આજ ફિર આપ કી કમી સી હૈ

jafjit singh's network photos by kiran palaniદેશવિદેશમાં જાહેર કાર્યક્રમો કરતી વખતે અનેક વિઘ્નો આવતાં હોય છે. આરંભ ઑર્ગેનાઈઝરના સ્તરથી થાય છે. બજારમાં કાંદા-બટાકા લેવા નીકળ્યા હોય એ જ આદતથી રીતસર કળાકાર સાથે ભાવતાલ કરે: સરજી, ઈતના પૈસા દેંગે તો હમ મર જાયેંગે, હમ કયા કમાયેંગે, હમારે બીબી-બચ્ચોં કા તો ખ્યાલ કરો… જગજિત સિંહ જોકે, આવા બધાથી હવે ટેવાઈ ગયા છે. ચૅરિટીના નામે કોઈ મફત શોની માગણી કરે અને દાળમાં કાળું જણાય તો સ્પષ્ટ કહી દે: ‘મારી ફીઝ તમારે પૂરેપૂરી ચૂકવવાની રહેશે. તમારે ત્યાં આવ્યા પછી તમારી પ્રવૃત્તિઓથી હું પ્રભાવિત થઈશ તો એમાંના થોડાક હિસ્સાની રકમ અથવા તો બધેબધી રકમ તમારી સંસ્થાને આપી દેવાની જાહેરાત માઈક પરથી કરી દઈશ, અને આવું અનેક વખત જગજિત સિંહે કર્યું છે. આયોજકો ફીની થપ્પીઓ લઈને હૉટેલના રૂમમાં પહોંચે ત્યારે જગજિત અમુક થપ્પી બાજુએ કાઢીને એમને પાછી આપી દે: આ તમારી સંસ્થા માટે, મારા તરફથી.

ભારતમાં અનેક શહેરોમાં કૉર્ન્સ્ટ્સ, બેઠકો કરવાની. વિદેશયાત્રાએ જવાનું. ઈંગ્લેન્ડ, અમેરિકા, સાઉથ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા. નવા દેશો, નવી જગ્યા, નવા લોકો. કાર્યક્રમ વખતે ચિક્કાર ચાહકો વચ્ચે ઘેરાયેલા રહેવાનું. પછી હૉટેલની રૂમમાં આવીને તદ્દન એકલા પડી જવાનું. થાક હોય, આનંદ હોય, ઉદાસી પણ હોય. એકાંતની આવી ક્ષણોમાં કોઈની તસવીર આંખ સામે ઝબકીને પાછી ખોવાઈ જાય અને સલીમ કૌસર તથા મુઝફ્ફર વારસીની સરખા શબ્દો, સરખા ભાવવાળી બે ગઝલો યાદ આવી જાય:

મૈં ખયાલ હૂં કિસી ઔર કા, મુઝે સોચતા કોઈ ઔર હૈ

સરે આઈના મેરા અક્સ હૈ, પસે આઈના કોઈ ઔર હૈ

મૈં નસીબ હું કિસી ઔર કા, મુઝે માંગતા કોઈ ઔર હૈ

* * *

મેરી ઝિંદગી કિસી ઔર કી, મેરે નામ કા કોઈ ઔર હૈ

મેરા અક્સ હૈ સરે આઈના, પસે આઈના કોઈ ઔર હૈ

વો મેરી તરફ નિગરૉં રહે, મેરા ધ્યાન જાને કહાં રહે

મેરી આંખ મેં કઈ સૂરતેં, મુઝે ચાહતા કોઈ ઔર હૈ

જગજિત સિંહ કહે છે, ‘૨૦૦૧ની સાલ પછી હું ગાવાનું બંધ કરી દઈશ…’ તમે ચોંકીને પ્રતિક્રિયા આપો એ પહેલાં સ્પષ્ટતા કરે છે: ‘એટલે કે આ રીતે ગાવાનું બંધ કરી દઈશ… આ શું જ્યારે ને ત્યારે બોરિયા બિસ્તર લઈને આજે દિલ્હી, કાલે ઈન્દોર, પરમ દિવસે ફિલાડેલ્ફિયા… ૨૦૦૧ પછી હું મારા માટે ગાઈશ. મારા આનંદ માટે. ખૂબ સીમિત રેકૉડિંગ્સ કરીશ.’

જગજિત સિંહ સાઠ વર્ષની ઉંમર પછી પોતાની મરજી મુજબ ગાવા-જીવવા માગે છે. પણ અત્યારે તેઓ મરજી નથી, મૂડ નથી એવું કહી શકતા નથી, કહેવા માગતા નથી.

‘ઘણી વાર કોઈ ઑડિટોરિયમમાં માઈકની વ્યવસ્થા બરાબર નથી થઈ એની ખબર ત્યાં જઈને જ પડે. ક્ષતિગ્રસ્ત સિસ્ટમ ચલાવી લેવી પડે, તમારી ગાયકીને શ્રેષ્ઠ બનાવી લેવાની. પણ નહીં ગાઉં એવું ન કહેવાય. ઑડિયો સિસ્ટમ સારી નથી એટલે ગાવાનો મૂડ નહીં બને એવું કેવી રીતે કહેવાય? મૂડ ન બનવાનો હોય તો પૈસા સ્વીકાર્યા શું કામ? પાછા આપી દો, સાથે આયોજકોએ કરેલો ખર્ચ પણ ચૂકવી દો. જાહેર કાર્યક્રમમાં તમે તમારી મરજીના માલિક નથી હોતા.’

અને ક્યારેક અંગત જીવનમાં પણ. ખરું?

અપની મર્ઝી સે કહાં અપને સફર કે હમ હૈ

રુખ હવાઓં કા જિધર કા હૈ, ઉધર કે હમ હૈ

દરો દીવાર કહીં ઔર હૈ, હમ ઔર કહીં

સિર્ફ એક નામકી તખ્તી સે હી ઘર કે હમ હૈ

પહલે હર ચીઝ થી અપની, મગર અબ લગતા હૈ

અપને હી ઘર મેં કિસી દૂસરે ઘર કે હમ હૈ

જગજિત સિંહ માટેના પ્રશ્ર્નો પૂરા થયા નથી. પ્રશ્ર્નો કયારેય પૂરા થતા નથી. ઉત્તરો જ ખૂટી પડતા હોય છે. આ એક સફરમાં અતીતની બે યાત્રાઓ થઈ – તમારી પોતાની અને હવે પરિચિત લાગતી, તમારી પોતાની લાગતી મશહૂર વ્યક્તિની. પણ એ વ્યક્તિને દોસ્ત કહી દેવાની ઉતાવળ હજુ કરવા જેવી નથી. માઝીના, અતીતના, ભૂતકાળના ઘા હજુ ખુલ્લા છે:

ઐ નયે દોસ્ત, મૈં સમઝૂંગા તુઝે ભી અપના

પહલે માઝી કા કોઈ ઝખ્મ તો ભર જાને દે

આગ દુનિયા કી લગાઈ હુઈ બુઝ જાયેગી

કોઈ આંસૂ મેરે દામન પે બિખર જાને દે

અપની આંખોં કે સમંદર મેં ડૂબ જાને દે

જગજિત સિંહ સાથેની મુલાકાત અહીં પૂરી થાય છે પણ એમનો અવાજ મનમાં સદાને માટે ગૂંજતો રહેશે. આ યાદગાર મુલાકાત ગોઠવી આપનાર મિત્ર વિરાફ ચીનીવાલાથી માંડીને પંદરવીસ વર્ષ જૂની મુલાકાતના ઓરિજિનલ ફોટોગ્રાફસ સાચવનારા પત્રકાર મિત્ર ક્ધિનર આચાર્ય સુધીના સૌ કોઈ સ્મૃતિમાં સચવાયેલા છે.

જગજિત સિંહના આગમન પહેલાં પણ ભારતમાં ગઝલો ગવાતી હતી. જગજિતના આવ્યા પછી ગવાતી ગઝલોની લોકપ્રિયતાનું વાવાઝોડું ફરી વળ્યું. જગજિત સિંહને એમના ક્ષેત્રમાં, આ બાબતે, પાયોનિયર ગણવા જોઈએ. જગજિત સિંહને યાદ કરવા માટે ગુલઝાર સાથે એમણે બનાવેલું આલ્બમ ‘મરાસિમ’ આજે ફરીથી સાંભળવાનું છે:

શામ સે આંખ મેં નમી સી હૈ

આજ ફિર આપ કી કમી સી હૈ

વક્ત રહેતા નહીં કહીં ટિક કર

ઈસ કી આદત ભી આદમી સી હૈ

4 comments for “આજ ફિર આપ કી કમી સી હૈ

 1. Mihir Shah
  February 13, 2013 at 8:21 PM

  Saurabhbhai I have been searching for Jagjit Singh’s following Ghazal for a long time but cant find anywhere. I had an audio cassette compilation of him and Ghulam Ali but have lost it…It would be great if you have this snd possibly could share.. Yeh sheeshe ysh sapne…yeh rishte ye dhaage….. kise kya khabar hai kahaan toot jaye……… Muhabbat ke dariya me tinke wafa ke …na jaane ye kis mod par doob jaye……….. Ajab dil ki vaadi ajab dil basti… Har ek mod mausam nayee khwahishon ka… Lagaye hai humne bhi sapnon ke paudhe.. Magar kya bharosa yahan baaroshon ka………….. Jinhe dil se chaha jinhe dil se puja… Nazar aa rahe hain wohi ajnabee se…. Rawayat he shaayad ye sadiyon purani… Shikayat nahin hai koi zindagi se….

  • February 13, 2013 at 8:55 PM

   Sorry Mihir, I can not read such a long message of Hindi words in Roman script. But I am posting your comment so that anybody who reads it may come forward to help you out. However, have you search Google to find what you want,. it might prove to be a better idea.

  • Prashant Goda
   March 5, 2013 at 7:21 PM

   plz try this link full song mihirbhai
   http://www.youtube.com/watch?v=qp8uvRXmvO0

 2. M.D.Gandhi, U.S.A.
  March 14, 2013 at 9:43 AM

  બહુ સરસ લેખ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *