સાબરમતી જેલ, સુરંગ અને કાકાસાહેબ કાલેલકર

અમદાવાદના પાદરે આવેલી સાબરમતી સેન્ટ્રલ જેલના મુખ્ય દરવાજામાંથી પ્રવેશીને તમે અંદર દાખલ થાઓ એટલે દસ ડગલાં ચાલીને એક દીવાલ પર તમને મોટા અક્ષરે ચીતરાયેલું આ વાક્ય દેખાય. (અહીં તમને એટલે તમને નહીં, વાચકમિત્રો. આ તો લખવાની એક અંગ્રેજીશૈલીનો પ્રકાર થયો. બાકી, તમને તો શું કોઈનેય આ જિંદગીમાં જેલ જોવાનો વખત ન આવે એવી લાખ-લાખ દુઆઓ, પ્રાર્થનાઓ અને બધું જ).

તો પેલું ગુજરાતી વાક્ય દેખાય: ‘સાબરમતી મધ્યવર્તી કારાગૃહમાં આપનુ સ્વાગત છે.’ આ વાક્ય વાંચીને ખુશ થવું? કે ભૈ, કોઈ આપણું સ્વાગત કરે છે! કે પછી રડવાનું? ગુજરાતી લેખક હોય તો એનું તરત ધ્યાન જાય કે જેલ સત્તાવાળાઓએ આ વાક્યમાં જોડણીનું ધ્યાન નથી રાખ્યું. ‘આપનું’માં ‘નું’ની ઉપર અનુસ્વાર મૂકવાનું ભૂલી ગયા છે. આ છેલ્લાં પાંચ વરસમાં કોઈ પ્રૂફ- રીડરે આ ભૂલ સુધારી લીધી હોય તો સારું.

અહીંથી બે રસ્તા ફંટાય. ડાબી તરફ છોટા ચક્કર આવે, જમણી તરફ જાઓ તો બડા ચક્કર. આ ચક્કરનું ચક્કર એટલું જ કે અહીં ગોળાકાર બનાવીને સૂર્યનાં કિરણોની જેમ બૅરેક્સ બાંધવામાં આવી છે. અશોકચક્રના આરાઓ સમજી લો. આંદામાનની સેલ્યુલર જેલ એ જ રીતે બંધાઈ છે. ઓછા સંત્રીઓથી વધુ કેદીઓ પર નજર રાખી શકાય એ આ રચનાનો મૂળ હેતુ.

છોટા ચક્કરમાં એક જમાનામાં કાકાસાહેબ કાલેલકર રહેતા. રહેતા એટલે? એમને રાખવામાં આવ્યા હતા એટલે રહેતા. ‘ઓતરાદી દીવાલો’માં કાકાસાહેબ કાલેલકર લખે છે:

‘કેદીઓ જેને જેલનું પોર્ટ બ્લેર કે કાળાં પાણી કહે છે તે છોડટા ચક્કર નં. ૪માં મારી બદલી થઈ… છોટા ચક્કર નં. ૪માં મારી સજા શરૂ થઈ અને મારી પાસેથી મારી ચોપડીઓ, લખવાનાં કાગળો, ખડિયોકલમ, પેન્સિલ બધું છીનવી લેવામાં આવ્યું. ફક્ત એક ધાર્મિક ગ્રંથ મારી પાસે રહેવા દીધો હતો. આ ચોપડીમાં નિશાની કરવા સારુ મેં મારી પેન્સિલ માગી. પણ તે શેની મળે? અનેક રીતે મને પજવવાની, મારું અપમાન કરવાની યુક્તિઓ યોજાઈ હતી. પણ જેમના હાથમાં મારું માન મેં સોંપ્યું ન હતું તેમને હાથે મારું અપમાન પણ શું?’

‘ઓતરાદી દીવાલો’માં આગળ એક જગ્યાએ કાકાસાહેબ લખે છે: ‘છોટા ચક્કર નં. ૪માં કોટડીઓની ભોંય માટીના લીંપણવાળી કાચી હતી… એક દિવસ મેં પાવડાકોદાળી માટે અરજી કરી. મારી ઈચ્છા હતી કે મારી ઓરડીની જમીન ખોદી ટીપીને તૈયાર કરું અને દીવાલો પણ ફિનાઈલ વડે ધોઈ કાઢું. પણ પાવડાકોદાળી તો મહાન શસ્ત્રાસ્ત્રો! તે મારા જેવા ‘બદમાશ’ના હાથમાં કેમ અપાય? એટલે અમારા પર દેખરેખ રાખનાર એક ‘અશરાફ’ બલૂચી મુકાદમને તે સોંપવામાં આવ્યાં. આ અમારો મુકાદમ ભરૂચ જિલ્લામાં ધાડ પાડવાના ગુના સારુ આઠ-નવ વરસ મેળવીને આવ્યો હતો. તેણે બેચાર કેદીઓને બોલાવી મારી જમીન ટીપી આપી…’

કાકાસાહેબ તો બિચારા શુદ્ધ ગાંધીવાદી હતા, અહિંસાવાદી હતા, જેલમાં મંકોડો પગ નીચે ચગદાઈ જાય તોય એક આખો પેરેગ્રાફ એના અફસોસમાં લખી નાખતા. પણ કેવા કેવા ‘હથિયારો’ માટે અરજી કરતા. પાવડો, કોદાળી અને એક વખત તો હદ થઈ ગઈ. દાતરડું! અને તેય જેલના સત્તાધીશોની આંખમાં ધૂળ નાખીને!

‘ઓતરાદી દીવાલો’માં તેઓ લખે છે: ‘…ઓરડી સામે એક અરીઠાનું ઝાડ હતું… સાવ સુકાઈ ગયેલું… મેં આ મૃત જેવા ઝાડની સેવા શરૂ કરી. ખાનગી વ્યવસ્થાથી એક દાતરડું માગી આણ્યું અને ઝાડની આસપાસ ક્યારો બાંધ્યો…’

છોટા ચક્કરથી સહેજ આગળ ચાલો એટલે જેલનું રસોડું વટાવ્યા પછી એક મોટું ત્રિકોણિયું મેદાન આવે, જ્યાં વચ્ચે મોબાઈલ ફોનના ટાવર ન પકડી શકાય એ માટેનું જામર ગોઠવેલું છે. જે જમાનામાં આવા જામરોની જરૂર નહોતી તે કાળમાં આ ત્રિકોણિયા મેદાનના એક ખૂણે ગાંધીજીને એમના મશહૂર કેસ પછી રાખવામાં આવ્યા હતા (જેના વિશે હમણાં જ તમે આ કૉલમમાં વાંચી ગયા.) આજે એ ગાંધીખોલી પવિત્ર સ્મારક બની ગયેલી છે. ગાંધીખોલીની બરાબર પાછળ ‘સરદારયાર્ડ’ નામે ઓળખાતી જગ્યા છે જ્યાં સરદાર પટેલને રાખવામાં આવ્યા હતા. ૨૦૦૭-૨૦૦૮ના ગાળામાં સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં પકડાયેલા જાંબાઝ પોલીસ અફસર ડી. જી. વણઝારા અને એમની ટીમને અહીં કેદમાં રાખવામાં આવ્યા હતા. વણઝારાસાહેબને હું પહેલવહેલી વાર સરદારયાર્ડની એમની ખોલીમાં મળ્યો.

સરદારયાર્ડથી થોડેક દૂર નવી બૅરેક નં. ૬માં મને રાખવામાં આવ્યો હતો. પૂરા ૬૩ દિવસ પછી જામીન પર છૂટ્યો. આ દિવસોમાં લગભગ આખેઆખી સાબરમતી જેલ જોઈ. ગોધરાકાંડના મુખ્ય આરોપીઓ હાજી બિલાલ, મોહમ્મદ કલોટા, મૌલાના ઉમરજી વગેરે કેટલાય કેદીઓ સાથે ‘દોસ્તી’ થઈ. મૌલાના ઉમરજી નિર્દોષ છૂટ્યા, થોડાં અઠવાડિયાં અગાઉ એમનો ઈન્તેકાલ થયો. ભગવાન એમના આત્માને શાંતિ આપે. મોહમ્મદ કલોટા પણ છૂટ્યા અને ગોધરા, એમના વતન પાછા આવી ગયા. હાજી બિલાલને ફાંસીની સજા સંભળાવાઈ. અત્યારે એમનો કેસ અપીલમાં છે.

સાબરમતી જેલના છોટા ચક્કરમાં ૪૨ ફીટની સુરંગ ખોદાઈ અને વો ભૂલી દાસ્તાં ફિર યાદ આ ગઈ. હૉલિવુડની ટૉપ ટેન ફિલ્મોમાં સર્વોચ્ચ સ્થાને ‘સિટિઝન કેન’, ‘ગૉડફાધર’ જેવી બેત્રણ ફિલ્મોનાં નામ લેવાય. આવી જ, મોખરાના સ્થાને આવતી એક ફિલ્મ છે ‘શૉશેન્ક રીડેમ્પશન.’ બોલવામાં લોચા વળે એવું શીર્ષક ધરાવતી આ ફિલ્મ અધ્ધર શ્ર્વાસે અને એક જ બેઠકે જોવાતી હોય છે. અમેરિકાના ટોચના લેખક સ્ટીફન કિંગની વાર્તા પરથી આ ફિલ્મ બની છે. સાબરમતીથી શૉશેન્ક સુધીની થોડીક વાતો કાલે શૅર કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *