સો શબ્દની વાર્તા અને ઈ-બુકનો જમાનો

2ગુજરાતી લેખકો અને પ્રકાશકો પુસ્તક લૉન્ચિંગના કાર્યક્રમને ‘લોકાર્પણ’ કહીને છાશ લેવા જાય છે અને દોણી સંતાડે છે. અંગ્રેજીવાળા આને બુક પ્રમોશનનો કાર્યક્રમ કહે છે. પહેલેથી જ સ્પષ્ટ કરે છે કે ભાઈ, આ કાર્યક્રમ નવું રિલીઝ થતું પુસ્તક વેચવા માટે યોજ્યો છે. મારે હિસાબે હવે ગુજરાતીમાં ‘લોકાર્પણ’ કે ‘પુસ્તક ઉદ્ઘાટન’ જેવી હોલીઅર ધૅન ધાઉ અભિવ્યક્તિ બંધ કરી દેવી જોઈએ.

જેફ્રી આર્ચરે ચાળીસ મિનિટના વક્તવ્યની શરૂઆત કરી સ્ક્રીન પર પોતાની એક વાર્તા વંચાવીને. રીડર્સ ડાયજેસ્ટ મૅગેઝિનના આમંત્રણથી જેફ્રી આર્ચરે ૧૦૦ શબ્દની ટૂંકી વાર્તા લખવાની હતી. સામાન્ય રીતે ટૂંકી વાર્તા હજારથી માંડી ત્રણેક હજાર શબ્દની હોય છે. સુરેશ જોષીએ ‘વિદુલા’ અને ચંદ્રકાંત બક્ષીએ ‘મીરાં’ નામની ટૂંકી વાર્તા અલમોસ્ટ લઘુનવલની સાઈઝની લખી હતી. સુંદર લખી હતી. ગુજરાતીમાં સોએક શબ્દની ટૂંકી વાર્તાને લઘુ કથા કહે છે. પણ લઘુ કથાનું સ્વરૂપ ક્લાસિક ટૂંકી વાર્તાથી જુદું પડે છે. ઓ’ હેન્રી કે ધૂમકેતુ લખતા એવી ક્લાસિક ટૂંકી વાર્તામાં સ્ટાન્ડર્ડ નવલકથાની માફક આદિ (શરૂઆત), મધ્ય અને અંત હોવા જોઈએ. જોકે, આધુનિક સાહિત્યવાળાઓ આવાં કોઈ બંધન વિના પણ લખતા હોય છે જેમાં ક્યારેક ઘનશ્યામ દેસાઈ કે પ્રબોધ પરીખની જેમ સુંદર પરિણામ આવતું હોય છે. ક્યારેક ઢંગધડા વિનાનું સર્જન થતું હોય છે જેનાં ઉદાહરણો આપવા જઈશું તો લેખ એમાં જ પૂરો થઈ જશે.

જેફ્રી આર્ચરે સ્ક્રીન પર ‘યુનિક’ નામની પોતે લખેલી ૧૦૦ શબ્દની વાર્તા વંચાવીને કહ્યું કે શરત મુજબ માત્ર મારે સો જ શબ્દ લખવાના હતા અને એમાં સંપૂર્ણ વાર્તા કહી દેવાની હતી. પહેલા ડ્રાફટમાં ૧૩૮ શબ્દ થયા. બીજા ડ્રાફટમાં ૧૦૬ શબ્દ થયા. ત્રીજો ડ્રાફટ કર્યો ત્યારે ૯૮ શબ્દ થયા. છેલ્લા ડ્રાફટમાં બે શબ્દ ઉમેરીને ૧૦૦ શબ્દની વાર્તા લખી.

હાજર રહેલા તમામ શ્રોતાઓએ સ્ક્રીન પર એ વાર્તા વાંચી લીધી, પછી જેફ્રી આર્ચરે પોતાના અવાજમાં સૌને વાંચી સંભળાવી અને સવાલ પૂછયો, ‘આ વાર્તાના ત્રીજા ડ્રાફટમાં ૯૮ શબ્દ થયા પછી મેં કયા બે શબ્દ ઉમેર્યા, કોઈ કહી આપશે?’ મેં તરત જ હાથ ઊંચો કર્યો. પણ એ પહેલાં, મારી બાજુમાં જ ઊભેલા, જેફ્રી આર્ચરનું ધ્યાન પાછળની હરોળમાં બેઠેલી એક કન્યા તરફ ગયું. લેખકોને સ્ત્રીવાચક સૌથી પહેલાં દેખાય એ સ્વાભાવિક છે. આ ઉંમરના લેખકોને પણ. જેફ્રી આર્ચરે મારા તરફ જોઈને ‘યુ વિલ બી સેક્ધડ…’ કહીને પેલી છોકરીને જવાબ આપવાનું કહ્યું. છોકરીએ કહ્યું, ‘યુનિક.’ જેફ્રી આર્ચર કહે કે એ તો શીર્ષક જ છે અને આમેય આ એક જ શબ્દ થયો. મેં બે શબ્દ ઉમેર્યા છે. પછી મને ઈશારો કરીને કહે: ‘યસ, યૉર ટર્ન…’

મારી ધારણા મુજબના બે શબ્દ કહ્યા અને તરત જ જેફ્રી આર્ચરે મારો ખભો દાબીને કહ્યું: ‘ધિસ ઈઝ ધ રાઈટ આન્સર!’ આપણે ખુશ ખુશ. મોઢું મલકાઈને લાડવા જેવું થઈ ગયું. આર્ચરની મૂળ અંગ્રેજી વાર્તા વાંચવા જેવી છે. અહીં જગ્યાના અભાવે મૂકતો નથી પણ એ વાર્તા અને મને એનો ગુજરાતી અનુવાદ પણ (સો જ શબ્દમાં) મેં મારા બ્લૉગ પર મૂક્યો છે. લાડવાવાળી મોમેન્ટનો મારો અને જેફ્રીદાદાનો ફોટો પણ મૂક્યો છે. પેલા બે શબ્દો કયા હતા તે અને આ ૧૦૦ શબ્દની વાર્તાના શબ્દમાં આર્ચરે શું શું કહ્યું તે પણ બધું લખ્યું છે.

અહીં એ ફંક્શનની વાત આગળ ચલાવીએ. જેફ્રી આર્ચરે કહ્યું કે પુસ્તક પ્રકાશનની દુનિયામાં ક્રાંતિ આવી રહી છે. અમેરિકામાં આવી ગઈ, બ્રિટનમાં આવી ગઈ અને હવે ઈન્ડિયામાં પણ આવી રહી છે. આ રિવોલ્યુશનનું નામ છે: ઈ-બુક.

આ કૉલમના બધા જ વાચકોને ઈ-બુક વિશે જાણકારી ન હોય તે સ્વાભાવિક છે. અમે પોતે પણ મોડા મોડા આ ક્રાંતિમાં વાચક તરીકે જોડાયા છીએ, ભવિષ્યમાં લેખક તરીકે જોડાઈશું. ઈ-બુકને તમે તમારા કૉમ્પ્યુટર પર કે આઈ-પેડ કે સ્માર્ટ ફોન કે કિન્ડલ જેવા રીડર પર ડાઉનલોડ કરીને વાંચી શકો છો. હવે તો નવી પ્રગટ થતી બુક્સ પણ એમેઝોન કે ફ્લિપકાર્ટ પર ઈ-બુક તરીકે વેચાતી મળે છે. મેં આ બંને નેટશૉપ્સ પરથી વિનામૂલ્યે મળતી કૉપીરાઈટ-મુક્ત થઈ ગયેલી ઈ-બુક્સ ડાઉનલોડ કરી છે જેમાં ચાર્લ્સ ડિક્ધસ, માર્ક ટ્વેઈન, જુલે વર્ન વગેરે પણ છે. કિન્ડલની ઍપમાં આ ઈ-બુક વાંચવાની મઝા કંઈક ઔર જ છે. એમાં તમે હાઈલાઈટ કરી, અંડરલાઈન કરી શકો, માર્જિનમાં તમારી નોંધ કરી શકો, ફોન્ટ બદલી શકો, અક્ષર નાનામોટા કરી શકો, વાક્યોની લંબાઈ ઓછી-વત્તી કરી શકો, ધારો તે પાનાં પર તરત જઈ શકો વગેરે ઘણી બધી સગવડો છે. કિન્ડલના રીડર પર એક સાથે તમે એક હજાર કરતાં વધુ બુક્સ મૂકી શકો. વિચાર કરો, પાતળી પોકેટ બુક સાઈઝની ડાયરીમાં હજાર પુસ્તકોની લાઇબ્રેરી જ્યાં લઈ જવી હોય ત્યાં લઈ જઈને વાંચો. ગુજરાતીમાં ઈ-બુક્સના નામે પીડીએફ ફાઈલમાં ઢાળેલી બુક્સ મળે છે. પણ આગળ જે વર્ણન કર્યું તેવી ઈ-બુક્સ અત્યારે ગુજરાતીના મેજર પ્રકાશકો તૈયાર કરી રહ્યા છે. ટૂંક સમયમાં જ મુન્શી, મેઘાણી અને ગુણવંતરાય આચાર્યથી માંડીને ચંદ્રકાંત બક્ષી, ગુણવંત શાહ, કાજલ ઓઝા – વૈદ્ય અને જય વસાવડા સુધીનાં લેખકોનાં પુસ્તકોને ગુજરાતી વાચકો ઈ-બુકરૂપે વાંચી શકશે અને એની કિંમત એમનાં છપાયેલાં પુસ્તકો કરતાં ઓછી હશે, ઈન્શાલ્લા.

જેફ્રી આર્ચરે કહ્યું કે મારી નવી છપાયેલી બુક (હાર્ડ કવરમાં) ૨૦ પાઉન્ડમાં વેચાય છે જ્યારે એમેઝોન ડૉટ કૉમ પદથી એ માત્ર સાડા આઠ પાઉન્ડમાં ઈ-બુક સ્વરૂપે વેચાય છે. ફકત ચાળીસ ટકા ભાવે વેચાય છે. આ જ પુસ્તક પેપરબેકમાં પ્રગટ થાય ત્યારે? એની ૭ પાઉન્ડની કિંમત હોય છે. પણ હાર્ડ કવરમાં છપાયા પછી પેપરબેકને પ્રગટ થતાં વાર લાગતી હોય છે. એટલે વાચકો હવે વિચારે છે કે અમારે એટલી રાહ નથી જોવી અને લગભગ પેપરબેકના જ ભાવે મળતી ઈ-બુક ખરીદી લેવી છે. આને કારણે અંગ્રેજીમાં ઈ-બુકનું વેચાણ વધતું જાય છે.

જેફ્રી આર્ચરે કહ્યું કે ૨૦૧૧માં ‘ક્લિફટ્નક્રૉનિકલ્સ’ સિરીઝની મારી પહેલી નવલકથા ‘ઓન્લી ટાઈમ વિલ ટેલ’ના કુલ વેચાણમાંથી ૯૫ ટકા વેચાણ છપાયેલી નકલોનું હતું અને માત્ર પાંચ ટકા વેચાણ ઈ-બુકનું હતું. આ જ સિરીઝની બીજી નવલકથા ગયા વર્ષે પ્રગટ થઈ ત્યારે ઈ-બુક્સનું વેચાણ ૧૪ ટકા થયું અને આ વર્ષે ત્રીજી નવલકથાનું વેચાણ ૨૬ ટકા થશે. આની સામે પેપરબેકનું વેચાણ સાત ટકા ઘટ્યું છે.

જેફ્રી આર્ચરે કહ્યું કે હું કિન્ડલ રીડર વાપરું છું કારણ કે મારે મારા ક્ષેત્રમાં શું ચાલી રહ્યું છે એ બાબતે અપ્ડેટેડ રહેવાનું હોય. હું ચોક્કસ માનું છું કે છપાયેલું પુસ્તક વાંચવાની મઝા, એનાં પાનાં ફેરવવાની મઝા જુદી જ છે. પણ ઈ-બુકનો જમાનો આવી ગયો છે તે પણ હકીકત છે.

ક્ધિડલ રીડર માટે જેફ્રી આર્ચરની ‘કેન ઍન્ડ એબલ’ની ઈ-બુક માત્ર વીસ પેન્સમાં વેચાય છે પણ આર્ચરને રૉયલ્ટી પેટે એના ત્રણ પાઉન્ડ મળે છે. શા માટે? સોમવારે.

4 comments for “સો શબ્દની વાર્તા અને ઈ-બુકનો જમાનો

 1. Dhiren Nalwala
  March 16, 2013 at 12:39 AM

  Sir, Lekhak Banwani Tips wala Article Post karo ne

 2. March 16, 2013 at 12:52 AM

  જરૂર કરીશ.

 3. DINESH PATEL
  March 17, 2013 at 9:15 AM

  writer thril we feel with in your blog.
  Fantastic go in new world……………………

 4. kotecha hiten
  March 26, 2013 at 3:26 PM

  dearest friend
  can u suggest 10 best of jefrry archer in eyes of u

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *