કાચા કેદી, પાકા કેદી અને જેફ્રી આર્ચર

સાબરમતી જેલમાં સુરંગ ખોદવા માટેનાં સાધનો માત્ર થાળી-વાટકા જ હોય એવું શક્ય છે. જોકે, કાકાસાહેબ કાલેલકર એ જમાનામાં આ જેલમાં ‘ખાનગી વ્યવસ્થા’થી દાતરડું મેળવી શકતા હોય તો અત્યારે એવી જ વ્યવસ્થાથી આ ૧૪ કેદીઓએ કોદાળી-પાવડા સહિત બીજું કંઈ પણ મેળવ્યું હોઈ શકે. સારું છે કે જેસીબીથી સુરંગ ખોદાતી હતી એવું નથી આવ્યું.

૨૦૦૮માં હું જે બૅરેકમાં હતો તે જ બૅરેકમાં થોડાક મહિના અગાઉ ચોપરથી ખૂન થઈ ગયું હતું. આ ખૂનના સાક્ષીઓ પાસેથી મેં આંખે દેખ્યો અહેવાલ સાંભળ્યો હતો. ચોપર જેવા જાનલેવા હથિયારને જેલમાં લાવી શકાતું હોય તો સુરંગ ખોદવા માટેનાં નાનાં-મોટાં સાધનો થોડા પ્રયત્ન પછી પેલા ૧૪ જણને જરૂર મળી શકે.

મારા ૬૩ દિવસના જેલવાસ દરમ્યાન અમારે પણ એક ‘હથિયાર’ની હંમેશાં જરૂર પડતી. નાની છરી કે ચાકુ જોઈતું. ઈરાદો નેક હતો, અફકોર્સ. શરબત માટે લીંબુ કાપવા. પણ ચાકુ તો શું બ્લેડ પણ જેલમાં ન મળે. કરવું શું? મચ્છર અગરબત્તી પેટાવવાની છૂટ હતી. એના સ્ટેન્ડને પથ્થર પર ઘસી ઘસીને ધાર કાઢવામાં આવતી. પછી સહેલાઈથી લીંબુ કપાતું.

જેલની કેન્ટીન તરફથી અઠવાડિયે – પંદર દિવસે એક રેંકડીમાં સામાન ભરીને વેચાવા આવે. સાબુ, ટૂથપેસ્ટ, બિસ્કિટ, માથામાં નાખવાનું તેલ વગેરે. અન્ડરટ્રાયલ કેદીઓને દર મહિને ઘરેથી ૮૦૦ રૂપિયાનો મનીઓર્ડર મેળવવાની છૂટ.

જે કન્વિક્ટ હોય એમને આવી છૂટ ન મળે. કન્વિક્ટ એટલે જેમને સજા પડી ચૂકી હોય તે. એમણે જેલમાં મજૂરી કરીને કમાવાનું, જેલનો યુનિફોર્મ પહેરવાનો, જેલના રસોડાનું જ જમવાનું.

અન્ડરટ્રાયલ એટલે કાયદાની દૃષ્ટિએ જેઓ નિર્દોષ છે, જેમના પર કોર્ટમાં કામ ચાલી રહ્યું છે તેવા કેદીઓ. જેલની પાર્લન્સમાં કાચા કેદીઓ. પેલા પાકા કેદીઓ. કાચાવાળાને ઘરેથી ટિફિન મગાવવાની છૂટ, પોતાનાં કપડાં પહેરવાની છૂટ અને મનીઓર્ડર મગાવવાની છૂટ. કાચા કદીને કાયદા પ્રમાણે એ તમામ હક્ક હોય છે જે કોઈપણ નાગરિકને હોય. જોકે, જેલમાં ઘણી વખત આવા કાયદાઓ જેલના સત્તાવાળાઓ જ નથી પાળતા. પછી અરજી કરો તો પાળે.

કેન્ટીનની લારી આવે એટલે સાબુ, ટૂથપેસ્ટ વગેરેની અમે ખાંડ ખરીદી લઈએ. આઠસો રૂપિયા રોકડા તમારા હાથમાં ન આવે. જેલની કૂપનો તમને મળે. ખાંડ રાખી મૂકીએ. પછી અઠવાડિયે દસ દિવસે લીંબુ આવે એટલે લીંબુ ખરીદીને બૅરેકમાં બધા લીંબુ શરબતની ઉજાણી કરે. મીડિયા આને ફાઈવ સ્ટાર સગવડો કહે!

જેલના દિવસો વિશે મેં ‘મારા જેલના અનુભવો’ નામે પુસ્તક લખવાનું શરૂ કર્યું છે. એના પ્રથમ બે પ્રકરણ ‘સંદેશ’ની રવિવારની પૂર્તિમાં પ્રગટ થઈ ચૂક્યા છે. મારા બ્લોગ પર સાતેક પ્રકરણો મૂક્યાં છે (અહીં) . જેલના જીવનનો અને કેદીઓની માનસિકતાનો પરિચય આપવાની મારી કોશિશ છે. મારા પ્રિય અંગ્રેજી નવલકથાકાર જેફ્રી આર્ચરે કુલ બે વર્ષ બ્રિટનની વિવિધ જેલોમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવી છે. ૨૦૦૪ની આસપાસના ગાળામાં એમની કુલ ત્રણ જેલ ડાયરીઓ વારાફરતી પ્રગટ થઈ અને બેસ્ટસેલર બની.

‘શૉશેન્ક રીડેમ્પશન’ ફિલ્મની થોડીક વાત કરું. તમે એ જોવાના જ છો એમ માનીને તમારી મઝા બગડે એટલી બધી વિગતો વાર્તાની નહીં આપું. ફ્રૅન્ક ડૅરેબોન ડિરેક્ટર છે, સ્ટીફન ક્ધિગની વાર્તા છે, વાર્તા પરથી સ્ક્રીન પ્લે દિગ્દર્શકે જ લખ્યો છે.

મોર્ગન ફ્રીમેન અને ટીમ રોબિન્સ નામના જાણીતા અને ખૂબ ઘડાયેલા એક્ટરો લીડમાં છે. ટીમ રોબિન્સ પત્ની અને પત્નીના પ્રેમીની હત્યાના ગુનાસર જેલમાં આવ્યો છે. ત્યાં એને મોર્ગન ફ્રીમેન મળે છે. જેલની વાસ્તવિકતાઓનાં અનેક દૃશ્યો આ ફિલ્મમાં છે. ફિલ્મનું શૂટિંગ સાચેસાચી જેલમાં જ થયું છે, જે ઉપયોગમાં લેવાની નહોતી.

આ ફિલ્મ ૧૯૯૪માં રિલીઝ થઈ ત્યારે બોક્સ ઑફિસ પર ફલોપ ગણાઈ હતી. પણ પછી એની વીડિયો કૅસેટ ધૂમ વેચાઈ, પછી વીસીડી અને ડીવીડી પણ. આજની તારીખે હોલિવુડની બેસ્ટ ફિલ્મોમાં એનું નામ લેવાય છે.

સાબરમતી જેલમાં સુરંગ ન ખોદાઈ હોત તો આ ફિલ્મ યાદ ન આવી હોત. જેલમાં નવા આવનારા કેદીઓ, જૂના જામી પડેલા કેદીઓ, જેલનો સ્ટાફ, જેલના ઓફિસરો આ બધું જ એ હદે વાસ્તવિક રીતે બતાવ્યું છે કે હવે આ ફિલ્મ એક કલ્ટ ફિલ્મ બની ગઈ છે. એના મેકિંગની ડીવીડી પણ જોવા જેવી છે. ફિલ્મ ધીમે ધીમે એટલી લોકપ્રિય બની કે જેમ ‘શોલે’ની આજની તારીખેય પેરડી થતી રહે એમ આ ફિલ્મનીય ઘણી પેરડી થાય. એક્સ્ટ્રાઝની ડીવીડીમાં આ બધી પેરડીઝ પણ નાખી છે.

મારી પાસે સ્ટીફન કિંગની મૂળ લાંબી વાર્તા ‘રીટા હેવર્થ એન્ડ શૉશૅન્ક રીડેમ્પશન’ તેમ જ ફ્રૅન્ક ડૅરેબોને લખેલી ઓરિજિનલ સ્ક્રિપ્ટ છે (જેમાંથી કેટલાંક દૃશ્યોનું શૂટિંગ નથી થયું અને કેટલાક એડિટિંગ ટેબલ પર નીકળી ગયા.)

જેલની દુનિયા પર ગુજરાતીમાં બહુ ઓછું લખાયું. કલ્પના કરીને કે થોડીક રિસર્ચ કરીને થોડું ઘણું લખાયું હશે પણ સ્વાનુભવ પરથી લખાયેલાં પુસ્તકોમાં સૌથી પહેલું ‘યરવડાના અનુભવ’ યાદ આવે, ગાંધીજીનું. એ પછી કાકાસાહેબ કાલેલકરનું ‘ઓતરાદી દીવાલો.’ સરદાર વલ્લભભાઈ પટેલની નાનકડી જેલ ડાયરી પ્રગટ થઈ છે. ઝવેરચંદ મેઘાણીએ પોતાના જાત અનુભવને ‘જેલની બારીએથી’માં કલ્પનાના રંગ ઉમેરીને રજૂ કર્યા છે. ગુજરાતીમાં કુલ મળીને બસ, આટલું જ ઓથેન્ટિક જેલસાહિત્ય છે.

હું માનું છું કે આનું કારણ એ હશે કે એ અનુભવો લખતી વખતે માનસિક રીતે લેખક ફરી એકવાર જેલમાં પહોંચી જાય છે અને લખવાનું પૂરું થઈ ગયા પછી પણ એમાંથી બહાર આવવાનું મુશ્કેલ બની જાય છે. કદાચ એટલે લોકો પોતાના જેલના અનુભવો લખવાનું ટાળતા હશે. કદાચ ડિટેચ થવા માટે થોડોક સમય પસાર થઈ જવા દેવો પડે. કેટલો? ખબર નથી. મેં નવ દિવસની પોલીસ કસ્ટડી દરમિયાન અને ૬૩ દિવસના જેલવાસ દરમ્યાન ચિક્કાર નોંધ કરી છે. લગભગ રોજની નોંધ… લખી છે, ઝીણી વિગતો સાથે. આ બધી જ નોંધ હું જ્યારે તક મળે ત્યારે ‘ખાનગી વ્યવસ્થા’ દ્વારા બહાર મોકલી દેતો. જેલની કૂપનો સહિતની આ નોંધ તથા અન્ય રેફરન્સ મટીરિયલથી આખું ખાનું ભરાઈ ગયું છે. ક્યારેક ખૂલશે.

3 comments for “કાચા કેદી, પાકા કેદી અને જેફ્રી આર્ચર

 1. February 15, 2013 at 10:09 AM

  અરે વાહ! શૉશેન્ક રીડેમ્પશન તો અમારી ફેવરિટ ફિલમ છે. વારંવાર જોવામાં આવે છે. તમારા પુસ્તક(કો)ની શોધ ચાલુ છે..

 2. Parth Joshi
  February 16, 2013 at 5:19 AM

  As usual chikkar tame chikkar research mate nondho leta j hasho.
  Ane aeno labh amane malava no ae pan chokkas j samajo ne…

 3. Yuvraj Jadeja
  March 14, 2013 at 11:55 PM

  તમે પોસ્ટ કરેલ તમારી જેલ યાત્રા ને મેં વાંચી છે,,, અને એના પર થી એવું લાગ્યું પણ ખરું કે જેલ નો જલસો ભગવાન જીવન માં ક્યારેય ના કરાવે, ભલે એ વાત નો વસવસો આખું જીવન સતાવે . પણ તમારા એ કૃત્ય માટે કે જે માટે તમારે આટલું હેરાન થવું પડ્યું એની વાસ્તવિકતા જાણવા ની હમેશ તાલાવેલી રહેશે . પણ જેમ તમે કહો છો એમ એ અત્યારે જુડીસીયલ મામલો હોવા ના કારણે વધુ હું પણ આપને હેરાન નહિ કરું।।

  પણ એક અંતર મન ની ઈચ્છા છે કે વણજારા સાહેબ ક્યારેક એમના જેલ ના અનુભવો પર એક પુસ્તક લખે (અને જો લખ્યું હોય તો મારા ધ્યાન માં નથી આવ્યું ) પણ એમના એ જેલ યાત્રા ના વિચારો અને એમની મનોસ્થિતિ જાણવા ની એક ઈચ્છા છે।। જો બની શકે તો ક્યારેક એમને (જો કે ફરી તમારું મળવા નું હવે કદાચ નહિ થાય અને થવું પણ ના જોઈએ ) મળો તો ચોક્કસ એ વાત માટે પ્રેરિત કરજો એવી પ્રાર્થના ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *