઠેકઠેકાણે નોંધાયેલા હિન્દુસ્તાનના ઈતિહાસમાંથી મળે છે. એની વિગતોને વીણી વીણીને એકસૂત્રે બાંધવાનું કામ કપરું અને ધીરજ માગનારું છે, પણ એટલું જ જરૂરી અને રસપ્રદ પણ છે. આજના લેખમાં તેમ જ હવે પછીના ત્રણ-ચાર હપ્તા દરમિયાન આ પ્રશ્ર્નોના જવાબ સુધી પહોંચવાની કોશિશ કરવાની છે.

૧૯૪૭ની ત્રીજી જૂને લૉર્ડ માઉન્ટબૅટને લંડનથી પાછા આવીને ભારતના ભાગલા કરી પાકિસ્તાનને અલગ રાષ્ટ્ર બનાવવાની સત્તાવાર ઘોષણા કરી. ચોથી જૂને ગાંધીજીને એક ટેલિગ્રામ મળ્યો: ‘બાપુ, છેલ્લા ચારપાંચ દિવસથી તમે મોટે ઉપાડે કહ્યા કરતા હતા કે દબાણ અને ધાકધમકી હેઠળ પાકિસ્તાનને એક ઈંચ પણ ભૂમિ આપવામાં નહીં આવે અને એમણે જે કંઈ મેળવવું હોય તે આપણાં હૃદય જીતીને જ તેઓ મેળવે. હવે જ્યારે પાકિસ્તાન અસ્તિત્વમાં આવી જ રહ્યું છે ત્યારે તમે આમરણ ઉપવાસ પર શા માટે ઊતરતા નથી?’

તારમાં વ્યક્ત થયેલા આ તીખા વ્યંગ અને દર્દભર્યા આક્રોશનો ઉત્તર ગાંધીજીએ સ્વસ્થતાપૂર્વક અને પ્રામાણિકતાથી બીજા દિવસે સાંજે પ્રાર્થનાસભામાં આવી. ગાંધીજીના આ ઉત્તર સુધી પહોંચતાં પહેલાં એક ફ્લેશબૅક જરૂરી છે.

પાર્ટિશન વિશેની ગાંધીજીની નીતિનાં પડ એક પછી એક ખોલતાં પહેલાં ત્રિકોણની બાકીની બે બાજુઓની ચાણક્યનીતિ તથા એ બંને બાજુઓના દાવપેચનો અછડતો અણસાર આ વિષયનું બૅકગ્રાઉન્ડ સમજવામાં મદદરૂપ થશે. આ બે બાજુ એટલે એક ઝીણાની બાજુ અને બીજી બાજુ અંગ્રેજોની. ગાંધીજીનો પારદર્શકતાનો અને પ્રામાણિક વ્યવહારનો ગુણ દેશ માટે નાહકનો બોજ બની જાય એ હદ સુધીનાં ડબલ સ્ટાન્ડર્ડ્સ અંગ્રેજોનાં અને મુસ્લિમ લીગનાં હતાં. કહેવું કંઈક અને કરવું કંઈકની નીતિમાં માનનારા અંગ્રેજોને અભી બોલા અભી ફોકના સૂત્રને જીવનમંત્ર બનાવનારા મોહમ્મદ અલી ઝીણા સાથે સારું ફાવી ગયું હતું, કારણ કે ઝીણાને કારણે જ ભાગલા પાડીને રાજ કરવાની એમની નીતિને કુશળતાપૂર્વક અમલમાં મૂકી શકાતી હતી.

વી. શંકર દ્વારા સંપાદિત સરદાર વલ્લભભાઈ પટેલના પ્રત્રવ્યવહારના ગ્રંથોના એક પેટાવિભાગની પ્રસ્તાવનામાં આ કુટિલ રાજનીતિને ફોડ પાડીને નોંધવામાં આવી છે. ૧૯૪૬થી ૧૯૫૦ના ગાળા દરમિયાન સરદારના સેક્રેટરીની ફરજ બજાવનાર ઈન્ડિયન સિવિલ સર્વિસીઝના બાહોશ અને વિચક્ષણ અફસર વિદ્યા શંકર નોંધે છે: ‘ઝીણાને પોતાની ચાલબાજીમાં બ્રિટિશ સરકારની રાજનીતિને કારણે સીધું યા આડકતરું પ્રોત્સાહન મળતું હતું તે હવે ઈતિહાસને પાને નોંધાયેલી હકીકત છે. વાઈસરૉય લિનલિથગો આ નીતિના સૌથી સક્રિય ટેકેદાર હતા અને ક્યારેક તેના ઘડવૈયા પણ હતા. (લૉર્ડ લિનલિથગો ૧૯૩૬માં વાઈસરૉય તરીકે ભારત આવ્યા અને ખાસ્સાં સાત વર્ષ સુધી, ૨૦ ઑક્ટોબર ૧૯૪૩ સુધી એમણે આ પદ પર રહીને પોતાની કુટિલ રાજનીતિઓનો અમલ કર્યો. – સૌ.શા.). એ રાજનીતિને લીધે પ્રગતિ અને આઝાદીના માર્ગમાં રોડાં નાખવાની નકારાત્મક સત્તા ઝીણાના હાથમાં સોંપાઈ જતી હતી. આમ, આ અર્થમાં બ્રિટિશનીતિ સ્પષ્ટપણે કૉન્ગ્રેસવિરોધી અને મુસ્લિમ લીગ તરફી હતી. બ્રિટિશ સરકારે અખંડ હિન્દુસ્તાન જ હોવું જોઈએ અને એ જ હશે એવી પોતાની પસંદગી અને પોતાની શ્રદ્ધા વારંવાર જાહેર કરી હતી; પણ એમની વાણી તથા એમના વર્તન વચ્ચે, એમના ઉપદેશ અને આચરણ વચ્ચે જમીનઆસમાનનું અંતર હતું. ગાંધીજી અને નહેરુના નેતૃત્વ હેઠળની કૉન્ગ્રેસે પોતાની બાજી કુનેહપૂર્વક અથવા રાજદ્વારી કુશળતાપૂર્વક ન ખેલી તે હકીકતનો ઈનકાર થઈ શકે એમ નથી? વિદ્યા શંકરના આ નિરીક્ષણની પાર્શ્ર્વભૂમિકામાં ભારતના ભાગલા અંગેના ગાંધીજીના વિચારોને તપાસીએ, આવતી કાલે.

આજનો વિચાર

કમજોર વ્યક્તિ ક્ષમા નહીં આપી શકે. એ કામ મજબૂત માણસો જ કરવાના.

– મહાત્મા ગાંધી

એક મિનિટ!

વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે મંગળ પર બરફ અને પાણી છે.

સરસ. હવે આપણે માત્ર વ્હિસ્કી અને શિંગનાં ભજિયાં જ લઈ જવાનાં.

બધી વાતે કંઈ વૈજ્ઞાનિકો પર આધાર નહીં રાખવાનો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *