ભવિષ્યના ફિલ્મમેકરો આતંકવાદીને આતંકવાદી તરીકે ચીતરતાં ડરશે

‘વિશ્વરૂપમ્’ તમિળનાડુમાં રિલીઝ થઈ ગઈ અને ટિકિટો એડવાન્સ બુકિંગમાં જ વેચાઈ ગઈ તે સારું થયું. પણ જોવાનું એ છે કે કઈ શરતે એને રિલીઝ થવા દીધી. કેટલાં દૃષ્યો કાપવાં પડ્યાં.

આ દેશમાં બહુમતી હિન્દુઓ હોવા છતાં રાજ સેક્યુલરવાદીઓનું ચાલે છે. અફઝલ ગુરુને ફાંસી આપવાથી કંઈ કેટલાય સેક્યુલરવાદી સમીક્ષકોનું દિલ દુભાયું છે. આ સમીક્ષકોએ ‘વિશ્વરૂપમ્’ વખતે ચુપકીદી સેવી હતી. સામ્યવાદી સમીક્ષકોની દલીલ છે કે અફઝલ ગુરુ ક્યાં સંસદ પરના હુમલા વખતે ઘટનાસ્થળે હાજર હતો? એણે તો બિચારાએ હુમલાખોરોને આયોજનમાં સાથ આપીને થોડી ઘણી સગવડો કરી આપી હતી, બસ! આટલા અમથા ગુનાસર એને ફાંસી નહોતી આપવી જોઈતી. એઝ ઈફ, ઓસામા-બિન-લાદેન નાઈન-ઈલેવનના હુમલા વખતે પ્રત્યક્ષ ન્યૂ યોર્કમાં હાજર હતો!

‘વિશ્વરૂપમ્’ માટે સત્તાવાર રીતે કમલ હાસનનું નિવેદન એવું છે કે અમને એક પણ દૃશ્ય કાપ્યા વિના તમિળમાં રિલીઝ કરવાની છૂટ મળી છે. સાચું જ હશે. આમ છતાં ‘વિશ્વરૂપમ્’ના તમિળ વર્ઝનમાં આટલું- આટલું નથી જે હિન્દીમાં આપણે જોઈ/સાંભળી ચૂક્યા છીએ:

૧. ફિલ્મમાં ત્રણ-ચાર વખત કુર્રાનની આયાતો સંભળાય છે. તમિળમાં આ તમામ આયાતોની ઑડિયો મ્યૂટ કરી નાખવામાં આવી છે, સિવાય કે એક જે કમલ હાસન મરતાં પહેલાં વિલનોની પરવાનગી લઈને બોલે છે તે આયાત તમિળમાં યથાવત્ છે.

૨. મેઈન વિલન ઓમર (રાહુલ બોસ) કહે છે કે એણે ઈન્ડિયામાં ઘણાં શહેરોમાં કામ કર્યું છે. એમાં મુંબઈ, અમદાવાદ જેવાં નામો પણ આવે છે. ઉપરાંત કોઈમ્બતુર અને મદુરાઈનાં નામ પણ છે. હિન્દી વર્ઝનમાં આ તમામ છ-સાત શહેરનાં નામ છે. તમિળમાં મદુરાઈ અને કોઈમ્બતુર નામ ઉડાવી દેવામાં આવ્યાં છે. શું કામ? આને કારણે એવી છાપ પડે છે કે એ બે શહેરમાં આતંકવાદીઓને સ્થાનિક પ્રજા દ્વારા આશ્રય આપવામાં આવે છે એવી છાપ ઊભી થાય છે. વેલ તો બાકીનાં શહેરોનાં નામ યથાવત્ છે એનો અર્થ શું થયો?

૩. ફિલ્મમાં કમલ હાસનનો પિતા કશ્મીરી મુજાહિદીન છે અને માતા તમિળ છે એવું બતાવવામાં આવ્યું. આ ઉલ્લેખ હિન્દી વર્ઝનમાં બિનજરૂરી હતો પણ તમિળમાં જરૂરી હતો, પણ કાઢી નાખવામાં આવ્યો.

૪. અલ્લાહ-ઓ-અકબર જેટલી વાર બોલાય તે બધાં જ દૃશ્યોમાં આ શબ્દો મ્યૂટ કરી નાખવામાં આવ્યા છે. વિલનો આતંકવાદી કૃત્યો કરતાં પહેલાં ‘અલ્લાહ-ઓ-અકબર’ બોલતાં હિંદી વર્ઝનમાં સંભળાય છે.

૫. ફિલ્મમાં બાનમાં પકડેલા એક અમેરિકનનું માથું ઉડાવી દેવામાં આવે છે. હકીકતમાં આવું બન્યું હતું. આ દૃશ્ય વખતે પાછળના બૅનરમાં લખ્યું છે: ‘અલ્લા સિવાય બીજો કોઈ ભગવાન નથી અને મોહમ્મદ અલ્લા પયગંબર છે.’ ઘાતકી હત્યા વખતે આવું બૅકગ્રાઉન્ડમાં વંચાય તે ખોટું એમ કહીને એ બૅનરને ડિજિટલી ડિસ્ટોર્ટ કરીને એક પણ અક્ષર ન ઉકલે એવું તમિળ વર્ઝનમાં બનાવી દેવાયું છે.

૬. અફઘાનિસ્તાનના તાલિબાનવાળાઓ ગામ વચ્ચે એક ‘ગદ્દાર’ને ક્રેન પર લટકાવીને ફાંસી આપે છે. તે વખતે જમા થયેલી ભીડ આનંદની ચિચિયારીઓ પાડે છે અને સેલિબ્રેશન કરતા હોય એમ બંદૂકોને આકાશભણી તાકીને ગોળીબારો કરે છે. આ બધા અવાજો કાઢી નાખવામાં આવ્યા.

આ ઉપરાંત હિન્દી ફિલ્મમાં શરૂઆતમાં જે સૂચના હતી તેના કરતાં સાવ જુદી જ સૂચના તમિળમાં મૂકવામાં આવી કે આ કાલ્પનિક વાર્તા છે અને કોઈ પણ ધર્મની પ્રજાની લાગણીને દુભવવાનો ઈરાદો નથી વગેરે.

ભલે. ‘વિશ્વરૂપમ્’ને ઘડીભર બાજુએ મૂકીએ. આતંકવાદીઓ પોતે મરવા માટે, ફિદાઈન થવા માટે શું કામ તૈયાર થઈ જતા હોય છે? એમને એ રીતની તાલીમ આપવામાં આવે છે. કેવી તાલીમ? કે આ ધર્મયુદ્ધ છે, જેહાદ છે. ઈસ્લામ ખિલાફનો આ જંગ છે. જંગમાં શહીદ થવું એ તમારી ફરજ છે. (ઉપર જઈને ૭૨ હૂર તમારી રાહ જોઈ રહી છે એવું શું ખરેખર કહેવામાં આવતું હશે? અને આ જન્મમાં મરીને ૭૨ હુસ્નપરીઓને પામવા કોઈ આતંકવાદી કૃત્ય શું કામ કરે એ જ સમજાતું નથી). પણ ભાવિ આતંકવાદીનું બ્રેઈન વૉશ કરવા માટે ધર્મનો આશ્રય લેવામાં આવે છે. પૈસા, ધાકધમકી કે ૭૨ સુંદરીઓની લાલચથી કોઈ કદાચ બીજાઓને મારવા તૈયાર થઈ જાય, મરવા નહીં. એ માટે ધર્મનો જ આશરો લેવાતો હોય છે.

‘વિશ્વરૂપમ્’ની મસમોટી ક્રાઈસિસમાંથી કમલ હાસન છેવટે હેમખેમ બહાર નીકળી ગયા પણ જમ ઘર ભાળી ગયો છે. ભવિષ્યના ફિલ્મમેકરો આતંકવાદીઓને આતંકવાદી તરીકે ચીતરતાં ડરશે. ફિલ્મો કરોડોનો કારોબાર છે. એના પર પ્રતિબંધ આવી જવાથી માણસ ડૂબી જાય. ફિલ્મો જ શું કામ? ટીવી સિરિયલ, નાટક, નવલકથા, વાર્તા-આ દરેકના સર્જકે હવે લખતાં પહેલાં બે વાર વિચાર કરવો પડશે કે આતંકવાદીઓને અમારે ખરાબ ચીતરવા છે કે નહીં.

સેન્સરશિપ કે તોફાની સંગઠનોના વિરોધ કરતાં પણ જોખમી હોય છે – માનસિક સેન્સરશિપ. અને તમિળનાડુમાં ‘વિશ્વરૂપમ્’ રિલીઝ થઈ હોવા છતાં મુસ્લિમ સંગઠનોનો આ હેતુ પાર પડ્યો છે.

ભવિષ્યમાં હિન્દી ફિલ્મના આતંકવાદીઓ કાબૂલીવાલાના બલરાજ સહાની જેવા ભલા, ભોળા, ઉદાર અને સાફદિલ ઈન્સાન હશે!

3 comments for “ભવિષ્યના ફિલ્મમેકરો આતંકવાદીને આતંકવાદી તરીકે ચીતરતાં ડરશે

 1. Parth Joshi
  February 16, 2013 at 9:29 AM

  saras sir.

 2. rachna
  March 7, 2013 at 10:44 PM

  kehvay chhe south area ae brahmano no desh chhe pan aaje ae j brahmano kuran vanchta thai gaya chhe.!!! kadach anej “KALYUG” ni paribhasha kehvati hashe. hu koi dharma ni khilaf nathi pan je dharma manas ne khota raste dore kato te dharma khoto chhe athava tena pratinidhio.

 3. Satish Dholakia
  March 8, 2013 at 5:44 PM

  સરસ વિશ્લેષણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *