આય એમ અ સ્ટોરી ટેલર, આય એમ નોટ અ રાઈટર!

હમ જહાં ખડે રહતે હેં લાઈન વહીં સે શુરુ હોતી હે: ડાબેથી હું અને શિશિર રામાવત, જેફ્રી આર્ચરના ઓટોગ્રાફ્માટેની લાઈનમાં.

હમ જહાં ખડે રહતે હેં લાઈન વહીં સે શુરુ હોતી હે: ડાબેથી હું અને શિશિર રામાવત, જેફ્રી આર્ચરના ઓટોગ્રાફ્માટેની લાઈનમાં.

પહેલવહેલીવાર આ ઘટના બની. દુનિયામાં સૌથી વધુ વેચાતા અને વંચાતા અંગ્રેજી લેખકોની નવી નવલકથા અત્યાર સુધી કાં તો બ્રિટન, કાં અમેરિકામાં પહેલાં પ્રગટ થાય અને થોડા સમય પછી અથવા તો બહુ બહુ તો એ જ દિવસે ભારતમાં પણ પ્રગટ થાય. સોમવાર, ૧૨ માર્ચ ૨૦૧૩નો દિવસ ભારતના વાચકો માટે સુવર્ણ અક્ષરે લખાશે. અત્યાર સુધીમાં જેમની ૧૬ નવલકથાઓ અને જેમના સાત વાર્તાસંગ્રહો સહિતના બે ડઝન જેટલાં પુસ્તકોની કુલ ૨૫ કરોડ નકલો વેચાઈ ચૂકી છે એ જેફ્રી આર્ચરની નવલકથા આ દિવસે મુંબઈમાં પ્રગટ થઈ એટલું જ નહીં, ખુદ લેખકની હાજરીમાં પ્રગટ થઈ. બ્રિટનમાં ૧૪ માર્ચે અને અમેરિકામાં એના બે મહિના પછી આ નવલકથા પ્રગટ થશે. ભારતના વાચકોનું આ ઘણું મોટું સદ્‌ભાગ્ય છે.

જેફ્રી આર્ચર સોમવારે અંધેરીની વિશાળ બુકશૉપ ‘લૅન્ડમાર્ક’માં બરાબર સાંજે સવા સાત વાગ્યે આવ્યા ત્યારે ખુરશી પર બેઠેલા અને બાકીની ખુલ્લી જગ્યાઓમાં ગોઠવાઈ ગયેલા એમના તમામ ચાહકોએ ઊભા થઈને એમને તાળીઓથી વધાવી લીધા. આ ચાહકોમાં અનેક ગુજરાતી વાચકો પણ હતા. ગુજરાતીના બેસ્ટ સેલર નવલકથાકાર હરકિસન મહેતાના પુત્ર તુષાર મહેતા ખભે મોંઘો કૅમેરા લટકાવીને પોતાની ટીન-એજ દીકરી સાથે આવ્યા હતા. ‘મુંબઈ સમાચાર’ના એક વાચક જેમની સાથે પહેલીવાર ઓળખાણ થઈ તે દક્ષાબહેન હતાં. મારી બાજુની જ ખુરશીમાં નીરવ પટેલ નામના એક ગુજરાતી હતા જે મને નહોતા ઓળખતા. અને અફકોર્સ સૌથી પહેલી હરોળમાં ‘મુંબઈ સમાચાર’ની બુધવારની પૂર્તિમાં ‘હૉલિવુડ હન્ડ્રેડ: મરતાં પહેલાં જોવા જેવી ફિલ્મો’ વિશેની લોકપ્રિય સિરીઝ લખતા નવલકથાકાર શિશિર રામાવત પણ હતા.

પોતાના પુસ્તકનું ‘લોકાર્પણ’ કરવાની ગુજરાતી લેખકોની બહુ પ્રિય પ્રવૃત્તિ છે. સોમવારે વિશ્ર્વકક્ષાના બેસ્ટ સેલર જેફ્રી આર્ચરની નવી નવલકથાનો ‘લોકાર્પણ’ કાર્યક્રમ જોઈએ તો ખબર પડે કે પુસ્તક ઉદ્‌ઘાટનનો કાર્યક્રમ કેવો હોવો જોઈએ.

જેફ્રી આર્ચર આવ્યા. સ્ટેજ પર ખુરશી હોવા છતાં ઊભાં ઊભાં જ કૉર્ડલેસ માઈક પર બોલ્યા. એમના વક્તવ્ય પહેલાં માત્ર ત્રીસ સેક્ધડનો સમય લઈને આયોજકો વતી એક બહેને એમનું શબ્દોથી સ્વાગત કર્યું. કૉર્ડલેસ માઈક હાથમાં લઈને જેફ્રી આર્ચરે પહેલા બે વાક્યોમાં જ એમના ચાહકોનું મન જીતી લીધું. પછી ચાળીસ મિનિટ સુધી હાથમાં માઈક લઈને શ્રોતાઓની નજીક પહોંચીને ચાલતાં ચાલતાં લેખન વિશે ધારદાર વાતો કરી. વારંવાર તાળીઓ પડી. રમૂજો ફેલાતી. પછી વીસ મિનિટ સુધી પ્રશ્ર્નોત્તરી. અજબ સવાલોના ગજબ જવાબો. ફેસબુક જનરેશન જેને ફુલટુ એન્ટરટેઈન્મેન્ટ કહે છે એવું જ કંઈક. પણ ક્યાંય છિછરાપણું નહીં, કોઈ ચીપ જોક્સ નહીં, સ્પષ્ટ મંતવ્યો વ્યક્ત કરવા છતાં કોઈનીય સામે કડવાશ નહીં, પોતાના વિશે ઘણી વાતો કરી છતાં ક્યાંય આપવડાઈ નહીં, આત્મશ્લાઘા નહીં. જેફ્રી આર્ચરે વારંવાર કહ્યું છે અને એ સાંજે પણ કહ્યું: ‘હું તો ખાલી વાર્તા કહું છું, હું કંઈ લેખક નથી’!

લંડનમાં રહેતા અને દુનિયા આખીમાં કરોડો ચાહકો ધરાવતા લેખનના વ્યવસાયમાંથી અબજો રૂપિયા મેળવનાર જેફ્રી આર્ચર માટે આમ તો અંધેરીમાં એકઠા થયેલા વાચકો અને સોમાલિયા જેવા દેશમાં મળી આવતા વાચકો સરખા જ હોવાના. છતાં વાચકો માટેનું ભરપૂર માન એમના શબ્દોમાં ટપકતું, પણ ક્યાંય શ્રોતાઓની મસ્કાબાજી નહીં. વાચકો જ્યારે શ્રોતા બનીને આવ્યા હોય ત્યારે એમની સાથે ઈન્સ્ટન્ટ રૅપો કેવી રીતે બાંધી શકાય તે કોઈ જેફ્રીકાકા પાસે શીખે.

આ વર્ષની ૧૫ એપ્રિલે ૭૩ પૂરાં કરશે. નવ વરસ પહેલાં લંડન મૅરેથોનના ૪૨ કિલોમીટર એમણે પાંચ કલાક ૨૬ મિનિટમાં દોડીને પૂરા કર્યા. આ ઉંમરે પણ તબિયત એકદમ ફિટ, અતિ શ્રીમંત હોવા છતાં હજુ પણ દરેક નવલકથા લખવા પાછળ રીતસરની મજૂરી કરવાની. ટાઈપિંગ કરતાં આવડતું નથી, શીખ્યા નથી. બધું જ પોતાના હાથે, પેન્સિલથી લખવાનું. સેક્રેટરી ટાઈપ કરી આપે. પછી મઠારવાનું.

જેફ્રી આર્ચરનું પોતાનું જીવન એક પૉપ્યુલર નવલકથાના પ્લૉટ કરતાંય વધુ વળાંકોવાળું છે. સોમવારે એક કલાક દરમ્યાન એમને સાંભળવા અને મળવા માટે જે પાંચસોએક ચાહકો આવ્યા હતા એમાં માંડ દસ ટકા જેટલા ધોળા વાળવાળા હતા. વીસેક ટકા ટીનેજર હતા. બાકીના સિત્તેર ટકાની એવરેજ ઉંમર ૩૦-૪૦ની હશે. આ તમામ એજ ગ્રુપને પ્રેરણા આપે એવી એનક વાતો જેફ્રી આર્ચરે કરી. આ વાતો અને જેફ્રી આર્ચરના જીવનના ઉતારચઢાવ તથા એમની નવલકથાઓના સર્જન વિશેની વાતો કાલે, પરમદિવસે કરીશું.

સોમવારે સાઠ મિનિટનો કાર્યક્રમ સમયસર શરૂ થઈને સમયસર પૂરો થઈ ગયો. અમારો જીવ ઉચ્ચક હતો. આટલા બધા ચાહકો છે, દરેકના હાથમાં જેફ્રી આર્ચરની નવી નવલકથા ‘બેસ્ટ કેપ્ટ સિક્રેટ’ની તાજી નકલ છે, અનેકની પાસે એક કરતાં વધારે નકલ છે. કેટલાકે આ ઉપરાતંના એમનાં પુસ્તકો ખરીદ્યાં છે. કેટલાક પોતાના ઘરેથી જેફ્રી આર્ચરે લખેલું પોતાનું મનગમતું પુસ્તક લઈને આવ્યા છે. આ બધાને પુસ્તકમાં જેફ્રી આર્ચરનો ઑટોગ્રાફ જોઈએ છે. આપણો વારો આવે એવી કોઈ શક્યતા નથી. બ્રિટિશ શિસ્તમાં માનનારા આ વર્લ્ડ ફેમસ ઑથર બહુ બહુ તો પંદરવીસ મિનિટની ઑટોગ્રાફ સેશન કરીને હૉટલ તાજભેગા થઈ જશે.

પણ સૌના આશ્ર્ચર્ય અને અફકોર્સ આનંદ વચ્ચે જેફ્રી આર્ચરે જાહેર કર્યું: અહીં આવેલા દરેકે દરેકની બધી જ કૉપી પર હું હસ્તાક્ષર કરીશ. છેક છેલ્લો ચાહક ઑટોગ્રાફ લઈ જાય પછી જ હું અહીંથી જઈશ. ભલે રાતના બે વાગી જાય!

વાચકોને ભરપૂર પ્રેમ કેવી રીતે કરવો એ એ પણ કોઈ જેફ્રી આર્ચર પાસેથી જ શીખે!

3 comments for “આય એમ અ સ્ટોરી ટેલર, આય એમ નોટ અ રાઈટર!

 1. March 15, 2013 at 9:28 AM

  જેફ્રીકાકાની અદભુત અને રહસ્યમય વાતો માટેની આવતી કડીનો ઇન્તેઝાર રહેશે 🙂

 2. M.D.Gandhi, U.S.A.
  March 15, 2013 at 9:59 AM

  બહુ સુંદર રીતે ટુંકો પણ સચોટ, વ્યવસ્થિત અહેવાલ આપ્યો છે.
  અભિનંદન.

 3. Prashant Goda
  March 21, 2013 at 6:26 PM

  pela ben tamne olkhi na shkya tenu karan tamari “safed dadhi” 🙂
  baki tamane…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *