ખૂબ પ્રતિષ્ઠા, ખૂબ પૈસો, ખૂબ મિત્રો અને દુશ્મનો પણ

6નવલકથાને પુસ્તકરૂપે ધારાવાહિક પ્રગટ કરવાની બાબતમાં સ્ટીફન કિંગ, જે. કે. રોલિંગ અને જેફ્રી આર્ચર કરતાં પણ આપણા ગુજરાતી લેખક ઘણા જૂના કહેવાય. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીએ ૧૮૮૭માં ‘સરસ્વતીચંદ્ર’નો પહેલો ભાગ પ્રગટ કર્યો અને ૧૯૦૨માં ચોથો અને છેલ્લો ભાગ.

જેફ્રી આર્ચર ઉપરાંત ઈ. એલ. જેમ્સે ‘ફિફ્ટી શેડ્સ’ની ટ્રિયોલોજી લખી છે. સ્વીડિશમાંથી ઈંગ્લિશમાં આવેલી સ્ટીગ લાર્સનની ‘ધ ગર્લ વિથ ધ ડ્રેગન ટેટુ’ની ટ્રિયોલોજી તો ૨૦૦૫માં આવી ગઈ. પાંચ (અને હવે સાત) ભાગમાં નવલકથા લખનારા લેખકોમાં જેફ્રી આર્ચરનો પણ સમાવેશ થશે. દરેક ભાગ પાછો પોણા ચારસો-ચારસો પાનાંનો.

કૉલેજકાળમાં ‘કેન ઍન્ડ એબલ’ સૌથી પહેલાં વાંચી. પછી ‘શૅલ વી…’, ત્યાર બાદ ‘નૉટ અ પેની…’ અને એ પછી જેફ્રી આર્ચરનાં જેટલાં પુસ્તકો આવતાં ગયાં તે બધાં જ વંચાતાં ગયાં અને મારી પર્સનલ લાઈબ્રેરીને સમૃદ્ધ કરતાં ગયાં. એ ગાળામાં મારિયો પૂઝો, એરિક સેગલ, ઈરવિંગ વૉલેસ, ફેડરિક ફોર્સીથ, આર્થર હેડલી, રોબર્ટ લુડલમ પણ બહુ ગમતા. પછી એમાં નિકોલસ સ્પાર્કસ, જ્હૉન ગ્રિશમ વગેરે ઉમેરાતા ગયા. ચાર્લ્સ ડિક્ધસ અને માર્ક ટવેઈન જેવા ક્લાસિક લેખકોની સાથે આ બધા ક્ધટેમ્પરરી પૉપ્યુલર ફિકશન રાઈટરોની સરખામણી કર્યા વિના સૌને એમની આગવી શૈલી માટે ચાહતો થયો. પણ આ બધામાં કોણ જાણે કેમ જેફ્રી આર્ચરની કૃતિઓ માટે ગજબનું આકર્ષણ રહેતું. એવું નથી કે આ બધા કરતાં જેફ્રી આર્ચર સારું લખે છે. એવું પણ નહોતું કે બાકીનાઓની નવલકથાઓ આર્ચર કરતાં ઉતરતી લાગતી. પણ બસ, જેફ્રી આર્ચરની કલમ માટે છેલ્લા સાડા ત્રણ દાયકાથી કંઈક વિશેષ ભાવ રહ્યો છે.

અને એટલે જ સોમવાર, ૧૧મી માર્ચની સાંજે એમને જોયા, એમના સવાલનો જવાબ આપ્યો, એમને સવાલ પૂછયો, એમનો ઑટોગ્રાફ લીધો, એમની સાથે ફોટો પડ્યો. આ તમામ ક્ષણો દરમિયાન લાગતું હતું કે જીવનની આ સૌથી ધન્ય ક્ષણો છે. આ હદ સુધી કોઈને મળવાની ઈચ્છા હવે રહી નથી. જેફ્રી આર્ચરને મળીને એમને સાંભળીને એ બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ. એમના સાંનિધ્યમાં ગાળેલા દોઢ કલાકની ખૂબ ઈન્સપાયરિંગ વાતો તમારી સાથે શૅર કરતાં પહેલાં મારે એમના જીવન વિશેની બાકી રહી ગયેલી વાત પૂરી કરી લેવી છે.

જેફ્રી આર્ચર વિશે આટલાં વર્ષોમાં મેં ખૂબ વાંચ્યું છે. મને ખબર છે કે લંડનમાં થેમ્સ નદીને કિનારે એમનો વિશાળ અપાર્ટમેન્ટ છે જ્યાંથી બિગ બેન ટાવર અને ઈંગ્લેન્ડનું પાર્લામેન્ટ હાઉસ દેખાય છે. મને ખબર છે કે એમણે લેખક બનતાં પહેલાં ચિત્રો-શિલ્પો વેચતી ‘જેફ્રી આર્ચર આર્ટ ગૅલેરી’ શરૂ કરી હતી જે બે વરસમાં ખોટ ખાઈને બંધ કરી દીધી. મને ખબર છે કે આજની તારીખે એ ખૂબ મોટા આર્ટ કલેકટર છે, કરોડો રૂપિયાનું મૂલ્ય ધરાવતાં ચિત્રો, શિલ્પો તથા ઍન્ટિક વસ્તુઓ એમના સંગ્રહમાં છે. આવી ચીજોની લિલામીના ફંક્શનમાં ઘણીય વખત તેઓ પોતે જાતે લિલામની બોલી લગાવડાવે, હાઈએસ્ટ બિડરની રકમને લાકડાનો હથોડો મારીને ફાઈનલ કરે અને આ બધું માત્ર ચૅરિટી માટે કરે. નાટકોનો એમને જબરો શોખ છે. લંડનમાં ભજવાતાં અનેક નાટકોમાં એમણે ઈન્વેસ્ટમેન્ટ પણ કર્યું છે. લંડનની પ્રતિષ્ઠિત ક્રિકેટ ક્લબમાં સભ્ય છે અને ટેસ્ટ ક્રિકેટ જોવાનો ગાંડો શોખ છે. લંડન ઉપરાંત કૅમ્બ્રિજમાં પણ એમનું ઘર છે પણ લખવા માટે તેઓ સ્પેનના ટાપુ પર વસાવેલા પોતાના ઘરના એકાંતમાં જતા રહે છે. ખૂબ પ્રતિષ્ઠા છે, ખૂબ પૈસો છે, ખૂબ મિત્રો છે અને દુશ્મનો પણ.

રાજકારણમાં હતા. જમણેરી ક્ધઝર્વેટિવ પાર્ટીમાં. પક્ષના વાઈસ પ્રેસિડેન્ટપદે પહોંચી ગયા હતા. લંડનના મેયર બનવાની તૈયારીમાં હતા.

એક સ્કૅન્ડલ બહાર આવ્યું. લંડનના એક મોટા દૈનિકે રિપોર્ટ છાપ્યો કે લૉર્ડ જેફ્રી આર્ચરે એક બજારુ ઔરત સાથે હૉટેલમાં રાત ગાળી. એ સ્ત્રીને જ્યારે ખબર પડી કે પોતે કેવડી મોટી સેલિબ્રિટી સાથે હતી ત્યારે એણે આર્ચરને બ્લેકમેલ કર્યા. આર્ચરે એને મોટી રકમ આપીને ચૂપ કરી દીધી.

શૉકિંગ ન્યૂઝ હતા. ખળભળાટ મચી ગયો.

જેફ્રી આર્ચરે એ છાપા પર લાખો પાઉન્ડનો દાવો ઝીંકી દીધો. વરસો સુધી આ માથાકૂટ ચાલી. જેફ્રી દાવો જીતી ગયા. લાખો પાઉન્ડ મળ્યા, જેની ચૅરિટી કરી દીધી. શાંતિ થઈ ગઈ. પણ આ શાંતિ જબરદસ્ત આંધી પહેલાંની શાંતિ હતી.

રૂપર્ટ મર્ડોકના ‘ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ’ અખબારમાં છપાયું કે જેફ્રી આર્ચરે આ બદનક્ષીના કેસ વખતે કૉર્ટમાં સોગંદ ખાઈને જે માહિતી આપી તેમાં ચૂક હતી. જેફ્રી આર્ચર કોઈ ટેક્નિકલ બાબતે ગોથું ખાઈ ગયા હતા એટલી જ વાત હતી. પણ રાજકારણમાં તેમ જ એક છાપા સામે લાખો પાઉન્ડનો લાયબલ કેસ જીતેલા એટલે મિડિયાના અમુક લોકોમાં પણ, એમના કટ્ટર દુશ્મનો અનેક હતા. ટેક્નિકલ ગ્રાઉન્ડ પર જેફ્રી આર્ચરે ચૂક કરેલી હતી એટલું ચોક્કસ. સોગંદ ખાઈને કૉર્ટમાં જુઠ્ઠું બોલવાના આરોપસર એમની સામે કૉર્ટમાં કેસ થયો. પર્જરીના આ કેસમાં આર્ચરને કૉર્ટે ચાર વરસની કેદની સજા ફરમાવી. એ ગાળો ૨૦૦૧ની સાલનો. ૧૯ જુલાઈ ૨૦૦૧થી ૨૧ જુલાઈ ૨૦૦૩ સુધી એમને જેલમાં રહેવું પડ્યું. બે વર્ષની સજા પછી સારી ચાલચલગત રાખવાની શરતે એમને બાકીની સજા કાપવામાંથી મુક્તિ મળી. તેઓ પાછા રેગ્યુલર જિંદગીમાં આવ્યા.

જેલમાં એમણે પોતાની દૈનંદિની લખી. જેલમાં હતા ત્યારે (૨૦૦૨માં) આ જેલડાયરીનો પહેલો ભાગ ‘અ પ્રિઝન ડાયરી: હેલ (અર્થાત્ નર્કાગાર) વોલ્યુમ: વન’ પ્રગટ થયો. ત્યારબાદ ૨૦૦૩ અને ૨૦૦૪માં જેલ ડાયરીના બીજા બે ભાગ પ્રગટ થયા. નવલકથાની જેમ આ ત્રણેય ભાગ બેસ્ટ સેલર બન્યા. પણ ઍટ વૉટ કૉસ્ટ?

જેફ્રી આર્ચર જેવા બેસ્ટસેલર રાઈટરે સાઠ વર્ષની જૈફ વયે બે પૂરાં વરસ ઈંગ્લેન્ડની વિવિધ જેલોમાં ગાળ્યા. અમે આ મહાન વ્યક્તિત્વના સાંનિધ્યમાં દોઢ કલાક ગાળ્યો. આ બંને વાતો આવી રહી છે.

1 comment for “ખૂબ પ્રતિષ્ઠા, ખૂબ પૈસો, ખૂબ મિત્રો અને દુશ્મનો પણ

  1. April 22, 2013 at 4:21 PM

    મને વર્તમાન પ્રવાહો પર લખનાર કરતા ફિક્શન લખનાર વધારે સાચા લાગે છે. ગમે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *