ચૂકવું બધાનું દેણ, જો નૉવેલ બેસ્ટસેલર બને

5દુનિયાના ૯૭ દેશોમાં અને ૩૭ ભાષાઓમાં જેફ્રી આર્ચરની નવલકથાઓ પ્રગટ થઈ છે. આ ૩૭માંની એક ભાષા ગુજરાતી પણ છે. તેનઝિંગ અને હિલેરીએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું. એવું મનાય છે કે એના દાયકાઓ પહેલાં જયૉર્જ મેલરી એવરેસ્ટની ટોચે પહોંચ્યો હતો પણ પાછા આવતી વખતે એનું મોત થયું. આ બનાવના આધારે જેફ્રી આર્ચરે ‘પાથ્સ ઑફ ગ્લોરી’ નવલકથા લખી જે ગુજરાતીમાં ટ્રાન્સલેટ થઈ છે. આ ઉપરાંત પંદર-સત્તર વર્ષ પહેલાં કેતન મિસ્ત્રીએ ‘શૅલ વી ટેલ ધ પ્રેસિડેન્ટ’ નવલકથાનો ગુજરાતી અનુવાદ કર્યો હતો જે જાફર તિરંદાજના નામે ‘સમાંતર’ દૈનિકમાં રોજની ધારાવાહિકરૂપે પ્રગટ થયો હતો.

જેફ્રી આર્ચરની જિંદગીની કથા એમની નવલકથાઓના પ્લૉટ જેવી છે. જેફ્રી આર્ચર પાંચ વર્ષ માટે ઈંગ્લેન્ડની લોકસભા (હાઉસ ઑફ કૉમન્સ)માં હતા, ૧૪ વર્ષ માટે ઈંગ્લૅન્ડની રાજ્યસભા (હાઉસ ઓફ લૉડ્સ)માં હતા અને બે વર્ષ માટે ઈંગ્લૅન્ડની વિવિધ જેલોમાં સજા પામેલા કેદી તરીકે હતા.

દોડવાનો શોખ એમને પહેલેથી જ. ઑક્સફર્ડમાં ભણતા ત્યારે યુનિવર્સિટી ઍથ્લેટિક્સ ક્લબના પ્રેસિડેન્ટ હતા. ૧૯૬૬માં ૧૦૦ યાર્ડ (૯૧.૪૪ મીટર)નું અંતર ૯ પોઈન્ટ ૬ સેક્ડ્સમાં દોડ્યા હતા.

ત્રણ વર્ષ પછી, ૨૯ વર્ષની ઉંમરે મેમ્બર ઑફ પાર્લામેન્ટ બન્યા. એ ગાળામાં એમણે બૅન્ક ઑફ બોસ્ટનની સલાહથી ઍક્વાબ્લાસ્ટ નામની કેનેડિયન કંપનીમાં ઘણું મોટું રોકાણ કર્યું. કંપની ફડચામાં ગઈ. આર્ચરના માથે સવા ચાર લાખ પાઉન્ડનું દેવું થઈ ગયું. પોતે દેવાળું કાઢવું પડે એવી સ્થિતિ આવીને ઊભી રહી. દેવાદારોને એકેએક પાઈ ચૂકતે કરી દેવાની દાનત હતી પણ પૈસા ક્યાંથી લાવવા? જેફ્રી આર્ચરે એક નવલકથા લખીને નાણાં કમાવવાનું નક્કી કર્યું. આ પહેલાં આવું કશું લખ્યું નહોતું. નવલકથાનો પ્લૉટ તૈયાર થયો. અડધે સુધીની નવલકથા જાતઅનુભવ પરથી હતી. કોઈ ફ્રૉડ કંપનીમાં રોકેલા નાણાં કેવી રીતે ડૂબી જાય છે એની વાત. બાકીની અડધી નવલકથા કાલ્પનિક. જે નાણાં ડૂબ્યા છે એને એ જ માણસ પાસેથી પાછા કેવી રીતે મેળવવા. કાયદાનું ઉલ્લંઘન કર્યા વિના પેલા ઠગ પાસેથી એકેએક પાઈ વસૂલ કરવી. એમાં કોઈ સમાધાન નહીં. આપણે પૈસો વધારે નથી જોઈતો અને એક પૈસો ઓછો પણ નથી લેવો. ‘નોટ અ પેની મોર, નોટ અ પેની લેસ’ ૧૯૭૬માં પ્રગટ થઈ. અને હિંદી ફિલ્મોની ભાષામાં કહીએ તો જેફ્રી આર્ચરની નીકલ પડી. એક વર્ષ પછી બીજી નવલકથા લખી. ફ્રેડરિક ફોર્સીથે ‘ડે ઓફ ધ જૅકલ’માં એ પ્લૉટ વાપરી લીધો હતો. દેશના પ્રેસિડેન્ટની હત્યાનું કાવતરું. જેફ્રી આર્ચરે એ જ વનલાઈન સ્ટોરી પરથી એકદમ નિરાળી વાર્તા લખી: ‘શૅલ વી ટેલ ધ પ્રેસિડેન્ટ.’

૧૯૭૯માં રિયલ બ્રેક મળ્યો. ‘કેન ઍન્ડ એબલ’ પ્રગટ થઈ. જેફ્રી આર્ચરની ખ્યાતિ આ નવલકથા પછી રાજાની કુંવરીની જેમ દુનિયાભરમાં વધતી ગઈ. રાતે ન વધે એટલી દિવસે ને દિવસે ન વધે એટલી રાતે. આર્ચર ‘રાતોરાત’ બેસ્ટ સેલર રાઈટર બની ગયા. ખૂબ કમાણી થવા માંડી. પબ્લિશરોમાં એમની નવલકથા છાપવા માટે પડાપડી થવા માંડી.

આર્ચરે એ પછીના વર્ષે પોતાનું નવું પાસું પ્રગટ કર્યું – ટૂંકી વાર્તાના લેખક તરીકેનું. નૉર્મલી બેસ્ટ સેલર નવલકથાઓના લેખક સ્ટ્રગલર હોય ત્યારે અહીંત્યાં ટૂંકી વાર્તા લખીને પૈસા રળી લે. એસ્ટાબ્લિશ થઈ ગયા પછી ભાગ્યે જ તેઓ ટૂંકી વાર્તા પર હાથ અજમાવે. ૧૯૮૦માં જેફ્રી આર્ચરનો પ્રથમ વાર્તા સંગ્રહ ‘ક્વિર ફુલ ઓફ એરોઝ’ પ્રગટ થયો. આર્ચર અર્થાત તીરંદાઝ કે ધનુષ્યધારી અટક એટલે સંગ્રહના નામમાં એરોઝ (તીર)થી ભરેલું ક્વિર (ભાથું) શબ્દો સામેલ કરી દીધા.

એ પછી છેક નવ વર્ષે બીજો વાર્તાસંગ્રહ આવ્યો: ‘અ ટ્વિસ્ટ ઈન ધ ટેલ’. આમાં ટેલ (tail) એટલેપૂંછડી નહીં પણ ટેલ (tale) એટલે વાર્તા! ૨૦૧૦ સુધીમાં કુલ સાત વાર્તાસંગ્રહ જેફ્રી આર્ચરે આપ્યા.

૨૦૧૧માં એમની સોળમી નવલકથા પ્રગટ થઈ. આપણે ત્યાં હજુ પણ ધારાવાહિક નવલકથાઓ લખાય છે અને છપાય છે. અંગ્રેજીમાં ટોચના રાઈટરો ધારાવાહિક લખવામાં ઝાઝું પડતા નથી. એક જમાનામાં, આજથી દોઢસો વરસ પહેલાં ચાર્લ્સ ડિક્ધસે ધારાવાહિક નવલકથાઓ જ લખી – ‘ગ્રેટ એક્સપેક્ટેશન્સ’, ‘અ ટેલ ઓફ ટુ સિટીઝ’ વગેરે. અને તે પણ પોતે જ શરૂ કરેલાં સાપ્તાહિકોમાં. હવેના અંગ્રેજી સાપ્તાહિકો કે દૈનિકોની રવિવારની પૂર્તિઓમાં આ ટ્રેન્ડ નથી.

આમ છતાં આ યુગના ત્રણ મહાન અંગ્રેજી લેખકોએ અલગ પ્રકારે ધારાવાહિક નવલકથા લખી છે. અમેરિકન બેસ્ટસેલર રાઈટર સ્ટીફન કિંગે પોતાના પબ્લિશરના આગ્રહથી ૧૯૯૫-૯૬ના ગાળામાં ‘ધ ગ્રીન માઈલ’ લખી. આ નવલકથાનો દર મહિને એક-એક ભાગ પુસ્તકરૂપે પ્રગટ થતો. જેમ જેમ લખાય એમ એમ છપાતી જાય. છ મહિનાને અંતે છ નાનાં પુસ્તકોના ભાગ બજારમાં વેચાઈ ગયા પછીસાડા ચારસો પાનાંની સળંગ નવલકથાનું પુસ્તક પ્રગટ થયું. સ્ટીફન કિંગની આ નવલકથાનું બેકગ્રાઉન્ડ પણ જેલનું જ છે. એમની લાંબી ટૂંકી વાર્તા ‘રિટા હેવર્થ ઍન્ડ શૉ શૅન્ક રીડેમ્શન’ પરથી ખૂબ જાણીતી થયેલી ફિલ્મ બની છે તે તમે જાણો જ છો. એ વાર્તા અને ફિલ્મ પણ જેલના બેકગ્રાઉન્ડ પર છે.

સ્ટીફન કિંગ પછી બ્રિટનનાં જે. કે. રોલિંગે હૅરી પૉટરના સાત પાર્ટ લખ્યા. જોકે, એક રીતે જુઓ તો આ દરેક પાર્ટ સ્વતંત્ર પણ ખરા અને દરેકની સિક્વલ પણ ખરી. એટલે આને સળંગ એક જ નવલકથા છે એવું ન કહેવાય. છતાં.

૨૦૧૧માં જેફ્રી આર્ચરે ‘ધ ક્લિફ્ટન ક્રોનિકલ્સ’ સિરીઝ હેઠળ પહેલી નવલકથા લખી: ‘ઓન્લી ટાઈમ વિલ ટેલ’. બીજા વર્ષે આ જ સિરીઝની ‘ધ સિન્સ ઓફ ધ ફાધર’ આવી. આ નવલકથાઓના અંત નાટ્યાત્મક હોય અને એક વરસ સુધી નવી નવલકથા પ્રગટ ન થાય ત્યાં સુધી સસ્પેન્સ જીરવવું મુશ્કેલ બની જાય તેવો હોય. આ સિરીઝની પાંચ નવલકથાઓ આવશે એવું જેફ્રી આર્ચરે પહેલી જ નવલકથા વખતે જાહેર કર્યું હતું. મુંબઈની ઈવેન્ટમાં ત્રીજો ભાગ ‘બેસ્ટ કેપ્ટ સીક્રેટ’ રિલીઝ કરતી વખતે એમણે સૌ પ્રથમ વાર જાહેરમાં કહ્યું કે પાંચ ભાગમાં વાર્તા પૂરી નહીં થાય, સાત ભાગ કરવા પડશે!

લાગે છે કે અમારાથી પણ બે-ત્રણ હપ્તામાં જેફ્રી આર્ચરની વાત પૂરી નહીં થાય.

7 comments for “ચૂકવું બધાનું દેણ, જો નૉવેલ બેસ્ટસેલર બને

 1. March 15, 2013 at 2:47 PM

  saurabhbhai,

  gandhibhai vise kaik lakho to ghanu saaru.

 2. March 15, 2013 at 2:55 PM

  I have written about Gandhibhai a lot. An that too many years ago. Please search this blog. Also pl search in bombaysamachar.com archives dated 19 feb 2013 and days around this date for some of the latest articles on him. Thanks for your interest in knowing more about Gandhibhai. Meanwhile, enjoy this series on Jeffrey Archer and comment about it.

  • Maulik Choksi
   April 25, 2013 at 7:43 PM

   Dear Saurabhbhai..Would you like to change your photo (which is very old ) I feel you look great in silver hair and beard.

 3. tapan
  March 16, 2013 at 8:59 AM

  a2z navu.thank u.

 4. Kalpesh Shah
  April 8, 2013 at 8:42 PM

  Saurabhbhai,

  My family is a reader of Mumbai Samachar. And I really like the quality of depth of your column “Good Morning”.

  Is it possible for you to post the same on your blog, as it will serve to be a great archive for lot of people who are connected to you by internet.

  Keep writing. You inspire a lot of Mumbai folks for sure 🙂

 5. pradip mankad
  August 8, 2014 at 2:30 PM

  I have recently seen the movie. The green mile. Brilliant acting by my fav. actor Tom Hanks .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *